તાજેતરમાં જ `વર્લ્ડ સીટિઝન્સ ડે’ આવ્યો અને જતો રહ્યો. આ સંદર્ભમાં કેટલીક હૃદયસ્પર્શી વાતો અહીં પ્રસ્તુત છે.ગુજરાતમાં એક વૃદ્ધાશ્રમ એવો છે કે જ્યાં એક એવા બુઝુર્ગ રહે છે કે જેમના પુત્ર મુંબઈમાં મોટા બિઝનેસમેન છે અને રૂ. ૧૦૦૦ કરોડની પ્રોપર્ટીના માલિક છે. એ જ વૃદ્ધાશ્રમમાં એક એવાં વૃદ્ધા પનાહ લઈ રહ્યાં છે કે જેમના પુત્રો રૂ. ૨૦૦ કરોડની મિલકતના આસામી છે. આવું માત્ર ગુજરાતમાં જ નથી, પણ આખા દેશમાં છે. માતા-પિતા અને ગુરુને પૂજ્ય ગણવાની ભારતીય સંસ્કૃતિની વાતો હવે ક્યાંક ક્યાંક માત્ર કહેવા પૂરતી જ રહી ગઈ છે.
બદલાતા સમય, ભૌતિક સંપત્તિની દોડ અને એકલા રહેવાની સ્વતંત્રતાની ઘેલછાના કારણે આ દેશમાં બુઝુર્ગોની હાલત ખરાબ છે. એક જમાનામાં સંયુક્ત પરિવારમાં દાદાના ખોળામાં બેસી પૌત્ર કે પૌત્રી વાર્તા સાંભળતાં હોય એવાં દૃશ્યો હવે દેખાતાં નથી. ફાસ્ટ લાઈફ જીવતાં કેટલાંક યુગલો તેમનાં પુત્ર કે પુત્રીના બેબી સીટિંગ માટે કોઈ નોકરિયાત આયાને રાખે છે પરંતુ ઘરડાં માતા-પિતાને રાખવા તૈયાર નથી. અમદાવાદ જેવાં શહેરના વૃદ્ધાશ્રમોમાં પુત્ર-પુત્રીઓના ચહેરા જોવા તલસતાં કેટલાક વૃદ્ધોની હાલત દયાજનક છે. આવું આખા વિશ્વમાં છે.
કેટલાક દિવસો પહેલાં એક અખબારમાં એક ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. ચીનના એક બુઝુર્ગે પોતાના બે પુત્રોથી ખફા થઈને તેની જિંદગીભરની કમાઈ કે જે ભારતીય ચલણ પ્રમાણે રૂ. ૨૧.૭૮ લાખ થતી હતી તે રકમની નોટો પોતાની ચિતા પર સળગાવી દેવા વસિયતનામું કર્યું. વૃદ્ધાવસ્થામાં પુત્રોએ તેમને સાથે ન રાખતાં એ બુઝુર્ગે એવું વસિયતનામું બનાવ્યું હતું કે, મારું મૃત્યુ થાય ત્યારે મારી બચતની તમામ રકમ મારી ચિતા પર મૂકી એ નોટો સળગાવી દેવી.
આવી જ એક બીજી ઘટના ભારતમાં ઘટી હતી. તા.૨૯ નવેમ્બર, ૨૦૦૭ના રોજ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં માદિવા નામની એક વૃદ્ધ મહિલાએ પોતાની જિંદગીભરની કમાણીની રૂ. ૧.૮૦ લાખની રકમની ચલણી નોટો ફાડી નાંખી તે નોટોના ટુકડે ટુકડા કરી નાંખ્યા. આશ્ચર્ય એ વાતનું હતું કે માદિવા અને તેના બે ભાઈઓ નાના હતા ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું અને બે નાના ભાઈઓને ભણાવવા તથા ઉછેરવા તેણે લગ્ન પણ કર્યું નહોતું. એ પછી એ બે ભાઈઓ ભણીગણીને આગળ આવ્યા અને સારી કમાણી કરવા લાગ્યા પરંતુ વૃદ્ધ થયેલી મોટી બહેનને તેઓ ખાવા પણ આપતા નહોતા. ભાઈઓના એ વર્તનથી નારાજ માહિલાએ તેની જિંદગીભરની રકમની પૂંજી ફાડીને ફેંકી દીધી.
દિલ્હીમાં રહેતા એક બુઝુર્ગની ફરિયાદ છે કે મારાં સંતાનો માટે જિંદગી ઘસી નાંખી પરંતુ આજે કડકડતી ઠંડીમાં મારા મોટા થયેલા પુત્રો મને ગરમ સ્વેટર પણ લઈ આપતા નથી.
માતા-પિતાનું અવસાન થાય છે ત્યારે કેટલાક પુત્રો સમાજને દેખાડવા માટે માથા પરથી વાળ ઊતરાવી દઈ પીંડદાન કરે છે. ઘરમાં મૃત પિતાની કે માતાની તસવીર લટકાવી તેની પર ફૂલોની માળા ચડાવે છે પણ તેઓ જીવતાં હતાં ત્યારે તેમની કેટલી ઉપેક્ષા કરી હતી તે યાદ પણ કરતા નથી. જીવિત બુઝુર્ગનું સન્માન કરવાના બદલે મૃત બુઝુર્ગોનું સન્માન કરવું એ આ દેશની સંસ્કૃતિની બદલાતી તરાહ છે. વૃદ્ધોની હાલત અંગે ગ્લોબલ એજ વૉચના સૂચકાંક પ્રમાણે ભારત ૭૧મા નંબરે છે. નેપાળ ૭૦મા નંબરે, બાંગ્લાદેશ ૬૭મા નંબરે, ચીન ૫૨મા અને શ્રીલંકા ૪૬મા નંબરે છે.
ભારતમાં ૧૧ કરોડ ૬૬ લાખ વૃદ્ધો છે. તેમાંથી ૩૦ ટકા પુરુષો અને ૭૦ ટકા સ્ત્રીઓ અન્ય પર નિર્ભર છે. કેવળ ૨૮ ટકા વૃદ્ધોને પેન્શન મળે છે. આ આંકડા અનુસાર ભારતમાં ૫૦ ટકા બુઝુર્ગોને પેટ ભરીને ખાવા પણ મળતું નથી.
હેલ્થ એજ ઈન્ડિયાના એક સરવૅ મુજબ ૨૦૧૩માં વૃદ્ધો પર અત્યાચારના કેસો ૨૩ ટકા હતા. આ આંકડા ૨૦૧૪માં ૫૦ ટકા થઈ ગયા. અત્યાચારનો ભોગ બનનાર એ બુઝુર્ગોમાં ૫૨ ટકા મહિલાઓ અને ૪૮ ટકા પુરુષો હતાં. બુઝુર્ગો પરના ૬૧ ટકા અત્યાચારના કેસોમાં વહુઓ અને ૫૯ ટકા કેસોમાં પુત્રો જવાબદાર હતા. કેટલાક દિવસ પહેલાં એક વહુ દ્વારા તેની બીમાર સાસુ પર કરેલા પ્રહારોનાં દૃશ્યો ટેલિવિઝન પર જોઈ આખો દેશ ચોંકી ઊઠ્યો હતો.
વૃદ્ધો પર જે જુલ્મો ગુજારવામાં આવે છે તે પૈકી ૪૧ ટકા કેસ અપશબ્દ બોલવાના, ૩૩ ટકા કેસો બીજી રીતે તેમને અપમાનિત કરવાના અને ૨૯ ટકા કેસ માતા-પિતાની ઉપેક્ષા કરવાના જણાયા છે. આ સરવૅમાં જણાયું હતું કે ૬૧ ટકા કેસોમાં જમાઈ દ્વારા સાસુ-સસરા પર અત્યાચાર આચરવામાં આવ્યા હતા. નાનાં નગરોમાં તો પુત્રીઓ જ તેમનાં માતા-પિતા પર જુલમ વરસાવતી જણાઈ હતી.
જે બુઝુર્ગો પર આ સરવૅ કરવામાં આવ્યો હતો તેમાંથી ૭૭ ટકા પરિવારો સંયુક્ત હતા. બુઝુર્ગો પર સહુથી વધુ અત્યાચારોની ટકાવારી ૭૫ ટકા બેંગ્લુરુમાં હતી. દિલ્હી ૨૨ ટકા સાથે સહુથી નીચે હતું. કાનપુરમાં બુઝુર્ગો પરના અત્યાચારની ટકાવારી સહુથી ઓછી હતી.
ચોંકાવનારી વાત એ હતી કે અત્યાચારનો ભોગ બનેલા ૬૪ ટકા વૃદ્ધોને પોલીસની હેલ્પલાઈનની જાણકારી પહેલેથી જ હતી પરંતુ માત્ર ૧૨ ટકા બુઝુર્ગોએ જ પોલીસની હેલ્પલાઈનની મદદ લીધી હતી. ૫૩ ટકા વૃદ્ધોએ તેમની પર થતા જુલમ અંગે તેમનાં સગાંસંબંધીઓને વાત કરી હતી. ૪૨ ટકા વૃદ્ધોએ તેમના મિત્રોને વાત કરી હતી.
રોજ અત્યાચારનો સામનો કરતા બુઝુર્ગોની સંખ્યા સહુથી વધુ હૈદરાબાદમાં હતી. જ્યારે સહુથી ઓછી સંખ્યા મુંબઈમાં હતી. બીજા નંબરમાં આવતાં શહેરોમાં ગુવાહાટી ૭૧ ટકા સાથે સહુથી આગળ હતું. ૨૦૧૧ના આંકડા પ્રમાણે ગામડાંઓમાં બુઝુર્ગોની સંખ્યા ૧૦ વર્ષમાં ૧૨ ટકા અને શહેરોમાં ૩૨ ટકા વધી છે.
એવું નથી કે બુઝુર્ગો માટે સરકારી સ્તર પર કોઈ નિયમ કે કાનૂન નથી. વૃદ્ધો માટે કેટલીક કલ્યાણકારી યોજનાઓ પણ છે પરંતુ અત્યાચાર પરિવારની અંદર થતા હોય છે અને આબરૂ જવાની બીકે ભીતરની વાતો જલદી બહાર આવતી નથી. ભારતના બુઝુર્ગો ફરિયાદ કરવાના બદલે અત્યાચારો સહન કરવાનું વધુ પસંદ કરે છે. ૨૦૦૭માં ભારત સરકારે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ માટે કાયદો બનાવ્યો છે. આ કાનૂન અનુસાર બુઝુર્ગો પર અત્યાચાર કરનાર પુત્ર-પુત્રીઓ કે સગાં સંબંધીઓને ત્રણ મહિનાની સજા થઈ શકે છે પરંતુ નોંધપાત્ર વાત એ છે કે, આ કાનૂનના અન્વયે કોઈ કેસ હજુ ચર્ચામાં આવ્યો નથી. મોટાભાગના વૃદ્ધોને તો આ કાનૂનની કોઈ જાણકારી જ નથી.
આ સમસ્યા માત્ર ભારતની જ નહીં પરંતુ આખી દુનિયાની છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંકડા અનુસાર દુનિયાભરમાં ૮૦ વર્ષથી ઉપરની વયના વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક અંદાજ પ્રમાણે ૨૦૫૦ સુધીમાં એશિયામાં દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિ ૬૦ વર્ષની હશે. સમયની સાથે વિશ્વમાં બુઝુર્ગોની સંખ્યા વધવાની જ છે તો બીજી બાજુ બુઝુર્ગોમાં અસલામતીની ભાવના પણ વધતી જાય છે. આવું ને આવું ચાલુ રહેશે તો આવનારા સમયમાં બુઝુર્ગોની હાલત કેવી હશે?
જરૂરી છે કે બચપણથી જ નાનાં બાળકો તેમના વડીલોનું સન્માન કરવાની ભાવના કેળવે તેવા સંસ્કાર સીંચિત કરવામાં આવે.
કોઈ બુઝુર્ગને જીવતેજીવત નરકમાં ધકેલવા તરફ જઈ રહેલો સમાજ ભારતની ભવ્ય સંસ્કૃતિનું અપમાન જ કરી રહ્યો છે.
ચાલો પાછા વળીએ.
બુઝુર્ગોનું સન્માન કરીએ.
બાળકોને એ વાત સમજાવો કે કાલે તમે પણ બુઝુર્ગ થવાના છો……..DEVENDRA PATEL



