સવારના ચાર વાગ્યા હતા.
કાશ્મીરની વાદીઓમાં હજુ અજવાળું થયું નહોતું. સાબિયા તેની મા અને બહેન શકીના સાથે પરોઢની નીંદર માણી રહી હતી. અચાનક કોઈએ એના ઘરનું બારણું ખટખટાવ્યું. સાબિયા ઊભી થઈ. એણે તંદ્રાવસ્થામાં ંજ બારણું ખોલ્યું. સાબિયાએ જોયું તો બારણામાં પચ્ચીસેક વર્ષનો એક યુવાન ઊભો હતો.
સાબિયાએ પૂછયું ઃ ‘કૌન હો. ક્યા ચાહતે હો?’
‘પરદેશી હું. આસરા ચાહતા હું.’
એટલામાં સાબિયાની મમ્મી આવી. એણે પણ પૂછપરછ કરી. એણે યુવાનને અંદર આવી ચારપાઈ પર બેસાડયો. સાબિયાની મમ્મીએ પૂછયું ઃ ‘કૌન હો… બેટા? કહાં સે આયે હો?’
યુવાને કહ્યું ઃ ‘મેરા નામ મુરાદ અલી હૈ. પાકિસ્તાન કે પેશાવર શહર સે અપને રિશ્તેદારો સે મિલને આયા હું. લેકિન યહાં આકર માલૂમ હુઆ કિ વહ અપના ઠીકાના છોડ કર કહીં ઔર ચલે ગયે હૈ. કુછ દિન આશરા ચાહતા હું.’
યુવાન સરળ અને ભોળો હતો. એની આંખોમાં ખોજ અને નિરાશા હતી. સાબિયાની મમ્મીએ કહ્યું ઃ ‘કોઈ બાત નહીં બેટા. તુમ યહાં રહ શક્તે હો.’
સાબિયાએ મુરાદ માટે ચા-નાસ્તો તૈયાર કર્યાં.
ચા પીતાં પીતાં મુરાદે પૂછયું ઃ ‘તુમ્હારા નામ કયા હૈ?’
‘સાબિયા’.
‘તુમ અપની મમ્મી કે સાથે અકેલી રહતી હો?’
‘હા.’
‘ઔર અબ્બુ?’
‘અબ્બુ અબ ઇસ દુનિયા મેં નહીં હૈ.આતંકવાદીઓને ઉસે માર ડાલા.’
‘ઓહ !’ ઃ કહેતા મુરાદ બોલ્યો ઃ ‘સાબિયા યે આતંકવાદી પાકિસ્તાન કી ભી સમસ્યા હૈ. યહ નાપાક લોગ હૈ. જો નિર્દોષ લોગોં કો મારતે હૈં.’
સાબિયાની આંખમાં પિતાની યાદ અને આંસુ હતા. એ દિવસે તો મુરાદે આરામ કર્યો. બીજા દિવસની સવારથી જ તે તેના રિશ્તેદારોને શોધવા બહાર નીકળી ગયો. મોડી રાત્રે પાછો આવ્યો. પણ તેની આંખોમાં નિરાશા હતી. સાબિયાએ પૂછયું ઃ ‘ કોઈ મિલા ?’
‘નહીં’
મુરાદ બીજા દિવસે સવારે સાબિયાએ બનાવેલો નાસ્તો લઈ ફરી એના સગાંઓને શોધવા નીકળી પડયો. રોજ સાંજે તે પાછો આવતો અને બીજા દિવસે સવારે બહાર નીકળી જતો. કેટલાયે દિવસો સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પરંતુ તે પાછો ના આવે ત્યાં સુધી સાબિયા તેની રાહ જોતી. મુરાદ આવે પછી જ તેની સાથે તે જમતી. મોડી રાત સુધી તેની સાથે વાતો કરતી. દરઅસલ બેઉને એકબીજા માટે કોમળ લાગણીઓ પેદા થઈ ચૂકી હતી. સાબિયા તેને સ્પર્શવા જતી પરંતુ મુરાદ એક મર્યાદા જાળવતો. અલબત્ત એક દિવસ મુરાદ સાંજે વહેલો ઘેર પાછો આવ્યો. એણે એક સુંદર પેકેટ સાબિયાના હાથમાં મૂકી દીધું. સાબિયાએ તે પેકેટ ખોલ્યું. તેમાં સાબિયા માટેનો સુંદર ડ્રેસ હતો. સાબિયા ખુશ થઈ ગઈ.
ધીમેથી મુરાદ બોલ્યો ઃ ‘તુમ મુજસે નિકાહ કરોગી ?’
સાબિયા મૌન થઈ ગઈ. તે અંદર ચાલી ગઈ. હકીકતમાં તેના તનબદનમાં ઝણઝણાટી થઈ આવી હતી. એને તો પહેલી નજરથી જ મુરાદ માટે પ્રેમ થઈ ગયો હતો. એણે તેની અમ્મી અને બહેન શકીના સાથે વાત કરી. સાબિયાની માએ કહ્યું ઃ લેકિન વહ પાકિસ્તાન સે હૈં.ઔર તુમ પાકિસ્તાન જા નહીં શકોગી.’
‘તો વહ યહાં ભી તો રહ સકતા હૈં.’
લાંબી ચર્ચાના અંતે સાબિયાની ઈચ્છા જોઈ એની મમ્મીએ નિકાહ માટે હા પાડી. માની ઈજાજત મળતાં સાબિયા અને મુરાદના નિકાહ થઈ ગયા. મુરાદ પાસે હાલ તો કોઈ ઘર નહોતું તેથી તે સાબિયાના મમ્મીના ઘેર જ રહેવા લાગ્યો.
એક દિવસ મુરાદે કહ્યું ઃ ‘સાબિયા દસ દિન મુઝે દુસરે શહર જાના હૈ. દેખતા હું કોઈ કામ મીલ જાય. ફિર અપના ઘર લેં લેગે. મૈં તુમ્હારી મા કે ઘર રહું વહ ઠીક નહીં હૈ.’
સાબિયાએ હા પાડી. મુરાદ નવા કામની તલાશમાં થોડોક સામાન લઈ નીકળી પડયો. તે દસ દિવસ સુધી ઘરે પાછો આવ્યો નહીં.
એવામાં શ્રાીનગરમાં એક જબરદસ્ત બોમ્બ વિસ્ફોટ થયો. આતંકવાદીઓએ મૂકેલા ટાઇમ બોમ્બથી કંઈ કેટલાયે નિર્દોષ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ટેલિવિઝન પર હૃદયદ્રાવક તસવીરો જોઈ સાબિયા ડરી ગઈ. કેટલાયે દિવસોથી મુરાદના કોઈ ખબર નહોતા. એને થયું કે મારા મુરાદને તો કાંઈ થયું નહીં હોય ને ! એણે બીજા દિવસના અખબારોમાં મરનારાઓની યાદી જોવા લાગી. મૃતકોના ચહેરા પણ ધ્યાનપૂર્વક નિહાળવા લાગી. પરંતુ તેમાં મુરાદ ક્યાંયે ઓળખાતો નહોતો. કેટલાક ચહેરાઓના લીરેલીરા ઊડી ગયા હતા. સાબિયાના ચહેરા પર જબરદસ્ત ચિંતા હતી. હવે સાબિયા તેની મા અને બહેન શકીના બધાં જ સાંજના સમયે ટેલિવિઝન સામે બેઠેલા હતાં.અચાનક સાબિયાની આંખો ટીવી સ્ક્રીન સમક્ષ ચોંટી ગઈ. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલ પર શ્રાીનગરના બોમ્બ ધડાકામાં સામેલ કેટલાંક આતંકવાદીઓની તસવીરો સેનાએ દર્શાવી રહી હતી. તે તસવીરોમાં મુરાદ પણ એક હતો. સાબિયા માનવા તૈયાર નહોતી. તેનો પતિ મુરાદ તો એક ભલો ભોળો અને તેના રિશ્તેદારોની ખોજ માટે પાકિસ્તાનથી આવેલો યુવાન હતો. તે આતંકવાદી ના હોઈ શકે.
પરંતુ સત્યએ સત્ય હતું. મુરાદ એક આતંકવાદી જ હતો. બીજા દિવસના અખબારોમાં પણ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં મુરાદની તસવીર સાથે નામ પણ હતું. એણે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના આતંકવાદી કેમ્પમાં તાલીમ લીધી હતી. તે બીજા વીસ જેટલા ત્રાસવાદીઓની સાથે ભારતમાં ઘૂસ્યો હતો. દરેક આતંકવાદી અલગ અલગ જગાએ રહેતા હતા. રોજ અગાઉથી નક્કી કરાયેલી જગાએ મળતા હતા અને આતંકવાદી પ્રવૃત્તિને ક્યાં અંજામ આપવો છે તેનું આયોજન કરતા હતા.
સાનિયા સ્તબ્ધ થઈ. તે જબરદસ્ત આઘાતમાં સરી પડી. તેણે જે યુવાનને ઘરમાં આશરો આપ્યો હતો, જેને પ્રેમ કર્યો હતો અને જેને શૌહર બનાવ્યો હતો તે આતંકવાદી નીકળ્યો ? સાબિયા અત્યંત લાગણીશીલ યુવતી હતી. તે આઘાતમાં સરી પડી. તે રડવા લાગી. સાબિયાની અમ્મી અને તેની બહેન પણ ગભરાઈ ગયા. સાબિયાના ભાવિ અંગે ચિંતામાં સરી પડયા. સાબિયા તો વિક્ષિપ્ત થઈ ગઈ હતી. તેને આતંકવાદીઓથી સખ્ત નફરત હતી. આતંકવાદીઓના કારણે જ તેણે પિતા ગુમાવ્યા હતા અને તેનો પતિ ખુદ આતંકવાદી નીકળ્યો. સાબિયાને લાગ્યું કે તે પાગલ થઈ જશે. એ પોતાના ઓરડામાં ચાલી ગઈ. અંદરથી બારણું બંધ કરી દીધું.
બીજા દિવસે પણ સાબિયાના રૂમનું બારણું ખૂલ્યું નહીં. સાબિયાની મા અને તેની બહેને પડોસીઓને બોલાવ્યા. ધક્કો મારી તેના રૂમનું બારણું ખોલ્યું તો સાબિયાનો મૃતદેહ પલંગમાં પડયો હતો. બ્લેડથી હાથની નસ કાપીને એણે આપઘાત કરી લીધો હતો. પથારી લોહીલુહાણ હતી. સાબિયાના મોતની ખબર અન્યત્ર છૂપાયેલા મુરાદને અખબારો દ્વારા જ મળ્યા. પરંતુ પોલીસ તેને શોધતી હતી. તે આતંકવાદી હોવાથી હવે છૂપાઈ ગયો હતો. એને સોંપવામાં આવેલું મિશન એણે પાર પાડી દીધું હતું. અલબત્ત સાબિયાના મોતથી તે અંદરથી હાલી ગયો હતો. પરંતુ તે હવે સાબિયાની મમ્મીને મળવા જઈ શકે તેમ નહોતો.
મુરાદ લપાતો છુપાતો બાંદીપુરના આરા ગામે પહોંચી ગયો. આરા ગામ સાવ એકાકી હતું. અહીં પણ એણે અગાઉની મોડેસ ઓપરેન્ડી દ્વારા જ નસીમ નામની એક ગ્રામ્ય યુવતીના ઘરમાં આશ્રાય લીધો. મુરાદ અત્યંત રૂપાળો અને બહારથી ભલો-ભોળો લાગતો હતો નસીમ પણ તેના પ્રેમમાં પડી ગઈ. પરંતુ મુરાદ હવે માત્ર આતંકવાદી નહોતો. તે સાબિયાના મોતથી અંદરથી હાલી ગયો હતો. એણે એક નાજુક ક્ષણમાં પોતાની બધી વાત નસીમને કહી દીધી. સાબિયાને તે પ્રેમ કરતો હતો અને તે આતંકવાદી છે તે પણ એણે કહી દીધું.
મુરાદ બોલ્યો ઃ ‘નસીમ, મૈંને છોટી સી જિંદગી મેં બહોત ગલતીયોં કી હૈ, લેકિન, અબ મૈં કિસી કો નહીં મારુંગા. સચ્ચાઈ કી રાહ પર ચલુંગા.’
નસીમને મુરાદના પસ્તાવા બાદ વધુ પ્રેમ ઉભર્યો, તેણે કહ્યું ઃ ‘મેં તુમ્હારે સાથ પાકિસ્તાન આને કે લિયે તૈયાર હું.’
‘કૈસે?’
‘જિસ રાસ્તે સે તુમ હિંદુસ્તાન આયે થે ઉસી રાસ્તે સે વાપસ જાયેગેં. મેં પાકિસ્તાન પહોંચ કર તુમસે શાદી કરુંગી. લેકિન તુમ્હે, યે સબ છોડના હોગા.’
મુરાદે હિંસા છોડી દેવાની ખાતરી આપી. બીજા જ દિવસે રાત્રે ભારત સરહદમાંથી છૂપી રીતે બહાર નીકળી પાકિસ્તાન જવાનું નક્કી થયું. રાત્રે બારેક વાગે મુરાદ અને નસીમ ચાલી નીકળ્યા. નસીમના આ ફેંસલાથી ખુશ નહોતી. પરંતુ તેઓ અત્યંત ગરીબ હતા. વળી નસીમની ઇચ્છા આગળ તેઓ લાચાર હતા. રસ્તો હવે સૂમસામ હતો. રાતનું અંધારું હતું. તમરાં બોલતા હતા, પગદંડી ઊબડખાબડ હતી. મુરાદના હાથમાં ટોર્ચ હતી. ટોર્ચના સહારે તેઓ દૂર દૂર ચાલ્યા ગયા. નજીક જ સરહદ હતી. સતત એક કલાક ચાલ્યા કર્યું. મંઝિલ હવે કરીબ હતી.
અચાનક જ એક સર્ચલાઇટ તેમની તરફ ફેંકાઈ. ભારતીય લશ્કરે તેમને જોઈ લીધા હતા. એક અવાજ સંભળાયો ઃ ‘રૂક જાવ… કૌન હો ?’
પરંતુ મુરાદે ઊભા રહેવાને બદલે પાકિસ્તાનની સરહદ તરફ દોડ લગાવી. નસીમનો હાથ પણ તેના હાથમાં હતો. બીજી જ ક્ષણે સનનન કરતી ગોળીઓ છૂટી. મુરાદ સેનાના જવાનોની ગોળીઓથી વીંધાઈ ગયો હતો. નસીમ બચી ગઈ હતી. લશ્કરના જવાનો આવી પહોંચ્યા ત્યારે નસીમના ખોળામાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મુરાદ અલીનું માથું હતું. તે મૃત્યુ પામ્યો હતો.
લશ્કરે નસીમની ધરપકડ કરી.
પરંતુ નસીમ નિર્દોષ હતી. એણે ભારતીય લશ્કર સમક્ષ કરેલી કેફિયતથી મુરાદ-સાબિયા અને નસીમની રક્તરંજિત પ્રણયકથા બહાર આવી.
દેવેન્દ્ર પટેલ



