Close

રમ્યાએ ૩૦ દિવસમાં એક વ્યક્તિને ૯૦ ફોન કર્યા હતા

કભી કભી | Comments Off on રમ્યાએ ૩૦ દિવસમાં એક વ્યક્તિને ૯૦ ફોન કર્યા હતા
રમ્યા એક અત્યંત રૂપાળી યુવતી છે.
તેનાં લગ્ન મુંબઈના શાર્દૂલ નામના એક યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની બેઉ ખુશ હતાં. રમ્યા ૨૮ વર્ષની થઈ ત્યાં સુધીમાં તે બે બાળકોની માતા બની હતી. બે સંતાનોની માતા બન્યા બાદ પણ તે ખૂબસૂરત લાગતી હતી. તેનો પતિ શાર્દૂલ એક કંપનીમાં નોકરી કરતો હતો. રમ્યા તેના નામ પ્રમાણે  જ ભૌતિક પદાર્થો પ્રત્યે આસક્તિ ધરાવતી હતી. સારાં સારાં વસ્ત્રો પહેરવાં તેને ગમતાં હતાં.  બ્રાન્ડેડ જૂતાં પહેરવા ગમતાં હતાં. લગ્નજીવનની શરૂઆતનાં વર્ષો તો મોજમસ્તીમાં ગુજરી ગયા પરંતુ સમય વહેતાં રંગ બદલાતો ગયો.
એક દિવસ નવી મુંબઈ વિસ્તારના એક પોલીસ સ્ટેશને કોઈને ફોન કરીને ખબર આપી કે રસ્તા પર  એક લાશ પડી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. તે પહેલાં પોલીસને મરનારના ખિસ્સામાંથી એક આઇ-કાર્ડ મળ્યું. તેમાં લખ્યું હતું શાર્દૂલ શિંદે. પોલીસે એ આઇ-કાર્ડમાં લખેલાં સરનામાવાળા સ્થળે પોલીસ મોકલી. રમ્યાએકલી જ ઘેર હતી. તે દોડતી હૉસ્પિટલ પહોંચી. એણે  પતિનો મૃતદેહ ઓળખી કાઢયો. રમ્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પોલીસે તેને સાંત્વના આપી. મરનાર શાર્દૂલના માતા-પિતા તથા મામાને પણ બોલાવવામાં આવ્યા.
પોલીસે રમ્યાને પૂછયું ઃ ‘તમને કોઈની પર શક છે?’
રમ્યાએ કહ્યુંઃ ‘હા… મારા પતિની હત્યામાં નિશાન નામદેવનો હાથ હોઈ શકે છે.’
‘નિશાન કોણ છે?’
રમ્યાએ કહ્યુંઃ ‘તે પનવેલમાં રહે છે. તે મારી સાથે કૉલેજમાં ભણતો હતો. એ મારી સાથે એક તરફી પ્રેમમાં હતો. હું તેની સાથે લગ્ન કરવા માગતી નહોતી. મારાં લગ્ન શાર્દૂલ સાથે થયાં બાદ તે મારી પર ખૂબ ખીજાયો હતો. એણે જ મને કહ્યું હતું ઃ ‘તું મારી નહીં તો હવે કોઈની નહીં તને વિધવા બનાવીને જ છોડીશ.’
પોલીસે રમ્યા પાસેથી નિશાન નામદેવનું સરનામું લીધું. તેને પકડવામાં આવ્યો. નિશાન પર થર્ડ ડિગ્રી અમલ કરવા છતાં તે એક જ વાતનું રટણ કરતો રહ્યોઃ ‘સર, રમ્યાના પતિનું મર્ડર મેં કર્યું નથી.’
પોલીસે નિશાન નામદેવના મોબાઈલની કોલ ડિટેઇલ તપાસી. એમ નિશાન અને મરનાર વ્યક્તિ વચ્ચે વાત થયાના કોઈ પુરાવા નહોતા. નિશાને જેની જેની સાથે વાતો કરી હતી તે બધા વેપારીઓ જ હતા. પરંતુ એક કડી મળી જેમાં ખુદ રમ્યાએ સામેથી નિશાનને કેટલાક ફોન કર્યા હોવાનું જણાયું.
પોલીસે નિશાનને પૂછયુંઃ ‘રમ્યાએ તારી સાથે કેમ વાત કરી હતી.’
‘સાહેબ, તમે એ વાત એને જ પૂછો’ઃ નિશાને કહ્યુંઃ ‘હું આગળ કાંઈ નહીં કહું.’
પોલીસે રમ્યાને પોલીસ સ્ટેશને બોલાવી પૂછયુંઃ ‘નિશાન નામદેવને તમે ફોન કેમ કર્યો હતો?’
‘સર, એ મને ધમકી આપતો હતો કે હું તારા પતિની હત્યા કરી નાખીશ. એથી એમ ના કરવા મેં એેને વિનંતી કરવા ફોન કર્યા હતા.’ રમ્યાએ ખુલાસો કર્યો,.
પોલીસે પૂછયુંઃ ‘નિશાને કેવી રીતે ધમકી આપી હતી.’
રમ્યાએ કહ્યુંઃ ‘ફોનથી.’
‘નિશાને તમને ક્યારે ફોન કર્યો હતો?’ પોલીસે પૂછયું.
રમ્યાએ કહ્યુંઃ ‘મારા હસબન્ડના મૃત્યુના આગલા દિવસે.’
પોલીસે ફરી નિશાનના મોબાઈની કોલ ડિટેઇલ  તપાસી. નિશાન તરફથી કોઈ ફોન એ દિવસે રમ્યાના મોબાઈલ પર કરવામાં આવ્યો નહોતો. પોલીસને હવે રમ્યા પર જ શક ગયો. પોલીસને લાગ્યું કે રમ્યાકાંઈક ખોટું બોલી રહી છે. પોલીસે રમ્યાને ઘેર જવા દીધી. પોલીસે હવે રમ્યાનો મોબાઈલ ફોન જ સર્વેલન્સ હેઠળ મૂકી દીધો. પોલીસે રમ્યાના ફોનની કોલ ડિટેઇલ કાઢી. તેમાં  રોજ તે બેથી ત્રણ વાર કોઈ એક ચોક્કસ વ્યક્તિને બપોરના ૧૨થી ૩ની વચ્ચે ફોન કરતી હતી. છેલ્લા ૩૦ દિવસમાં ૯૦ વખત એણે એ નંબર પર વાત કરી હતી. પોલીસે સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં તપાસ કરી તો રમ્યા રોજ ત્રણ વાર વાત કરતી હતી તે નંબર સલમાન નામના એક શખ્સનો હતો.
પોલીસે સલમાનને પકડયો.
શરૂઆતમાં તો સલમાન કાંઈ પણ કહેવા તૈયાર ના થયો. એણે કહ્યું કે, હું રમ્યાનામની છોકરીને ઓળખતો જ નથી. તેની સાથે સખ્તાઈ કરવામાં આવી છતાં તે ચૂપ રહ્યો. છેવટે પોલીસે એક દાવ અજમાવ્યોઃ ‘દેખો, સલમાન. રમ્યાના પતિના મર્ડર માટે ગઈરાતથી રમ્યા  જેલમાં છે. એણે બધું કહી દીધું છે. તું તાજનો સાક્ષી બની જા તો તને અમે કાંઈ થવા દઈશું નહીં.’
પોલીસની આ પ્રયુક્તિ કામ કરી ગઈ. સલમાન ગભરાઈ ગયો. એણે કહ્યુંઃ ‘વાત સાચી છે, સાહેબ. રમ્યાએ જે કાંઈ કહ્યું છે તે સાચું જ હશે. મેં જ રમ્યાના કહેવાથી તેના પતિનું મર્ડર કર્યું છે.’
પોલીસે હવે  રમ્યાની ધરપકડ કરી. પોલીસે રમ્યાને કહ્યું ઃ ‘સલમાને અપરાધ કબૂલ કરી લીધો છે. એ કહે છે કે તમારા કહેવાથી જ એણે તમારા હસબન્ડની કતલ કરી હતી.’
રમ્યા પણ હવે ગભરાઈ.
એણે પણ અપરાધ કબૂલી લીધો અને રક્તરંજિત લવસ્ટોરીનું  સત્ય બહાર આવ્યું.
વાત જાણે એમ હતી કે, ૨૧ વર્ષની વયના સલમાન સઈદ જિલ્લા સતારાના એક નાનકડા શહેરમાં રહેતો હતો. તે સુખી પરિવારનું ફરજંદ હતો. તે યુવાન થતાં જ એક સારા પરિવારમાં મહેબૂબા નામની યુવતી સાથે તેની શાદી કરી દેવામાં આવી. સલમાન શરાબ અને શબાબનો શોખીન હતો. તે એકવાર તેની પત્ની મહેબૂબા સાથે અલીબાગ ફરવા ગયો હતો. જે હૉટેલમાં તે ઊતર્યો હતો તે જ હૉટેલમાં રમ્યા અને તેનો પતિ શાર્દૂલ પણ ઊતર્યાં હતા. તેઓ પણ ફરવા જ ગયેલાં હતા. તેઓ બાજુ બાજુના રૂમમાં ઊતર્યાં હતા.  જમવાના ટેબલ પર તેમનો પરિચય થયો. એ રાત્રે સલમાને શાર્દૂલને વ્હિસ્કી પીવા માટે આમંત્રણ આપ્યું. શાર્દૂલ પણ શરાબનો શોખીન હતો. હકીકત એ હતી કે સલમાનનની નજર રમ્યાપર હતી અને રમ્યાની નજર હુષ્ટપુષ્ઠ સલમાન પર.  રાતના ભોજનનું  બિલ પણ સલમાને ચૂકવ્યું.
અલીબાગથી પાછા ફર્યા બાદ બેઉ પરિવારો વચ્ચે મિત્રતા બંધાઈ. દર અસલ વાત એમ હતી કે રોજ બપોરના સમયે શાર્દૂલ નોકરીએ જાય એટલે રમ્યા અને સલમાન રોજ ફોન પર વાતો કરતાં એ સંબંધો આગળ વધ્યા. સલમાન રમ્યાને બ્રાન્ડેડ વસ્ત્રો-જૂતાં લઈ આપવા લાગ્યો. તે શાર્દૂલ કરતાં વધુ સુખી હતો. સમય જતાં સલમાન અને રમ્યા વચ્ચે અનૈતિક સંબંધો પણ બંધાયા. એ પછી રમ્યાને હવે શાર્દૂલ પ્રત્યે અભાવ થતો ગયો. તે વારંવાર પિયર જતી રહેવા લાગી. જેથી સલમાનને છૂટથી મળી શકાય. રમ્યાએ તેની માતા શાલિનીને પણ તેના સલમાન સાથેના સંબંધોની વાત કહી દીધી. રમ્યાની માતાએ એ સંબંધોને અનુમોદન આપ્યું. તેનું એક કારણ સલમાન પૈસાદાર હતો. સલમાન પણ હવે તે કહે તે બધી  જ મદદ કરવા માગતો હતો. છેલ્લે છેલ્લે સલમાનની ઘરમાં આવન-જાવન વધતાં રમ્યા અને શાર્દૂલ વચ્ચે ઝગડા પણ શરૂ થઈ ગયા હતા.
શાર્દૂલને શંકા પડી જતાં એણે રમ્યાને સલમાનના ઘેર નહીં જવા ફરમાન મૂકી દીધું.  એ પછી રમ્યા અને તેની મા વધુ ખીજાયાં. તેમણે અને સલમાન સાથે મળીને એક ખતરનાક યોજના બનાવી. એ યોજના પ્રમાણે સલમાને શાર્દૂલને દારૂ પીવા બોલાવ્યો. શરાબએ શાર્દૂલની તિજોરી હતી. સલમાન પર શંકા હોવા છતાં તે નિિૃત સ્થળે  દારૂ પીવા સલમાનના આમંત્રણથી ગયો. રાત્રે સલમાને અને તેના મિત્રોએ શાર્દૂલને ખૂબ દારૂ પીવરાવ્યો. પરોઢિયે તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને રસ્તા પર લાશ ફેંકી દીધી.
સલમાને આ બધું કબૂલી લીધું પણ એક પ્રશ્ન ઉકેલવાનો બાકી હતો. રમ્યા અને તેની માતાના કહેવાથી સલમાને શાર્દૂલની  હત્યા કરી  નાખી પરંતુ રમ્યાએ આ હત્યામાં નિશાન નામદેવ નામના શખ્સનો હાથ છે તેમ કહ્યું હતું. છેવટે પોલીસ સમક્ષ રમ્યાએ કબૂલ કર્યું કે ‘હું અને નિશાન નામદેવ સાથે ભણતાં હતાં. હું તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ તેણે મારી સાથે લગ્ન નહીં કરતાં બીજી કોઈ  સાથે લગ્ન કરી લીધા. બસ, તે દિવસથી જ મેં નિૃય કર્યો હતો કે મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરનાર નિશાન નામદેવ સાથે હું વેર લઈશ. એ કારણથી જ મેં મારા પતિની હત્યામાં નિશાન નામદેવનો હાથ છે તેવું ખોટું કહ્યું હતું.
કૉલ-ડિટેઇલ્સ પણ  એ વાતને સમર્થન આપતી હતી પરંતુ  રમ્યાએ નિશાન નામદેવને ફોન શા માટે કર્યો?  એ પ્રશ્નના જવાબમાં ફરી રમ્યા બોલીઃ ‘હું  નિશાનને ભૂલી શકતી નહોતી. એ ભલે પરણી ગયો હતો પણ મને પણ અપનાવી લે તેવી વાત કરવા મેં તેને ફોન કર્યો હતો. પરંતુ નિશાને એવું કાંઈ પણ કરવા ઇનકાર કર્યો હતો. નિશાન એક સારો અને ખાનદાન યુવાન છે. તે નિર્દોષ છે.’
એટલું બોલતાં  રમ્યા રડી પડી. તે અને સલમાન હવે જેલમાં છે.
એક દીકરીને ખોટું કામ કરવામાં જ્યારે મા પણ સમર્થન આપે ત્યારે આવું પરિણામ આવી શકે છે.
(નામો પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!