ટેલિવિઝન પરના ‘રિયાલિટી ‘શો’ની આ નાયિકાને માત્ર બ્રિટન જ નહીં પરંતુ આખું હિંદુસ્તાન ઓળખે છે. અલબત્ત વંશીય ટીપ્પણીઓના કારણે વિવાદમાં આવી જનાર ગુડી કેન્સરગ્રસ્ત હતી અને વિશ્વભરના ટીવી ન્યૂઝ કેમેરા સમક્ષ તેની જિંદગીનો અંતિમ ‘રિયાલિટી શો’ ભજવી રહી હતી. ગુડી અંતિમ શ્વાસ લઈ રહી હતી. ગુડી લંડનની એક હોસ્પિટલના બીછાનામાં હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે ટૂંક સમયમાં આ જગતને અલવિદા કહી દેશે. રિયાલીટી શોની આ અભિનેત્રીએ જિંદગીની તેની અંતિમ ક્ષણો પણ ગ્લોબલ મીડિયા સમક્ષ જ પસાર કરી લેવા માંગતી હતી પરંતુ ડૉક્ટરો હવે કોઈનેય મળવા દેતા નહોતા. હોસ્પિટલના ખંડમાં તે એકલી જ હતી. ગુડી મૃત્યુ પામે એ પહેલાંની રાત્રે ડૉક્ટરોએ એક માત્ર તેના પતિ જેક ટ્વીડને જ ગુડી સાથે રહેવા પરવાનગી આપી હતી.
હિંદુસ્તાનના લોકો જેડ ગુડીને એટલા માટે જાણે છે કે લંડનથી પ્રસારિત થતા ‘બિગ બ્રધર’ રિયાલિટી શો માં જેડ ગુડીએ ભારતીય અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ‘પાકી’, ‘કૂતરી’ અને ‘ડર્ટી ઈન્ડિયન’ કહી હતી. ગુડીના આ શબ્દોથી શિલ્પા શેટ્ટી રડી પડી હતી. એણે રિયાલિટી શો છોડી દીધો હતો. આખા ભારતમાં જ નહી પરંતુ બ્રિટનમાં પણ ગુડીના એ વિધાનોનો વિરોધ થયો હતો. દર્શકો ઘટી જવાની બીકે ‘બિગ બ્રધર’ રિયાલિટી શો ના એક સ્પોન્સર ખસી પણ ગયા હતા અને છેવટે રિયાલિટી શો ના નિર્માતાએ માફી પણ માંગી હતી..
એ પછી ભારતમાં પણ એક ટીવી ચેનલે ‘બિગ બોસ” નામનો રિયાલિટી શો શરૂ કર્યો હતો. જેડ ગુડી તેમાં ભાગ લેવા ઈન્ડિયા આવી હતી. ભારતમાં આવવાના થોડા દિવસમાં જ તે બીમાર પડી હતી. શિલ્પા શેટ્ટી સામે પગલે ગુડીને મળવા ગઈ હતી. પરંતુ ગુડીને કેન્સર હોવાનું નિદાન થયું હતું.
જે અભિનેત્રીએ ભારતીય એક્ટ્રેસનું અપમાન કર્યું હતું તે જ ભારતમાં જેડ ગુડીને પ્રેમ અને સહાનુભૂતિ મળ્યાં હતાં. કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે જેડ ગુડી રિયાલિટી શો માં ભાગ લેવાનું છોડી લંડન પાછી જતી રહી હતી. ત્યાં તેને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી. કિમોથેરાપીના કારણે ગુડીના માથાના વાળ પણ ઊતરી ગયા હતા. છતાં આખી દુનિયાની ન્યૂઝ ચેનલો સમક્ષ તે છવાયેલી રહી. એક્ટિંગના કારણે નહીં પરંતુ મૃત્યુથી ડર્યા વગર હિંમતપૂર્વક મોતનો સામનો કરવા તે તૈયાર થઈ ગઈ હતી તે માટે દુનિયા તેને યાદ કરશે.
જેડ ગુડીને બ્રિટનના લોકો અનેક રીતે યાદ કરે છે. ‘બિગ બ્રધર’ના શો દરમિયાન તે ખૂબ દારૂ પી ગઈ હતી અને નગ્ન થઈ ગઈ હતી. આવાં દૃશ્યો બતાવાતાં ગુડીએ ‘પીઠ પાછળના ખંજર’ તરીકે શોને વર્ણવ્યો હતો. રિયાલિટી શો દરમિયાન એક સાથી સાથે તેણે સેક્સ માણી હોવાનો પણ આક્ષેપ થયો હતો. એ પછી યુરોપનાં ગોસિપિંગ મેગેઝિનોમાં તે ચમકતી રહી હતી.
‘બિગ બ્રધર’ રિયાલિટી શો માં આવતાં પહેલાં જેડ ગુડી બ્રિટનના એસેક્સ વિસ્તારમાં અપશાયર નામના ગામમાં રહેતી હતી. તેના પિતા ડ્રગ એડિક્ટ હતા. ક્રિમિનલ પણ હતા. ચોરીના આરોપસર ચાર વર્ષ જેલમાં પણ રહ્યા હતા. એ પછી ગુડીના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. થોડા વખતમાં જ ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેના પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. દરમિયાન ગુડી એક ટીવી પ્રેઝન્ટરના સંપર્કમાં આવી હતી. એ પછી તે જેક ટ્વીડની મિત્ર બની ગઈ હતી. તે પણ ‘બિંગ બ્રધર’ શો માં કામ કરતો હતો. થોડાક ઝઘડા બાદ બેઉ પરણી ગયા હતાં અને એ પછી આ ગૂગલે એક મેગઝીન માટે ૭૦૦,૦૦૦ પાઉન્ડનું એક ડીલ કર્યું હતું. આ ડીલમાં એટલું જ હતું કે તેમના લગ્નની તસવીર તે મેગેઝિનમાં છાપવા દેવી. એ પછી એણે ‘બિગ બધર’ રિયાલિટી શો માટે કામ કર્યું. પરંતુ વિવાદાસ્પદ જેડે ગુડી જ્યારે ભારત આવી ત્યારે જ તેનું કેન્સર એડવાન્સ સ્ટેજમાં હોવાનું જણાયું હતું.
લંડનની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જેડ ગુડીએ કહ્યું કે ‘મને કેન્સર છે તે મારા બાળકોને કહેશો નહીં.’ પરંતુ બીજી બાજુ તેનું કેન્સર ગર્ભાશયના મુખથી આગળ વધીને લીવર સુધી પહોંચી જતાં ડૉક્ટરાએ કહી દીધું કે ‘હવે જેડ ગુડીને બચાવવી મુશ્કેેલ છે.’ જેડ ગુડીને પણ આ વાતની જાણ કરી દેવામાં આવી.
લંડનની રોયલ માર્સડન હોસ્પિટલમાં જ માંદગીના બિછાનેથી ગુડીએ બે પુત્રોના ભવિષ્ય માટેનું પ્લાનિંગ કરવાની શરૂઆત કરી દીધી. તા.૭મી માર્ચે તેના બંને પુત્રોને ખ્રિસ્તી ધર્મની વિધિ કરી દેવામાં આવી. બસ એ દિવસ જ તેનો છેલ્લો પબ્લિક અપિયરન્સ હતો. તેનો એક પુત્ર ચાર વર્ષનો અને બીજોે પુત્ર પાંચ વર્ષનો છે.
જેડ ગુડી બોલી હતી ઃ ‘હું મૃત્યુથી ગભરાતી નથી. હું સ્વર્ગ અને આત્માઓમાં માનું છું.’ એથીયે આગળ વધીને એણે મેસેજ મિત્રો સુધી મોકલ્યોઃ ‘બધા ઘેર જાવ અને તૈયાર થઈને આવો. આજે રાત્રે આપણે મારી વિદાયની મોટી પાર્ટી કરવાની છે. તમે બધા તમારા ચહેરા પર સ્મિત લાવો. બધા મેઈકઅપ કરીને આવો.’
ગુડી આ વાત તેને સારવાર આપતા ડૉકટરોને અને નર્સોને કહી રહી હતી ત્યારે બધા આૃર્યમાં પડી ગયા. છેવટે નાનાં બાળકોને પણ લાવવામાં આવ્યાં. બાળકો ફૂલોના બુકે લઈને આવ્યાં. બાળકોને જોેઈ ગુડી બોલીઃ ‘એન્જલ્સ મને બોલાવે છે. બેટા, તમારી મમ્મી સ્વર્ગમાં જઈ રહી છે. હું ઉપર આકાશમાં પણ એક સ્ટાર બનીશ. તમે જ્યારે રાતના અંધારામાં આકાશમાં જોેશો ત્યારે તમે મને જોેઈ શકશો. અને હું પણ તમને જોેતી હોઈશ.’
જેડ ગુડીના નાનાં બાળકો બોબી અને ફ્રેડી રડી પડયાં.
આમ છતાં ગુડીની ઈચ્છા અનુસાર પાર્ટીનું આયોજન થયું. બીગ બ્રધર સિરિયલના બધા જ સ્ટાર હાજર રહ્યા. બધાંની હાજરીમાં પતિએ તેને સહેજ ઊંચકીને કીસ કરી અને ગુડી ફરી ઊંઘી ગઈ.
અને તે પછી ગુડીએ ખાવાનું છોડી દીધું. પાણી પણ પીવાનું છોડી દીધું. તેના પતિને અને મિત્રોને તેની અંતિમક્રિયા માટે તૈયારીઓ કરવાની પણ સૂચના આપી દીધી.
ગુડી હવે છેલ્લા શ્વાસ લઈ રહી છે તેવી ખબર પડતા શિલ્પા શેટ્ટી લંડન પહોંચી પરંતુ ગુડી હવે અર્ધબેભાન હતી. તે કોઈને ઓળખી શકતી નહોતી. શિલ્પાને હોસ્પિટલમાં ગુડીને મળવાની પરવાનગી ના મળી.
એ પછી અંતિમક્રિયા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ. પાદરી પણ મુલાકાત લઈ ગયા. ગુડી ભાનમાં હતી ત્યારે જ તેણે તેની અંતિમક્રિયા માટેની સભાનતાપૂર્વક તૈયારીઓ કરી દેવરાવી.
રોયલ વિન્ડસર જંગલમાં હાલમાં ઉગતા ઓકના વૃક્ષોનાં લાકડાંમાંથી બનેલું કોફીન પણ તેણે ઓર્ડર કરી દેવરાવ્યું. મૃત્યુ પછી સાત બ્લેક મોટરકારોના કાફલાની પણ વ્યવસ્થા એણે જ ગોઠવી દીધી. લંડનની હોસ્પિટલમાંથી તેના મૃતદેહને એસેક્સ ખાતેના ગામના ચર્ચ યાર્ડમાં લઈ જવાની પણ એણે જ સૂચના આપી દીધી. જે કારમાં એના કોફીનને લઈ જવાનું નક્કી કરાયું તે રોલ્સરૉય કાર પણ પસંદ કરી લેવાઈ. બ્રિટનનાં મહારાણીનાં માતા મૃત્યુ પામ્યાં તે વખતે પણ આ જ મોટરકારનો અંતિમક્રિયા માટે ઉપયોગ થયો હતો. આ રોલ્સરોય કાર કોઈ જમાનામાં બ્રુુનેઈના સુલતાનની માલિકીની હતી. ગુડીએ અગાઉથી જ સૂચના આપી રાખી છે કે ‘મારા મૃત્યુને પણ એક સેલિબ્રેશનની જેમ ઉજવજોે.’ મેં હંમેશા મારા જીવનની વાત કરી છે. હવે હું મારા મૃત્યુની વાત કરું છું. હું હંમેશા કેમેરા સામે જીવી છુ. અને હવે કેમરા સામે જ મૃત્યુ પામવા માગું છું. મારા મૃત્યુ વખતે મારા બાળકો હાજર રહેવા ના જોેઈએ. તેઓ મને મૃત્યુ પામતી જુએ તેમ હું ઈચ્છતી નથી.
અને આ રીતે તા.૨૨ માર્ચ, ૨૦૦૯ના રોજ જેડ ગુડીએ બહાદુરીપૂર્વક દુનિયાને અલવિદા કહી દીધી.
મૃત્યુને પણ મહોત્સવમાં પલટી નાંખવાનું કોઈ જેડ ગુડીપાસેથી જ શીખે.
– દેવેન્દ્ર પટેલ




