ફાતમાગુલ.
ફાતમાગુલ એક ટર્કિશ યુવતી છે. તે દેખાવમાં શાલીન, સુંદર અને લાગણીશીલ છોકરી છે. ટર્કીના એક નાનકડા ગામમાં દરિયાકિનારે તેના ભાઈ અને ભાભી સાથે રહે છે. તેનો ભાઈ સાવ ભોળો અને સરળ ઈન્સાન છે. ભાભી બદમાશ છે. તે તેની નણંદ ફાતમાગુલને એક બોજ સમજે છે. ભાભી તેની નણંદને સતત ધિક્કારે છે. સતત તિરસ્કાર કરે છે. એક પણ દિવસ ફાતમાગુલને મ્હેણાં મારવાનું ચૂકતી નથી. તેથી ઊલટું ફાતમાગુલનો ભાઈ તેની નાની બહેનને પોતાની દીકરીની જેમ સાચવે છે.
ફાતમાગુલ વયસ્ક થતાં તેની સગાઈ દરિયાકિનારાના એ જ નાનકડા ગામના યુવાન મુસ્તફા સાથે કરવામાં આવી. તે પછી ફાતમાગુલ ખુશ હતી. મુસ્તફા પણ ખુશ થાય છે. મુસ્તફા એક મહેનતકશ યુવાન છે. યોગ્ય મોસમમાં તે એક નાનકડી યાંત્રિક હોડી લઈને દિવસોના દિવસો સુધી માછલીઓ પકડવા દરિયામાં જતો હોય છે. મુસ્તફા અને ફાતમાગુલ અવારનવાર મળીને તેના ભાવિ જીવનની વાતો કરે છે. મુસ્તફાએ તેઓ શાદી કરી લે તે પછી રહેવા માટે એક અલગ નાનકડું મકાન બાંધવાનું પણ ચાલુ કરી દીધું હતું.
એ જ ગામમાં કેરીમ નામનો એક બીજો યુવાન પણ રહેતો હતો. તે તેના કાકા-કાકી સાથે રહેતો એક સમજદાર યુવાન છે.
એક દિવસની વાત છે. દરિયાકિનારાના એ ગામમાં એક ધનવાન પરિવારમાં તેમના પુત્ર સલીમની સગાઈની એક ભવ્ય પાર્ટીનું આયોજન થયું. ફાતમાગુલ પણ એ રાત્રે મોડે સુધી હેલ્પર તરીકે કામ કરી થોડા પૈસા કમાઈ લેવા માગતી હતી જેથી તેનાં મુસ્તફા સાથે લગ્ન થાય ત્યારે તે રકમ કામ આવે. એ જ રાત્રે તેનો ભાવિ પતિ મુસ્તફા દરિયામાં અન્ય સાથીઓ સાથે માછલીઓ પકડવા લાંબા પ્રવાસે જવા નીકળવાનો હતો. ફાતમાગુલ રાત્રે જ દરિયાકિનારે જઈ મુસ્તફાને ‘બાય’ કહેવા જવા માગતી હતી.
એ રાત્રે ધનવાન પરિવારની પાર્ટીમાં કેરીમ પણ જાય છે. તેની સગાઈ થવાની હતી તે સલીમ કેરીમ અને બીજા બે મિત્રોએ એ રાત્રે સગાઈ વિધિ બાદ ખૂબ દારૂ પીધો. દારૂ પીને બધા રાતની ઠંડી માણવા બહાર નીકળ્યા. ફરી દારૂ પીધો. ડ્રગ્સ લીધી.
એ વખતે રાતના અંધારામાં ફાતમાગુલ તેના ભાવિ પતિ મુસ્તફાને વિદાય આપવા દરિયાકિનારે જઈ રહી હતી. અચાનક તેનો ભેટો દારૂ- ડ્રગ્સથી તરબર સલીમ, કેરીમ અને બીજા બે મિત્રો સાથે થઈ ગયો. જેની એ રાત્રે સગાઈ થઈ હતી તે સલીમ અને તેનાં બે મિત્રોએ ફાતમાગુલને એકલતાનો લાભ ઉઠાવ્યો. ફાતમાગુલને પછાડી નાંખી. તેના મોંએ કપડું બાંધી દઈ તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. ત્રણ જણે દુષ્કર્મ કર્યું પરંતુ કરીમે એમ ના કર્યું. અલબત્ત, તે નશામાં હોવાથી ફાતમાગુલને બળાત્કારનો ભોગ બનતાં બચાવી પણ ના શક્યો. કેરીમને તેના મિત્રોએ ડ્રગ્સ આપી દીધી હતી. કેરીમ સામાન્ય પરિવારનો યુવાન હતો પણ ધનવાનોના પુત્રો તેના બચપણના મિત્રો હતા.
ફાતમાગુલ બેભાન થઈ. તેને લોહીલુહાણ હાલતમાં છોડીને રાતના અંધકારમાં બધા જ યુવાનો જતા રહ્યા. છેક બીજા દિવસે એક એબે નીને નામની એક ભલી મહિલાએ ખુલ્લામાં બેભાન ફાતમાગુલને જોઈ, તે તેને હોસ્પિટલમાં લઈ આવી. ફાતમાગુલ પર બળાત્કાર ગુજારનાર પૈકી ત્રણ જણ સવારમાં રાત્રે જે કાંઈ બન્યું તેથી હવે ડરવા લાગ્યા. એક માત્ર સલીમ જ એવો દેખાવ કરતો હતો કે કાંઈ જ બન્યું નથી. સલીમ શક્તિશાળી અને પ્રતિષ્ઠિત પરિવારનો પુત્ર હતો.
અર્ધબેભાન અને આઘાતમાં સરી પડેલી ફાતમાગુલને આ હાલતમાં પણ તેની ભાભી ટોણાં મારવા લાગી : ‘તેં તારી તો ઠીક પણ અમારી પણ બદનામી કરી નાંખી. હવે અમે લોકોને શું મોંઢુ બતાવીશું ?’
એક માત્ર ફાતમાગુલનો ભોળો ભાઈ જ બહેનના દુઃખે દુઃખી હતો.
એક દિવસ બળાત્કારવાળા સ્થળેથી સગાઈની એક રિંગ મળી આવી. એ રિંગ સીધી ફાતમાગુલની ભાભીના હાથમાં પહોંચી ગઈ. એ રિંગમાં સલીમનું નામ કોતરેલું હતું. બદમાસ ભાભી સલીમના પિતા પાસે પહોંચી ગઈ અને રિંગ બતાવતાં કહ્યું : ‘તમારા પુત્રએ મારી નણંદ પર બળાત્કાર કર્યો છે. આ રીંગ હું પોલીસને આપી દઈશ !’
સલીમના ધનવાન પિતા ફાતમાગુલની ભાભીનો ઈરાદો સમજી ગયા. તેમણે પૈસા આપી તેને ચૂપ રહેવા કહ્યું. ફાતમાગુલની ભાભીએ પૈસા લઈ લીધા અને તે પોલીસ પાસે ના ગઈ.
આ તરફ મુસ્તફા દરિયા ખેડી પાછો આવ્યો. તેણે ખબર પડી કે તેની વાગ્દતા પર કોઈ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો છે અને ફાતમાગુલ હવે બરબાદ થઈ ચૂકી છે. ક્રોધાગ્નિમાં તેણે નવું બની રહેલું ઘર સળગાવી દીધું. ભાનમાં આવેલી ફાતમાગુલ આ દૃશ્ય જોઈ વધુ દુઃખી થઈ ગઈ. બળાત્કારનો ભોગ બનેલી ફાતમાગુલ પાસે હવે જીવવાનું કોઈ જ કારણ નહોતું. તે બરબાદ થઈ ચૂકી હતી. આખાયે ગામમાં કોઈ તેની સાથે નજર મીલાવવા તૈયાર નહોતું.
ફાતમાગુલે બહાર જઈ પોતાની નસ કાપી નાંખી જિંદગીનો અંત લાવવા પ્રયાસ કર્યો પરંતુ તેનો બચપણનો મિત્ર કેરીમ તેને જોઈ ગયો. એટલામાં ફાતમાગુલને શોધવા નીકળેલો તેનો ભાઈ ત્યાં આવી ગયો. એણે બહેનને બચાવી લીધી.
ફાતમાગુલ હવે બળાત્કારનો ભોગ બની ચૂકી છે એ જાણ્યા બાદ તેનો ફિયાન્સ મુસ્તફા પણ હવે દૂર થઈ ગયો તે પણ આ બધા માટે ફાતમાગુલને જ જવાબદાર ઠેરવતો ફાતમાગુલથી દૂર થઈ ગયો.
અલબત્ત, જે રાત્રે ફાતમાગુલ પર બળાત્કાર થયો તે રાત્રે ઘટના સ્થળે હાજર એવો કેરીમને હજુ ફાતમાગુલ માટે બચપણથી પ્રેમ હતો. તે નશામાં હતો પણ બળાત્કારમાં સામેલ નહોતો. તેવી જ રીતે તે ફાતમાગુલને બચાવી ના શક્યો તેનું પણ તેને ભારોભાર દુઃખ હતું. આખા ગામમાં ભારે ઊહાપોહ થતાં છેવટે કેરીમે આક્ષેપ સ્વીકારી લીધો. ફાતમાગુલ સાથે શાદી કરી લેવાની તૈયારી દર્શાવી. અલબત્ત, ફાતમાગુલે અનિચ્છાએ જ કેરીમ સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી પણ ફાતમાગુલ કેરીમને સ્વીકારી ના શકી અને અંદરથી તે કેરીમને રાતની ઘટના માટે ધિક્કારતી રહી પરંતુ બળાત્કારની ઘટનાના બીજા દિવસે ફાતમાગુલને બચાવનાર મહિલા કે જે કેરીમની બહેન મરિયમ હતી તેણે ફાતમાગુલને ફરી સામાન્ય જીવન જીવવાના પુનર્વસનમાં મદદ કરી. ફાતમાગુલ અને કરીમનું પરિવાર બધું જ વેચી નવેસરથી જિંદગી જીવવા ઈસ્તંબુલ જતાં રહ્યા.
પરંતુ વાત અહીં સમાપ્ત થતી નથી. ફાતમાગુલ હજુ એ વાત માનવા તૈયાર નહોતી કે એ રાત્રે જે લોકોએ બળાત્કાર કર્યો તેમાં કેરીમ સામેલ નહોતો. ફાતમાગુલ કેરીમને કહે છે : ‘ તેં મારી પર બળાત્કાર કર્યો ના હોય તો સાબિત કર. તમે લોકોએ મને બરબાદ કરી નાંખી છે, મારા શરીરને પણ.‘
કેરીમ પોતાનો ફાતમાગુલ પ્રત્યેનો સાચો પ્રેમ દર્શાવવા જાતે જ પોલીસ સ્ટેશને ગયો. એણે રાતની ઘટના અંગે ફરિયાદ લખાવી અને પોતાની જાતને સલીમને તથા બીજા બે મિત્રોની ધરપકડ કરવા જણાવ્યું. ફાતમાગુલને હવે ખ્યાલ આવી ગયો કે કેરીમ ખરેખર મને ચાહે છે. ફાતમાગુલ કેરીમને માફ કરે છે અને તેના પ્રેમનો સ્વીકાર કરે છે. એ પછી મુસ્તફા પાછો આવ્યો. એણે ફાતમાગુલની માફી માંગી પરંતુ ફાતમાગુલ હવે ખરાબ સમયમાં છોડી જનાર મુસ્તફાનો અસ્વીકાર કરે છે. છેવટે ફાતમાગુલને ન્યાય મળે છે.
ઘટના આગળ પણ છે પરંતુ એક બળાત્કારનો ભોગ બનેલી યુવતીની વેદના સમજવા આ કથા આજે આટલી જ પર્યાપ્ત છે. જેઓ પીડિતાઓને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે તેમ સમજતા હોય તેમના માટે આ શ્રેષ્ઠ નવલકથા અને ટી.વી. શ્રેણી છે.
આ કથાના ટર્કિશ લેખક છે : વેદાત તુર્કાલી. મૂળ તો તે એક નવલકથા હતી તેનું શીર્ષક છે : ‘વ્હોટ ઈઝ ફાતમાગુલ્સ ફોલ્ટ ?’ (ફાતમાગુલનોે વાંક શું ?) આ નવલકથા પરથી ૧૯૮૬માં ફિલ્મ બની. તે પછી તેની પરથી ટેલિવિઝન શ્રેણી બની અને ફાતમાગુલની આ કથા વિશ્વના ૨૪ દેશોમાં તેમની ભાષામાં ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ થઈ. દરેક દેશમાં તેમની સ્થાનિક ભાષાઓમાં ડબ કરવામાં આવી. ‘વ્હોટ ઈઝ ફાતમાગુલ્સ ફોલ્ટ’ ટર્કિશ લેખકની એક શ્રેષ્ઠ નવલકથા અને ટર્કિશ ભાષામાંથી અન્ય ભાષાઓમાં ડબ થયેલી શ્રેષ્ઠ સિરિયલ છે.
(ફાતમાગુલનો જાનદાર રોલ ભજવનાર ટર્કિશ અભિનેત્રી બેરેન સાઅતની કથા આવતા સોમવારે).
– દેવેન્દ્ર પટેલ



