વિનમ્ર નાશિકમાં રહે છે. નોકરી છે. મિત્રો સાથે રહે છે. એક દિવસ અપોઇન્ટમેન્ટ નક્કી કરી ‘સંદેશ’ અખબારના કાર્યાલય પર આવે છે. યુવાન છે, હસમુખો છે, પરંતુ ચહેરા પર દર્દ હામી થયેલું જણાય છે. તે કહે છે ઃ ‘મારા પિતા અને મારા મમ્મી શોભનાબહેનના લગ્ન થયા પછી બેઉ વચ્ચે પહેલેથી જ મેળ નહોતો, ગમે તે કારણસર મારા પપ્પાને મારી મમ્મી ગમતી નહોતી. મારી મમ્મી પ્રેગ્નન્ટ હતી ત્યારે જ પપ્પાએ મમ્મીને બેજીવી હાલતમાં માર મારી પિયર રવાના કરી દીધી હતી. એ વખતે મારી માના ઉદરમાં હતો. મારો જન્મ થયા પછી પપ્પા મમ્મીની ખબર કાઢવા માટે પણ આવ્યા નહોતા છતાં મને લઈને મમ્મી પપ્પાના ઘેર ગઈ હતી.
મને ખબર નહોતી પડતી પણ પપ્પા એમના વૃદ્ધ માતાને પણ ફટકારતા હતા. મારી મમ્મીને પણ મારતા હતા. હું સમજણો થયો ત્યારે પણ પપ્પા મારી મમ્મીને કહેતા કે, ‘આ બાળક મારું નથી.’ પરિણામે ઝઘડો વધ્યો. હું ૧૧ વર્ષનો થયો તે પહેલાં મારી મમ્મી ગૃહત્યાગ કરી ગઈ. મને તેની સાથે ના લઈ ગઈ.
હું હજી કિશોર હતો. પિતા મને ધુત્કારતા હતા. મમ્મી ને મારા માટે કોઈ લાગણી નહોતી. મારા પપ્પાએ મને ઘરનો નોકર બનાવી દીધો. કચરા વાળવા, પોતા કરવા, વાસણ ઘસવાં. હું સ્કૂલે જતો પણ હોમવર્ક કરી શકતો નહીં, કારણ કે સવાર-સાંજ ઘરકામ કરવું જ પડતું. મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મારા પપ્પા મને તેમના મિત્રોની હાજરીમાં કાન પકડાવી ઉઠબેસ કરાવે. અંગૂઠા પકડાવે. એક દિવસ મને એટલો બધો માર્યો કે તેમના મારના નિશાન આજે પણ મારી પીઠ પર છે. નાની ઉંમરમાં વધુ પડતા શ્રામથી મને રૂમેટાઇડ આર્થરાઇટસ થઈ ગયો. મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ ૧૧-૧૨ વર્ષની વયનો મને એકલો હૉસ્પિટલમાં મૂકી મારા પપ્પા જતા રહ્યા હતા.
સમય વીતતો રહ્યો. મારા પપ્પાએ પુનઃલગ્ન કર્યાં. ઘરમાં નવી મમ્મી આવી. મને બીક હતી કે, નવી મમ્મીના આવ્યા બાદ મારી હાલત વધુ ખરાબ થશે, પરંતુ એથી ઊંધુ થયું. નવી મમ્મી ખૂબ સારી નીકળી. મને એમના તરફથી લાગણી અને હૂંફ મળ્યા.
કેટલાક સમય બાદ મારી નવી મમ્મીએ બે પુત્રીઓને અને તે પછી એક પુત્રને જન્મ આપ્યો. મારી નવી મમ્મીની ડિલિવરી વખતે હું જ હૉસ્પિટલમાં તેમની સાથે હતો. હવે હું ૧૮ વર્ષનો હતો. નવી મમ્મીની હૉસ્પિટલમાં મેં જ સેવા કરી. એની કૂખે જન્મેલી બન્ને બહેનો મને રાખડી બાંધતી. હું ખુશ થઈ જતો.
એ પછી મારા પપ્પાએ કોઈક કારણસર મારી નવી મમ્મી સાથે ઝઘડા શરૂ કર્યા. પહેલાંની જેમ જ મારી નવી મમ્મીને પણ માર મારવાનો શરૂ કર્યું. હવે હું મોટો થઈ ગયો હોઈ સમજતો પણ થયો હતો. હું પપ્પાને રોકતો તો તેઓ મને પણ ફટકારવા લાગ્યા. મેં કહ્યું ઃ ‘પપ્પા, હું તમારા ઘરમાં કચરા-પોતું કરું છું, વાસણે સાફ કરું છું, છતાં મારો છો કેમ?’
પપ્પાએ કહ્યું ઃ ‘ચાલ્યો જા, અહીંથી નોકરી શોધી લે કોઈ.’
મને ઘરની બહાર તગેડી મૂક્યો. મારી પાસે ખિસ્સામાં રૂપિયો પણ નહોતો. એક ચાદર લઈને હું બહાર નીકળી ગયો. હું ફૂટપાથ પર સૂઈ જવા લાગ્યો. એવામાં મને એક નોકરી મળી ગઈ. મને રાહત થઈ.
એક દિવસ મને ખબર પડી કે મારી નવી મમ્મી બીમાર છે. હૉસ્પિટલમાં છે. હું હૉસ્પિટલમાં ખબર કાઢવા ગયો. ખબર પડી કે મારી નવી મમ્મીને હાઈબીપી રહેતું હતું. પરિણામે તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેનું હૃષ્ટપુષ્ટ શરીર સાવ નિસ્તેજ થઈ ગયું હતું. શરીરમાં જાણે કે લોહી જ નહોતું. હવે તે ડાયાલિસીસ પર હતી. દિવસે હું નોકરી જતો અને આખી રાત હું મારી નવી મમ્મી પાસે બેસી રહેતો, તેની સેવા કરતો. મારી નવી મમ્મી જિંદગી હારી ગઈ હતી. એને હૉસ્પિટલમાં રજા આપવામાં આવી.
અમે ઘેર આવ્યા. મારા પપ્પાને મારી નવી મમ્મીની સેવા કરનાર એક નોકરની જરૂર હતી, તેમ સમજીને મને ઘરમાં રહેવા કહ્યું. મારી નવી મમ્મી આ હાલતમાં પણ બહેનોને નવરાવતી, તૈયાર કરી સ્કૂલે મોકલતી અને રસોઈ બનાવતી. હું તેને મદદ કરતો અને કિડની ફેલવાળી મારી મમ્મીને મારા પપ્પા માર મારતા. એક દિવસ મારી નવી મમ્મીએ મને બેસાડીને કહ્યું ઃ ‘બેટા, હવે તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને જલદી ઉપર બોલાવી લે.’
અને સાચે જ એક દિવસ ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી લીધી. શ્રાીનાથજીએ એને વૈકુંઠમાં બોલાવી લીધી. અમે ચારેય ભાઈ-બહેનોએ એના અંતિમ દર્શન કર્યાં. ત્યારે ગમગીની સાથે અમે તેને સ્મશાને લઈ ગયા. મેં અને મારા ઓરમાન નાના ભાઈએ ચિતાને અગ્નિદાહ દીધો. કેટલીયે વાર સુધી મારી નવી મમ્મીની ચિતા સામે શૂન્યમનસ્ક બની હું બેસી રહ્યો.
હવે મારા નાના-ભાઈ બહેનોનો ઉછેર કરવાની જવાબદારી મારા માથે હતી. પપ્પા દારૂડિયા થઈ ગયા હતા. મારી વય હવે ૨૧ વર્ષની થઈ હતી. છતાં પપ્પા મને ફટકારતા. મને મારવાનું કારણ કહેતા નહોતા પરંતુ ખરું કારણ એ હતું કે, તેઓ મને તેમનું સંતાન સમજતા નહોતા. મને મારા માતાનું અવૈદ્ય સંતાન સમજતા હોઈ કોઈને કોઈ બહાને મારી માતા પરનો ગુસ્સો મારી પર કાઢતા હતા. પરંતુ ઘરમાં એક નોકરની જરૂર હોઈ પૈસા બચાવવા નોકરી જેમ મને ઘરમાં રાખતા હતા.
રોજ સવારે વહેલો ઊઠી હું નાના ભાઈ-બહેનોને ઉઠાડતો, તૈયાર કરી આપતો, બહેનોને માથું ઓળી આપતો. હજુ કચરા-પોતા પણ કરતો. રસોઈ પણ બનાવતો પરંતુ મારા પપ્પાને સંતોષ નહોતો. મને જોઈને જ ઉશ્કેરાઈ જતા. કોઈવાર પાણીનો છુટ્ટો ગ્લાસ મારે તો કોઈ વાર લાકડીથી મને ફટકારે. હું મારા ઓેરમાન ભાઈ-બહેનોનું જીવન અંધકારમય બની ના જાય તે માટે જ આ બધુ સહન કરતો. હું જેમ વધુ સહન કરતો તેમ મને વધુ મારતા બીભત્સ ગાળો પણ દેતા. મારા ભાઈ-બહેનો મારો પક્ષ લે તો તેમને પણ માર પડતો. પપ્પા બહાર જાય તો ભાઈ-બહેનોને હું રમવાની સ્વતંત્રતા આપતો. તેમની મનપસંદ ટીવી ચેનલ સેટ કરી આપતો. સૂઈ જાય તે પહેલાં હોમવર્ક કરવામાં મદદ કરતો. એક માની જેમ હું એ બાળકોને સાચવતો.
મારા ભાઇ-બહેનો મારી સાથે થઈ ગયા હોઈ એ વાત પપ્પાને ખટકવા લાગી. એક દિવસ મંદિરમાં દર્શન કરીને અમે ઘેર આવતા હતા ત્યારે બસમાં જ મારા પપ્પા મારી પર બગડયા. મને ખૂબ ગાળો બોલ્યા, બધાના દેખતાં મને લાફો ફટકારી દઈ કહ્યું ઃ ‘ગેટઆઉટ.’
મને ફરીથી તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો.
તેમની માનસિક્તાની મને ખબર હતી કારણ કે તેઓ કદીયે મને તેમનું સંતાન સમજતા નહોતા. હું ફરી રોડ પર આવી ગયો. હવે મારે કયાં જવું ? મને મારી અસલી મમ્મી યાદ આવી.
મને જન્મ આપનાર મારી મમ્મીની મેં શોધ ચલાવી તો ખબર પડી કે એણે કોઈ પુરુષ સાથે ફરી લગ્ન કરી લીધું હતું. હું શોધતો શોધતો મારી અસલી મમ્મીના ઘેર પહોંચ્યો. રાત્રે બારણું ખટખટાવ્યું. મારી મમ્મીએ બારણું ખોલ્યું. આટલી મોડી રાત્રે આવવાનું કારણ પૂછયું. મેં કહ્યું ઃ ‘મમ્મી, મને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો છે.’
રાત થઈ ગઈ હોવાથી તેણે મને સૂઈ જવાની સલાહ આપી. પરંતુ મને ખાવા-પીવાનું પણ પૂછયું નહીં. હું ભૂખ્યો જ સૂઈ ગયો. સવારે ઊઠયો તો મમ્મીનું વર્તન બદલાયેલું હતું. એણે કહ્યું ઃ ‘નોેકરી શોધી કાઢ.’
નોેકરી શોધવા મારી પાસે ભાડાના પૈસા નહોતા. મે કહ્યું ઃ ‘મમ્મી, મને બસ ભાડાના પૈસા અને એક ટાઇમ જમવાના પૈસા આપ. નોકરીના પગારમાંથી ચૂકવી દઈશ.’
એણે થોડા પૈસા આપ્યા. મેં નોકરી શોધી કાઢી. રોજ બે બસો બદલીને નોકરી જવા લાગ્યો. ઓફિસમાં કેટલાક સારા મિત્રો પણ મળ્યા. મારી પાસે એક જ જોડ કપડાંની હતી. એક મિત્રએ તેના કપડાં પણ આપ્યા. કોઈએ શૂઝ આપ્યા. પગાર ના આવે તે પહેલાં બીજાઓની ચીજો વાપરવી મારા માટે અનિવાર્ય હતી. પહેલો પગાર પંદર દિવસે આવ્યો. તેમાંથી મેં મારા અસલી મમ્મી પાસેથી લીધેલા પૈસા પાછા આપી દીધા.
એક દિવસે મારી મમ્મીએ કહ્યું ઃ ‘ તારે હવે કાયમી રહેવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ.’
દિવસે દિવસે તેનું મારી પર દબાણ વધતું ગયું. મારી મમ્મીએ પણ મારી પર ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો.
એક દિવસ રાત્રે ૧૧ વાગે હું નોકરી પતાવી થાકીને ઘેર આવ્યોે ત્યારે મેં મારી જૂની મમ્મીના ઘેર તાળું જોયું. પડોશીઓએ કહ્યું કે, ‘શોભનાબહેન તો તેમનાં છોકરાને લઈને ક્યાંક જતા રહ્યાં છે.’
મેં નિસાસો નાંખ્યો.
ફરી હું એકલો અટૂલો પડી ગયો. મારી મમ્મીએ જે પુરુષ સાથે લગ્ન કર્યું હતું તે થોડાં જ વર્ષો બાદ કેન્સરની બીમારીથી મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં તે મને રાખવા તૈયાર નહોતી. મારા પપ્પા પણ પુર્નલગ્ન કર્યા બાદ વિધુર બન્યા હોવા છતાં મને રાખવા તૈયાર નહોતા. છેવટે હું રાત્રે ફૂટપાથ પર પડી રહ્યો. બીજા દિવસે મારા મિત્રોને મેં વાત કરી તો એમણે ભાડાના એક રૂમમાં મને ગોઠવી આપ્યો. હું હવે મારા મિત્રો સાથે રહું છું. દુઃખમાં પણ અમે હસીએ છીએ, મોજ કરીએ છીએ, ઓછી ચીજવસ્તુઓથી ચલાવી લઈએ છીએ, એક બીજાના કપડાં પહેરીએ છીએ, સાથે જમીએ છીએ અને સાથે જિંદગી પસાર કરીએ છીએ.
પિતા છે પણસાથે રાખવા તૈયાર નથી, મમ્મી છે પણ તે પણ રાખવા તૈયાર નથી, હવે મેં સંઘર્ષ કરતાં શીખી લીધું છે. મારા મરાઠી મિત્રોના ટિફિનમાંથી હું જમું છું તેમાં મને વિશેષ સંતોષ મળે છે.
‘મને કોઈની સામે ફરિયાદ નથી, કોઈનીયે સામે નારાજગી નથી, કોઈનીયે સામે તિરસ્કાર નથી. પપ્પા કે મમ્મી સામે પણ નહીં ઃ ‘ કહેતાં વિનમ્ર તેની વાત પૂરી કરે છે.
(નામ પરિવર્તિત છે)
દેવેન્દ્ર પટેલ



