Close

મને ક્યાંક એકાંતમાં લઈ જાવ મારે મન ભરીને રડી લેવું છે

કભી કભી | Comments Off on મને ક્યાંક એકાંતમાં લઈ જાવ મારે મન ભરીને રડી લેવું છે
નિલય અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. એની બાજુના જ મકાનમાં વલસાડનું એક  પરિવાર રહે છે. તેઓ એક સરકારી કચેરીમાં કામ કરે છે. તેમનાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. એક દિવસ તેમની નાની સાળી નિશા આવી હતી. નિશા સરળ અને હળી મળી જાય તેવા સ્વભાવની છે. નિશા હજી કુંવારી છે. સમવયસ્ક હોવાના કારણે નિલયનો નિશા સાથે પરિચય અને દોસ્તી થયાં. નિશા અમદાવાદ વિષે બહુ માહિતગાર નહોતી. નિલય તેને બે ત્રણ વાર સ્કૂટર પર બેસાડીને શહેરમાં લઈ ગયો હતો. ધીમે ધીમે બેઉ સારાં મિત્રો બની ગયાં. રોજ સાંજે બેઉ સોસાયટીના નાકે ઊભાં રહીને વાતો કરતાં.
એક આખો દિવસ નિશા દેખાઈ નહીં. બીજા દિવસે પણ દેખાઈ નહીં. નિલયથી ના રહેવાતાં તે નિશા જ્યાં રહેતી હતી તે ઘેર પહોંચી ગયો. એણે પૂછયુંઃ ‘નિશા કેમ દેખાતી નથી.’ ‘સહેજ તાવ આવે છે.’ નિશાનાં બહેને જવાબ આપ્યો.
એક આખું અઠવાડિયું નિશા દેખાઈ નહીં. નિલય રોજ સાંજે સોસાયટીના નાકે ઇન્તજાર કરતો. પરંતુ એક દિવસ ફરી નિશા આવી ખરી.
‘નિશા! આટલા દિવસથી તું ક્યાં હતી?’
‘તાવ આવતો હતો…પણ તમે શું મારી રાહ જોતા હતા?’
નિલયે કહ્યુંઃ ‘હા.’
શાબ્દિક આપ-લે સિવાય જ પ્રેમનો એ એકરાર હતો.
એક દિવસ નિલયે પૂછયુંઃ ‘નિશા! તું. વલસાડ પાછી કેમ નથી જતી? તારે ભણવાનું નથી.’
‘ભણવાનું મેં છોડી દીધું છે.’
‘કેમ?’
‘નથી ગમતું.’
‘એવું તો હોતું હશે?’
નિશા કોઈ ગહન વિચારમાં ડૂબી ગઈ. એણે આંખો મિલાવવાની ટાળી દીધી. નિલયે આગ્રહ રાખ્યોઃ ‘પણ મને કારણ તો કહે.’
‘કહીશ કોઈક દિવસ.’
‘ક્રમશઃ નિલય અને નિશાની દોસ્તી વધુ પ્રગાઢ બની. કોઈ કોઈ વાર બેઉ સાથે પિક્ચર જોવા પણ જતા.
એક દિવસ નિલયે કહ્યુંઃ ‘નિશા, મને લાગે છે કે કુદરતે આપણ બન્નેને એક બીજા માટે જ સર્જ્યા છે. તને નથી લાગતું.’
નિશાએ જવાબમાં ફકત મોં જ હલાવ્યું.
‘નિશા, આપણે આજે સોગંદ ખાઈએ કે સાથે જ જીવીશું અને સાથે જ મરીશું.’ નિલયે કહ્યું.
‘ના.’ નિશા બોલી ઃ ‘હું એવા સોગંદ નહીં ખાઉં. મારી કેટલીક મજબૂરીઓ છે.’
‘કંઈ મજબૂરીઓ?’
‘આપણે અલગ જ્ઞાતિના છીએ તે?’ નિશાએ કોઈ જ જવાબ આપ્યો નહીં.
નિશા કદિક જ પોતાની વાત કરતી. છતાં એક સાંજે અંધારું થઈ જવા છતાં બેઉ એકલાં જ સોસાયટીના નાકે ઊભાં ઊભાં વાતો કરતાં રહ્યાં.
નિલયને લાગ્યું કે નિશા દુઃખી છે. એકલી છે. એને વધુ લાગણી થઈ આવી. એક દિવસ તે હિંમત કરીને નિશાને પોતાના ઘેર લઈ ગયો. નિલયનાં મમ્મી પપ્પા બહાર ગયા હતા. પરંતુ એના ભાઈ-ભાભી ઘરમાં જ હતાં. નિલયનાં ભાઈ-ભાભીને મળતાં જ નિશા આનંદમાં આવી ગઈ. નિલયનાં ભાભીને રસોડામાં મદદ કરવા લાગી. નહીં નહીં તો યે તે ત્રણેક કલાક રોકાઈને પાછી એના જીજાજીના ઘેર ગઈ. સાંજે નિલયના મમ્મી પપ્પા ઘેર આવ્યાં ત્યારે એનાં ભાભીએ ઘરમાં વાત કરી ઃ ‘પપ્પા! નિલયને એક છોકરી પસંદ છે. તેની સાથે લગ્ન કરવા માંગે છે. છોકરી સારી છે. આજે જ ઘેર આવી હતી.’
નિલયના પપ્પા તો આ સાંભળતાં જ વિચારમાં પડી ગયા. એ વખતે તો એમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં પરંતુ એમણે કહ્યું ઃ ‘સારું એ છોકરીને એક દિવસ ઘેર બોલાવી લાવજો.’
નિલય ખુશ થઈ ગયો.
એ દરમિયાન બન્યું એવું કે નિશાના જીજાજીની બદલી નડિયાદ થઈ ગઈ અને બધાં અચાનક ઘર ખાલી કરીને નડિયાદ જતાં રહ્યાં. કેટલાયે દિવસો સુધી નિશાનો કોઈ પત્તો જ ના મળ્યો.
નિલય હતાશ થઈ ગયો. એક દિવસ સવારે ૯ વાગે અચાનક નિશા ઘેર આવી ગઈ. નિલય પણ તેને જોઈ આૃર્યમાં પડી ગયો.
નિશા બોલીઃ ‘હું કોઈને ય કહ્યા વગર સીધી તમારી પાસે આવી ગઈ છું.’ એ દિવસે નિશા સરસ લાગતી હતી. એણે આસમાની રંગની સાડી પહેરી હતી. જાણે કે છોકરો જોવા આવી હોય તેવા વસ્ત્રો જ પહેર્યા હતાં. નિશાના આવતાં જ ઘરનું વાતાવરણ મહેંકી ઊઠયું. નિલયના મમ્મી- પપ્પાએ-પણ નિશાને પહેલી વાર જ જોઈ. એમણે નિશાની સાથે સરસ રીતે વાતો કરી. પરંતુ છેવટે નિશાના પપ્પાએ પ્રેમથી કહ્યું ઃ ‘બેટા! તું અમને ગમે છે, પરંતુ નિલયની સગાઈ અમારા સમાજમાં થયેલી જ છે. તે બીજે લગ્ન કરશે તો અમારી આબરૂ જશે. તું જ એને સમજાવ.*
નિશા રડી પડી. થોડીક જ વારમાં ઘરનું વાતાવરણ બદલાઈ ગયું.
નિશા કાંઈ બોલી નહીં. એ ચૂપચાપ બેસી રહી. એણે ચૂપચાપ ખાઈ લીધું. બપોર થતાં નિલયના પપ્પાએ કહ્યું ઃ ‘બેટા, તું નિશાને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવ.’
નિલય તૈયાર થઈ ગયો.
નિશાએ ઘરમાંથી બધાંની વિદાય લીધી. જાણે કે આ ઘર એનું જ છે અને અહીંથી આખરી વિદાય લેતી હોય તેમ ભારે હૈયે તે બહાર નીકળી. બહાર નીકળતાં જ નિશાએ કહ્યુંઃ ‘મને ક્યાંક એકાંતમાં લઈ જાવ. મારે મન ભરીને રડી લેવું છે. શાયદ આપણે ભવિષ્યમાં ના પણ મળીએ.’
નિલય એને સુભાષબ્રિજની નીચે નદીના કિનારે લઈ ગયો. નિશા નિલયના ખોળામાં માથું ઢાળીને કલાકો સુધી રડતી રહી. સાંજ પડી ગઈ. સાંજના સાત વાગી ગયા. જાણે કે સમય અને સ્થળ જ ભુલાઈ ગયા.
નિશાએ સ્વસ્થ થતાં કહ્યુંઃ ‘હું ઘેર કોઈને ય કાંઈ પણ કહ્યા વગર આવી છું. મને બસમાં છેક નડિયાદ સુધી મૂકી જાવ.’
બેઉં રિક્ષા પકડીને ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેશને ગયાં. રાત્રે આઠેક વાગે બસ પકડીને લગભગ સાડા નવ વાગે નડિયાદ પહોંચ્યા. નડિયાદ પહોંચી ફરી તેઓ એસ.ટી. બસ સ્ટેશનના એક બાંકડે બેસી ગયાં. રાતના ૧૨-૩૦ થવા આવ્યા પણ નિશા હજી ઘેર જવા તૈયાર નહોતી.
હવે બસ વ્યવહાર પણ થંભી ગયો હતો. રસ્તા પર થોડીક રિક્ષાઓ ફરતી હતી. માણસોની અવરજવર પણ ઓછી થઈ ગઈ હતી. નિલયે પૂછયું ઃ ‘નિશા તારે હવે ઘેર નથી જવું. ઘરમાં તો દોડા દોડી થઈ ગઈ હશે.’
‘જવું છે પણ હવે આપણે ફરી મળવાનાં નથી. ધરાઈ ધરાઈને મારે તમારી પાસે રહેવું છે.’
‘કેમ મળવાના નથી. મારા ઘરવાળાં ના પાડે તો યે હું તારી સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર છું.’
‘ના…એ શક્ય નથી.’
‘કેમ? તારું ક્યાંય બીજે ગોઠવાઈ રહ્યું છે!’
‘એવું કદિ નહીં બને નિલય!હું પરણીશ તો નિલયને જ પણ…..’ બોલતાં બોલતાં નિશા રડી પડી.
‘નિશા! તું કાંક મારાથી છુપાવે છે. શું વાત છે. મને કહે મારા સોગંદ.’ નિલયે આગ્રહ રાખ્યો.
નિશા બોલી ઃ ‘નિલય… હું તને પરણીને કોઈ સુખ આપી શકું તેમ નથી… કારણકે….’
‘પણ શું?’
‘નિલય… હું બીમાર છું. મને બ્લડ કેન્સર છે.’
નિલય સ્તબ્ધ બની ગયો.
નિશા બોલતી રહીઃ ‘હું ઘણા વખતથી આ વાત કહેવા માંગતી હતી પણ હું તમારી પાસે આવતી ત્યારે મને  જીવવાનું  મન થઈ આવતું. આ બીમારીને કારણે જ મેં ભણવાનું છોડી દીધું છે. ઈલાજ માટે મને જીજાજીના ઘેર
અમદાવાદ  લાવવામાં આવી હતી. મારે દર બે દિવસેે ડૉક્ટર પાસે જવું પડે છે. હવે ધીમે ધીમે મારુંં શરીર કાળું પડી જશે. માથાના વાળ ઉતરી જશે. હું ઝાઝું જીવવાની નથી. મેં માનસિક તૈયારી કરી લીધી છે. બસ, આ બધું કહેવા જ અમદાવાદ આવી હતી. પરંતુ તમારા પપ્પા, એમ સમજ્યા કે….. પણ તેઓ જે કહેે છે તે સાચું છે. તમારી સગાઈ થયેલી છે. હું બહુ અનુભવી નથી પરંતુ સમાજ તે સમાજ છે. એનાથી પર જવામાં સુખ નથી… અને હું ઃ તો આમેય તમને કોઈ સુખ આપી શકું તેમ નથી.’
નિલય તો સ્તબ્ધ બનીને સાંભળતો જ રહ્યો. એ રડી પડયો. બન્ને જણ બહુ જ રડયાં.
છેક મધરાતે નિશાને એના ઘેર મૂકી આવીને પાછો નડિયાદના બસ સ્ટેશને આવીને સવાર પડે તેની રાહ જોતો બેસી રહ્યો. એ શૂન્યમનસ્ક બની ગયો.
છેક વહેલી સવારે એ બસ પકડીને પાછો અમદાવાદ ગયો. નિલય કહે છેઃ ‘નિશાની વાત સાંભળ્યા બાદ હું ભાંગી પડયો છું. શું કરવું એ મને સૂઝતું નથી. નિશા બચતી હોય તો હું મારું તમામ લોહી એને આપી દેવા તૈયાર છું. નિશાનેે મેં ઘણો ઊંચી કક્ષાનો પ્રેમ કર્યો છે. આજ સુધી મેં એનો હાથ પણ પકડયો નથી. અમારો સંબંધ અત્યંત પવિત્ર રહ્યો છે, પણ આછું પીળું અજવાળું થતાં જ . સૂર્યને હું અસ્ત થતો જોઈ રહ્યો છું.!!
નિલયે એની વ્યથા એક પત્રમાં બીડીને મોકલી આપી છે.
એની કથાનું આખરી પ્રકરણ બાકી છે. ગમે ત્યારે એ પણ હવે સમાપ્ત થઈ જશે. મિલેનિયમની ઉજવણીમાં વ્યસ્ત દુનિયાએ હજી લ્યુકેમિયાનું ઔષધ શોધવાનું બાકી છે.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!