Close

દાઉદ ઇબ્રાહીમ કરાચીના દરિયામાં સૂરજ ડૂબે છે અને

કભી કભી | Comments Off on દાઉદ ઇબ્રાહીમ કરાચીના દરિયામાં સૂરજ ડૂબે છે અને
આ દૃશ્ય આજથી ૨૧ વર્ષ પહેલાંનું છે જ્યારે ભારતના મોસ્ટ વોન્ટેડ  અપરાધી ડોન દાઉન ઇબ્રાહીમની કરાચીમાં સવાર સૂરજ ડૂબ્યા બાદ શરૂ થતી હતી.
કરાચીમાં સાંજનો સૂરજ ધીમે ધીમે અરબી મહાસાગરના અફાટ જળમાં ડૂબી રહ્યો છે. દરિયાની નજીક આવેલા કરાચીના પોશ એરિયા ‘ક્લિફટન’ ખાતેના સખ્ત સલામતી બંદોબસ્તવાળા ભવ્ય વિલામાં શહેરનો એક બહુચર્ચિત આદમી રહે છે. મહેલ જેવા આ આલીશાન બંગલામાં રહેતા એના માલિકને લોકો ‘ગોલ્ડમેન’ તરીકે ઓળખે છે, જ્યારે પડોશીઓ માટે તે ઇકબાલ શેઠ છે. આ ઇકબાલ શેઠ તે બીજો કોઈ નહીં પરંતુ ભારતની પોલીસને અને છોટા રાજનને જેની તલાશ છે તે મુંબઈનો ડોન દાઉદ ઇબ્રાહીમ  ખુદ છે. સાથીઓ તેને ‘ભાઈ’ તરીકે ઓળખે છે. કરાચીના ક્લિફ્ટન એરિયામાં  તેનું આ વિશાળ મકાન ૬,૦૦૦ ચોરસવારના વિશાળ પ્લોટમાં પથરાયેલું છે. કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિની કાર આ એરિયાની લેઇનમાંથી પસાર થઈ શકતી નથી.
૧૯૯૩માં મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવીને સેંકડોને મોતને ઘાટ ઉતારનાર ડોન દાઉદ ઇબ્રાહીમ મુંબઈથી ભાગીને  દુબઈ જતો રહ્યો હતો, પરંતુ  દુબઈ સલામત ના લાગતા પાકિસ્તાનની નોટોરિયસ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની મદદથી પાકિસ્તાન- કરાચીમાં પોતાનું હેડક્વાર્ટર ખસેડયું છે. કરાચી તેના માટે સલામત હેવન છે. આઇએસઆઇ અને દાઉદ બેઉ એકબીજાને મદદ કરે છે.  પાકિસ્તાનમાં આઇએએસએ ડોનને શેલ્ટર આપ્યું છે તેના બદલામાં  દાઉદ તેના ભારતમાં રહેલા સાગરીતો મારફતે પાકિસ્તાનને જાસૂસી  માટે મહત્ત્વપૂર્ણ માહિતીઓ પૂરી પાડે છે.
દાઉદ અને તેના આખાયે પરિવાર પાસે હવે પાકિસ્તાની પાસપોર્ટ છે. પાકિસ્તાનમાં પણ ડોન દાઉદ માટે ક્યાંય પણ મુશ્કેલી ઊભી થાય  તો આઇએસઆઇ તેના માટે જામીન તૈયાર રાખે છે, પછી તેના એક્ટ્રેસ રીમા સામેના સંબંધોનો પ્રશ્ન હોય કે કરાચીમાં ગેરકાયદે બંધાઈ રહેલા બહુમાળી ઇમારતનો પ્રશ્ન હોય. બીજી એક આૃર્યની વાત એ છે કે પાકિસ્તાનના અખબારો દાઉદ  વિશેના કાંઈ પણ સમાચારો છાપવાથી દૂર રહે છે. પાકિસ્તાનનો કોઈ પણ કાયદો તેને નડતો નથી. કહેવાય છે કે દાઉદ ઇબ્રાહીમના પાકિસ્તાન આવવાથી દાઉદ કરતા પાકિસ્તાનને જ વધુ ફાયદો થયો છે.
પોતાનું હેડ ક્વાર્ટર દુબઈથી કરાચી ખસેડયા બાદ દાઉદ ઇબ્રાહીમની લાઇફ સ્ટાઇલમાં કોઈ જ ફરક પડયો નથી.
તે રોજની જેમ મોડો સૂઈ જાય છે અને છેક બપોરે બે વાગે ઊઠે છે. ત્યારબાદ સ્વિમિંગ કરવા જાય છે. પછી કસરત કરે છે. કોઈવાર ક્રિકેટ કે સ્નૂકર ખેલે છે. ૬,૦૦૦ ચોરસવારના પ્લોટમાં તેનું મકાન અત્યંત કિંમતી મેન્શન ગણાય છે. તેને પોતાનો જ સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ, સ્નૂકર ટેબલ પોતાની જ હેલ્થ કલબ છે.  આ બધું દાઉદ તેની પત્ની, ત્રણ દીકરીઓ અને એક પુત્ર માટે છે.
એના ખરા દિવસની શરૂઆત સાંજે જ થાય છે. સૂરજ ઢળતાં જ તે પોતાના સાથીઓ સાથેની મિટિંગ શરૂ કરે છે.  કરાચીના સ્થાનિક અંડર વર્લ્ડના માણસોથી માંડીને પોતાના હેન્ચમેનોને તે વારાફરતી મળે છે. તેઓ કરાચી, દુબઈ અને મુંબઈમાં આખા દિવસની  કામગીરીનો રિપોર્ટ આપે છે. ડોન તેના ડિઝાઇનવાળા શર્ટ અને ટ્રાઉઝરમાં જ હોય છે.  ડાયમંડનો બનેલો એનો ‘ડી’ ટ્રેડમાર્ક ધરાવતો લેધર બેલ્ટ તે કાયમ પહેરી રાખે છે. એના બેલ્ટના માત્ર બકલની કિંમત જ ૨૫ લાખ પાકિસ્તાન રૂપિયા જેટલી છે.
તે મોડો ઊઠે છે એનો અર્થ એ નથી કે તે બિનકાર્યરત છે. કહેવાય છે કે એણે કરાચી અને ઇસ્લામાબાદમાં રીઅલ એસ્ટેટના ક્ષેત્રમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે.  કહેવાય છે કે  પાકિસ્તાનની સેન્ટ્રલ બૅન્ક મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે દાઉદ ઇબ્રાહીમે ડોલરમાં લોન આપીને તેને કટોકટીમાંથી બચાવી લીધી હતી. તે ‘હૂંડી’ તરીકે  ઓળખાતી સમાંતર ક્રેડિટ સિસ્ટમ પર પણ અંકુશ ધરાવે છે.
કરાચીમાં ‘ક્લિફ્ટન’ એરિયામાં  તેના જૂથના બીજા સભ્યો પણ રહે છે. તેમાંનો એક છે તેનો વફાદાર સાગરીત છોટા શકિલ,  બીજો છે  ટાઇગર મેમણ.  ૧૯૯૩માં દાઉદ વતી  એણે મુંબઈમાં સંખ્યાબંધ બોમ્બ ધડાકા કરાવ્યા હતા.
દાઉદે ‘કાશીફ ક્રાઉન’ નામનું એક બહુમાળી મકાન કરાચીમાં બાંધવાનું શરૂ કર્યું ત્યારે એ આખુંય મકાન ગેરકાયદે હોવાથી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ તેનો વિરોધ કર્યો પરંતુ આઇએસઆઇ તરત જ વચ્ચે પડીને કહ્યું હતું કે  ‘આ માણસે પાકિસ્તાન માટે બહું જ કામ કર્યું છે માટે એને મકાન બાંધવા દો.’
દાઉદ પાસે નાણાંની લિક્વિડિટી ગજબની છે. એણે ઇસ્લામાબાદનો એક મોટો પ્લોટ ખરીદ્યો હતો. તે માટે તત્ક્ષણ રૂ. ૨૫ કરોડ ચૂકવી દેતા બીજા બિલ્ડરો પણ વિચારમાં પડી ગયા હતા. આ પ્લોટ એણે પોતાની  પત્નીના નામે ખરીદ્યો હતો.
દાઉદે પાકિસ્તાનમાં જે રીતે  પોતાનું નામ જમાવી દીધું છે, તે જોઈને તેના માણસોનો જુસ્સો પણ વધી ગયો છે. તેઓ કહે છે કે જ્યારે અમે પાકિસ્તાનમાં આવ્યા ત્યારે અમે પાકિસ્તાન પર આશ્રિાત હતા, હવે પાકિસ્તાને અમારી પર આધાર રાખવો પડે  તેવી સ્થિતિ છે. પાકિસ્તાનનો કોઈ પણ શક્તિશાળી માણસ પછી તે રાજકારણી હોય કે લશ્કરી અધિકારી તે બધાની ઉપર ‘ભાઈ’ના અહેસાન છે.
ધંધો ધમધોકાર ચાલતો હોવા છતાં તે પાકિસ્તાનની તિજોરીને ઓછામાં ઓછો કર ભરે છે. ભારતમાં પણ તેની કરોડોની આવક છતાં કોઈ જ ટેક્સ ભરતો નથી. થોડા વખત પહેલાં પાકિસ્તાને ટેક્સ એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરી ત્યારે બધાને હતું કે દાઉદ કેટલીક આવક જાહેર કરશે પરંતુ ડોને એક પૈસો પણ ડિક્લેર કર્યો નહીં. પાકિસ્તાનની સરકારનો કોઈ પણ અધિકારી દાઉદની મિલકત કેટલી છે – એ પ્રશ્ન પૂછવાની હિંમત કરી શકતો નથી.
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં દાઉદના કેટલાક મિત્રો પણ હતા. ભારતના કેટલાયે સિનિયર ક્રિકેટ ખેલાડીઓ તેની મહેમાનગતિ માણી ચૂક્યા છે. દાઉદને ક્રિકેટની બાબતમાં મેચ ફિક્સિંગ કરતાં પોતાનું સામાજિક  વર્તુળ વધારવામાં વધુ રસ હતો. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ પર પોતાની વગ વાપરીને તેણે કેટલાક ખેલાડીઓને પસંદગીમાં મદદ પણ કરેલી છે.
દાઉદ સુંદર યુવતીઓ, સુંદર વસ્ત્રો, અત્યંત કિંમતી ઘડિયાળો, હૂંફ સૂપ, બિરયાની અને આલુ છોલા કે પાણીપૂરી જેવા ચટાકેદાર ભાજીપાંઉનો શોખીન છે. મોડરેટ ડ્રિંક્સ પણ લે છે.  જ્હોની વોકર બ્લેકલેબલ તેની પ્રિય વ્હિસ્કી છે.
દાઉદ જ્યારે પણ કોઈ નિર્ણય  લે છે ત્યારે તેના સાથીદારો સામો પ્રશ્ન કરતા નથી. તે ખરાબ મૂડમાં હોય તો તેઓ તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કારણ કે તે ખરાબ મૂડમાં બોય ત્યારે તે કોઈને પણ પતાવી દેવાનો હુકમ કરે છે. સામાન્ય રીતે બૂમાબૂમ કરતો નથી.
ત્યારબાદ સખત સલામતી બંદોબસ્ત સાથે તે કરાચીની ડિફેન્સ કોલોનીમાં આવેલા તેના જૂના મકાન-‘અપબાન-એ-શમશીર ખાતે જવા રવાના થાય છે. દાઉદ મોટે ભાગે મર્સિડીઝમાં મુસાફરી કરે છે. તેના વાહન કાફલાની વચ્ચે  હોય છે. તેની સુરક્ષા માટે ૧૫ જેટલા સશસ્ત્ર  ગાર્ડસ સતત સાથે હોય છે.  ગાર્ડસ માટે ફોર વ્હિલ ડ્રાઇવ વ્હીકલનો ઉપયોગ કરે છે. તેના ગાર્ડ્સ સફેદ સલવાર કમીઝમાં હોય છે.
અહીં ડિફેન્સ કોલોનીમાં તેના જૂના મકાનમાં મિત્રોની આગતા સ્વાગતા કરવામાં આવે છે. અહીં મુજરા પણ થાય છે. પાકિસ્તાનના શો બીઝ જગતની ટોચની નર્તકીઓના અહીં ડાન્સ થાય છે. આ બધું સવાર સુધી ચાલે છે.
છેક પરોઢિયે દાઉદ તેના ક્લિફ્ટન ખાતેના ઘેર પાછો ફરે છે
અનિતા ઐયુબ કે જે એક પાકિસ્તાનની અને બોલિવૂડની પૂર્વ અભિનેત્રી હતી. તેનું નામ પણ અંડરવર્લ્ડના ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાયું હોવાની અફવાઓ હતી. અનિતા ઐયુબે દેવઆનંદ દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘પ્યાર કા તરાના’ ફિલ્મમાં અને તે પછી દેવઆનંદની જ ૧૯૯૪માં બનેલી ‘ગેંગસ્ટર’માં કામ કર્યું હતું. કહેવાય છે કે ૧૯૯૫માં બોલિવૂડના ફિલ્મ નિર્માતા જાવેદ સિદ્દીકીએ તેને ફિલ્મમાં કામ આપવાનો ઇનકાર કરતાં અનિતા ઐયુબના ઇશારે જ દાઉદની ગેંગના માણસોએ જાવેદ સિદ્દીકીને ગોળીમારી તેની હત્યા કરી દીધી હતી. પાકિસ્તાનના જ એક ફેશન મેગેઝિન- ‘ફેશન સેન્ટ્રલે’ એવું લખ્યું હતું કે, ‘મુંબઈના બોમ્બ ધડાકા વખતે અનિતા ઐયુબે જ પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કર્યું હોવાનો આરોપ છે.’ આ વિવાદ બાદ ભારતમાં ફિલ્મોમાં કામ ના મળતાં  તે હવે ન્યૂયોર્કમાં સ્થાયી થઈ છે. -દાઉદ માટે તો હવે આ બધી વાતો યાદોમાં જ છે.
આજથી ૨૧ વર્ષ પૂર્વે  ડોન દાઉદની આવી હતી દુનિયા.
આજે તે વૃદ્ધ થયો છે. હવે તેવું નથી. તે જાહેરમાં આવતો નથી. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઈ તેને જુદાજુદા સ્થળે છુપાવતી રહેતી હોવાનું મનાય છે.Dawood ibrahim has kept all his children away from underworld ,this his  positive side of his life .Dowood”s children are not  invloved in any criminal activites .
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!