Close

દિલીપ કુમારનો પ્રથમ પ્રેમ કામિની કૌશલ હતાં, પણ કામિની કૌશલે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો

કભી કભી | Comments Off on દિલીપ કુમારનો પ્રથમ પ્રેમ કામિની કૌશલ હતાં, પણ કામિની કૌશલે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો
હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગનાં એક દંતકથા સમાન શ્રેષ્ઠ અભિનેત્રી કામિની કૌશલનું મુંબઈ ખાતે ૯૮ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું. જાણે કે બોલિવૂડના આસમાનનો ચમકતો સિતારો ખરી પડ્યો. કુદરતનો ખેલ તો જુઓ. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનાં ચેરપર્સન રહી ચૂકેલાં અને બાળવાર્તાઓ તેમજ કઠપૂતળીના ખેલની રજૂઆતથી બાળકોમાં પ્રિય એવાં કામિની કૌશલનું ૧૪ નવેમ્બર એટલે કે `બાલદિને’ જ દુ:ખદ અવસાન થયું.
નોંધપાત્ર વાત એ છે કે ૯૪ વર્ષની ઉંમર સુધી તેઓ સાવ તંદુરસ્ત હતાં અને કોઈ જ દવા લેવી પડતી નહોતી.
પરંતુ તેમના સૌથી મોટા પુત્ર રાહુલ સૂદનું અવસાન થયા બાદ તેઓ માનસિક રીતે તૂટી ગયાં હતાં. રાહુલ અને તેના બે નાના ભાઈ શ્રવણ અને વિદુર અમેરિકા અને લંડન રહેતા હતા. રાહુલનું અવસાન થતાં નાનો ભાઈ વિદુર લંડન છોડી માતાની સંભાળ લેવા મુંબઈ આવી ગયો હતો.
બોલિવૂડની હિન્દી ફિલ્મોમાં સાત દાયકા સુધી અભિનય ક્ષેત્રે સક્રિય રહેનાર કામિની કૌશલનો જન્મ લાહોર (હાલ પાકિસ્તાન)માં તા. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૭ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ પ્રો. શિવરામ કશ્યપ હતું. તેઓ બ્રિટિશ ઈન્ડિયાના સમયમાં લાહોર ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ પંજાબમાં પ્રોફેસર ઓફ બોટની હતા. કામિની કૌશલને તેમનાથી મોટા બે ભાઈ અને ત્રણ બહેનો હતાં. તેમના પિતા `ફાધર ઓફ બોટની’ તરીકે જાણીતા હતા. તેમણે વનસ્પતિની છ જેટલી નવી પ્રજાતિની ખોજ કરી હતી.
કામિની કૌશલે લાહોર ખાતે આવેલી ગવર્નમેન્ટ કોલેજ દ્વારા અંગ્રેજી સાહિત્યમાં બીએ(ઓનર્સ)ની ડિગ્રી હાંસલ કરી હતી.
કામિની કૌશલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને બચપણમાં સ્વિમિંગ, રાઈડિંગ, સ્કેટિંગ અને રેડિયો નાટકોમાં ભાગ લેવાનો શોખ હતો. મારાં નાટકો આકાશવાણી પરથી પ્રસારિત થતાં જેના માટે મને રૂ. ૧૦નો પુરસ્કાર મળતો હતો.
એક દિવસ તેમનાં મોટાં બહેનનું કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું. મોટી બહેન પરણેલી હતી. તેમને બે દીકરી હતી. આ કારણથી મોટી બહેનના મૃત્યુ બાદ તેમની બહેનના પતિ એટલે કે તેમના બનેવી ૧૯૪૮માં બી.એસ. સૂદ સાથે લગ્ન કર્યું, જેથી તે પોતાની મોટી બહેનની બંને દીકરીઓની સારસંભાળ લઈ શકે.
તેમના પતિ બી.એસ. સૂદ મુંબઈમાં બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ચીફ એન્જિનિયર હતા. એ કારણે કામિની કૌશલ પણ મુંબઈમાં સ્થાયી થયાં. તેમની મોટી બહેનની બે દીકરીઓ કુમકુમ સોમાની અને કવિતા સાહની હતી. કુમકુમ સોમાનીએ ગાંધીજીની ફિલોસોફી પર બાળકો માટે બુક લખી. કવિતા સાહની આર્ટિસ્ટ હતાં.
લગ્ન બાદ કામિની કૌશલ ત્રણ પુત્રોનાં માતા બન્યાં. જેમનાં નામ રાહુલ, વિદુર અને શ્રવણ. ૧૯૫૦માં આ પરિવાર મુંબઈના મડગાંવ વિસ્તારમાં એક ભવ્ય અને આલિશાન બંગલામાં રહેતાં હતાં.
૧૯૪૨થી ૧૯૪૫ દરમિયાન તેમણે દિલ્હીમાં કેટલાંક નાટકોમાં પણ અભિનય કર્યો હતો. કામિની કૌશલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું: `હું નાની હતી ત્યારથી જ મને અભિનેત્રી બનવાનો અભરખો હતો. હું એક બુદ્ધિજીવી પરિવારનું સંતાન હતી. મારા પિતાશ્રીએ `બોટની’ પર ૫૦ પુસ્તકો લખ્યાં હતાં. હું કોલેજમાં હતી ત્યારે હું અભિનેતા અશોક કુમારની ફેન હતી. એકવાર કોલેજમાં વોર રિલીફ ફંડ માટે કોલેજમાં યોજવામાં આવેલા એક નાટકમાં અભિનય કરી રહી હતી. ફિલ્મ અભિનેતા અશોક કુમાર અને લીલા ચીટનીસ મુખ્ય અતિથિઓ હતા. નાટકનો શો પૂરો થયા બાદ હું અશોકકુમારને એમને મળવા ગઈ હતી, પરંતુ તેઓ મારી સાથે વાત કરવાના બદલે બીજા વિદ્યાર્થીઓ સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા, તેથી મેં અશોક કુમારના માથાના વાળ પાછળથી ખેંચ્યા હતા.
તેમણે ફિલ્મ જગતમાં અભિનયની શરૂઆત ૧૯૪૬માં ચેતન આનંદની `નીચા નગર’ ફિલ્મથી કરી હતી. કામિની કૌશલનું અસલ નામ તો ઉમા કશ્યપ હતું, પરંતુ ચેતન આનંદનાં પહેલા પત્નીનું નામ ઉમા હોવાથી ઉમા કશ્યપે પોતાનું નામ બદલીને `કામિની કશ્યપ’ રાખ્યું હતું. તેમની પહેલી ફિલ્મ `નીચા નગર’ને ૧૯૪૬માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં `પામ દ’ ઓર’ એવોર્ડ એનાયત થયો હતો. તે પછી ૧૯૫૬માં કામિની કૌશલને `બિરાજ બહૂ’ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
૧૯૪૦થી ૧૯૬૦ દરમિયાન તેમની ગણના બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી તરીકે થતી હતી.
કામિની કૌશલે ૧૯૪૬થી ૧૯૬૩ દરમિયાન જે ફિલ્મોમાં મુખ્ય નાયિકા તરીકેનો રોલ ભજવ્યો, તેમાં (૧) દો ભાઈ (૧૯૪૭), (૨) શહીદ (૧૯૪૮), (૩) નદિયા કે પાર (૧૯૪૮), (૪) ઝિદ્દી (૧૯૪૮), (૫) શબનમ (૧૯૪૯), (૬) પારસ (૧૯૪૯), (૭) નમૂના (૧૯૪૯), (૮) આરઝૂ (૧૯૫૦), (૯) ઝાંઝર (૧૯૫૩), (૧૦) આબરૂ (૧૯૫૬) (૧૧) બડે સરકાર (૧૯૫૭), (૧૨) નાઈટ ક્લબ (૧૯૫૮), (૧૩) ગોદાન (૧૯૬૩) વગેરેનો સમાવેશ થાય છે. આ ફિલ્મો તેમના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતી બની હતી.
તે પછી કામિની કૌશલે ૧૯૬૫માં બનેલી `શહીદ’ ફિલ્મમાં પણ અભિનય કર્યો અને વિવેચકોએ તેમના અભિનયની ખૂબ સરાહના કરી હતી. તે પછી કામિની કૌશલે રાજેશ ખન્નાની ૧૯૬૯માં બનેલી `દો રાસ્તે’, ૧૯૭૪માં બનેલી `પ્રેમનગર’, ૧૯૭૬માં બનેલી `મહાચોર’ ફિલ્મમાં અભિનય કર્યો હતો. મનોજકુમારે બનાવેલી ફિલ્મો `શહીદ’ અને `ઉપકાર’, `પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦), `શોર’ (૧૯૭૨), `રોટી, કપડા ઔર મકાન’ (૧૯૭૪), `સંન્યાસી’ (૧૯૭૫), `દસ નંબરી’ (૧૯૭૬) અને `સંતોષ’ (૧૯૮૯)માં પણ શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.
કામિની કૌશલે બોલિવૂડના સુવર્ણ યુગના ખ્યાતનામ અભિનેતાઓ જેવા કે દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂર સાથે પણ કામ કર્યું હતું. વધતી ઉંમરે તેમણે ચરિત્ર અભિનેત્રી તરીકે યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. કેટલીક ફિલ્મોમાં તેમણે `મા’નો રોલ પણ કર્યો હતો.
કામિની કૌશલે તાજેતરનાં વર્ષોમાં શાહરુખ ખાનની `ચેન્નઈ એક્સપ્રેસ’ અને શાહીદ કપૂરની `કબીરસિંહ’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
હવે તેમના અંગત જીવનની વાત
દિલીપ કુમારે તેમની બાયોગ્રાફીમાં કબૂલ કર્યું છે કે હું અને કામિની કૌશલ ફિલ્મમાં સાથે કામ કરતાં હતાં ત્યારે મને કામિની કૌશલ માટે આકર્ષણ હતું. મેં કામિની કૌશલ સાથે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ કામિની કૌશલે મારી પ્રપોઝલને ફગાવી દીધી હતી. કામિની કૌશલે એનું કારણ આપતાં અશોક કુમારને કહ્યું હતું કે, `હું ઓલરેડી મેરીડ-પરિણીત છું. મારી મોટી બહેનના અવસાન બાદ તેની બે દીકરીઓની સંભાળ રાખવા મારા બનેવી સાથે પરણી છું.’
કામિની કૌશલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દિલીપ કુમારે કહ્યું હતું કે હું તેમનો પ્રથમ પ્રેમ હતી, પરંતુ હું પરિણીત હોઈ એમ ન થઈ શક્યું, તેથી અમે બંને વિચલિત થઈ ગયાં હતાં. મારી અને દિલીપ કુમાર વચ્ચે સારો રેપોર્ટ પણ હતો, પણ શું કરવું? બસ આ જ જીવન છે. મારે મારી બહેનની દીકરીઓની સંભાળ રાખવાની હતી. હું દિલીપ કુમાર સાથે લગ્ન કરું તો સ્વર્ગમાં હું મારી મોટી બહેનને મોં બતાવવાને લાયક પણ ન રહું. મારા હસબન્ડ પણ એકદમ ઉમદા વ્યક્તિ હતા. તેઓ પણ જાણતા હતા કે શું થયું? દરેક વ્યક્તિ પ્રેમમાં પડે છે પણ…
કામિની કૌશલે માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ દૂરદર્શન પર પપેટ શો રજૂ કર્યા. ૧૯૮૯થી ૧૯૯૧ સુધી તેમણે બાળકો માટેની ખાસ શ્રેણી રજૂ કરી. તેમણે બાળકો માટે કહાનીઓ પણ લખી, જે કેટલાંક સામયિકોમાં પણ પ્રગટ થઈ. તેમણે દૂરદર્શન પરથી પ્રસારિત થયેલી `ચાંદ સિતારે’ નામની શ્રેણી પણ બનાવી. ૧૯૮૪માં બ્રિટિશ ટીવી `સીરિયલ’ ધ જ્વેલ ઈન ધ ક્રાઉનમાં પણ રોલ કર્યો. તે પછી `સ્ટાર પ્લસ’ પર `શન્નો કી શાદી’ નામની લોકપ્રિય સીરિયલમાં પણ કામ કર્યું. આ ઉપરાંત તેમણે શ્રી અધિકારી બ્રધર્સે બનાવેલી દૂરદર્શન માટેની ટીવી સીરિયલ `વક્ત કી રફ્તાર’ સીરિયલમાં પણ કામ કર્યું.
કામિની કૌશલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું: `બહુ ઓછી અભિનેત્રીઓ જેવી કે સરોજા દેવી, ભાનુમતી રામક્રિષ્ન, સોવકર જાનકી, માલા સિંહા, મોસમી ચેટર્જીએ લગ્ન કર્યાં બાદ પણ મારી જેમ જ ફિલ્મોમાં કામ કર્યું અને જબરદસ્ત સફળતા હાંસલ કરી હતી. એટલું જ નહીં પણ આ બધી જ અભિનેત્રીઓએ સુખી દાંપત્યજીવન ભોગવ્યું.’
૧૯૯૦ પછી તેમણે ૧૯૯૩માં `ગુમરાહ’, ૨૦૦૩માં `ચોરીચોરી’ અને ૨૦૧૩માં `ચેન્નાઈ એક્સપ્રેસ’ ફિલ્મોમાં કામ કર્યું હતું.
આજે કામિની કૌશલ આપણી વચ્ચે નથી. કામિની કૌશલને શ્રદ્ધાંજલિ
——————————————————————————————

Be Sociable, Share!