Close

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. હેડીંગ-ગીતા મારું હૃદય છે, ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા મારું અતિ ઉગ્ર જ્ઞાન છે, ગીતા મારું પરમ રહસ્ય છે.

કભી કભી | Comments Off on ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. હેડીંગ-ગીતા મારું હૃદય છે, ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા મારું અતિ ઉગ્ર જ્ઞાન છે, ગીતા મારું પરમ રહસ્ય છે.
ગુજરાતની શાળાઓમાં બાળકોને હવે શ્રીમદ ભગવદગીતાનું જ્ઞાન આપવામાં આવશે. ગુજરાત સરકારનો આ શ્રેષ્ઠ નિર્ણય છે. શ્રીમદ્ ભગવદગીતા જેવો શ્રેષ્ઠ આધ્યાત્મિક ધર્મગ્રંથ આ પૃથ્વી પર રચાયો નથી અને રચાશે પણ નહીં, કારણ કે શ્રીમદ ભગવદગીતા એ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને સહુ કોઈને આપેલો શ્રેષ્ઠ ઉપદેશ છે.
ગાંધીજીએ પણ કહ્યું છે કે, `મને જ્યારે જ્યારે પણ કોઈ ધર્મસંકટ આવે છે ત્યારે હું ગીતા માતાનું શરણ લઉં છું અને એ શરણાગત એટલે એણે મને સદાયે પથદર્શન કર્યું છે. ગીતાપાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. જે માનવી ગીતામાતાના ખોળામાં પોતાનું માથું રાખે છે એને કદાપિ નિરાશા સાંપડતી નથી. ગીતા એના ભક્તને ક્ષણેક્ષણે નવું જ્ઞાન, આશા અને શક્તિ આપે છે. રોજ સવારે તમે ગીતા વાંચી જુઓ અને તેનો ચમત્કાર અનુભવશો. હું તો એમ પણ કહેવાની હિંમત કરું છું કે, ગીતાર્થ ગ્રહણ કરીને બીજું વાંચવાનું કોઈ પ્રયોજન રહેશે નહીં; લોકમાન્ય તિલકે કહ્યું છે કે, `સમસ્ત સંસારના સાહિત્યમાં ગીતા જેવો કોઈ પણ ગ્રંથ નથી.’
મહર્ષિ વ્યાસજીએ કહ્યું છે કે, `સ્વયં ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલા ગીતાશાસ્ત્રને ગાવા જેવું (પરમપદદાયક) કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પડવાનું પ્રયોજન શું છે?’
એમર્સને કહ્યું છે કે, `સમગ્ર વિશ્વ સાહિત્યમાં ગીતા સર્વોત્તમ ગ્રંથ છે. તેમાં ચિંતનની સર્વશ્રેષ્ઠ સામગ્રી પીરસવામાં આવી છે અને માનવભક્તના અનુભવની સૌથી મહાન સંપત્તિ છે.’
પંડિત માલવિયાએ કહ્યું છે કે, `આ અઢાર નાનકડા અધ્યાયોમાં એટલું બધું સત્ય, જ્ઞાન અને એટલા બધા ઉચ્ચ, ગંભીર તથા સાત્ત્વિક વિચારો ભરેલા છે કે જે મનુષ્યને નીચામાં નીચી દશામાંથી ઉપાડીને દેવતાના સ્થાને બેસાડવાની શક્તિ ધરાવે છે.’
શ્રીમદ્ ભગવદગીતા આમ તો `મહાભારત’નો અંતર્ગત ભાગ છે. `ગીતા’નો અર્થ `ગાવામાં આવેલી’ તેવો થાય છે. ભગવદગીતા એટલે શ્રી ભગવાન દ્વારા ગાવામાં આવેલી તેવો થાય છે. ભગવદગીતા એ ઉપનિષદોનો સાર છે. એક કથા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ બચપણમાં સાંદીપનિ ઋષિને ત્યાં ભણતા હતા અને ભણીને આશ્રમમાંથી વિદાય લેતી વખતે ગુરુદક્ષિણા દેવાનો વારો આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે તેમના ગુરુ સાંદીપનિને પૂછ્યું: `ગુરુજી, હું તમને શું આપું?’
ત્યારે સાંદીપનિ ઋષિએ કહ્યું: `મારે કાંઈ જોઈતું નથી, પણ જગતને ઘણુંબધું આપજે.’
બસ, એમાંથી જ શ્રીમદ્ ભગવદગીતાનો ઉદભવ થયો. ભગવાન શ્રીકૃષ્ણે ઉપનિષદોને દોહીને જગતને જે જ્ઞાનબોધ આપ્યો તે જ શ્રીમદ્ ભગવદગીતા.
કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવોની સેના આમનેસામને ઊભી હતી ત્યારે સામે પક્ષે ઊભેલા પોતાના ભાઈ-ભાંડુઓને જોઈ અર્જુનને વિષાદ થયો અને `હું યુદ્ધ નહીં કરું’ કહીને ગાંડિવ નીચે મૂકીને બેસી ગયો. એ વખતે અર્જુનને થયેલો મોહભંગ દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન દ્વારા જગતને જે જ્ઞાનબોધ આપ્યો તે શ્રીમદ્ ભગવદગીતા છે. વિશ્વના ઇતિહાસમાં ત્રણ વ્યક્તિઓને વિષાદ થયો. બુદ્ધને વિષાદ થયો, તે કારણે જગતને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બીજો વિષાદ યુધિષ્ઠિરને થયો, જેના લીધે ભિષ્મપિતામહ જેવા પ્રાજ્ઞપુરુષ પાસેથી ઉપદેશની પ્રાપ્તિ થઈ અને ત્રીજો વિષાદ અર્જુનને થતાં વિશ્વને શ્રીમદ્ ભગવદગીતા જેવું અમૃતજ્ઞાન પ્રાપ્ત થયું. ગીતા રોજ વાંચવાથી નિત્ય નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવામાં આવેલી વાણીને શ્રી વેદવ્યાસે તેમની દિવ્ય શક્તિથી શ્લોક રૂપે ગ્રંથસ્થ કરેલી છે. વિશ્વની ૨૪૦૦ જેટલી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગીતાજી વારંવાર વાંચવાથી માનવજાતને અનેક મુશ્કેલીઓમાં પણ માર્ગદર્શન મળે છે. મૂળ ગીતામાં ૭૪૦ શ્લોક હતા, પણ ૭૦૦ શ્લોક જ આપણને પ્રચલિત થયેલી ગીતામાં જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે ઘણાને સંશય થાય કે, કુરુક્ષેત્રમાં યુદ્ધની ભયાનક સ્થિતિ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનનો મોહભંગ દૂર કરવા જે ઉપદેશ આપ્યો હતો તે લખાયો કેવી રીતે? કહેવાય છે કે શ્રીકૃષ્ણના આ ઉપદેશ બાદ અર્જુને ફરી ભગવાન શ્રીકૃષ્ણને ફરીથી ગીતાબોધ કરવા વિનંતી કરી હતી, પરંતુ તેના જવાબમાં શ્રીકૃષ્ણે કહ્યું: `હવે હું એ ઉપદેશ ભૂલી ગયો છું.’
પરંતુ એ જ પવિત્ર જ્ઞાન શ્રી વેદવ્યાસે પોતાના તપોબળથી અને યોગશક્તિથી પુન:પ્રાપ્ત કર્યું અને ગીતારૂપે ગ્રંથસ્થ કર્યું.
માનવી જગતમાં જન્મે છે ત્યારે તે ભવસાગરમાં આવ્યો તેમ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક વિદ્વાનો જીવનને `સંશયસાગર’ કહે છે. બાળકનો જન્મ થાય છે ત્યારે સહુથી પહેલાં તેને તેની માતાનો બોધ થાય છે. ભૂખ લાગે છે ત્યારે માને યાદ કરે છે, તરસ લાગે છે તો માને યાદ કરે છે, ઠંડી લાગે છે ત્યારે માને યાદ કરે છે, તમામ દુ:ખોના નિવારણ માટે તેને મા સમર્થ લાગે છે. બાળક જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તેની માન્યતાઓ બદલાતી રહે છે. પોતાની માતાને પિતાની આજ્ઞા અનુસાર વર્તતી જોઈ બાળકને પિતા શક્તિશાળી અને સમર્થ લાગે છે. તે પછી કોઈ સરકારી અધિકારી કે પટાવાળો પણ ઘેર આવે ત્યારે તેનાથી ડરતા પિતાને જોઈ બાળક સરકારને કે શાસકોને બળવાન સમજે છે, પરંતુ સરકારી અધિકારીને કોઈ મહારોગ લાગુ પડે છે ત્યારે તેને પ્રભુપ્રાર્થના કરતો જોઈ બાળકને છેવટે જ્ઞાન લાધે છે કે સહુથી સમર્થ તો પરમાત્મા જ છે. શ્રીમદ્ ભગવદગીતા આવા સંશયોનું નિવારણ કરનાર આધ્યાત્મિક-વૈજ્ઞાનિક અને પવિત્ર ગ્રંથ છે.
ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ કહ્યું છે: `ગીતા મારું હૃદય છે, ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા મારું અતિ ઉગ્ર જ્ઞાન છે, ગીતા મારું અવિનાશી જ્ઞાન છે, ગીતા મારું શ્રેષ્ઠ નિવાસસ્થાન છે, ગીતા મારું પરમ રહસ્ય છે, ગીતા મારો પરમગુરુ છે.’
એફ.ટી.બ્રૂક્સ કહે છે: `રાષ્ટ્રીય ધર્મગ્રંથ ગણાવવામાં જે જે નિયમો જરૂરી છે, તે બધા જ ભગવદગીતામાં જોવા મળે છે. એટલું જ નહીં પણ તે વિશ્વધર્મનો એક સર્વોત્કૃષ્ટ ધર્મગ્રંથ છે.’
મહાત્મા થોરો કહે છે: `ગીતામાં એટલું તો ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે, તેના લખનારને અગણિત વર્ષો થઈ ગયાં હોવા છતાં એવો બીજો એક પણ ગ્રંથ હજુ લખાયો નથી. ગીતાજીની સાથે સરખાવતાં આખા જગતનું હાલનું જ્ઞાન મને તુચ્છ લાગે છે.’
શ્રીમદ્ ભગવદગીતાનું માહાત્મ્ય જાણવા પૃથ્વીદેવીએ પૂછ્યું: `હે ભગવાન! પ્રારબ્ધકર્મને ભોગવતા મનુષ્ય એકનિષ્ઠ કેવી રીતે થાય?’
ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું: `પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં આસક્ત હોય, તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે, અને કર્મથી તે લેપાતો નથી. જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી તેમ ગીતાનું ધ્યાન-અધ્યયન કરનારને મહાપાપો પણ સ્પર્શતાં નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાના પાઠ થતા હોય ત્યાં પ્રયાગાદિ સર્વ તીર્થો રહે છે. જ્યાં ગીતાનો અભ્યાસ, શ્રવણ કે વિચાર થાય છે ત્યાં હું અવશ્ય વસું છું. હું શ્રીગીતાના આશ્રયે રહું છું. શ્રીગીતા મારું ઉત્તમ નિવાસસ્થાન છે અને શ્રીગીતાના જ્ઞાનનો આશ્રય લઈને ત્રણેય લોકનું પાલન કરું છું. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈને નિત્ય શ્રીગીતાના અઢારે અધ્યાયનો જપપાઠ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિ અને પરમપદને પામે છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય અને અડધો પાઠ કરે તો પણ ગાયના દાનના પુણ્યને પામે છે. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગાસ્નાનનું ફળ પામે છે. જે મનુષ્ય એક અધ્યાયનો પણ પાઠ કરે તે રુદ્રલોકને પામે છે, અને શિવજીનો ગણ થઈને લાંબો કાળ ત્યાં વસે છે. હે પૃથ્વી! જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક કે એક શ્લોકના એક ચરણનો પણ પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્યપણું પામે છે. જે મનુષ્ય ગીતાના દસ, સાત, પાંચ, ચાર, ત્રણ, બે, એક કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે તે દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના ઉચ્ચાર સહિત મૃત્યુ પામનાર વ્યક્તિ સદગતિ પામે છે. ગીતા સાંભળવા તત્પર થયેલો મનુષ્ય મહાપાપી હોય તોપણ વૈકુંઠ પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે.’
શ્રીગીતા માહાત્મ્યના સંબંધમાં કહેવાયું છે કે, `ગીતા માહાત્મ્યને શ્રીકૃષ્ણ જ સારી રીતે જાણે છે, કંઈક અર્જુન જાણે છે, તથા વેદવ્યાસ, શુકદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું જાણે છે. જે મનુષ્ય રાતદિવસ સૂતાં, ચાલતાં, બોલતાં અને ઊભાં રહેતાં પણ ગીતાનું અધ્યયન (શ્રવણ, મનન, અભ્યાસ) કરે છે, તે સનાતન મોક્ષને પામે છે. જે ઘરમાં ગીતાનું પૂજન થાય છે તે ઘરમાં આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક તાપથી થતી પીડા કે વ્યાધિઓ આવતી નથી. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને ગીતાપાઠ કરે છે, તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાં હોય તો ત્યાંથી સદગતિ પામે છે. ગીતામાં ઉચ્ચ-નીચ મનુષ્યો વચ્ચે કોઈ જ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મસ્વરૂપ હોઈ તેનું જ્ઞાન બધાંને માટે સમાન છે. ગીતાનો પાઠ કરી જે માહાત્મ્યનો પાઠ કરતો નથી, તેના પાઠનું ફળ વ્યર્થ જાય છે અને તે કેવળ શ્રમ જ કરે છે.’
આવી મહાઉપકારક સેંકડો મંત્રમણિઓથી ગૂંથાયેલી આ `શ્રીમદ્ ભગવદગીતા’ના રચયિતા ઋષિ ભગવાન વેદવ્યાસ છે. છંદ અનુષ્ટુપ છે અને દેવતા ભગવાન શ્રીકૃષ્ણ છે. શ્રીમદ્ ભગવદગીતા જેટલી વાર વાંચો એટલી વાર તેમાંથી કાંઈક નવું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. હજાર વાર વાંચવા છતાં પણ શ્રીમદ્ ભગવદગીતાને સમજવી અત્યંત કઠણ છે.

Be Sociable, Share!