Close

દાઉદ ઇબ્રાહીમ -મસ્તાનને ત્યાં નોકરી કરી ને દાઉદ મોટો ડોન બની ગયો

કભી કભી | Comments Off on દાઉદ ઇબ્રાહીમ -મસ્તાનને ત્યાં નોકરી કરી ને દાઉદ મોટો ડોન બની ગયો
દાઉદ ઇબ્રાહીમ.
દાઉદ ઇબ્રાહીમ કાસકરનો જન્મ તા. ૨૬મી ડિસેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. તે ડોંગરી-મુંબઈના ગેંગસ્ટર તરીકે કુખ્યાત રહ્યો. ‘ડી કંપની’ તરીકે ઓળખાતી અપરાધી સિન્ડિકેટનો બોસ હતો. દાઉદ ઇબ્રાહીમ આજે પણ આતંકવાદ, હત્યાઓ, ખંડણી, સોપારી અને ડ્રગ ટ્રાફિકિંગ જેવા અપરાધોના આરોપસર ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી છે.
દાઉદ ઇબ્રાહીમ મહારાષ્ટ્રના કોંકણી મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો. તેના પિતા ઇબ્રાહીમ કાસકર મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. તેના માતાનું નામ અમીના બીબી હતું. તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં ઉછર્યો. ડોંગરીની એક હાઈસ્કૂલમાં ભણવા ગયો. પરંતુ સ્કૂલ અધવચ્ચે જ છોડી દીધી. તે કિશોરાવસ્થામાં હતો ત્યારે જ તેણે ચોરી ઠગાઈ જેવાં કૃત્યો કરવા માંડયાં હતાં.
દાઉદના પિતા ઇબ્રાહીમ કાસકર મુંબઈ પોલીસમાં નોકરી કરતા હતા. તેમને મુંબઈના સ્મગલર હાજી મસ્તાન સાથે દોસ્તી હતી. આ દોસ્તીના હવાલે ઇબ્રાહીમ કાસકરની વિનંતીથી હાજી મસ્તાને કાસકરના પુત્ર દાઉદને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ગોઠવી દીધો. અહી ંહાજી મસ્તાન તસ્કરીનો માલ મંગાવતો હતો. તસ્કરોની સાથે સંગતમાં આવ્યા બાદ દાઉદ ખુદ અપરાધી બની ગયો. કેટલીયેવાર તેની ધરપકડ થઈ. કેટલીયે વાર જામીન પર છૂટયો. ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે ફરી ૧૯૭૭માં તેને જામીન મળ્યા નહીં. બે વર્ષ તે એ જ બેરેકમાં રહ્યો જ્યાં યુસુફ પટેલ અને હાજી મસ્તાનને રાખવામાં આવ્યા હતા. જેલમાં થયેલી આ મુલાકાત દરમિયાન એ બંનેએ દાઉદને સોનું અને ચાંદીના સ્મગલિંગ માટે તેને મુખ્ય લેન્ડિંગ એજન્ટ બનાવી દીધો હતો. કટોકટી હટાવી લેવાઈ જ તે પછી ૧૯૭૭માં દાઉદ જેલમાંથી બહાર આવ્યો. જેલમાંથી બહાર આવ્યાના થોડા મહિના બાદ જ એણે ગેરકાનૂની દાણચોરીના ધંધા પર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી દીધું.
દાઉદને શક્તિશાળી બનતાં જોઈ કરીમ લાલા આ વાત સહન કરી શક્યો નહીં. એણે દાઉદની વિરુદ્ધ પોતાના ભત્રીજા સમદ ખાનને ઉશ્કેર્યો. પાછળથી સમદ ખાનની સાથે પઠાણ ગેંગના સહુથી ખતરનાક શાર્પશૂટર અમીરજાદા અને આલમઝેબ પણ સામેલ થઈ ગયા. બધાએ મળીને એક દિવસ દાઉદ જ્યાં રહેતો હતો તે બિલ્ડિંગની બહાર અંધાધૂંધ ગોળીબારો શરૂ કરી દીધા, પરંતુ દાઉદને કંઈ થયું નહીં.
૧૯૬૧માં આલમઝેબ અને અમીરજાદાએ દાઉદના ભાઈ શબ્બીરને પ્રભાદેવી પેટ્રોલપંપ પાસે મારી નાખ્યો. તે પછી તા.૪ ઓક્ટોબર ૧૯૮૨ના રોજ દાઉદે ગ્રાન્ટ રોડ પર પોતાના શૂટરો મારફતે એક બિલ્ડિંગની લિફટમાં સમદ ખાન પર ગોળીઓ ચલાવી. તા.૬ સપ્ટેમ્બર ૧૯૮૩ના રોજ તેણે મુંબઈની સેશન કોર્ટમાં બડા રાજનના શૂટર ડેવિડ પરદેસીની મદદથી અમીરજાદાને પતાવી દીધો. શાર્પશૂટર ડેવિડ પરદેશી પકડાઈ ગયો. પાછળથી દાઉદની પણ ધરપકડ થઈ. મેં. ૧૯૮૪ સુધી તે જેલમાં રહ્યો. પાછળથી તે જામીન પર છૂટી ગયો.
દાઉદનો પરિવાર મોટેભાગે દુબઈ ભાગી ગયો હોવા છતાં અમીરજાદાનો પરિવાર હજુ તેને ભૂલ્યો નહોતો. અમીરજાદાના ભાઈ આલમઝેબ અને શાહજાદાએ ચંદ્રકાંત સફાલિયા નામના એક શાર્પશૂટરની મદદથી મુંબઈની સેશન કોર્ટના કમ્પાઉન્ડમાં જ બડા રાજનની હત્યા કરાવી દીધી. બડા રાજન એ શખ્સ હતો જેણે અમીરજાદાની હત્યા કરાવી દીધી હતી.
તેનો બદલો લેવા દાઉદે ગુજરાતની એક કોર્ટના કમ્પાઉન્ડમાં આલમઝેબની હત્યા કરાવી દીધી. લગભગ એક દસકા સુધી બે ગેંગ વચ્ચે ગેંગવોર ચાલતી રહી. તે પછી પઠાણગેંગ ખતમ થઈ ગઈ અને દાઉદનું મુંબઈના અંડરવર્લ્ડ પર વર્ચસ્વ પ્રસ્થાપિત થઈ ગયું. મુંબઈની બધી જ ગેંગ અને ગેંગસ્ટર હવે દાઉદના અંડરમાં કામ કરવા લાગ્યા. દાઉદ હવે ડોન બની ગયો હતો. તે પછીનાં વર્ષોમાં તેણે છોટા રાજનને પોતાનો સહાયક સાથી બનાવી ડી-કંપનીનો વિસ્તાર કર્યો હતો જેમાં ૫૦૦૦ જેટલા માણસોનો સમાવેશ થતો હતો. ૧૯૯૦ સુધીમાં તે કરોડોનો આસામી બની ગયો હતો.
૧૯૯૩માં મુંબઈમાં જે બોમ્બ વિસ્ફોટ અને હુમલા થયા તેનો આરોપ તેના માથે આવ્યો. આ કારણથી જ તે મુંબઈથી દુબઈ ભાગી ગયો અને દુબઈથી કરાચી જતો રહ્યો. આજકાલ તે કરાચીમાં રહે છે.
અમેરિકન સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો. કારણકે ૧૯૯૩ના વર્ષમાં મુંબઈના જે બોમ્બધડાકા થયા તેનો માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહીમ હોવાનું કહેવાયું. આ કારણથી જ અમેરિકન સરકારે તેને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કર્યો. અમેરિકાના ટ્રેજરી ડિપાર્ટમેન્ટે એક ફેક્ટશીટ જાહેર કરી જેમાં કહેવામાં આવ્યું કે ‘દાઉદ ઇબ્રાહીમની સિન્ડિકેટ દક્ષિણ એશિયા, મિડલઈસ્ટ અને આફ્રિકાના રૂટનો ઉપયોગ કરી સ્મગલિંગ પણ કરે છે અને ખતરનાક આતંકવાદી સંગઠન અલકાયદા સાથે તે સંકળાયેલો છે.’ આ ફેક્ટશીટમાં એમ પણ કહેવાયું કે તે મોટાપાયે નાર્કોટિક્સ યુ.કે. અને પિૃમી યુરોપમાં ઘુસાડે છે તે ઓસામા-બિન-લાદેન સાથે પણ સંપર્ક ધરાવે છે. ૧૯૯૦માં દાઉદે તાલિબાનોના પ્રોટેક્શન હેઠળ અફઘાનિસ્તાનની મુલાકાત પણ લીધી હતી અને એ રીતે તે ભારતમાં સતત કોમી હુલ્લડો, આતંકવાદ, નકલી કરન્સી નોટો જેવાં કૃત્યો કરી ભારતમાં અસ્થિરતા લાવવા પ્રયાસ કરે છે.
દાઉદ ઇબ્રાહીમ હવે કરાચીમાં છે. કરાચીમાં બેઠાબેઠા વર્ષો સુધી તે ભારતમાં ટેરર ફંડિંગ, ડ્રગ ટ્રાફિકિંગ, ગનરનિંગ, ખંડણી અને મની લોન્ડરિંગ જેવાં અપરાધિક કૃત્યો કરતો રહ્યો. આ બધાથી તે જે નાણાં કમાયો તેનું રોકાણ તેણે કરાચી, દુબઈ અને ભારતમાં પણ રીઅલ એસ્ટેટમાં કર્યું હોવાનું કહેવાય છે. મની ટ્રાન્સફરિંગ માટેના હવાલા બિઝનેસ પણ તે કરતો રહ્યો. ગુજરાતમાં જે આતંકવાદી હુમલા થયા તેમાં તેણે ફાઈનાન્સિંગ કર્યું હોવાનું કહેવાયું. આ હુમલા લશ્કર-એ-તોઈબા નામના આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા.
૨૦૦૬ની સાલમાં ભારત સરકારે પાકિસ્તાન સરકારને જે ૩૮ મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સની યાદી સુપ્રત કરી તેમાં દાઉદ ઇબ્રાહીમનું પણ નામ મોખરે હતું. કહેવાય છે કે દાઉદ ઇબ્રાહીમની ક્રાઇમ સિન્ડિકેટ જે એશિયા, યુરોપ અને આફ્રિકા સુધી ફેલાયેલી છે. તેમાં ૪૦ ટકા આવક ભારતમાંથી તેને થતી હતી. દાઉદ ઇબ્રાહીમ કરાચીમાં રહેતો હતો, પરંતુ તણાવ વધતાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ તેની સલામતી માટે તેને પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર કોઈ ગુપ્તસ્થળે ખસેડયો હતો. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા દાઉદ ઇબ્રાહીમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ અને બોમ્બવિસ્ફોટો કરાવવા માટે કરતી રહી હોવાનું મનાય છે.
૨૦૧૫ના ઑગસ્ટ માસમાં ભારત સરકારે પાકિસ્તાન સરકારને આપવા તૈયાર કરેલા એક ડોઝિયરમાં લખવામાં આવ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં નવ જેટલાં ઘર ધરાવે છે. તેની પાસે ત્રણ જેટલા પાકિસ્તાની પાસપોર્ટ છે જેના દ્વારા અખાતના દેશોમાં ટ્રાવેલ કરતો રહે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દાઉદનું મુખ્ય રહેઠાણ કરાચીના કિલફ્ટન એરિયામાં છે. તેનું એક નિવાસસ્થાન કરાચીના નૂરબાદ વિસ્તારમાં આવેલા એક ઊંચા પર્વતીય વિસ્તારમાં પણ છે. જોકે પાકિસ્તાન કહે છે કે દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે જ નહીં.
વિશ્વના જાણીતા મેગેઝિન ‘ફોર્બ્સ’ની વિશ્વના ૧૦ મોસ્ટ વોન્ટેડની યાદીમાં દાઉદ ઇબ્રાહીમનું નામ પણ લખવામાં આવ્યું હતું. આ લિસ્ટ ૨૦૧૦ના અંકમાં છાપવામાં આવ્યું હતું.
નોંધપાત્ર વાત એ છે કે દાઉદ પાકિસ્તાનમાં છે જ નહીં, તેવું પાકિસ્તાન સરકાર કહે, પરંતુ દિલ્હીની એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે ઓગસ્ટ, ૨૦૧૫માં એક ફોનકોલ દાઉદના કરાચીના ઘરે કર્યો હતો અને દાઉદની પત્નીએ તે ફોન ઉપાડયો હતો. દાઉદની પત્નીએ દાઉદ કરાચીમાં જ હોવાનું કહ્યું હતું.
દાઉદ ઇબ્રાહીમના પરિવારને લાગેવળગે છે ત્યાં સુધી દાઉદ ઇબ્રાહીમની પુત્રી મહેરૂખની શાદી જુનેદ મિયાંદાદ સાથે કરવામાં આવી છે. જુનેદ મિયાંદાદ પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર છે. દાઉદ ઇબ્રાહીમનો પુત્ર મોઇન લંડન સ્થિત બિઝનેસમેનની સાનિયા નામની પુત્રી સાથે પરણ્યો છે.
દાઉદ ઇબ્રાહીમની સિન્ડિકેટે બોલિવૂડની કેટલીક ફિલ્મો ૧૯૮૦થી ૧૯૯૦ના ગાળામાં ફાઇનાન્સ પણ કર્યું હતું. ૨૦૦૨માં જીવન બનેલી ‘શૂટઆઉટ એટ લોખંડવાલા ‘ ફિલ્મમાં દાઉદના જીવનની ઝાંખી હોવાનું કેટલાક માને છે.
દાઉદ ઇબ્રાહીમનું નામ બોલિવૂડની અભિનેત્રી મંદાકિની સાથે પણ જોડાયું હતું. મંદાકિની દાઉદ ઇબ્રાહીમ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતી હોવાની વાતો ચર્ચામાં રહી. મંદાકિનીને લાગેવળગે છે ત્યાં સુધી તેની શરૂઆતની કારકિર્દીમાં તે ઝળહળી ઊઠી હતી. રાજ કપૂરે ૧૯૮૫માં ‘રામે તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં તેને રોલ આપ્યો હતો. ૧૯૮૯માં તેણે અચાનક ફિલ્મો સાઈન કરવાની બંધ કરી દીધી હતી. ૧૯૯૦માં દાઉદ ઇબ્રાહીમ સાથે તેની તસવીરો સરક્યુલેટ થવા માંડી હતી. આ કારણે મંદાકિનીના દાઉદ સાથેના સંબંધોની અફવાઓને જોર મળ્યું હતું. કહેવાય છે કે તે પછી તે દાઉદ સાથે દુબઈ જતી રહી હતી, પરંતુ તેણે દાઉદ સાથે અફેર હોવાની વાત નકારી કાઢી હતી. તેણે કહ્યું હતું કે ‘હું તેને એક મિત્ર તરીકે જાણું છું, પરંતુ હું તેની ‘વુમન ‘ નથી. ‘
દાઉદ હવે વૃદ્ધ થયો છે અને મુંબઈમાં હવે તો અંડરવર્લ્ડ પણ નથી અને દાઉદ ઇબ્રાહીમનો કોઈ પ્રભાવ પણ નથી.’
DON DAUWD IBRAHIM HAS KEPT ALL HIS CHILDREN AWAY FROM UNDERWORLD.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!