Close

મને બ્યૂટી, બિઝનેસ અને ‘પાવર’ પણ બહુ જ ગમે છે

કભી કભી | Comments Off on મને બ્યૂટી, બિઝનેસ અને ‘પાવર’ પણ બહુ જ ગમે છે
આયેશા થાપર.
હિન્દુસ્તાનનાં મોટાં ઔદ્યોગિક ગૃહો પૈકીના એક એવા થાપર ગ્રૂપના થાપર પરિવારના તે પ્રિન્સેસ છે. હાઈ સોસાયટીની મિલિયોનર્સ પાર્ટીમાં આયેશાની હાજરી શોભામાં અભિવૃદ્ધિ કરનારી છે. તેઓ અત્યંત નાજુક, નમણી અને કૂણા કૂણા સૌંદર્યથી ભરપૂર છે. વિક્રમ અને જ્યોતિ થાપરની તે પુત્રી છે.
મિત્રો તેને પ્રિન્સેસ કહીને બોલાવે છે.
૨૭ વર્ષની આયેશા ઈન્ટરનેશનલ જેટસેટ લાઈફ જીવે છે. સહેજ બદામી આંખો, હલકાફૂલકા વાળ અને ત્વચા તો એટલી સુકોમળ છે કે ઐશ્વર્યા પણ તેની સામે શરમાઈ જાય.
૨૦૦૩માં તેઓ ટર્કીશ બિલિયોનેર ઈનગીત યેસિલને પરણ્યા ત્યારે વિશ્વનાં ફેશન બજારનાં અનેક મેગેઝિનના કવર પર ચમક્યા હતા. દિલ્હી અને રાજસ્થાનમાં પૂરા ચાર દિવસ સુધી ચાલેલો લગ્નોત્સવ લોકોને મુગ્ધ કરી દે તેવો શો હતો.
પરંતુ નોંધનીય વાત એ છે કે તેમનો ટર્કીશ હસબન્ડ આયેશા કરતાં બેવડી વયનો હતો. લગ્ન બાદ આયેશા તેના પતિ સાથે મિયામી ચાલ્યા ગયા હતા. પતિ બિલિયોનેર હોઈ તેના પ્રાઈવેટ જેટ પ્લેનમાં એક સ્થળેથી બીજા સ્થળે ઘૂમતા રહેતી હતી. આજે લંડનમાં હોય તો કાલે પેરિસમાં ત્રીજા દિવસે રોમ હોય તો ચૌથા દિવસે આમ્સટરડેમમાં.
પણ એ લગ્નજીવન લાંબુ ચાલ્યું નહીં.
આયેશા થાપર જ્યાં પણ જાય છે ત્યાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. એનાં બે કારણો છે. એક તો તેના અપ્રતિમ સૌંદર્યના કારણે અને બીજું તેની બુદ્ધિમત્તાના કારણે. રૂપ હોવું અને બુદ્ધિશાળી હોવું તે રેર કોમ્બિનેશન છે. ઘણી સ્વરૂપવાન સ્ત્રીઓ ઓછી બુદ્ધિશાળી હોય છે, અને ઘણી કદરૂપી સ્ત્રીઓ જિનિયસ હોય છે પરંતુ આયેશા બ્યૂટી અને બ્રેઈન- બેઉમાં અવ્વલ છે. તેઓ બોસ્ટન યુનિવર્સિટીમાં ભણેલા છે. મેથ્સ અને ઈકોનોમિક્સના વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા છે. તેઓ સૌંદર્યશાસ્ત્રની ઊંડી સૂઝ ધરાવે છે.
લગ્ન બાદ તેના પૂર્વ પતિ યેસીલે તેને સ્વતંત્ર બિઝનેસ સોંપ્યો હતો. તે બે ઈન્ટરનેટ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ ચલાવતા હતા. આજે પણ તે માત્ર શો-પીસ નથી પરંતુ નિષ્ણાત બિઝનેસ વુમન છે. આ બંને કંપનીઓની ભારે સફળતા બાદ બીજી ત્રણ કંપનીઓ માટે આયેશા આજે પણ કન્સલ્ટન્ટ છે. છૂટાછેડા પછી પણ તેના પૂર્વ પતિની કંપની માટે આ સેવાઓ આપે છે. ઈન્ટરનેટ અને તેની ટેકનોલોજી વિશે કાંઈ પણ નવી વાત તે ના જાણતી હોય તેવું નથી. તે આજકાલ દિલ્હીમાં રહે છે અને તેના કૌશલ્યના કારણે આયેશા થાપરને લોકો ‘દિલ્હીની આઈ.ટી. ગર્લ’ કહે છે.
આયેશા થાપર કહે છે ઃ ‘મારા ભૂતપૂર્વ પતિએ મને ઘણું શીખવ્યું છે. ધંધામાં નવી દૃષ્ટિ કેળવવાનું પણ મેં એમની જ પાસેથી શીખ્યું છે. મારા હસબન્ડ મારી પ્રેરણા અને મારા ટીચર હતા. તેમણે મને ઘણી બધી સત્તાઓ આપી હતી. મને પૈસા કરતાં પાવરમાં વધુ રસ હતો.’
આગળ વધતાં આયેશા કહે છેઃ ‘આ બધું હોવા છતાં અમે બે અલગ અલગ વ્યક્તિત્વ હતા. અમે પરણ્યા ત્યારે હું ૨૪ વર્ષની હતી. અને ૨૬ વર્ષની વર્ષે અમારા ડાયવર્સ થઈ ગયા. આ નિર્ણય બદલ મને કોઈ જ પસ્તાવો નથી. આજે હું વધુ ખુલ્લા આકાશમાં જીવું છું. મને કોઈનો બનાવટી નહીં પરંતુ સાચો પ્રેમ જોઈએ છે. હું મારા ચહેરા પર કોઈ મહોરું રાખવા માગતી નથી. આ બધું હોવા છતાં હું અને મારા પૂર્વ પતિ આજે પણ ખૂબ સારા મિત્રો છીએ..’
આયેશા મિયામીમાં હતા ત્યારે તેણે પોતાની ‘બ્રાન્ડ ઓફ ફેશન એસેસરીઝ’ શરૂ કરી હતી. તેમાં નવી જ ભાતમાં ઈયરિંગ્સ  નેકલેસ, બેસલેટસ, શોલ, કુન્ડન સ્ટોન્સ, ક્રિસ્ટલ્સ, કિંમતી વસ્ત્રો અને હેન્ડિક્રાફ્ટસનો પણ સમાવેશ થાય છે. તેમાં ભારતીય કલ્ચરની ઝાંખી હતી.
લગ્ન બાદ તેનું જીવન અમેરિકા, ટર્કી અને ભારત વચ્ચે વહેંચાયેલું રહેતું. અત્યંત ધનવાન એવા થાપર પરિવારની પુત્રી અને એવા જ ગર્ભ શ્રાીમતં ટર્કીશ પરિવારની વહુ હોવા છતાં તેના જેટલેટ લાઈફની વચ્ચે સૌથી વધુ તેનો સમય બિઝનેસમાં વ્યતીત થતો.
તેઓ મિયામીમાં હતા ત્યારે ત્યાં પણ તેણે ભારતીય કલ્ચરને પ્રમોટ કરવા પ્રયાસ કર્યો હતો. અમેરિકાની નાઈટ ક્લબમાં તે ભારતીય સાડી પહેરીને જતી હતી. સ્થાનિક મીડિયા પણ આવેશા થાપરને ચમકાવતું હતું. તેમણે ‘સંસાર’ના નામે એક આખી ચેઈન શરૂ કરેલી છે. તેમાં અનેક દેશોની સંસ્કૃતિની ઝાંખી થાય છે. એક માત્ર અમેરિકા અને લેટિન અમેરિકામાં ‘સંસાર’ના ૫૦ જેટલા સ્ટોર્સ છે. હવે ભારત આવી ગઈ હોવા છતાં તેની ડિઝાઈન્સ વિશ્વભરના દેશોમાં મોકલે છે.
આયેશા થાપરનો નવો શોખ છે ઈન્ટિરિયર્સ અને એન્ટિક્સ.
આયેશા થાપર પરિવારના પુત્રી હોવાથી ચાંદીની ચમચી સાથે જન્મેલા છે. તે પહેલા તેના પિતાના ભવ્ય અને વિશાળ આલીશાન બંગલામાં રહેતા હતા. ઘરમાં માતા-પિતા ઉપરાંત દાદા-દાદી પણ હતાં. આયેશાને આર્ટ, મ્યુઝિક, સ્વિમિંગ, ડાન્સ અને ઇંગ્લિશ ભણાવવા પાંચ જુદા જુદા શિક્ષકો ઘેર આવતા હતા. દરેક વિષયમાં ‘શ્રોષ્ઠ’ બનવા માટે તેની પર દબાણ હતું. તેના માતા-પિતા આયેશાને ‘પરફેક્ટ!’ બનાવવા માંગતા હતા.
આયેશા થાપર કહે છે ઃ ‘હું નાની હતી ત્યારથી જ મેં વેપાર-ધંધામાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. મારા દાદાજી એલ.એમ. થાપરે ભારતમાં ઘણા બધા ઉદ્યોગો શરૂ કરેલા છે. ખાસ કરીને કોલસો, ટેક્સ્ટાઈલ્સ, પેપર અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં તો મારા દાદા પાયોનિયર હતા. મારા પિતા વિક્રમ થાપરે તો વેપાર ઉદ્યોગમાં અનેક સિદ્ધિઓ મેળવેલી છે પરંતુ હું મારા પિતાની પુત્રી તરીકે જ ઓળખાઉ તેથી મને સંતોષ નહોતો. તેથી મેં મારી રીતે મારું આગવું વ્યક્તિત્વ ઊભું કરવા નિર્ણય લીધો હતો.
આયેશા થાપર છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં નવા ઉદ્યોગોની તલાશ કરી રહ્યાં છે. તેઓ આઈ.ટી. નિષ્ણાત હોઈ ઈન્ટરનેટના બિઝનેસમાં નવી તકોની ખોજ કરી રહ્યાં છે. તે ઈન્ટરનેટ પર નવા સર્ચ એન્જિન શરૂ કરવા માંગે છે.
આયેશા ફ્લાવર્સના બિઝનેસમાં પણ આગળ વધવા માંગે છે. તમે ભારતમાં પૈસા ચૂકવો અને દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા તમારા મિત્રના ઘરે તેના જન્મદિવસે ફૂલોનો બુકે પહોંચી જાય તેવો નેશનલ અને ઈન્ટરનેશનલ ઓન લાઈન ફ્લોરલ બિઝનેસ તે શરૂ કરવા માંગે છે.
આયેશા થાપર જેટલું ઝડપથી વિચારે છે તેટલી જ ઝડપથી તેના વિચારોને તે અમલમાં મૂકી દે છે.
આયેશા થાપરને શીખવવામાં આવ્યું છે કે મોટાં ઔદ્યોગિક ગૃહોનાં પરિવારોનાં પુત્ર-પુત્રીઓના મગજનો કબજો નબળા અને ખટપટિયા લોકો જલદી લઈ લે છે. તેથી ખુશામતખોરોથી દૂર રહેવું. ઓછી ગુણવત્તાવાળા ઈર્ષાળુ લોકોનો એક મોટો સમૂહ દરેક ઔદ્યોગિક ગૃહમાં હોય છે. આવા ખુશામતિયાઓથી દૂર રહેવું જેથી વેપાર-ધંધાને નુકસાન ના થાય. કોઈ કર્મચારી બીજાની ટીકા કરવા લાગે તો આયેશા થાપર પહેલાં એ તપાસ કરે છે કે આવેલો કર્મચારી કયા કારણસર બીજાની ટીકા કરે છે અને ટીકા કરતાં ટીકા કરનારના મનમાં રહેલા કારણની તપાસ પહેલાં કરે છે.
આયેશા કહે છેઃ ‘હું અત્યંત ધનવાન પરિવારમાં જન્મી છું, પરંતુ માત્ર પૈસાને જ ચાહું તેવી ભૌતિકવાદી ‘મટિરિયલ ગલ’ નથી. અને શુષ્ક પણ નથી. મને યલો સ્ટોનવાળી રિંગ ગમે છે તેથી હુંું મારી આંગળી પર તે રિંગ પહેરું છું ત્યારે મારી આંગળી અત્યંત સુંદર લાગે છે. તમે ઘરેણાં એટલા જ પહેરો કે તમે સુંદર લાગો. તમારા બદલે લોકો અલંકારોને જ જોઈ રહે તો તે બેવકૂફી છે. ‘
તે કહે છે ઃ ‘હું જે છું તે જ છું. મને જીવનમાં ક્યારેય કોઈ વાતનું દુઃખ નથી અને કોઈ વાતનો પસ્તાવો પણ નથી. ઈશ્વરની મહેરબાનીથી ભગવાને મને સુંદર રૂપ આપ્યું છે. અને તે માટે તેને હું પૂરો ન્યાય આપવા પ્રયાસ કરી રહી છું.’
આયેશા થાપરને પહેલી જ વાર મળનારા લોકો આયેશાને જોતાં જ પ્રભાવિત થઈ જાય છે પરંતુ તે વાત કરે છે ત્યારે અભિભૂત થઈ જાય છે કારણ કે તેની ભીતર અવનવા બિઝનેસની પરિકલ્પનાઓ અને તેને સાકાર કરવાની જબરજસ્ત શક્તિ પડેલી છે. અને તેથી જ થાપર પરિવારની આ પ્રિન્સેસ બીજી અનેક રૂપાળી યુવતીઓ કરતાં ભિન્ન છે. કારણ કે તેને બ્યૂટી ઉપરાંત ‘બિઝનેસ’ અને ‘પાવર’ બેઉ ગમે છે.
આયેશા થાપર હિન્દુસ્તાનમાં ઊભરી રહેલી નવી સ્ત્રી-શક્તિનો એક નવો જ ચહેરો છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!