Close

બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી

કભી કભી | Comments Off on બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી
ઉનાળાનોે દિવસ જેટલો આકરો એટલી જ મીઠી રાત.
ફાગણ વહી ગયો ને ચૈત્ર આવ્યો. કૂવાવાળા ખેતરોમાં વાવેલા ઘઉં  પણ પાકીને હવે તૈયાર થઈ જતાં લીલોતરી નષ્ટ થઈ  હતી. પેલા રૂમાલે તો લણણી કરીને ખળામાં ઊપણવાનીયે તૈયારી કરી લીધી હતી. નહીં નહીં તોયે ચાર મણ ઘઉં થશે એવી એની ગણતરી હતી. આમેય કેટલાયે દિવસોથી તે ખળામાં જ એક ખાટલી નાખી પડી રહેતો. કહોને કે હોળી પછી તો ઘેર સૂવા ગયો જ નથી. ખુલ્લા અફાટ નીલરંગી આકાશ નીચે ખાટલી ઢાળીને સૂવામાં જે મજા છે તે મજા રૂમાલને નળિયાંવાળા છાપરા હેઠળ ચાર દીવાલો વચ્ચે પુરાઈ રહેવામાં  નહોતી જણાતી… ચાર પાઈ પર સૂતાં સૂતાં શીતલ પવનની લહેરોની હળવી રમઝટ માણવાની કે એકલા એકલા એકતારાનું ભજન લલકારવાની જે તક ખળામાં મળતી તે ઘરના ખાટલામાં એને સાંપડતી નહીં.
રોજ તો મથુર અને ધૂળો પણ ખળે આવતા ને રોજ અડધી અડધી રાત સુધી ટોળટપ્પાં મારતા. પણ આજ બેમાંથી એકેય ફરક્યુંું નહીં. રૂમાલે પછેડીનું ઓશીકું કરી અનંતમાં નજર સેરવી દીધી.
અચાનક દૂર દૂરના ખળેથી કો’કના ગાવાનો સૂરીલો અવાજ તરફ આવી રહેલી હવાની સાથે ખેંચાઈ આવ્યો. રૂમાલે એના શબ્દો સમજવા કાન સરવા કર્યા. હાથમાં સળગતી બીડી પણ હાથ ખાટલાની ઈસ પર ઢળેલી રહી  જતાં
બુઝાઈ ગઈ.
શબ્દો કંઈક આવા હતા ઃ
‘વાયદા તમારા ખોટા વાલમાં !
વાયદા તમારા ખોટા.
વાટ જોઈને થાક્યાં વાલમાં !
જીવ કોઠે આઈ અટક્યો વાલમાં !
વાયદા તમારા ખોટા.
આશા નથી અમે મેલવાનો વાલમા !
વાયદા તમારા ખોટા…’
અને એ ગીત તો આગળ ચાલતું રહ્યું પરંતુ રૂમાલના ગળે વાયદાની એ વાત ગળામાં ઘૂંટાવા લાગી. થાકેલી આંખો અનંત આભલાનેે ભેદી દૂર દૂર  ઊતરી ગઈ. કેટલીયે ક્ષણો સુધી એ સૂનમૂન થઈ પડી રહ્યો.  ખોટા વાયદા સામેની ફરિયાદનું એ ગીત તો હવામાં હજુયે ગુંજતુંં રહ્યું.પણ રૂમાલના મન પર પોતે આપેલા વાયદાની વાત ગૂંચવાળા લઈ રહી.
રૂમાલને અચાનક યાદ આવ્યું ઃ ‘ઠેઠ હોળીના દનથી હું ઘેર નથી ગયો.નહીં નહીં તોયે મહિનો વીતી ગયો. બાપડી રેશમને મે નાહક દુઃખ દીધું. મારા વગર ભાણામાં હાથ ના ઘાલતી એ સ્ત્રીની શી દશા હશે ? મારા વગર આંખ.
ના ઉઘાડતી રેશમે રોઈ રોઈને આંખો રાતીચોળ કરી હશે ! સાંજ પડેનેે બારણે હાથ દઈ વાટ જોઈ જોઈ એના પગે લોહી પણ ઊતર્યું હશે !’
‘ના… પણ એણેય મને કેટલો બધો ખીજવ્યો હતો ? વાંક મારો નહીં, એનો હતો.’ પોતાના જ મન સાથે તે સામે દલીલ કરી રહ્યો.
તે મનોમન બોલતો રહ્યો ઃ ‘વાંક ? વાંકની વાત તો બાજુ પર રહી, પરંતુ અલ્યા તારે એટલો તે વિચાર કરવો તો કે એ બૈરું માણસ છે. ગમે તેવો પણ તું આદમી અને એણી બાપડી પોયણા જેવી બઈ આટઆટલા દનનાં રૂસણાં સહી શકે ખરી ? ‘
બૈરું  એટલે શું થઈ ગયું !  ખબર તો છે કે આપણો ક્રોધ ખરાબ છે…પૂછડું પકડયું  હોય તે તૂટી જાય તોય મેલું નહીં…’
‘એમાં શા કાંદા કાઢયા ભઈ તમે ! આખા મહિના દાડાથી સીમમાં ભટક્યા કરવું પડે છે. વટના માર્યા ગાજરાં ખાવાં પડે છે એ નથી ખબર ! રેશમ ભાથું  લઈ ન આવે એવા સમ ખવરાઈને એનું મોં જોવાનુંયે બંધ કરી દીધું… ગાંડા ! એક ભાણામાં જમનારા બે જીવ જુદી થાળીઓમાં કેમ ખાઈ શકે?’
રૂમાલનો જીવ અકળાયો. આટલા બધા દિવસ સુધી ઝઘડો ચલાવ્યા બાદ પહેલી જ વાર એણે લાગણીભીનું મનોમંથન અનુભવ્યું. એક નજીવી બાબતમાં નાહક આટલું લાંબું આદરીને એણે જ એક ભૂલ કરી છે એમ તે અનુભવી રહ્યો. રૂમાલની આંખો સમક્ષ રેશમ તરવરવા લાગી. લીંબુની ફાડ જેવી મોટી મોટી પણ અણિયાળી આંખો, સદાય ધ્રૂજતા હોઠ, શ્યામ ચહેરો જાણે કે સરોવરની ગંભીરતા અને એ બધામાંથી નિપજતું મારકણું સૌંદર્ય શાયદ આખા ગામને ઘેલું લગાડનાર હતું.
 રૂમાલે તો ઘણીવાર કહેલું ઃ ‘રેશમ ! તારી સુંવાળી કાયા જોેઈને મને તારી દયા આવે છે !’
કેમ ?’  ઃ રેશમે પૂછેલું.
રૂમાલ હસીને કહેતો ઃ ‘કાચ ઉપર પથરો ઘસાય તો લીટા જ પડે ને !’
રૂમાલને કોણી મારતાં બોલી ઊઠતી.
‘લાજી મરો લાજી… તમે તો દિવસે દિવસે ખરાબ થતાં જાવ છો !’
એના જવાબમાં રૂમાલ રેશમને છેડી બેસતો. ત્યારે રેશમ પણ મીઠો કટાક્ષ  કરતી ઃ ‘છેટો રહે પથરા… લીટા પડશે…’
‘લીટા જ પડશે ને? તૂટી તો નહીં જાય ને?’
‘તમારા લોકોના તે કાંઈ ભરોસો ? તમારી ટેવ હું ક્યાં નથી જાણતી ?’
રેશમ કશુંક મીઠું સંભારણું યાદ કરતી બોલતી અને…  ‘ઓહ !’ રૂમાલ વધુ ને વધુ આર્દ્ર થતો ગયો. ‘મારે ઘેર જવું જ જોઈએ… મને જોતાં જ બિચારી રેશમ કેટલી ખુશ થઈ જશે…!’ પણ આ ઘઉં હવે તૈયાર થઈને ખળે પડયા છે એનું રખવાળું કોણ કરશે ?
‘કરશે ઉપરવાળો… અને આખા મહિનાથી મારો અડ્ડો અડી ખળામાં  એ વાત આખી સીમ જાણે છે એટલે કંઈ અહીં આવવાની હિંમત પણ નહીં કરી શકે… ઊઠ જીવ. જે થવાનું હશે તે થશે… પણ મારાથી હવે એ બિચારીને વધુ દુઃખ નહીં અપાય.’ મનમાં ગાંઠ વાળતો રૂમાલ બેઠો થયો.
બે આંગળીઓ વચ્ચે ભરાઈ રહેલી બીડી એણે ફરી સળગાવી. રાત હવે જામતી જતી હતી. તમરાંઓનો અવાજ ઠીક ઠીક પ્રભુત્વ જમાવતો હતો. રૂમાલે પગમાં જોડા પહેર્યા અને ભરેલું ખળું ભગવાનને આશરે છોડી ગામ ભણી પગ ઉપાડયા.
પગ તો ઉપાડયા પણ હૈયામાં કચવાટ હતો. જૂઠા પડી ગયેલા પગ જાણે કે યંત્રવત્ ચાલતા હતા. તે ચાલતો હતો છતાં પોતે એવું કશું જ અનુભવતો ન હોય અથવા તો સજાગ ન હોય એમ તેને લાગતું હતું.
રેશમ એના પિયર ગયેલી. બે દહાડામાં જ પાછા આવવા માટે રૂમાલે કહેલું. પણ ખાસ્સા આઠ દહાડા રહીને તે પાછી આવેલી… ધૂંઆપૂંઆ થયેલાં રૂમાલે એને ધમકાવી નાખી. ન કહેવાનું કહી નાખ્યું. પિયરિયાંનો સ્વમાનભંગ
થતાં રેશમે એવું ન બોલવા રૂમાલને વિનંતી કરી એટલે રૂમાલ વધુ તાણમાં આવ્યો. વાત વધી પડી અને ઉશ્કેરાટમાં તે મનમાં ગાંઠ વાળી ખેતરમાં ચાલ્યો ગયો અને તે દિવસથી ઘેર જ ના ગયો.
‘પણ મને એમના વગર ફાવતું નહોતું માટે મેં એમને ત્રણ દિવસમાં પાછા આવવા કહ્યું હતું ને !’ રૂમાલ બબડી રહ્યો ઃ ‘આ તો વાતતું વતેસર થઈ ગયું… મારું તો મન કહે છે કે રેશમની માફી માગી લઉં.’
એણે પગ ઝડપથી ઉપાડયા. ગામની વચ્ચોવચ્ચ ફળિયામાં છેવાડે એનું ઘર હતું. કૂતરાંયે જંપી ગયાં હતાં. આટલા દિવસ ખેતરે રહેવાથી જાણે કે પરગામ જઈ આવ્યો હોય એવા ભાવ તે અનુભવી રહ્યો.
ધીમે રહીને એણે સાંકળ ખખડાવી.
‘કોણ ?’
‘હું છું… બારણું ખોલ.’
અવાજ પરખાઈ ગયો હોય એમ ત્વરાથી બારણું ઊઘડયું. અંદર દીવો જલતો હતો. ચીમનીની રોશનીમાં સામે ઊભેલી સ્ત્રીનો ચહેરો જોતાં જ તે ચમક્યો. ઘડીભર શું કરવું તે સૂઝયું નહીં… એની સામે ઊભેલી તે રેશમ નહીં
પણ ગંગા હતી. ગંગા એની બીજી વારની પત્ની હતી. રેશમને મર્યે તો કેટલાંક  વરસો વીતી ગયાં. ખોટા વાયદાનું પેલું ગાણું સાંભળતાં એની સાથે સંકળાયેલો પેલો રૂસણાનો પ્રસંગ રૂમાલને આજે યાદ આવી ગયો. આજની જેમ
જ તે પસ્તાવો કરતો પાછો ઘેર આવ્યો હતો. તે દિવસે બારણામાં રેશમ ઊભી હતી,  આજે ગંગા ઊભી છે.
મૌન બની ગયેલા રૂમાલને જોઈ ગંગા સહેજ ગભરાઈ ઊઠી ઃ ‘તમારી તબિયત તો ઠીક છે ને ?’
રૂમાલ ગંગાને બાઝી પડયો. એના મનમાં થયું ઃ ‘હે ભગવાન ! રેશમને તો તેં લઈ લીધી….. પણ ગંગાને તો ના જ લઈ લેતો… આ બાપડીય એમના જેવી જ વીલા કાળજાની છે.’
ગંગા વેલીની જેમ રૂમાલને લપેટાઈ ગઈ. એનાથી રૂમાલનો આજનો ધોધભર્યો પ્રેમ ઝીલવો મુશ્કેલ હતો. એનું રહસ્ય પણ એને સમજાતું નહોતું.
બારણું હજુ ખુલ્લું હતું, પણ પવનની ઝપેટમાં અંદરની ચીમની આપમેળે બુઝાઈ ગઈ.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!