એના પિતાનું નામ રત્નેશ અને માતાનું નામ સુમન. લગ્ન બાદ કેટલાંક વર્ષો સુધી સંતાન ના થતાં ડોક્ટોરની મદદથી ટેસ્ટટયૂબ દ્વારા તેઓ એક પુત્રના માતા-પિતા બન્યા જેનું નામ આશિષ. તેઓ મિરઝાપુર નગરની રેલવે કોલોનીમાં રહેતા હતા. આશિષ હવે ત્રણ વર્ષનો થઈ ગયો. તેને એક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.
કેટલાક સમય બાદ તે બીજા ધોરણમાં આવ્યો. તે રોજ ચાલીને ઘેર આવતો. એક દિવસે તે સ્કૂલમાંથી ઘેર જ ના આવ્યો.
રત્નેશ અને સુમન સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે પૂછયું: ‘તમને કોઈની પર શક છે?’
રત્નેશે કહ્યું: ‘રેલવે કોલોનીમાં પવન નામનોે એક યુવાન રહે છે. તે રખડેલ છે. એક દિવસ અમને કહ્યા વગર જ પવન આશિષને સ્કૂલેથી ઘેર લઈ આવ્યો હતો.અમે એને ખૂબ ઠપકો આપ્યો હતો.
પોલીસે પવનની ખોજ શરૂ કરી. પવન રેલવે કોલોનીના તેના ઘરમાંથી ગૂમ હતો. તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. આ અપહરણ અને વસૂલીનો કેસ લાગતાં પોલીસ કોઈના ફોનનો ઈન્તજાર કરવા લાગી પણ કોઈએ પણ રકમની માગણી કરતો ફોન કર્યો નહીં.
પોલીસે હવે પવનના ફોનની કોલ ડિટેઈલ્સ મેળવી. આશિષ ગુમ થયો હતો તે અગાઉ એણે કોની કોની સાથે વાત કરી હતી તે તમામના નામ- સરનામા પ્રાપ્ત કરી લીધા. પોલીસે વારાફરતી તે બધાના ઘેર છાપા મારવાની શરૂઆત કરી. છેવટે મિરઝાપુર નજીકના એક ગામમાં કે જ્યાં પવનનો મિત્ર મુકેશ રહેતો હતો ત્યાં રાત્રે દોઢ વાગે પવન પકડાયો. પોલીસને જોઈને જ પવન ગભરાયો. પોલીસે થર્ડ ડિગ્રીનો અમલ શરૂ કરતાં પવન પોપટની જેમ બોલવા માંડયો. એ પછી પવને જે બયાન કર્યું તે વાત કાંઈક આમ હતી.
પવનનો મિત્ર મુકેશ અલ્હાબાદનો રહીશ હતો. પવન, રવિન્દ્ર અને પ્રદીપ સાથે તેને દોસ્તી હતી. તે બધાના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. આ ચારેય કાંઈ ખાસ કમાતા નહોતા. પિતાની આવક પર અને આડાઅવળા ધંધા કરીને જે કાંઈ આવક થતી તે બિયર પીવામાં ઉડાવી દેતા હતા. એક દિવસ આ ચારેય દોસ્તો બિયર પીવા બેઠા મુકેશે પૂછયું: ‘અલ્યા પવન, તું આજે નિરાશ કેમ છે?’
પવને કહ્યું: ‘શું કરું યાર! મેં મારા ઘરમાંથી ૨૫ હજાર રૂપિયા ચોર્યા હતા. એ રકમ ખાવા-પીવામાં વપરાઈ ગઈ. હવે એ રૂપિયા હું મૂળ જગાએ પાછા નહીં મૂકું તો મુશ્કેલી થશે.’
મુકેશે કહ્યું: ‘તું એ ચિંતા છોડ. આપણે કોઈ બાળકનું અપહરણ કરી લઈએ. એ પછી ૨૦ લાખ રૂપિયાની માગણી કરીશું. અંદરો અંદર પૈસા વહેંચી લઈશું. એ રકમ તો આખું વર્ષ ચાલશે. બિયર પીવાની મજા આવશે.
પવને કહ્યું: ‘મારી કોલોનીમાં જ આશિષ નામનો નાનો છોકરો રહે છે. તે નજીકની સ્કૂલમાં જાય છે. એના પિતા પાસે ઘણાં પૈસા છે. મારે એમના ઘેર આવવા- જવાનો સંબંધ છે. આશિષ પણ મને ‘ભઈયા’ કહી બોલાવે છે.
મુકેશ બોલ્યોઃ ‘તો પછી એને જ ઉપાડીએ.’
યોજના બનાવવામાં આવી.
પવને કહ્યું: આશિષને તો ફોસલાવીને હું લઈ આવીશ પણ એને રાખીશું ક્યાં ?’
મુકેશે કહ્યું: ‘અલ્હાબાદમાં મારા પિતાનું ઘર છે જે હાલ બંધ રહે છે. તેની ચાવી હું લઈ આવીશ. એ સિવાય મારી બહેનનું પણ એક ઘર છે એને હું સમજાવી દઈશ.’
યોજના અનુસાર ગઈ તા.૨૦મી સપ્ટેમ્બરના રોજ પવન, મુકેશ, રવિન્દ્ર અને પ્રદીપ મિરઝાપુર પહોંચી ગયા. એક મોટરસાઈકલની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. મુકેશ, રવિન્દ્ર અને પ્રદીપ રેલવે સ્ટેશને ઊભા રહ્યા. પવન મોટરસાઈકલ લઈ સ્કૂલ પાસે ગયો. સ્કૂલ છુટતાં જ નાનકડો આશિષ બહાર નીકળ્યો. પવને તેને બોલાવ્યો. નાનકડો આશિષ તેને ઓળખતો હોઈ તે પવનની પાસે ગયો. પવનના હાથમાં એક ગિફટ પેકેટ હતું. આશિષે પૂછયું: ‘ભઈયા, આ પેકેટમાં શું છે?’
પવને કહ્યું: ‘મારા ભત્રીજાની બર્થડે છે. તેના માટે બર્થડે ગિફટ છે. તું પણ મારી સાથે ચાલ. સરસ ખાવાનું મળશે. મીઠાઈ મળશે. આઈસ્ક્રીમ પણ ખાવા મળશે.’
પવનેે કહ્યું: ‘મેં તારી મમ્મીને વાત કરી છે કે સ્કૂલમાંથી આશિષને હું એક બર્થડે પાર્ટીમાં લઈ જઈશ અને સાંજે પાછો લેતો આવીશ. તેમણે હા પાડી છે.’
આશિષ તૈયાર થઈ ગયો. તે પવનની મોટરસાઈકલ પર બેસી ગયો. પવન આશિષને લઈને રેલવે ફાટક પાસે ગયો. એણે બાળક એના મિત્રોના હવાલે કરી દીધું. મોટરસાઈકલ નિશ્ચિત જગાએ મૂકી દીધી. દોસ્તો એ એક ઈન્ડિગો કાર તૈયાર રાખી હતી. યોજના અનુસાર તેઓ બાળકને લઈ આગળ નીકળી ગયા.
આશિષ તો હસી હસીને પવન સાથે બર્થડે પાર્ટી અંગે વાતો કરતો હતો પરંતુ ઘણીવાર થતાં તે પૂછવા લાગ્યોઃ ‘ભઈયા, હજુ કેટલી વાર લાગશે?’
આશિષ બોલ્યોઃ ‘ભઈયા, મને ભૂખ લાગી છે.’
પવન રાયબરેલી પાસે ગાડી ઊભી રખાવી અને રસ્તામાંથી પેટીસ અને કોલ્ડ્રિંક લઈ બાળકને ખવરાવ્યા. થોડીવારમાં તે સૂઈ ગયો.
હવે સાંજ પડી ગઈ હતી. આશિષ જાગી ગયો. તે મમ્મી-પપ્પા પાસે જવા જીદ કરવા લાગ્યો. થોડીવાર બાદ તે રડવા લાગ્યો. પવને તેને ખખડાવીને ચૂપ કરી દીધો.
અલ્હાબાદ પહોંચીને યોજના અનુસાર ખંડણીની માગણી કરવા બજારમાંથી સીમકાર્ડ ખરીદવા પ્રયત્ન કર્યો. પરંતુ યોગ્ય આઈડી કાર્ડના અભાવે તેમને કોઈને પણ સીમ કાર્ડ આપ્યું નહીં. મજબૂર થઈને તેઓ બાળકને લઈને રાતના ૧૦ વાગે મિરઝાપુર પહોંચ્યા. મુકેશે તેની બહેનને ફોન કરી યોજનાની વાત કરી. બહેને અપહૃત બાળકને પોતાના ઘરમાં રાખવા સાફ ઈન્કાર કરી દીધો. બધાના ચહેરા ફિક્કા પડી ગયા.
આ તરફ આશિષ હવે જોશજોશથી રડવા લાગ્યો હતો. તે કહેવા લાગ્યોઃ ‘ભઈયા, અત્યારે ને અત્યારે જ મને મમ્મી-પપ્પા પાસે લઈ જાવ.’
પવન અને તેના સાથીઓ મૂંઝાયા. તેઓ નક્કી કરી શક્તા નહોતા કે હવે શું કરવું ? બાળક હજુ સમજી શક્તો નહોતો કે આ બધું શું થઈ રહ્યું છે. તે તો ભોળા ભાવે કહેતો હતોઃ ‘ભઈયા બહુ મોડું થઈ ગયું છે, ઘેર જઈશ તો મમ્મી મને લડશે.’
બહુ સમજાવવા છતાં બાળક ચૂપ ના થયો એટલે બધાંને બાજુમાં લઈ જઈ પવને કહ્યું: ‘ખંડણી જ મેળવ્યા પછી પણ આ બાળકને મારી જ નાંખવાનો છે તો ચાલો અત્યારે જ એને પતાવી નાંખીએ. આમે ય ખંડણી મળે તો પણ બાળકને જીવતો રાખી શકાશે નહીં. કારણ કે તે મને ઓળખે છે. ખંડણી મળ્યા પછી તે એના મમ્મી- પપ્પાને મારું નામ આપી જ દેશે અને આપણે બધા પકડાઈ જઈશું.’
પવનની વાત એના મિત્રોને સાચી લાગી. પણ મુકેેશે પૂછયું: ‘ખંડણી આપતા પહેલાં તેનાં મમ્મી- પપ્પા કહેશે કે બાળક સાથે વાત કરાવોે તો આપણે શું કરીશું?’
પવને કહ્યું: ‘બાળકને મારી નાંખતા પહેલાં આશિષનો અવાજ મોબાઈલમાં રેકોર્ડ કરી દઈએ એ અવાજ સંભળાવી દઈશું.’
એ યોજના મુજબ બાળકને ફોસલાવી પવને આશિષ પાસે કેટલાક વાતો બોલાવરાવી એનો અવાજ મોબાઈલ પર રેકોર્ડ કરી લીધો.
હવે જંગલના રસ્તે ગાડી લીધી. રાત સમસમ આગળ વહેતી હતી. પવને કારની અંદર જ રવિન્દ્રને ઈશારો કર્યો. પવને આશિષને પકડી રાખ્યો. રવીન્દ્રએ બંને હાથથી બાળકનું ગળું દબાવી દીધું. તરફડિયા ખાઈને નાનકડો આશિષ શાંત થઈ ગયો. રસ્તામાંથી પ્લાસ્ટિકની એક બેગ લઈ લીધી હતી. બાળકની લાશને પ્લાસ્ટિકની બેગમાં મૂકી લાશ એક ઝાડીમાં ફેંકી દીધી. આ કામ પતાવ્યા બાદ એ બધા લખનૌ જવા રવાના થયા.
રસ્તામાં કોઈએ પણ તેમના પૂરતા કાગળોના અભાવે સીમકાર્ડ આપ્યું નહીં. બે દિવસ બાદ પવન એના ઘેર પહોંચ્યો ત્યારે પોલીસ એની ખોજ કરી રહી હતી. તે એના મિત્ર મુકેશના ગામ ભાગીને પહોંચી ગયો. પોલીસે પવનના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ્સના આધારે પવનના બધા જ મિત્રોના ઘેર છાપા માર્યા અને પવન મિરઝાપુર નજીકના એક ગામમાં મુકેશના ઘરમાંથી જ પકડાઈ ગયો. તે પછી ક્રમશઃ બધા જ પકડાઈ ગયા.
આવી છે એક બાળકના અપહરણ અને મોતની કથા. આ છે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની હાલત.




