રશિયન ક્રાંતિના સમયે ડો. યુરી ઝિવાગો તોન્યા નામની યુવતી સાથે પરણ્યા હતા. ક્રાંતિકારીઓ દ્વારા ડો. ઝિવાગોને બળજબરીથી એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ કારણે પત્નીથી છૂટા પડી ગયા બાદ તેઓ એક હોસ્પિટલમાં લારા નામની એક નર્સના પ્રેમમાં પડયા હતા. ક્રાંતિ બાદ રાજકીય પરિવર્તન આવ્યા બાદ તેઓ પત્ની તોન્યા પાસે પાછા ફર્યા. જો કે સામ્યવાદી સરકારને ડો. ઝિવાગો કે જેઓ કવિતાઓ પણ લખતા હતા તે પસંદ નહોતી. તેમને ચેતવણી અપાઈ કે, તમે જે કવિતાઓ લખો છો તે સામ્યવાદી સરકારને પસંદ નથી.
આ ચેતવણી આપનાર અધિકારી ડોક્ટર ઝિવાગોનો ભાઈ જ હતો. એણે સરકારની ભાવિ પરેશાનીથી બચવા ડોક્ટર ઝિવાગો, તેની પત્ની તોન્યા, પુત્ર સાશા અને તેના કાકા એલેકઝાન્ડરને મોસ્કોથી દૂર જતા રહેવા સલાહ આપી. જરૂરી પાસ અને દસ્તાવેજો પણ બનાવી આપ્યા.
યુરી ઝિવાગો તેના પરિવાર સાથે પશુઓ માટેની ટ્રેનમાં બેસી બદતર હાલતમાં દસ દિવસ બાદ રશિયાની યુરલ પર્વતમાળાઓ પાસે વેટિકિનો ખાતે આવેલા ગ્રોમેકો એસ્ટેટ જવા નીકળ્યા. રસ્તામાં ટ્રેન ઊભી રહી. ડોક્ટર ઝિવાગો ટ્રેનની બહાર નીકળ્યા. એક ટેકરીની પેલે પાર લાલ ધ્વજવાળી એક વીઆઈપી ટ્રેન આવીને ઊભી રહી. કુતૂહલવશ ડોક્ટર ઝિવાગો તે ટ્રેન જોવા નજીક સરક્યા ત્યાં જ સૈનિકોએ તેની ધરપકડ કરી. એ વીઆઈપી ટ્રેન હતી. ડોક્ટર ઝિવાગો કોઈ કાવતરા માટે એ ટ્રેનની નજીક પહોંચ્યો હોવાની શંકાથી આખી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એકમાત્ર બોલ્શેવિક કમાન્ડર સ્ટ્રેલનિકોવ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ડોક્ટર ઝિવાગો સ્ટ્રેલનિકોવનેજોતાં જ ઓળખી ગયા કે કમાન્ડર સ્ટ્રેલનિકોવ બીજો કોઈ નહીં, પરંતુ લારાનો પતિ પાશા છે. સ્ટ્રેલનિકોવ ઉર્ફે પાશાએ કડકાઈથી પૂછપરછ કરી, પણ ડોક્ટર ઝિવાગો નિર્દોષ હતા. છેલ્લે તેમને ચાલ્યા જવાની અનુમતિ આપતાં કમાન્ડર સ્ટ્રેલનિકોવ ઉર્ફે પાશાએ કહ્યું : “હવે અમારે કોઈ અંગત જીવન નથી. લારા જીવે છે અને યુરિઆતીન નામના શહેરમાં રહે છે.”
ડોક્ટર ઝિવાગો સ્ટ્રેલનિકોવના ગુસ્સાથી બચી તેમની ટ્રેન તરફ દોડયા અને ઝડપથી કેટલ ટ્રેનમાં ચડી ગયા. કેટલાક કલાકોની મુસાફરી બાદ ટ્રેન એક સ્થળે ઊભી રહી. દૂરના એક ખેતરના નાનકડા ઘરમાં પરિવાર રહેવા લાગ્યો. તોન્યા ફરીવાર સગર્ભા બની. તે દરમિયાન નજીકમાં જ આવેલા યુરિઆતીન નામના શહેરમાં ડોક્ટર ઝિવાગોએ લારાની ખોજ આદરી. લારા મળી આવી. તે તેની દીકરી સાથે એક ઘરમાં રહેતી હતી. ફરી એક વાર લારા અને ડોક્ટર ઝિવાગો એકબીજાને ચાહવા લાગ્યા. ડોક્ટર જીવાગો લારાને મળીને જ્યારે પણ ઘરે આવે ત્યારે પત્ની તોન્યા પણ અપલક નજરે પતિને જોઈ રહેતી. અલબત્ત, તે પત્ની તોન્યાને પણ એટલું જ ચાહતો હતો.
એક દિવસ ડોક્ટર ઝિવાગો લારાને મળી તેના ખેતરના ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ બોલ્શેવિક ગેરિલા સ્ક્વોડના સૈનિકોએ તેમનું અપહરણ કરી લીધું. ડોક્ટર ઝિવાગોને જંગલમાં લઈ જતાં કહ્યું : “યુદ્ધભૂમિ પર અમારે ડોક્ટરની જરૂર છે.”
ડોક્ટર ઝિવાગોએ ગેરિલા સૈનિકોને કહ્યું : “મારી પત્ની ગર્ભવતી છે. તેને મારી સખત જરૂર છે.”
પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. રશિયાની કાતિલ ઠંડીમાં અને બરફના તોફાનમાં ગેરિલા સૈનિકો નાનાં નાનાં બાળકોને મારતા રહ્યા. બીજી બાજુ બરફથી છવાયેલા રણમાં સૈનિકો પણ મરવા લાગ્યા. એક દિવસ ડોક્ટર ઝિવાગોએ હતાશા અને થાકી ગયેલા સૈનિકોનો સાથ છોડી દીધો. બરફથી છવાયેલ વિરાટ ભૂમિ પર ફાટેલા કોટ સાથે તેઓ તોન્યા-તોન્યા પોકારતા ઘરે આવવા નીકળ્યા. ઘર છોડયાને, પત્નીને જોયાને હવે બે વર્ષ થઈ ગયા હતા. ખેતરના ઘરમાં કોઈ નહોતું. હા, યુરિઆતીનમાં રહેતી લારા ડોક્ટર ઝિવાગોને મળી. પૂરા છ મહિના પછી લારાએ એક પત્ર બતાવતાં કહ્યું : “તમારા અપહરણ બાદ એક દિવસ તમારી પત્ની તોન્યાનો મારી પર પત્ર આવ્યો હતો. તોન્યા, તમારી દીકરી અને તોન્યાના પિતાને દેશનિકાલ કરવામાં આવ્યાં છે. તેઓ પેરિસ ચાલ્યાં ગયાં છે. તોન્યા તમને શોધવા અહીં આવી હતી, પણ હવે તે રશિયામાં નથી.”
આ વાત સાંભળી ડોક્ટર ઝિવાગો દુઃખી થઈ ગયા. તે હવે લારા સાથે જ રહેવા લાગ્યા. એવામાં એક રાત્રે અગાઉ લારા પર બળાત્કાર કરનાર અને લારાની માતા સાથે પણ સંબંધ રાખનાર વિક્ટર કોમારોવલસ્કી લારાના ઘરે આવી પહોંચ્યો. તે હવે તેની રાજકીય વગથી સોવિયત રશિયાના સાઈબીરિયા સ્ટેટનો મિનિસ્ટર ઓફ જસ્ટિસ બની ગયો હતો. એણે લારા અને ડોક્ટર ઝિવાગોને કહ્યું : “ડોક્ટર ઝિવાગો ક્રાંતિકારીઓની વિરુદ્ધ કવિતાઓ લખતા હોઈ તમારા બંને પર સામ્યવાદી સરકારની નજર છે. બહેતર છે કે, તમે બંને રશિયા છોડી દો. હું તમને મદદ કરીશ.”
લારા અને યુરી ઝિવાગોએ રશિયા છોડી દેવા ઇનકાર કર્યો, પરંતુ એમણે એ શહેર છોડી દીધું અને ભયંકર બરફથી છવાયેલા નિર્જન વેરિઆન્કો એસ્ટેટમાં બનેલા એક જૂના મકાનમાં રહેવા જતાં રહ્યાં. કાતિલ ઠંડીમાં જંગલી વરુઓ સિવાય આસપાસ કોઈ નહોતું. બરફથી ઢંકાઈ ગયેલા એ મકાનને સાફ કર્યું અને લારા, ડોક્ટર ઝિવાગો અને લારાની પુત્રી ત્યાં રહેવા લાગ્યાં. ડોક્ટર ઝિવાગોએ અહીં પણ લારા-કાવ્યો લખવા માંડયાં. જે ભવિષ્યમાં તેને પ્રસિદ્ધ તો બનાવી શકે તેમ હતા, પણ સામ્યવાદી સરકારને નારાજ પણ કરી દે તેવાં હતાં.
એક દિવસ લારા અને ડોક્ટર ઝિવાગોને શોધતો વિક્ટર કોમોરોવસ્કી ફરી અહીં આવી ચડયો. એણે લારાને જાણ કરી : “તારો પતિ પાશા ઉર્ફે કમાન્ડર સ્ટ્રેલનિકોવ મૃત્યુ પામ્યો છે. સરકાર તેનાથી નારાજ હતી. તેને ફાંસી અપાય તે પહેલાં જ તેણે આપઘાત કરી લીધો છે. લારા, તું જનરલ સ્ટ્રેલનિકોવની પત્ની હોઈ એ લોકો તને પણ શોધી રહ્યા છે. તારા જીવન માટે ભય છે.”
ડોક્ટર ઝિવાગોએ લારાને વિક્ટર કોમારોવસ્કી સાથે જવા અને આ સ્થળ છોડી દેવા સલાહ આપી અને કહ્યું : “તું અત્યારે આ સ્થળ છોડી દે, હું પાછળથી તને મળીશ.” લારા અનિચ્છાએ મનમાં ભારોભાર દુઃખ સાથે ડોક્ટર ઝિવાગોને ત્યાં જ રહેવા ગઈ અને તેને ના ગમતા માણસ એવા વિક્ટર કોમારોવસ્કતી સાથે કોઈ અનજાન જગ્યાએ જવા ચાલી ગઈ.
ડોક્ટર ઝિવાગો પણ હવે મોસ્કોમાં રહેવા ગયા. લારા ક્યાં છે તેની તેમને ખબર નહોતી. પત્ની ક્યાં છે તેની તેમને ખબર નથી. પુત્ર ક્યાં છે તેની તેમને ખબર નહોતી. હતાશ ડોક્ટર ઝિવાગોનું સ્વાસ્થ્ય પણ કથળવા લાગ્યું હતું. મોસ્કોમાં એકલતા દૂર કરવા એક સ્ત્રી સાથે રહેવાનું શરૂ કર્યું, પરંતુ પ્રેયસી લારા અને પત્ની તોન્યા ગુમાવ્યાનું દુઃખ કદી ના ભૂલાયું ! એણે કવિતાઓ લખવાનું ચાલુ રાખ્યું. એ વખતે રશિયામાં સ્ટેલિનના યુગની શરૂઆત થઈ ચૂકી હતી. યુરી ઝિવાગો હજુ લારાને મોસ્કોમાં શોધતાં અહીંતહીં ભટકી રહ્યા હતા. એક દિવસે એમણે મોસ્કોની ટ્રામમાં મુસાફરી દરમિયાન રસ્તા પર ચાલતી જઈ રહેલી લારાને જોઈ. ખરાબ સ્વાસ્થ્ય છતાં તેઓ ટ્રામમાં ઊતરી જઈ તેની પાછળ દોડયા. તેઓ લારાની પાછળ પાછળ જવા લાગ્યા, પરંતુ એ જ વખતે યુરી ઝિવાગોને હૃદયરોગનો હુમલો થયો. તેઓ હૃદયને દબાવી રાખી મોસ્કોના સ્ક્વેરમાં જ પટકાઈ પડયા. દૂરદૂર ચાલી રહેલી લારાને ખબર જ ના પડી કે તેનાથી કેટલાંક પગલાં દૂર તેના પ્રેમી યુરી ઝિવાગોનો મૃતદેહ પડયો છે. લોકો દોડી આવ્યા, પણ આ ઘટનાથી અજાણ લારા ચાલતી જ રહી.
અલબત્ત, ડોક્ટર ઝિવાગોની કવિતાઓ હવે સ્ટેલિન સરકાર આવતાં પ્રગટ થઈ ચૂકી હતી. ઘણા લોકોએ તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપી, લારાએ પણ. ડોક્ટર ઝિવાગોના ઓરમાન ભાઈ યેવગ્રોફ ઝિવાગો લશ્કરમાં જનરલ હતા. લારાએ ડોક્ટર ઝિવાગોના ઓરમાન ભાઈને જાણ કરી કે એણે યુરી ઝિવાગોથી થયેલી એક પુત્રીને જન્મ આપ્યો હતો, પણ તે યુરલમાં જ અરાજકતા દરમિયાન તે મારાથી છૂટી પડી ગઈ છે. તેથી મારી અને યુરી ઝિવાગોની દીકરીને શોધવામાં મદદ કરો.”
અલબત્ત, જોસેફ સ્ટેલિનના શાસનકાળ દરમિયાન સાફસૂફીના નામે લારાની ધરપકડ કરવામાં આવી અને તે કોઈ અજાણ્યા સ્થળે લેબર કેમ્પમાં અદૃશ્ય થઈ અથવા મૃત્યુ પામી. આ ઘટનાનાં વર્ષો બાદ યુરી ઝિવાગોના ઓરમાન ભાઈ જનરલ યેવગ્રોફે એક વિશાળ બંદર પર કામ કરતી એક યુવતીને શોધી કાઢી. એને જનરલની ઓફિસમાં બોલાવવામાં આવી. એનું નામ તાન્યા હતું. તે જનરલથી ડરી રહી હતી. જનરલે તાન્યાને તેની માતાનું નામ પૂછયું : તે બોલીઃ “મમ્મી.”
જનરલે તાન્યાને ડોક્ટર ઝિવાગોએ લખેલી કવિતાઓવાળું પુસ્તક બતાવ્યું, જેમાં લારાની તસવીર હતી. તાન્યાના ચહેરાના ભાવ વાંચવા જનરલે પ્રયાસ કર્યો. કાંઈ જ સમજાય તેવું નહોતું, પણ તાન્યા પાસે બેલેલાઈકા નામનુંએક સંગીતવાદ્ય હતું. જનરલે પૂછયું : “તું આ સંગીતવાદ્ય વગાડતાં કેવી રીતે શીખી ?”
જનરલ યેવગ્રોફને યાદ આવી ગયું કે, “આ એ જ સંગીતવાદ્ય છે જ્યારે તેનો ઓરમાન ભાઈ યુરી ઝિવાગો નાનો હતો ત્યારે માતાએ મૃત્યુ પામતાં પહેલાં આપ્યું હતું અને એ જ સંગીતવાદ્ય લારા પાસે હતું અને હવે તેવું જ સંગીતવાદ્ય તાન્યા પાસે છે.”ળ
જનરલ યેવગ્રોફને ખ્યાલ આવી ગયો કે, ડેમ પર કામ કરતી યુવતી- તાન્યા તેના ભાઈ ડો. યુરી ઝિવાગો અને લારાની જ પુત્રી છે.
જનરલ યેવગ્રોફના ચહેરા પર હવે સ્મિત છે અને તેણે તાન્યાને કામ પર જવાની અનુમતી આપી.
– દેવેન્દ્ર પટેલ



