Close

મોનિકા બેદી અબુ સાલેમ દર અડધા કલાકે મને ફોન કરતો !

કભી કભી | Comments Off on મોનિકા બેદી અબુ સાલેમ દર અડધા કલાકે મને ફોન કરતો !
મોનિકા બેદી.
મોનિકા બેદીનો જન્મ તા. ૧૮ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ પંજાબના હોંશિયારપુર ખાતે થયો હતો. તે એક ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી પણ રહી. તેના પિતાનું નામ ડૉ પ્રેમકુમાર બેદી અને માતાનું નામ શકુંતલા બેદી હતું.  ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ તે સાહિત્યના વિષયમાં ભણવા માટે યુ.કે.ની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જતી રહી. એ પૂર્વે અભિનયની તાલીમ અને શિક્ષણ એણે દિલ્હી યુનિવર્સિટી દ્વારા કર્યા.
૨૦૦૨ની સાલમાં મોનિકા બેદી અને અબુ સાલેમને નકલી દસ્તાવેજો દ્વારા પોર્ટુગલમાં પ્રવેશ કરવા બદલ જેલની સજા સંભળાવવામાં આવી હતી. અબુ સાલેમ એક આતંકવાદી અને મોસ્ટ વોન્ટેડ અપરાધી હતો. ૨૦૦૬ની સાલમાં ભારતીય અદાલતે મોનિકા બેદીને   બોગસ નામ પર પાસપોર્ટ હાંસલ કરવા બદલ દોષી ઠહેરાવી હતી. તે પછી ૨૦૧૦માં ભારતની સુપ્રીમ કોર્ટે સજા કાયમ રાખી હતી પરંતુ તેના જેલવાસની અવધિ ઘટાડી હતી જે એ અગાઉ ભોગવી ચૂકી હતી.
મોનિકા બેદીના અબુ સાલેમ સાથેના સંબંધો ભારતીય અખબારોમાં હંમેશાં સુર્ખિયામાં રહ્યા. અબુ સાલેમ તેના જીવનનો એક્સ પાર્ટનર હતો. પોર્ટુગલમાં બનાવટી  દસ્તાવેજો પર પ્રવેશતાં પકડાઈ ગયા બાદ અબુ સાલેમ અને મોનિકા બેદીને જેલમાં પૂરી દેવાયા હતા પરંતુ ભારત સરકારના અથાગ પ્રયાસો બાદ નવેમ્બર, ૨૦૦૫માં એ બંનેને ભારત  લાવવામાં સરકાર સફળ રહી હતી.
એ સમયગાળા દરમિયાન અબુ સાલેમ અને મોનિકા બેદીની લવ સ્ટોરી ચર્ચામાં રહી. કહેવાય છે કે અબુ સાલેમ અને  મોનિકા બેદીનું જીવન જટિલ રહ્યું. એક બાજુ અબુ સાલેમે કહ્યું કે, અમે બંનેએ અમેરિકામાં લોસ એન્જલસ ખાતે આવેલી એક મસ્જિદમાં જઈ શાદી કરી લીધી હતી.  જ્યારે મોનિકા બેદીએ એ શાદીની  વાતનો જ ઇનકાર કરી દીધો હતો. દેશના એક જાણીત ટીવી શૉ દરમિયાન આ વિષય પર ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. મોનિકાએ કહ્યું હતું ઃ ‘હું એનાથી ખુશ છું. મારે નવું કાંઈ જ કહેવાનું નથી.’
ઘણા એવું માને છે કે અબુ સાલેમ અને મોનિકા બેદી વચ્ચે માત્ર રિલેશનશિપ જ હતી. પંજાબના હોંશિયારપુરમાં જન્મ બાદ મોનિકાના માતા-પિતા નોર્વે જતા રહ્યા. ત્યારે તેમની સાથે ગયેલી મોનિકા  એક નાનકડી બાળકી જ હતી. એનાં ઘણાં વર્ષો બાદ મોનિકા દુબઈ ગયેલી હતી ત્યારે એેક શૉમાં અબુ સાલેમ સાથે પરિચય થયો હતો. એ પછી અબુ સાલેમે મોનિકા બેદીને સતત ફોન કરવાનું ચાલુ કરી દીધું હતું.
આ વાત મોનિકાના જ શબ્દોમાં વાંચોઃ ‘હું અબુને ૧૯૯૮માં દુબઈના એક શૉ દરમિયાન મળી હતી. એણે મને એનું કોઈ બીજું જ નામ આપી પોતે બિઝનેસમેન છે તેવી ઓળખ આપી હતી. હું મુંબઈ પાછી આવી તે પછી પણ તે મારા સતત સંપર્કમાં હતો. અમારી મૈત્રી ફોન પર વાતો કરતાં જ વિકસી. તે દર અડધા કલાકે મને ફોન કરતો હતો. અમારા સંબંધો વિકસિત થયા.  પૂરા નવ મહિના સુધી અમે વાતો કરતાં રહ્યાં. હું પણ મારી તમામ વાતો તેને કહેતી હતી. હું તેના પ્રેમમાં ક્યારે પડી ગઈ તેની મને ખબર જ પડી નહીં. એ વખતે અબુ સાલેમ દુબઈમાં હતો. હું તેને મળવા દુબઈ ગઈ. દુબઈમાં અમે ફરી વાર જ્યારે મળ્યાં ત્યારે જ તેણે મને કહ્યું કે, ‘મારું ખરું નામ અબુ સાલેમ છે’ અરે હું તો હજુ પણ જાણતી જ નહોતી કે ‘અબુ સાલેમ’ કોણ છે? સાચી વાત એ છે કે બહુ ઓછા લોકો તેને  જાણતા હતા. દુબઈમાં તેણે મને કહ્યું કે અહીં મારા મોટરકાર્સના શૉ રૂમ્સ છે. એક શૉ રૂમની બહાર ઊભા રહીને જ એણે મને મોટરકારના શૉ રૂમ બતાવ્યો. એ પછી તેણે કેટલાક શૉ ઓર્ગેનાઈઝ કર્યા. અમે એક બીજા સાથે સારો સમય પસાર કર્યો. સાથે સાથે ફિલ્મો જોઈ. સાથે કોઈ રેસ્ટોરાંમાં જઈ ડિનર કર્યું… તે એકદમ પ્રેમાળ લાગ્યો. મારે એથી વધુ ઊંડા ઊતરવાની જરૂર નથી એમ મને લાગ્યું. તમે જ્યારે પ્રેમમાં  હોવ ત્યારે એથી આગળ કાંઈ જ જોવાનું હોતું નથી.’
કહેવાય છે કે  અબુ સાલેમ પોતાના જીવન વિશે વધુ પ્રાઈવેટ હતો.  મોનિકા બેદી કહે છે, ‘ધીમે ધીમે મને લાગ્યું કે એ બહુ શક્તિશાળી વ્યક્તિ છે. તેની આસપાસ બોડીગાર્ડસ તેનું રક્ષણ કરતા હતા. એ વખતે મને વિચિત્ર અને  આૃર્યજનક લાગ્યું.’
પોર્ટુગલમાં બનાવટી દસ્તાવેજોના  કારણે તેમની ધરપકડ થઈ તે પહેલાં એ બંને જણે કેટલોક સમય  અમેરિકામાં ગાળ્યો હતો. એ સંદર્ભમાં મોનિકા કહે છે ઃ ‘અબુ સાલેમની પાસે ઘણા પૈસા હતા તેથી હું પ્રિન્સેસની જેમ રહેતી હતી પરંતુ  હવે મારે સંઘર્ષ પણ કરવો પડયો. તે મને સાથે લઈને સતત એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરાવતો રહ્યો. એના કારણે હું થાકી ગઈ હતી. હવે મારે તેના માટે બધી જ સાફસૂફીથી માંડીને રસોઈ કામ પણ કરવું પડતું હતું. મારે એની પાસેથી જ રસોઈ બનાવતાં શીખવું પડયું. મને લાગ્યું કે હું મારા માતા-પિતાના ઘરમાં હતી ત્યારે વધારે સુખી હતી. લોકો એમ માનતા હશે કે હું પૈસાની ખાતર અબુની સાથે હતી પણ પૈસા કયાં છે ? હવે મેં તકલીફો વેઠવા માંડી હતી. એ સ્વભાવ આક્રમક બની ગયો હતો. મને હવે વિચાર આવ્યો કે હું આ વિડંબનામાં કેમ પડી ? પાછળથી અમારી ધરપકડ થઈ ત્યારે મને લાગ્યું કે આ જ સારું થયું.’
યાદ રહે કે સપ્ટેમ્બર, ૨૦૦૨માં મોનિકા બેદી અને અબુ સાલેમની ધરપકડ પોર્ટુગલના લિસ્બન ઍરપોર્ટ પર બનાવટી ડૉક્યુમેન્ટસ-પાસપોર્ટના કારણે થઈ હતી. તેમને પોર્ટુગલમાં જેલની સજા થઈ હતી.  એ સંદર્ભમાં મોનિકા બેદી કહે છે ઃ ‘પોર્ટુગલમાં અમારી ધરપકડ થઈ ત્યારે હું બહુ જ ખુશ હતી કારણ કે મને હવે ખાતરી થઈ ગઈ કે મને હવે ડિપોર્ટ કરી ભારત મોકલી દેવામાં આવશે. પોર્ટુગલમાં અબુ સાલેમ સામેની ચાર્જશીટ જોઈ ત્યારે જ મને તેના ગંભીર અપરાધોનો અને લોકોના મોત નીપજાવવા જેવાં કરેલાં ખતરનાક કૃત્યોનો અંદાજ પહેલી જ વાર આવ્યો હતો. એ બધું મને વિચલિત કરી દે તેવું હતું. એવું પણ નહોતું કે તે સરકારના વિવિધ વિભાગોથી દૂર ભાગતો હતો પરંતુ હવે  એ બધું જ પેપર પર હતું. એમાં લખાયેલી વિગતો મારી આંખો ખોલનારી હતી. હું ખ્રિસ્તી ધર્મની સાથે લગાવ ધરાવતી હતી. પોર્ટુગલની જેલમાં હું જીસસના ઉપદેશોના કલાસમાં હાજરી આપતી હતી. પવિત્ર બાઈબલ પણ વાંચતી હતી. એ કારણે મને ઘણી બધી શક્તિ  પ્રાપ્ત થઈ. એ પછી મને ઘણું ડહાપણ પ્રાપ્ત થયું અને એ બધાના કારણે અબુ સાલેમ પ્રત્યેની લાગણીમાં પણ પરિવર્તન આવ્યું.’
એ પછી અબુ સાલેમ મુંબઈની જેલમાં હતો ત્યારે મોનિકા બેદીએ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અબુ સાલેમ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. જ્યારે મોનિકા બેદી તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી.
—-દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!