Close

મોટી બહેનને જીવાડવા નાની બહેનને જગતમાં આવવું પડયું

કભી કભી | Comments Off on મોટી બહેનને જીવાડવા નાની બહેનને જગતમાં આવવું પડયું
 અમેરિકાના કેલિફોર્નિયા ખાતે દયુઆર્ર્તેે નામના એક નાનકડા નગરની આ ઘટના છે.
આ શહેરમાં આયેલા ‘અટક’ ધરાવતું એક અમેરિકન પરિવાર રહે છે. મેરી અને તેના પતિ એબી આયેલાના ઘરમાં અનીસા નામની દીકરી જન્મી અને તે અઢાર-ઓગણીસની થઈ તો એકાએક અશક્તિ અનુભવવા માંડી. અનીસાના માતા-પિતા સ્પીડોમીટર રિપેરિંગનો ધંધો કરે છે.
અનીસા વધુ બીમાર રહેવા લાગી એટલે ડૉક્ટર પાસે તપાસ કરાવી અને નિદાન આવ્યું કે અનીસાને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરનો ખતરનાક રોગ છે. ડૉક્ટરોએ કહ્યું કે વધુમાં વધુ તે પાંચ વર્ષ જીવી શકશે. અલબત્ત, એના શરીરમાં ‘બોનમેરો’ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો જ તે બચી શકે. હાડકાના પોલાણમાં રહેલા ગર્ભને મેરો અથવા બોનમેરો કહે છે. જે રતુંબડા રંગના પ્રવાહી જેવું હોય છે.
અનીસાને બ્લડ કેન્સર છે એવું નિદાન થયું ત્યારે ત્રણ વર્ષ તો આ બીમારીને થઈ ચૂક્યા હતા. હવે સારવાર માટે બે જ વર્ષ બાકી હતાં. આ બે વર્ષ દરમિયાન કોઈના શરીરમાથી’મેરો’ કાઢીને અનીસાના દેહમાં દાખલ કરવો પડે અને તે પણ અનીસાના શરીરમા જે પ્રકારનો બોનમેરો છે તે જ ગ્રૂપનો હોવો જોેઈએ.
૧૯ વર્ષની અનીસાને એરોન નામનો ભાઈ છે પણ તેનો ‘બોનમેરો’ અનીસાના ગ્રૂપ સાથે મેચ થતો નહોતો. એ જ રીતે માતા-પિતાનો ‘મેરો’ પણ મેચ થતો નહોતો.
આખા અમેરિકામાંથી કોઈનો પણ બોનમેરો લેવા માટે અનેક જાહેરાતો આપવામાં આવી પણ કોઈ પોતાના શરીરના હાડકાનું પ્રવાહી આપવા તૈયાર થયું નહીં.
અંગોનું આરોપણ કરતી હોસ્પિટલના ડૉક્ટરે અનીસાના માતા-પિતાને સૂચવ્યું કે એક રસ્તો છે. અનીસાની માતા ફરી સગર્ભા બને અને તેનાથી જે બાળક થાય તેનો’મેરો’ મેચ થતો હોય તો કામ લાગે. ભલે નવું જન્મનારું બાળક નાનુંુ હોય પણ ગ્રૂપ એક આવે તો તેનો ‘બોનમેરો’ અનીસાને જીવાડી શકે.
અનીસાની માતા મેરી સગર્ભા બનવા તૈયાર થઈ પણ એણે કુટુંબ નિયોજનનુ  ઓપરેશન કરાવેલું હતું. છતાં પોતાની દીકરીને બચાવવા એણે પ્રથમ જુગાર ખેલ્યો અને કુટુંબ નિયોજનના  અગાઉ કરેલાં ઓપરેશનને  ઊલટાવી ગર્ભ ધારણ કરી શકે તેવું ઓપરેશન કરાવવા તૈયાર થઈ.
આ જુગાર પણ ઝડપથી ખેલવો પડે તેમ હતો કારણ કે આ ઓપરેશન બાદ તરત જ બાળકને જન્મ આપવો પડે. અને બે વર્ષનો ગાળો પૂરો થતાં પહેલાં આ પતાવી દેવું પડે કારણ કે જન્મનારું બાળક પણ સવા વર્ષનું થવા દેવું પડે. ત્યાર બાદ જ એના દેહમાંથી જરૂરી મેરો લઈ શકાય. વળી કુટુંબ નિયોજનના ઓપરેશનને  ઊલટાવવાના ઓપરેશનોમાં સફળતા ૪૦ ટકા કેસોમાં જ મળે છે. એટલે જુગાર તો ખરો જ.
મેરીએ આ ઓપરેશન કરાવ્યું અને પ્રથમ જુગારમાં એને સફળતા મળી.
૪૩ વર્ષની વયે એ ફરી સગર્ભા બની.
આમાં છે બીજોે જુગાર એ હતો કે જે બાળક એના ઉદરમાં હોય તેનો બોનમેરો અનીસાના ગ્રૂપને મળતો આવે તેવું ચોક્કસ કહી શકાય નહીં. ડૉક્ટરોએ મેરીના ઉદરમાં ઉછરી રહેલા ગર્ભનું પરીક્ષણ કર્યું તો ખબર પડી કે મેરી તેના બીજા જુગારમાં પણ સફળ થઈ છે. જે બાળક એના ઉદરમાં હતું તે બાળકી હતી અને તેનો મેરો અનીસાના બોન મેરોના ગ્રૂપ સાથે મળતું આવતું હતું.
૧૯ વર્ષની વયની અને બ્લડ કેન્સરથી પીડાની અનીસા મૃત્યુ સાથે લડતી લડતી તેની બહેન જન્મે અને તેને બચાવી લે તે માટે રાહ જોેઈ રહી હતી.
એપ્રિલ ૧૯૯૦ના દિવસોમાં અનીસાની માતાની કૂખે જેની રાહ જોવાની હતી એ નાનકડી બાળકી અવતરી.
એનું નામ મારીસા રાખવામાં આવ્યું. નાનકડી મારીસાને ખબર નહોતી કે એનો જન્મ મોટી બહેનને ઉગારી લેવા માટે થયો છે એમાં કેટલી સફળતા મળશે એની પણ એને ખબર કે સમજણ નહોતાં.
મારીસા ૧૪ માસની થઈ ત્યાં સુધી રાહ જોવામાં આવી.
બોનમેરોના ટ્રાન્સપ્લાન્ટ માટે હવે નજીકની જ તારીખ નક્કી કરવામાં આવી. કારણ કે ઝાઝી રાહ જોવામાં અનીસા હવે લાબું જીવે તેમ નહોતી.
ઓપરેશનના ૧૨ દિવસ પહેલાં અનીસાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઓપરેશનના બાર દિવસ અગાઉથી કિરણો તથા કીમોથેરપીથી અનીસાના બીમાર બોનમેરોને નષ્ટ કરવા માટેની સારવાર શરૂ કરવામાં આવી.
રેડિએશન તથા કીમોથેરપીના કારણે અનીસાના વાળ ઉતરવા માંડયા. એની રોગ પ્રતીકારાત્મક શક્તિ પણ ઘટવા માંડી. પણ એના શરીરમાં નવા કોષ દાખલ થઈ તેમનું કામ શરૂ કરે એ પહેલા તબીબી દૃષ્ટિએ આ બધું જરૂરી હતું. હવે ઓપરેશનની તારીખ આવી પહોંચી. એ શહેરના સિટી ઓફ હોપ નેશનલ મેડિકલ સેન્ટર ખાતે બે ઓપરેશન થિયેટર સજ્જ કરવામાં આવ્યાં. એ થિયેટરમા અનીસાને રાખવામાં આવી અને બીજા થિયેટરમાં નાનકડી ૧૪
માસની મારીસાને લઈ જવામાં આવી.
પહેલાં નાનકડી મારીસાને બેભાન કરવામાં આવી. સર્જને મારીસાના હીપના હાડકામાં અઢી સેન્ટરની સોય ભોકી અને તેમાંથી ઇન્જેક્શનની સિરિંજમાં બોનમેરો-પ્રવાહી ખેંચવા માંડયું. ૨૦ મિનિટની આ પ્રક્રિયા દરમિયાન એક કપ ભરાય તેટલું રતુંબડું પ્રવાહી ખેંચી લીધું.
ડૉક્ટરોની  ટીમ એક મિનિટ પણ બગાડયા વિના એ પ્રવાહી લઇને બાજુના રૂમમાં આવેલા ઓપરેશન થિયેટર તરફ દોડયા. અહીં ૧૯ વર્ષની અનીસા છેલ્લી ટ્રીટમેન્ટની રાહ જોતી ઓપરેશન ટેબલ પર સૂતી હતી. ડૉક્ટરોએ એની છાતીમાં છીદ્ર પાડી ખાસ પ્રકારના કેથેટર દ્વારા અનીસાની નસમાં તેની નાનકડી બેનના દેહમાંથી લેવામાં આવેલું બોનમેરો સિંચવા માંડયું. થોડીક જ વારમા અનીસાની રક્તવાહિનીઓમાં નવું બોન મેરો વહેવા લાગ્યું. અને બોનમેરો એમાંથી આપોઆપ અનીસાના હાડકાંમાં પ્રવેશી જતું હોય છે. નવા કોષોનું આ અલ્પ પ્રવાહી બીજા અનેક કોષો પેદા કરવા સમર્થ હોય છે.
ટ્રાન્સ પ્લાન્ટની આ કામગીરી હજી તો થોડાક દિવસો પહેલાં જ સમાપ્ત થઈ છે. નાનકડી મારીસાને તો રજા આપી દેવામાં આવી તે પછી અનીસાને પણ થોડા દિવસો બાદ  હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.  આવા કિસ્સાઓમાં એક શરીર બીજા શરીરનાં કોષોને ના સ્વીકારે તેવું તેવું પણ બનતું હોય છે. બન્ને બહેનોના કોષોનું ગ્રૂપ એક હોવાથી ડૉક્ટરો આશાવાદી રહ્યા. અને સફળ પણ રહ્યા.
ખુશીની વાત એ છે કે નાનકડી અનીસા અને તેની મોટી બહેન મારીસા બંને સ્વસ્થ છે. આધુનિક તબીબી વિજ્ઞાનના આ ચમત્કારની વાત વિશ્વના તમામ તબીબોને અર્પણ છે.
તબીબોને અને તબીબી વિજ્ઞાનને સલામ.
 દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!