Close

મોડી રાત્રે હાથમાં દીવો લઈને દર્દીઓ વચ્ચે નર્સ ફરતી હતી

કભી કભી | Comments Off on મોડી રાત્રે હાથમાં દીવો લઈને દર્દીઓ વચ્ચે નર્સ ફરતી હતી

લેડી વિથ લેમ્પ’ તરીકે જાણીતાં ફ્લોરેન્સ નાઇટિંગેલને આજે યાદ કરવાં જરૂરી છે. થોડા દિવસ પહેલાં આખા વિશ્વએ ‘ઇન્ટરનેશનલ નર્સિંગ ડે’ ઊજવ્યો. આજે આખું વિશ્વ કોરોનાના દર્દથી પીડિત છે અને યુદ્ધ મોરચે તબીબો અને નર્સો કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે લોકોને બચાવવા જાનની બાજી લગાવી રહ્યાં છે ત્યારે એ જાણી લેવું જોઈએ કે ‘ઇન્ટરનેશનલ નર્સિંગ ડે’ ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મ દિવસની યાદમાં ઊજવવામાં આવે છે. આજની આધુનિક નર્સિંગની વ્યવસ્થાના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલ હતાં.

તેમનો જન્મ આજથી ૨૦૦ વર્ષ પૂર્વે એટલે કે તા. ૧૨મી મે ૧૮૨૦ના રોજ ઇટલીના એક ફ્લોરેન્સ નામના શહેરમાં રહેતા એક ધનવાન બ્રિટિશ પરિવારમાં થયો હતો. એમને શહેર ‘ફ્લોરેન્સ’નું નામ જ આપવામાં આવ્યું હતું. એમની એક બહેન ફ્રાન્સિસ પોર્થેનોય પોર્થેપોન નામના શહેરમાં જન્મ હોઈ તેને પણ શહેરનું નામ જ આપવામાં આવ્યું હતું. ઇટલીમાં રહેતું તેમનું પરિવાર ૧૮૨૧માં ફરી પાછું ઇંગ્લેન્ડ આવી ગયું.

ફ્લોરેન્સને પોતાના પરિવારના  બન્ને પક્ષો તરફથી ઉદાર ગ્ષ્ટિકોણ વારસામાં મળ્યો. તેમના પિતાનું નામ એડવર્ડ નાઇટિંગેલ હતું. વાત એમ હતી કે ૧૮૩૮માં તેમના પિતા યુરોપ ફરવા ગયા હતા. જ્યાં તેમનો પરિચય ઇંગ્લેન્ડમાં જન્મેલી પરંતુ પેરિસમાં રહેતી પરિચારિકા મેરી કલાર્ક સાથે થયો. ફ્લોરેન્સને લાગ્યું કે મેરી કલાર્ક એક ડાયનેમિક પરિચારિકા હતી. કોણ જાણે કેમ પણ  મેરી કલાર્કને ઉચ્ચ વર્ગની બ્રિટિશ મહિલાઓ માટે આદર નહોતો. તે સ્ત્રીઓ કરતાં પુરુષો સાથે વધુ વાત કરવાનું પસંદ કરતી. ખાસ કરીને બુદ્ધિજીવીઓ સાથે એ બધું હોવા છતાં મેરી કલાર્ક અને ફ્લોરેન્સ નાઇટિંગેલ એ બંનેની વચ્ચે ૨૭ વર્ષની વયનો તફાવત હોવા છતાં ૪૦ વર્ષ સુધી તેઓ કરીબી મિત્ર બની રહ્યા.

૧૮૩૭માં ફ્લોરેન્સને ઈશ્વર તરફથી કોઈ પોકાર આવતો હોય તેવો દિવ્ય અનુભવ થયો અને  અન્ય મનુષ્યોની સેવા કરવાની પ્રબળ ઇચ્છા થઈ. એના પરિવારનો વિરોધ છતાં તેણે નર્સ બનવાનો  વિચાર કર્યો અને બીજાઓ માટે પોતાનું જીવન સર્મિપત કરવા માગતી હતી અને એ હેતુને પાર પાડવા ૧૮૪૪ના વર્ષમાં ફ્લોરેન્સ નર્સિંગના ક્ષેત્રમાં પ્રવેશવાના નિર્ણયની જાહેરાત કરી. એના આ ફેંસલા સામે તેની મા અને બહેનનો  સખત વિરોધ હતો પરંતુ તેણે વિદ્રોહ કર્યો. એની મા અને બહેન તેને લગ્ન કરીને કોઈની પત્ની અને બાળકોની મા બનવા કહેતી હતી પરંતુ એણે એમ ના કર્યું.

ફ્લોરેન્સે આર્ટ અને નર્સિંગ સાયન્સનો અભ્યાસ કર્યો. એ વખતે સંપન્ન અંગ્રેજ પરિવારો આ ક્ષેત્રને પસંદ કરતાં નહોતાં. એક યુવા મહિલાના રૂપમાં ફ્લોરેન્સ નાઇટિંગેલને ઈશ્વરે સુંદર અને નમણી કાયા બક્ષી હતી. તેના ચહેરા પરનું સ્મિત આકર્ષક ગણાતું. એ વખતના  બ્રિટિશ રાજનેતા રિચાર્ડ મોનકરન મિલ્નેસે તેની સાથે દોસ્તી કરી પરંતુ નવ વર્ષની મિત્રતા બાદ  ફ્લોરેન્સે તેમનો અસ્વીકાર કરી દીધો.

૧૮૪૭માં  રોમમાં ફ્લોરેન્સની મુલાકાત સિડની હર્બર્ટ સાથે થઈ. તેઓ ૧૮૪૫થી ૧૮૪૬ સુધી યુદ્ધના સચિવ મંત્રી રહી ચૂક્યા હતા. એ વખતે તેઓ રોમમાં હનીમૂન માટે  આવેલા હતા. અહીં ફ્લોરેન્સ નાઇટિંગેલ અને સિડની હર્બર્ટ ઘનિષ્ટ મિત્રો બની ગયાં. વાત એમ હતી કે થોડા વખત પછી ક્રિમીવાનું યુદ્ધ આવનાર હતું અને સિડની ફરી યુદ્ધના  સચિવ બનનાર હતા. જ્યાં સિડની અને તેમના પત્ની  ફ્લોરેન્સ નાઇટિંગેલને નર્સિંગના કાર્યમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર હતા. ફ્લોરેન્સ સિડની હર્બર્ટની મુખ્ય સલાહકાર બની ગઈ. એવામાં સિડની હર્બર્ટનું ૧૮૬૧માં એક બીમારીને કારણે મૃત્યુ થઈ ગયું.

ત્યાર પછી બેન્જામીન નોવેટ નામના એક એકેડેમિશિયન પણ ફ્લોરેન્સ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ આ તરફ  ફ્લોરેન્સે  ગ્રીસ અને ઇજિપ્તની યાત્રા જારી રાખી. એથેન્સ ગ્રીસમાં ફ્લોરેન્સે બાળકોનાં હાથમાંથી એક નાનકડા ઘુવડને બચાવી લીધું. એણે ઘુવડના બચ્ચાને ‘એથેના’ એવું નામ આપ્યું.  ફ્લોરેન્સ એ નાનકડા બચ્ચાંને પોતાના ખિસ્સામાં રાખતી હતી.

આ દરમિયાન ફ્લોરેન્સ નાઇટિંગેલે ઇજિપ્ત પર ઘણું લખ્યું જે સ્વયં એક સાહિત્યિક કૃતિ છે.  ૧૮૫૦માં એમણે નાઇલ નદીમાં નૌકાવાન કરી અબૂ સિંબલના મંદિરો વિશે લખ્યું. તેમણે ઇજિપ્તના ‘થીબ્સ’ વિશે અને ‘કાહિરા’ વિશે પણ લખ્યું. તે પછી જર્મનીની મુલાકાત લીધી. એમણે લખેલાં લખાણોના પુસ્તકો પણ પ્રગટ થયાં.

તા. ૨૨ ઓગસ્ટ ૧૮૫૩ના રોજ ફ્લોરેન્સે લંડનમાં ઇન્સ્ટિટયૂટ ફોર ધી કેર ઓફ સીક જેન્ટસ-વિમેનનું સુપરિન્ટેન્ડેન્ટ પદ સંભાળ્યું. પિતાએ  હવે પુત્રીને તેની કારકિર્દીમાં  આગળ વધવા અનુમતી આપી.

ક્રીમિયામાં યુદ્ધ દરમિયાન ફ્લોરેન્સ નાઇટિંગેલની કામગીરી સર્વશ્રેષ્ઠ અને અત્યંત જાણીતી બની.

તા.૨૧ ઓક્ટોબર, ૧૮૫૯ના રોજ ફ્લોરેન્સ નાઇટિંગેલ  અને તેના સ્ટાફની બીજી ૩૮ જેટલી મહિલા નર્સોએ યુદ્ધમાં ઘવાયેલા દર્દીઓની ખૌફનાક પરિસ્થિતિમાં પણ ખૂબ સારવાર કરી. આ સ્ટાફ નર્સોને પણ ફ્લોરેન્સે જ તાલીમ આપી હતી. કાળા સમુદ્રથી ૫૪૩ જેટલાં નોટિકલ માઇલ્સ દૂર આવેલા ક્રીમિયા ખાતેના બ્રિટિશ  કેમ્પમાં  તે બધાની નિમણૂક થઈ હતી. અહીં તેમણે જોયું તો ઘવાયેલા સૈનિકોની સારવાર બરાબર થતી નહોતી.  પૂરતી દવાઓ પણ નહોતી. સામૂહિક ચેપનો ભોગ બનેલા સૈનિકો એક અંધારિયા ઓરડામાં ભયંકર દર્દથી કણસતા હતા. આ પરિસ્થિતિ અંગે તેમણે બ્રિટિશ સરકારનું ધ્યાન દોરી ઇંગ્લેન્ડમાં અદ્યતન હોસ્પિટલ ઊભી કરવા  અને અહીં પીડાતા દર્દીઓને દરિયાઈ જહાજ દ્વારા ઇંગ્લેન્ડ મોકલવા એમણે ભલામણ કરી. કહેવાય છે કે પહેલાં  શિયાળા દરમિયાન અહીં ૪,૦૭૭ સૈનિકો મૃત્યુ પામ્યા. ઘાયલ દર્દીઓને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં વેન્ટિલેશન જ નહોતાં.  ફ્લોરેન્સની ભલામણ પછી આ કેમ્પમાં સુધારા કરવામાં આવ્યા અને ફ્લોરેન્સ નાઇટિંગેલના કારણે મૃત્યુદર ૪૨ ટકાથી ઘટીને બે ટકા થઈ ગયો.

ક્રીમિયાના યુદ્ધ દરમિયાન ફ્લોરેન્સ નાઇટિંગેલ રાત્રિના સમયે હાથમાં લેમ્પ લઈને ઘાયલ દર્દીઓની સેવા કરતા હોઈ ‘ધી લેડી વિથ  લેમ્પ’ તરીકે જાણીતાં બન્યા. બીજો મેડિકલ સ્ટાફ સૂઈ જાય ત્યારે મોડી રાત સુધી તેઓ હાથમાં દીવા સાથે દર્દીઓની પાસે જતાં. પાછળના વર્ષોમાં તેમના પર અનેક કવિતાઓ લખાઈ.

તા. ૨૯ નવેમ્બર ૧૮૫૫ના રોજ  ક્રીમિયામાં નર્સોને તાલીમ આપવા માટે નાઇટિંગેલ ફંડ પણ ઊભું કરવામાં આવ્યું.  જોતજોતામાં  ૪૫,૦૦૦ પાઉન્ડ ભેગા થઈ ગયા. તે પછી ૧૮૬૦ની ૯મી જુલાઈના રોજ સેંટ થોમસ હોસ્પિટલ ખાતે નાઇટિંગેલ  ટ્રેનિંગ સ્કૂલ ઊભી કરવામાં આવી. અહીં આધુનિક નર્સિંગની તાલીમ શરૂ થઈ. ૧૮૬૫ પછી  ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્કૂલ ઓફ  નર્સિંગ એન્ડ મિડવાઇફ તરીકે ઓળખાતી સંસ્થા તેમનું જ પ્રદાન છે. આ સ્કૂલ લંડનની કિંગ્સ કોલેજનો એક હિસ્સો છે. ફ્લોરેન્સે ‘નોટસ ઓન નર્સિંગ’નામનું પુસ્તક પણ ૧૮૫૯માં લખ્યું જે નર્સોના અભ્યાસક્રમનો એક ભાગ બન્યું. આ પુસ્તક લોકોએ પણ રસપૂર્વક વાંચ્યું. ૧૮૬૦ પછી બ્રિટનને જે તાલીમ નર્સો મળી તે ફ્લોરેન્સ નાઇટિંગેલના કારણે મળી.

આજનાં આધુનિક નર્સિંગ સિસ્ટમના પ્રણેતા  એમાં ફ્લોરેન્સ નાઇટિંગેલને અનેક એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા. જેમાં રોલય રેડ ક્રોસ (૧૮૮૩) (૨) લેડી ઓફ ગ્રેસ ઓફ ધી ઓર્ડર ઓફ સેંટ જોહન (૧૯૦૪) અને (૩) ઓર્ડર ઓફ મેરિટ (૧૯૦૭)  મુખ્ય છે.  બ્રિટનમાં જે નર્સો તાલીમ પૂરી કરે છે તેમણે નાઇટિંગેલ પ્લેજ એટલે કે એમના નામે શપથ લેવાના હોય છે. નર્સિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બજાવનાર નર્સને ફ્લોરેન્સ નાઇટિંગેલ મેડલ આપવાની પ્રણાલિકા  પણ શરૂ થઈ. તેઓ સામાજિક સુધારક પણ હતા. પ્રોસ્ટિટયૂશન અંગેના સખત  કાયદા દૂર કરાવવા માટે પણ તેમણે કામ કર્યું.

પાછળની જિંદગીમાં તેમણે આઇરીશ નન સિસ્ટર મેરી કલેર સાથે પત્રવ્યવહાર સંપર્ક જાળવી રાખ્યો.  જેમની સાથે તેમણે ક્રીમિયામાં કામ કર્યું હતું.  તેમના નામે વિશ્વના બીજા કેટલાંયે દેશોમાં હોસ્પિટલો છે. કોરોના ફેલાયા બાદ ઇંગ્લેન્ડમાં   કેટલાંયે સ્થળે એનએચએસ નાઇટિંગેલ હોસ્પિટલો કામચલાઉ ધોરણે ઊભી કરવામાં આવી છે.

લંડનમાં વોટરલુ પ્લેસ, વેસ્ટ મિન્સ્ટર ખાતે ફ્લોરેન્સ નાઇટિંગેલનું સ્ટેચ્યૂ પણ ઊભું કરવામાં આવેલું છે. લંડનની  સેંટ થોમસ હોસ્પિટલ ખાતે ધી  ફ્લોરેન્સ નાઇટિંગેલ મ્યુઝિયમ પણ છે. ઇસ્તંબૂલમાં પણ તેમના નામે એક  મ્યુઝિયમ છે. એવું જ  એક  બાવલું ફિલિપાઇન્સની યુનિવર્સિટીમાં પણ છે.

આખા વિશ્વમાં આધુનિક નર્સિંગનો પાયો નાંખતા- ફ્લોરેન્સ નાઇટિંગેલ તા. ૧૩ ઓગસ્ટ ૧૯૧૦ના રોજ ૯૦ વર્ષની વયે લંડનમાં તેમના ૧૦, સાઉથ સ્ટ્રીટ મેફેર ખાતેના નિવાસસ્થાને ઊંઘમાં જ શાંતિપૂર્ણ રીતે અવસાન પામ્યાં.

વિશ્વ આખું આજે કોરોનાગ્રસ્ત છે અને દુનિયાભરના તબીબો અને નર્સો કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યાં છે ત્યારે  ફ્લોરેન્સ નાઇટિંગેલ સહિતના વિશ્વની તમામ નર્સોને સલામ.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!