એેણે સ્વસ્થતાથી શરૂ કર્યું.
‘મારી બહેનનું નામ સ્નિગ્ધા છે. તે મારાથી બે વર્ષ મોટી છે. મારે એક ભાઈ છે તે અમેરિકા સ્થિર થયો છે અને બધાં જ ખૂબ સારું ભણેલાં છીએ. પપ્પા એક બેન્ક મેનેજર હતા અને નિવૃત્ત થઈ ગયા હતા. એક દિવસ પપ્પા બીમાર પડયા. સારામાં સારા ડૉક્ટરો પાસે બતાવ્યું. ખબર પડી કે પપ્પાની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે. આ વાત જાણ્યા બાદ અમારી મમ્મી તો રડવા જ લાગી. અમે અમેરિકા રહેતા અમારા ભાઈને ખબર કરી કે, પપ્પાની બંને કિડીનીઓ ખરાબ થઈ ગઈ છે. ડૉક્ટરો કિડની બદલવાનું કહે છે. થો.ડા દિવસ બાદ ભાઈનો યંત્રવત જવાબ આવ્યો કે, ‘ઇન્ડિયામાં કિડની ટ્રીટમેન્ટ સસ્તી છે. અમેરિકામાં તેમનો ઇલાજ મોંઘો પડશે.’
ભાઈએ એની આગળ કાંઈ જ ના લખ્યું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એટલા બધા પૈસા અમે ક્યાંથી લાવીશું તે પણ જાણવા તેણે કોશિશ કરી નહીં, હજી તો અમારા બંને બહેનોના લગ્ન પણ બાકી હતા. પરંતુ મમ્મીએ કહ્યું ઃ ‘બેટા, ચિંતા ના કર. પપ્પાની જે બચત છે તે તમારા લગ્ન માટે ખર્ચીશું. પણ મારી પાસે જેે અંગત દાગીના અને થોડી ઘણી બચત છે તે તમારા પપ્પાના ઓપરેશન માટે હું આપીશ.’
અમે બધા એક ખાનગી કિડની હૉસ્પિટલમાં ગયા.
ડૉક્ટરે પપ્પાની કિડનીનું ગ્રૂપ તપાસ્યું. મમ્મીએ કહ્યું ઃ ‘ડૉક્ટર, ચિંતા ના કરો, હું મારી એક કિડની આપીશ.’
અમારું પરિવાર માત્ર ચાર જ જણનું હતું. બહારની તો કોઈ વ્યક્તિ કિડની આપવા તૈયાર નહોતું. પપ્પાને કિડની આપવા અમે બંને બહેનો પણ તૈયાર હતી. ડૉક્ટરોએ મમ્મીની કિડની તપાસીને કહ્યું કે, ‘તમારી કિડની કમજોર છે. તમારી કિડની નહીં ચાલે. તમારી કિડની લઈશું તો તમને પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.
અમે બંને બહેનોએ તરત જ કહ્યું ઃ ‘અમે કિડની આપવા તૈયાર છીએ.’
ડૉક્ટરોએ અમને બંને બહેનોને બીજા દિવસે સવારે કાંઈ પણ ખાધા-પીધા વિના ટેસ્ટ માટે કાલે સવારે આવવા સૂચના આપી. બીજા દિવસે સવારે અમે હૉસ્પિટલ પર પહોંચી ગયા. અમારી મમ્મી તો ચિંતાતુર થઈ ગઈ હતી. એક બાજુ પપ્પાની ગંભીર બીમારી અને બીજી બાજુ અમારા બેમાંથી એકની કિડની ઓછી થઈ જાય તેની તેને ચિંતા હતી. મને ખૂૂબ મન હતું કે ‘હું જ પપ્પાને કિડની આપું. હું પપ્પાની લાડલી અને નાની દીકરી હતી. ડૉક્ટરોએ અમને બંને બહેનોને તપાસી પણ કિડની આપવા માટેનું શ્રોય મારી મોટી બહેનના ભાગે ગયું. ડૉક્ટરોએ સ્નિગ્ધાને પસંદ કરી. મને લાગ્યું કે મારામાં કંઈક ખરાબી હશે કે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે જેથી ડૉક્ટરોએ મારી કિડની પસંદ ના કરી. એ જે હોય તે પરંતુ આવતા મંગળવારે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓેપરેશન નક્કી થયું. એક નહીં, બે-બે ઓપરેશન થવાના હતા. મારા બહેનની કિડની કાઢી તે પપ્પાના શરીરમાં ગોઠવવાની હતી. હું તો ડરી જ ગઈ હતી.
પપ્પા અને દીદીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. બહાર લાલ લાઈટ ચાલુ થઈ ગઈ. હું અને મારી મમ્મી બેઉ બહાર બેસી ગયાં. મેં મમ્મી સામે જોયું તો એ આંખો બંધ કરી ઈશ્વરને પાર્થના કરી રહી હતી. એના હોઠ ફફડતા હતા. કેટલાયે કલાકો બાદ ઓપરેશન થિયેટરનું બારણું ખૂલ્યું.અંદરથી એક નર્સ બહાર આવી. એણે આંખોના ઇશારે અમને ધીરજ રાખવા કહ્યું. એ પછી ડૉક્ટરોની ટીમ બહાર આવી, ડૉક્ટરે કહ્યું ઃ ‘ચિંતાનું કોઈ કારણ નથી. બધું બરાબર છે.’
મેં અને મમ્મીએ રાહતનો શ્વાસ લીધો. લગભગ એક કલાક પછી પપ્પાને અને મારી બહેનને બહાર લાવવામાં આવ્યાં. પહેલાં તો તેમને આઇસીયુમાં રાખ્યાં. બે દિવસ બાદ બંને એક જ રૂમમાં બાજુબાજુના પલંગમાં રાખવામાં આવ્યાં. પહેલાં દીદીએ આંખો ખોલી. આખો ખોલતાં જ એણે પૂછયું ઃ ‘પપ્પાને કેમ છે ?’
મેં કહ્યું ઃ ‘સારું છે.’
મારી બહેનની આંખો હજી તંદ્રાવસ્થામાં હતી છતાં એણે પપ્પાને જોવા કોશિશ કરી. એને સારું લાગ્યું. જાણે કે પપ્પાને જોઈ તેને પપ્પાને જીવાડવાનું સ્વપ્ન પૂરું થતું હોય તેમ તેને લાગતું હતું. પપ્પાને જોતાં એના ચહેરા પર નાનકડું સ્મિત ફરક્યું.
કેટલીયે વાર પછી પપ્પાએ આંખો ખોલી, તેમણે પહેલાં જ પ્રશ્ન કર્યો ઃ ‘સ્નિગ્ધાને કેમ છે?’
મેં અને મમ્મીએ ઇશારો કરીને કહ્યું ઃ ‘સારું છે.’
કેટલાક દિવસો બાદ પપ્પાને અને દીદીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અમને લાગ્યું કે અમે કાંઈક મેળવીને અને કાંઈક ગુમાવીને ઘેર જઈ રહ્યાં છીએ. ઘેર આવ્યા બાદ ધીમે ધીમે પપ્પાને અને દીદી સ્વસ્થ થતાં ગયાં. પપ્પા તો જ્યારે પણ દીદીને જોતા ત્યારે ભાવવિભોર થઈ જતા. પણ તેઓ તેમની લાગણીને શબ્દોમાં બાંધી શકતા નહોતા. કેટલીયે વાર મને લાગતું કે દીદીનો પ્રાણ પપ્પામાં દોડી રહ્યો છે.
હવે તો ચાર મહિના થઈ ગયા. પપ્પાના શરીરે દીદીની કિડની સ્વીકારી લીધી હતી. દીદી પણ હવે સ્વસ્થ થઈ ગઈ પરંતુ તેની સ્ફુર્તિમાં ઘટાડો થયો હતો. પરંતુ બધું બરાબર ચાલ્યું નહીં. છ મહિના બાદ પપ્પાને અચાનક શરદી થઈ ગઈ. શરદીમાંથી ન્યુમોનિયા થઈ ગયો. તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હતી. અમે તમને ફરી હૉસ્પિટલમાં દાખલ કર્યા પરંતુ અમે તેમને બચાવી ના શક્યા. તેઓ કોમામાં ચાલ્યા ગયા. વેન્ટિલેટર પર પણ રાખ્યા પરંતુ અમે તેમને બચાવી શક્યા નહીં. વેન્ટિલેટર મશીન ખસેડી લેતાં જ એમણે પ્રાણ છોડી દીધા.
પપ્પાના મૃતદેહને લઈને અમે ઘેર આવ્યા. અમેરિકા રહેતા ભાઈને ખબર આપ્યા. ભાઈએ ટેલિફોન પર કહ્યું ઃ ‘મને રજા મળે તેમ નથી. હું અંતિમક્રિયામાં આવી શકીશ નહીં. તમે જ બધું પતાવી દો.’
મેં અને દીદીએ પપ્પાને દૂરના સગાંઓને જાણ કરી. એમના મિત્રોને જાણ કરી. પપ્પાને સ્મશાનગૃહમાં એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને મારી મોટી બહેને જ તેમને અગ્નિદાહ દીધો. મમ્મી તો જબરદસ્ત આઘાતમાં સરી પડી હતી. બેસણાની વિધિ પણ અમે જ સંભાળી લીધી.
મમ્મી તો રડી રડીને થાકી ગઈ હતી. પરંતુ રડવાની પણ એક સીમા હોય છે. પૂરા અગિયાર દિવસ સુધી કોઈને કોઈ મળવા આવતું રહ્યું. મમ્મી તો રડી લેતી પરંતુ મેં જોયું તો દીદીમાં ગજબનું પરિવર્તન આવી ગયું હતું. એની જીભ જ સિવાઈ ગઈ હતી. રોજ સવારે કાંઈને કાંઈ ગુનગુનાતી મારી દીદી મૌન થઈ ગઈ હતી. ધીમે ધીમે મમ્મી પણ શાંતિની પ્રતિમા બની ગઈ.
એ પછી જીવન ફરી શરૂ થયું. મારું એમ.એ.નું ભણવાનું ચાલુ હતું. હું ફરી યુનિવર્સિટી જવા લાગી. બીજી બાજુ ઘર ચલાવવા દીદીએ એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચરની નોકરી સ્વીકારી લીધી. અમારા ઘરની ગાડી ફરી પાટે ચડવા લાગી.
એક દિવસ ઘરમાં મમ્મીએ અમારા લગ્નની વાત કાઢી. તો દીદીએ મારી તરફ ઇશારો કરતાં કહ્યું ઃ ‘પહેલાં સુનયનાને પરણાવી દો.’
મેં કહ્યું ઃ ‘પણ દીદી, હું નાની છું, હું પહેલાં કેવી રીતે પરણી શકું ?’
દીદીને પોતાની એક કિડનીવાળા સ્વાસ્થ્ય પર આશંકા હતી. તેથી એ વાત કર્યા વગર જ મને અને મમ્મીને મજબૂર કરી દીધા અને લગ્નનો પ્રસ્તાવ આવ્યો તેમાં છોકરા સમક્ષ એણે મને જ રજૂ કરી દીધી. મેં પૂછયું ઃ ‘પણ મને શા માટે ?’
‘સુનયના, મારે પહેલાં તને જ પરણાવવાની છે, સમજી.’
અને મને પરણાવી દેવામાં આવી.
આ વાતને દોઢેક વર્ષ વીતી ગયું. હવે મમ્મી અને દીદી સાવ એકલાં જ ઘરમાં રહેતા હતા ઃ ‘હું એક બાળકની માતા પણ બની ચૂકી હતી. પણ મારી દીદીનો વિચાર આવતાં જ મારી ખુશી હણાઈ જતી. મારું સંતાન કે પતિ પણ મને આનંદ આપી શકતા નહોતા. મને સતત વિચાર આવતો કે બધાં જ બલિદાન મારી દીદી એકલી કેમ આપે ? હું અપરાધની ભાવનાથી પીડાવા લાગી. એક દિવસે હું મમ્મીને મળવા પિયર ગઈ હતી. મારી દીદી બહાર ગઈ હતી. મમ્મી ઘર સાફ કરી રહી હતી. દીદીના કબાટમાં એક ડાયરી પડી હતી. સહજ ભાવે જ મેં પાનું ખોલ્યું. તેમાં દીદીએ લખ્યું હતું ઃ ‘મારા શરીર પર લાગેલાં ટાંકા જ્યારે નર્સ સાફ કરતી હતી ત્યારે મને લાગતું હતું કે મને નહીં, પપ્પાને દર્દ થઈ રહ્યું છે. મને ઠીક થયું ત્યારે મને લાગ્યું કે પાપા હવે સાજા થઈ ગયા…’ અને આગળના પાનામાં દીદીએ લખ્યું હતું ઃ ‘પાપા નહીં, પણ હું મરી ગઈ છું. મારા શરીરનો એક હિસ્સો પાપાને જીવિત રાખી શક્યો નહીં. જરૂર મારી કિડનીમાં જ કાંઈ ખામી હશે.’
એથી યે આગળના પાના પર લખ્યું હતું ઃ ‘મમ્મી અને સુનયના મારા લગ્નની વાત કરે છે પણ મને તેમની વાત પર હસવું આવે છે. મારા જેવી એક કિડની વાળી યુવતી સાથે કોણ લગ્ન કરશે ?’
મેં ડાયરી બંધ કરી દીધી.
હું રડી પડી. મેં મમ્મીને ડાયરી બતાવી. એણે પણ ડાયરી વાંચી. પરંતુ અમે નક્કી કર્યું કે બહેન હજી યુવાન છે. તેના માટે એક છોકરો શોધી કાઢીએ. એ દિવસથી જ મેં પ્રયત્નો શરૂ કરી દીધા. ખૂબ પ્રયાસના અંતે એક છોકરો શોધી કાઢયો. એનું નામ કમલેશ હતું. મેં કંઈ વાત બગડી ના જાય તે માટે કમલેશને બીજી કોઈ વાત કરી નહીં.
મેં અને મમ્મીએ દીદીને છોકરો જોવા માંડ માંડ તૈયાર કરી. કમલેશને ઘેર બોલાવ્યો. મેં દીદીને કહ્યું ઃ ‘તારી એક કિડની નથી એ વાત કરવાની જરૂર નથી. એક કિડની પર પણ લોકો લાંબું મેળવી શકે છે.’
એ બંનેએ એક બીજાને જોયાં. એક બીજાને પસંદ કર્યા. બેઉ એકબીજાને સમજી શકે એ માટે ફરવા મોકલ્યાં. મેં દીદીને કહ્યું ઃ ‘દીદી પેલી વાત કહીશ નહીં. નહિતર વાત બગડી જશે.’
દીદીએ કહ્યું ઃ ‘સારું’
અને સ્નિગ્ધાની કમલેશ સાથે સગાઈ પણ નક્કી થઈ ગઈ. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. કંકોત્રીઓ વહેંચાઈ ગઈ. લગ્નના આગલા દિવસે જ મારા થનાર જિજાજીનો મારા પર ફોન આવ્યો ઃ ‘સુનયના, યોર દીદી ઈઝ ગ્રેટ.’
મેં પૂછયું ઃ ‘કેમ?’
‘એણે આખી ડાયરી મને વંચાવી. એની પપ્પા માટેની લાગણીઓ જોઈ જ મેં એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ઃ સ્નિગ્ધાની નિખાલસતાએ મને જીતી લીધો છે. એણે મને બધું જ કહી દીધું છે. હું દીવો લઈને જાત તો પણ આવી છોકરી મને ના મળત. સુનયના, થેંક્સ. તમે જ મને તમારી બહેન બતાવી તે માટે હું તમારો આભારી છું.’
અને એણે ફોન મૂકી દીધો.
બીજા દિવસે તો મારી દીદીના લગ્ન થઈ ગયા. એને મેં અને મમ્મીએ ખુશી ખુશી વિદાય આપી. મારી બહેનને લગ્ન કરી વિદાય થતી જોઈ મારી આંખોમાં આંસુ સાથે પપ્પાના ગયા બાદ પહેલી જ વાર મારા અને મારી મમ્મીના ચહેરા પર ખુશીની એક લહેર દોડી ગઈ.
– અને સુનયના તેની વાત પૂરી કરે છે.




