Close

મારા પતિનો ૩૧ વર્ષ સુધી ઈન્તજાર કર્યો છે

કભી કભી | Comments Off on મારા પતિનો ૩૧ વર્ષ સુધી ઈન્તજાર કર્યો છે

”હા, હું ભારત માટે જાસૂસી કરતો હતો” ભારતીય જાસૂસ સુરજીતસિંહની કબૂલાત

તા.૩૧ ડિસેમ્બર, ૧૯૮૧નો દિવસ. એ દિવસે સખત ઠંડી હતી. એક યુવાન સાવ એકલો ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાનમાં ઘૂસી ભારત માટે જાસૂસી કરવા એક પાકિસ્તાનીને રિક્રુટ કરવા માંગતો હતો. ૪૩ વર્ષના ભારતીય યુવાન સુરજિતે જે પાકિસ્તાની માણસને બોર્ડર પર બોલાવ્યો તેને ભારતીય લશ્કરના જ જવાનોએ પકડી માર માર્યો. તેને પાછો મોકલી દેવામાં આવ્યો. બીજી બાજુ સુરજિતને પણ ભારતીય સરહદ ઓળંગવા દેવામાં આવી નહીં. સુરજિત ભારતીય જાસૂસ હતો તે વાત ભારતીય લશ્કર જાણતું નહોતું.

મારા પતિનો ૩૧ વર્ષ સુધી ઈન્તજાર કર્યો છે

જે પાકિસ્તાનીને ભારતીય લશ્કરે માર માર્યો હતો તે હવે બદલો લેવા માંગતો હતો. બીજા દિવસે સરહદ પર પણ બીજા જ સ્થળે તેની સુરજીતસિંહ સાથે મુલાકાત થઈ. પાકિસ્તાનીએ સુરજિતસિંહને તેના ઘેર આવવા આમંત્રણ આપ્યું. સુરજિતસિંહ સરહદ ઓળંગીને પાકિસ્તાનીના ઘેર ગયો. થોડી જ વારમાં પાકિસ્તાનના સૈનિકો આવી ગયા અને સુરજિતસિંહને પકડી લીધો. જે પાકિસ્તાનીને માર પડયો હતો તેણે જ આ કામ કર્યું હતું.

સરબજીતના બદલે પાકિસ્તાનની જેલમાંથી છુટીને આવેલા સુરજિતસિંહે જાતે ભારત આવ્યા પછી આ કબૂલાત કરી છે. ભારત માટે જાસૂસી કરવાના આરોપસર તે પાકિસ્તાનની કોટ લખપત જેલ લાહોરમાં ૩૧ વર્ષની સજા ભોગવી ગઈ તા. ૨૮ જૂન ૨૦૧૨ના રોજ ભારત પાછો ફર્યો.

પકડાઈ ગયા બાદ સુરજિતસિંહને લાહોર ખાતે આવેલા પાકિસ્તાનના લશ્કરી હેડક્વાર્ટર પર લઈ જવામાં આવ્યો હતો. સાડા ચાર વર્ષ સુધી તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. એ દરમિયાન તેને એક અંધારી કાળ કોટડીમાં પૂરી રાખવામાં આવ્યો હતો. સુરજિતસિંહને રોજ થર્ડ ડિગ્રીનો માર મારવામાં આવતો હતો. સુરજિતસિંહ કહે છેઃ ”હું પકડાઈ ગયો તે પછીના પાંચ વર્ષ મારી જિંદગીના અત્યંત ખરાબ વર્ષ હતા. મેં નર્કની યાતના જ ભોગવી છે. મને પેશાબ થઈ જાય ત્યાં સુધી મને મારવામાં આવતો હતો. હું બેભાન થઈ જતો હતો. મારા પ્રાઈવેટ પાર્ટસની અંદર મરચાં ભરી દેવામાં આવતાં હતાં. હું મૃત્યુ માટે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો. પાકિસ્તાનના આર્મી એક્ટ મુજબ ૧૯૮૫માં મને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો અને મને લાહોરની કોટ લખપત જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સજા સાંભળી હું ખુશ થયો હતો, કારણ કે હવે થર્ડ ડિગ્રીના જુલમનો અંત આવશે તેમ હું માનતો હતો.”

સુરજિતસિંહ કહે છેઃ ”પહેલાં તો હું મોત ઈચ્છતો હતો પરંતુ મને મારી પત્ની અને ચાર બાળકોનો ખ્યાલ આવતાં મેં દયાની અરજી કરી. ૧૯૮૯માં એ વખતના પ્રેસિડેન્ટ ગુલામ ઈશાકખાને મારી અરજી પર વિચારણા કરી મારી મોતની સજાને આજીવન કારાવાસની સજામાં બદલી નાંખી હતી.”

સુરજિતસિંહ તેના પંજાબના ફિરોજપુર વિસ્તારના ફિદાએ ગામના ઘરની બહાર પ્લાસ્ટિકની ખુરશીમાં બેસી તેની આપવીતી કહેવા બચી ગયો છે. સુરજિતસિંહનો જન્મ પંજાબના આ નાનકડા ગામના એક સામાન્ય પરિવારમાં ૧૯૩૬ની સાલમાં થયો હતો. તે નાનો હતો ત્યારથી જ દેશની સેવા કરવા માંગતો હતો. નવમું ધોરણ ભણી રહ્યા બાદ તે પંજાબની આર્મ્ડ પોલીસમાં જોડાયો હતો. અહીં તેણે ભણવાનું ચાલુ રાખી મેટ્રિક કરી લીધું હતું. તે પછી તેને બિહાર (હાલ ઝારખંડ)ના હઝારીબાગ ખાતે પોસ્ટિંગ મળ્યું હતું. ૧૯૬૭માં પંજાબ આર્મ્ડ પોલીસનું નામ બદલીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેને ઘર યાદ આવ્યું છતાં નોકરી છોડીને ઘેર આવી ખેતી કરવા લાગ્યો હતો.

”એ દિવસોમાં લશ્કરના અધિકારીઓ સરહદ નજીકના ગામોમાં આવી સ્થાનિક રહીશોને ભારત માટે જાસૂસી કરવાનું કહેતા હતા. મને પણ એક લશ્કરી અધિકારી દ્વારા તેમના માટે કામ કરવાનું કહેવામાં આવ્યું અને મેં હા પાડી. બદલામાં મને પૈસા મળવાના હતા. માટે જાસૂસીનું કામ કરવાનું છે તે વિષે હું સભાન નહોતો.”: સુરજિતસિંહના ઉપરોક્ત બ્યાન બાદ ભારત સરકારે સુરજિતસિંહ એ ભારત સરકારનો જાસૂસ હોવાની વાતને નકારી કાઢી છે કે, ગૃહસચિવે સ્પષ્ટતા કરી છે કે સુરજિતસિંહ ભારત સરકારનો જાસૂસ હતો તેવું રેકોર્ડ પર ક્યાંય નથી. પરંતુ સુરજિતસિંહ પોતાના બ્યાન પર કાયમ છે. બની શકે કે તે લશ્કરના કર્મચારી તરીકે નોકરી પર ન હોતો પરંતુ ભારતીય લશ્કરની ગુપ્તચર શાખાના એક અધિકારીઓએ તેને જે કામ સોંપ્યું હતું તે શાયદ જાસૂસ પ્રકારનું જ હતું.

સુરજિતસિંહ કહે છેઃ ”પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ મારી પાસે એવી કબૂલાત કરાવવા માંગતા હતા કે, હું ‘રો’નો એજન્ટ છું. હું એ લોકોના યાતનાભર્યા જુલ્મથી બચવા એ લોકો જેમ કહે તેમ હા પાડતો હતો. અલબત્ત, એ વાત સાચી છે કે હું પાકિસ્તાનમાં ઘુસી પાકિસ્તાનના લશ્કરના હેડક્વાર્ટરના ત્રણ કલાર્કને ફોડી નાંખી કેટલાંક દસ્તાવેજો હું હાંસલ કરવા માંગતો હતો. તે પછી હું રાતના સમયે સતલજ નદી ક્રોસ કરી ભારત પાછો ભાગી જવા માંગતો હતો.”

તે કહે છે : ”તે પછી હું વારંવાર પાકિસ્તાન જતો હતો. ડિસેમ્બર ૧૯૮૧માં મારી ધરપકડ થઈ તે પહેલાં હું ૮૫ વખત પાકિસ્તાનમાં ટ્રીપ મારી આવ્યો હતો. મને એક ટ્રીપના ૧૯૮૦ સુધી રૂ. ૭૫૦૦ મળતા હતા. તેમાંથી રૂ.૬૦૦૦ હું પાકિસ્તાની કલાર્કસને આપતો હતો. બાકીની રકમ હું મારી પાસે રાખતો હતો.”

સુરજિતસિંહને આ ટ્રીપની રકમ ઉપરાંત તેના પરિવારને દર ત્રણ મહિને રૂ.૩૦૦ મળતા હતા. એ પછી સુરજિતસિંહે તેના ગામમાં પાકુ મકાન બનાવ્યું હતું, જ્યારે બીજાં મકાનો માટીથી બનેલાં હતાં. પરંતુ ડિસેમ્બર, ૧૯૮૧માં સુરજિતસિંહ પકડાઈ ગયો તે પછી બધું બદલાઈ ગયું. એક દિવસે તે પાકિસ્તાનની ભીતર ગયો અને પાછો ના આવ્યો. તેના પરિવારને લાગ્યું કે સુરજિતસિંહનું મૃત્યુ નીપજ્યું હોવું જોઈએ. સુરજિતસિંહના પત્નીનું નામ હરબન્સ કૌર છે. પતિના ગૂમ થઈ ગયા બાદ પૂરા ૨૩ વર્ષ સુધી તેના પરિવારને અગાઉ મળતી રકમ મળ્યા કરતી. હરબન્સ કૌર તેના ચારેય બાળકોને ઉછેરતાં રહ્યાં. હરબન્સ કૌર કહે છેઃ ”મારા પતિએ તે દિવસે જતાં પહેલાં કહ્યું હતું કે, હું થોડા દિવસોમાં પાછો ફરીશ. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, પણ તેઓ પાછા ના આવ્યા. હું બારીમાં બેસી તેઓ હમણાં આવશે તેવી આશ સાથે રાહ જોતી રહી. તેઓ જીવે છે કે મૃત્યુ પામ્યા છે તેની પણ મને ખબર નહોતી. મારા પતિની ગેરહાજરીમાં મેં મારા સંતાનોને ઉછેરવા માટે બધા જ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.”

આજે ૭૦ વર્ષની વયે પહોંચેલા હરબન્સ કૌર કહે છેઃ ”બાળકોને સારી રીતે ભણાવવા મારી પાસે પૂરતા પૈસા નહોતા. બાળકોને સ્કૂલ છોડી દેવી પડતી. સમય વહેતો રહ્યો. પરંતુ ૨૦૦૪માં બધું બદલાઈ ગયું. મારા પતિના ગૂમ થયાના ૨૩ વર્ષ બાદ એક દિવસ મારા પતિનો પત્ર આવ્યો ત્યારે જ અમને ખબર પડી કે, મારાં સંતાનોના પિતા જીવે છે અને પાકિસ્તાનની લાહોર જેલમાં છે. આ પત્ર પણ લાહોરની જેલમાં સજા ભોગવી રહેલા પણ રજા પર આવેલા સુરજિતસિંહના ગુરમેશ નામના એક સાથી દ્વારા આવ્યો હતો. મેં પણ પત્ર લખી ગુરમેશને વિનંતી કરી કે, તમે આ પત્ર પાછા જાવ ત્યારે મારા પતિને આપજો.”

સુરજિતસિંહ જીવે છે એ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. ગામ આખું તેના ઘર પાસે એકત્ર થઈ ગયું. સુરજિતનાં પત્નીની આંખમાં આંસુ હતા. હરબન્સ કૌર કહી રહ્યા હતાઃ ”હવે મને આશા છે કે એક દિવસ હું મારા પતિનું મોં જોવા સહભાગી બનીશ.”

૩૧ વર્ષના લાંબા ઈન્તજારનો અંત એટલો ઝડપી નહોતો. આ સમય દરમિયાન સરબજિતસિંહ નામનો એક ભારતીય કેદી પણ લાહોરમાં બોમ્બ વિસ્ફોટના આરોપસર લાહોરની એજ જેલમાં હતો. સરબતજિતના પરિવારની દલીલ છે કે, તે નશાની હાલતમાં સરહદ પાસે ગયો હતો. હકીકતમાં લાહોરના બોમ્બ ધડાકા સાથે તેને કોઈ સંબંધ નહોતો. તા.૨૬ જૂન,૨૦૧૨ના રોજ પાકિસ્તાનના પ્રેસિડેન્ટ આસીફ અલી ઝરદારીએ જાહેરાત કરી કે, ”સરબતજિંતસિંહને છોડી મૂકવામાં આવશે.” અલબત્ત, પાકિસ્તાનના મીડિયામાં ઊહાપોહ થતાં તેના થોડા જ કલાકમાં એ જાહેરાત વિશે યુ-ટર્ન લેતાં પાકિસ્તાને જાહેર કર્યું કે પાકિસ્તાનના પ્રેસિડેન્ટે સરબતજિતસિંહને નહીં પણ સુરજિતસિંહ નામના બીજા કેદીને છોડવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને ફેરવી તોળતાં સરબતજિતના ઘેર જે આનંદ હતો તે નિરાશામાં ફેરવાઈ ગયો અને સુરજિતસિંહના ઘેર ખુશીની લહેર છવાઈ ગઈ.અત્રે એ નોંધવું જરૂરી છે કે તાજેતરમાં જ પાકિસ્તાનની જેલમાં કેદીઓએ સરબજિતસિંહને બેફામ માર માર્યો હતો અને સરબજિતસિંહનું પાકિસ્તાનની હોસ્પિટલમાં જ મૃત્યુ નીપજ્યું હતું. પણ આ કથા પાકિસ્તાનની જેલમાંથી છુટીને આવેલા સુરજિતસિંહની છે. સુરજિતસિંહ તો છુટીને ઘેર પાછો આવી ગયો પરંતુ તે ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે ૨૪ વર્ષની વયે તેના મોટા પુત્ર સહિત, તે તેના પિતા, મોટાભાઈ, ત્રણ નાનાભાઈઓ, બે નાની બહેનો સહિત તેના પરિવારનાં કુલ આઠ વ્યક્તિ મૃત્યુ પામી ચૂક્યા છે. ગામમાં તેના મિત્રો પણ મૃત્યુ પામ્યા છે. ગામ પણ બદલાઈ ગયું છે. કશું જ ઓળખાય એવું રહ્યું નથી. હા, એક વાતનો તેને સંતોષ છે તે તેના ત્રણ પૌત્રોનો દાદા બની ગયો છે, પણ એના ઘરની આર્િથક પરિસ્થિતિ સારી નથી. બાળકોને ઉછેરવામાં બધું જ ખર્ચાઈ ગયું છે. જમીનનો મોટો હિસ્સો વેચાઈ ગયો છે. બાકીની જમીન ગીરો છે. પરિવાર પર રૂ.૩૦ લાખનું દેવું છે. અગાઉ બનેલું પાકું મકાન વેચીને હરબન્સ કૌર હવે બારણા વગરના મકાનમાં રહે છે.

આવી છે એક દેશભક્ત જાસૂસના જીવનની કથા.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Be Sociable, Share!