દેશની મોટી મોટી હસ્તીઓ અને મોટા બિઝનેસમેનોને ધમકીઓ આપી પૈસા પડાવનાર તથા અનેક લોકોની હત્યાઓમાં સંડોવાયેલો રવિ પૂજારી દેશનો એક મોટો ગેંગસ્ટર છે.
બોલિવૂડના મશહૂર સિંગર અરિજિતસિંહને અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ ધમકી આપીને રૂ. પાંચ કરોડની માગણી કરી હતી અને ફ્રીમાં શો કરવાની માગણી કરી હતી. દેશની બહાર બેઠાં બેઠાં રવિ પૂજારીએ ધમકી આપીને જેમને ડરાવવાની કોશિશ કરી હતી તેમાં શાહરુખ ખાન અને સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. આ લોકપ્રિય અભિનેતાઓને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
કર્ણાટકના કોસ્ટલ એરિયામાં આવેલા મેપલ્સમાં જન્મેલા રવિ પૂજારીએ તેના જીવનનો મોટો ભાગ મુંબઈમાં ગુજાર્યો. સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થયેલા રવિ પૂજારીએ મુંબઈમાં અંધેરી ખાતે એક ટી સ્ટોલ શરૂ કરીને તેની કારકિર્દીનો આરંભ કર્યો હતો. બહુ ઓછું ભણેલો હોવા છતાં રવિ પૂજારી અંગ્રેજી અને હિન્દી ભાષામાં સરસ રીતે વાત કરી શકે છે.
રવિ પૂજારીએ તેના ક્રિમિનલ કેરિયરની શરૂઆત ૧૯૮૦ના ગાળામાં શરૂ કરી હતી. એ સમયગાળામાં તેણે પોતાની એક ગેંગ શરૂ કરી મુંબઈમાં જ્યારે અંડરવર્લ્ડ તેના પગ પ્રસારી રહ્યું હતું ત્યારે રવિ પૂજારીએ છોટા રાજનના શાર્પ શૂટર તરીકે હત્યાની સોપારી લઈ એને અંજામ સુધી લાવવાનું કામ કરતો હતો. કુખ્યાત અપરાધી ગુરુ સાટ્ટમ અને રોહિત વર્માની સાથે છોટા રાજનના નિકટના સંબંધો વધવાના કારણે રવિ પૂજારી છોટા રાજનથી નારાજ થઈ ગયો. ૧૯૯૨માં બેંગકોકમાં છોટા રાજન પર જ્યારે જાન લેવા હુમલો થયો ત્યારે એ હુમલામાં રોહિત વર્મા માર્યો ગયો. તે પછી ૧૯૯૩માં મુંબઈમાં બોમ્બ ધડાકા થયા અને તે કારણે દાઉદ ઈબ્રાહીમ તથા છોટા રાજન અલગ થયા ત્યારે રવિ પૂજારી પણ છોટા રાજનથી અલગ થઈને બેંગકોક જતો રહ્યો હતો અને તેણે અલગ ગેંગ બનાવી હતી. બેંગકોક ગયા બાદ તે અંડરવર્લ્ડનો મોટો ખેલાડી બની ગયો હતો.
ખંડણીના કારોબારનો તેણે વ્યાવયાસિયક એટલે કે પ્રોફેશનલ સ્વરૂપ આપ્યું. એણે બેંગકોકમાં બેઠા બેઠા જ મુંબઈની બિલ્ડર લોબી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ બનાવ્યું. મુંબઈના બિલ્ડરોને ફોન પર ધમકી આપતો તેમની પાસેથી પૈસા પડાવ્યા બાદ તે તેમને સુરક્ષાનો વાયદો કરતો હતો. જાનના ખતરાથી બચવા કેટલાંયે બિલ્ડરોએ તેને પૈસા આપ્યા હતા. કહેવાય છે કે રવિ પૂજારીએ શાહરુખ, સલમાન ખાન ઉપરાંત રિતેશ દેશમુખ, ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટ, સંજય કપૂર, બોની કપૂર તથા યશ ચોપરા, પ્રિટી ઝિન્ટા તથા પૂર્વ બૉય ફ્રેન્ડ નેસ વાડિયાને પણ આવી ધમકીઓ આપી હતી. રવિ પૂજારીના માણસો કરણ જોહર, વિવેક ઑબેરોય, અક્ષયકુમાર અને ફરહાન અખ્તરને પણ પૈસા માટે ધમકીઓ આપી ચૂક્યો હોવાનું કહેવાય પોલીસનું કહેવું છે કે તે ઇન્ટરનેટની ર્ફંૈંઁ ટેક્નિક દ્વારા ફોન કરતો હતો અને ધમકીઓ આપતો હતો. એથી તેને ટ્રેસ કરવાનું કામ મુશ્કેલ હતું.
ફ્લેશબેકમાં જઈએ તો માલૂમ પડે છે કે છોટા રાજનનો એક ખાસ સાથી શ્રાીકાંત દેસાઈ હતો જેણે રવિ પૂજારીની ક્ષમતાને પારખી લીધી હતી. શ્રાીકાંત દેસાઈએ જ રવિ પૂજારીને છોટા રાજનની ગેંગમાં શરૂઆતમાં રિક્રૂટ કર્યો હતો. ૧૯૯૩માં પોલીસ એન્કાઉન્ટરમાં શ્રાીકાંત દેસાઈ માર્યો ગયો અને તેથી ગુસ્સે ભરાયેલા રવિ પૂજારીએ જે કોઈ વ્યક્તિએ શ્રાીકાંત દેસાઈ અંગે બાતમી આપી હતી તે તેની સાથે બદલો લેવા નિર્ણય કર્યો હતો. શ્રાીકાંત દેસાઈના વેર અબાઉટ વિશે માહિતી આપનાર બાલા ઝાલ્ટે નામનો માણસ છે તેવી શંકા રવિ પૂજારીને ગઈ હતી. બાલા ઝાલ્ટે દાઉદ ઈબ્રાહીમની ગેંગનો ચાવીરૂપ માણસ હતો. રવિ પૂજારીએ બાલા ઝાલ્ટેની હત્યા કરી દીધી. પરંતુ એ પછી છોટા રાજને તેની ગેંગમાં રવિ પૂજારીને બઢતી આપી હતી. રવિ પૂજારી હવે છોટા રાજનનો મુખ્ય અને વફાદાર સાથી બની ગયો. પરંતુ તે પછીના વર્ષોમાં છોટા રાજન અને ડી-ગેંગ વચ્ચે મતભેદો સર્જાતા અને રવિ પૂજારી પણ છોટા રાજનથી અલગ થઈ ગયો. રવિ પૂજારીએ પોતાની આગવી ગેંગ બનાવી. અહીં એ જાણવું જરૂરી છે કે ૧૯૯૩ના મુંબઈના બોમ્બ ધડાકા બાદ છોટા રાજન અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચે તિરાડ પડી હતી. કહેવાય છે કે છોટા રાજન પોતે ડોન હતો પરંતુ તે દેશભક્ત પેટ્રિયટ ડોન છે તેમ માનતો હતો.
એ પછી ૨૦૦૦ના વર્ષમાં રવિ પૂજારી પણ છોટા રાજનથી અલગ થઈ ગયો અને બંને વચ્ચે દુશ્મનાવટ વધતાં રવિ પૂજારીએ બેંગકોકમાં છોટા રાજન પર હુમલો કરાવી દીધો હતો. અલબત્ત, મુંબઈની પોલીસ માને છે કે રવિ પૂજારી ગેંગવોરમાં બહુ માનતો નહોતો. તેને મોટી મોટી હસ્તીઓને ધમકીઓ આપી પૈસા પડાવવામાં વધુ રસ હતો. બીજા શબ્દોમાં રવિ પૂજારીને તેના ગુરુ છોટા રાજનની જેમ હિન્દુ- ડોન બનવામાં અને રહેવામાં વધુ રસ હતો.
૧૯૯૫માં મુંબઈની પોલીસે રવિ પૂજારીની ધરપકડ કરી હતી. તેની ફિંગર પ્રિન્ટ અને જવાબો પણ લેવામાં આવ્યા હતા પરંતુ જામીન પર છૂટયા બાદ દે દેશ છોડી ભાગી ગયો હતો.
કહેવાય છે કે પછી તે સેનેગલ ભાગી ગયો હતો. સેનેગલ સાઉથ આફ્રિકન નેશન છે અને તે ડાકર નામના શહેરમાં તેના પરિવાર સાથે એન્થની ફર્નાન્ડિઝના નામે રહેતો હતો. તેની પાસે બર્કીનો ફાસો પાસપોર્ટ હતો. એ પહેલાં ઑસ્ટ્રેલિયામાં હતો. ભારતમાંથી ભાગી ગયા બાદ તે ઑસ્ટ્રેલિયા, દુબઈ, થાઈલેન્ડ અને બર્કીનો ફાસો જેવા દેશોમાં ફરતો રહ્યો,
રવિ પૂજારી સેનેગલમાં છે તે શોધી કાઢવાનું કામ કર્ણાટક પોલીસે કર્યું હતું. તે સેનેગલમાં ‘નમસ્તે ઇન્ડિયા’ના નામ હેઠળ કેટલીક રેસ્ટોરાં ચલાવતો હતો. વેસ્ટર્ન આફ્રિકામાં તેનાં નવ જેટલાં આઉટલેટ હતા. કહેવાય છે કે પાણીથી વલખાં મારતા લોકોને તેમના વિસ્તારોમાં તેણે પીવાના પાણીની પણ વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી.
રવિ પૂજારી છેલ્લા ૨૦ વર્ષથી તેની સામે ભારતમાં વેન્ડિંગ ૨૦૦ જેટલા કેસોના સંદર્ભમાં મોસ્ટ વૉન્ટેડ અપરાધી હતો. છેવટે તા. ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રવિ પૂજારીની ધરપકડ ડાકરમાંથી સ્થાનિક પોલીસે કરી હતી. તે પછી તેનું પ્રત્યાર્પણ સેનેગલમાં થયું અને છેવટે તેને ભારત પણ લાવવામાં ભારત સરકાર સફળ થઈ.
કર્ણાટકની પોલીસે અગાઉ પકડેલા કર્ણાટકના બીજા અંડરવર્લ્ડ ડોન બન્નાન્જો રાજા કે જેને મોરોક્કોમાંથી પકડવામાં આવ્યો હતો અને તે પછી ૨૦૧૫માં તેને ભારત લાવવામાં આવ્યો હતો. તેની પાસેથી કર્ણાટક પોલીસે રવિ પૂજારી અંગેની કડીઓ મેળવી હતી. કર્ણાટકના એડિશનલ ડીજીપી કુમાર પાંડેને બાતમી મળી કે રવિ પૂજારી સેનેગલમાં ‘નમસ્તે ઇન્ડિયા’ નામની રેસ્ટોરાંની ચેન ચલાવે છે તે પછી રવિ પૂજારીના પૂર્વ સાથીએ મેંગલુરુમાં એવી માહિતી આપી હતી કે સેનેગલમાં રવિ પૂજારી એન્થની ફર્નાન્ડિઝના નામે રહે છે. એ પછી કર્ણાટક પોલીસે રવિ પૂજારીની પુત્રીનાં લંડનમાં થયેલા લગ્ન અને તેના પુત્રના ઑસ્ટ્રેલિયામાં થયેલા લગ્નના ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા. બાદમાં બર્કીના ફાસો ખાતેના તેના ઘરની બહાર રવિ પૂજારીની હિલચાલની તસવીરો પણ હાંસલ કરી હતી અને તે રીતે તેના પરનું સરનામું અને લોકેશન પણ કર્ણાટક પોલીસે હાંસલ કર્યા હતા. ૨૦૧૮માં નવરાત્રિ દરમિયાન રવિ પૂજારીની હૉટલે ‘દાંડિયા નાઇટ’ પ્રોગ્રામ સ્પોન્સર કર્યો હતો તેમાં તે ડાન્સ કરે છે તેવા વીડિયો પણ પોલીસે હાંસલ કર્યા હતો. એ રીતે રવિ પૂજારીનું સેનેગલ ખાતેનું નવું લોકેશન પ્રાપ્ત થયું તે ગોગલ્સ પહેરીને સેનેગલમાં ઈન્ડિયન ક્રિકેટ કલબ ખાતે એક ક્રિકેટ મેચ નિહાળે છે તેવા ફોટોગ્રાફ પણ પોલીસે હાંસલ કર્યા હતા. આ રીતે રવિ પૂજારી સેનેગલમાં જ છે તે વાતનું કન્ફર્મેશન થયા બાદ કર્ણાટક પોલીસે સેનેગલના પોલીસ સત્તાવાળાઓને અને સેનેગલ ખાતેના ભારતીય એમ્બેસીને જાણ કરવામાં આવી હતી. સેનેગલના સત્તાવાળાઓને ભારતના એક ભાગેડુ અપરાધીને તેમના દેશમાં રાખવામાં રસ ના હોઈ સેનેગલની પોલીસે કર્ણાટકની પોલીસની ટીમના આધારે સતત ત્રણ દિવસ સુધી રવિ પૂજારીની હિલચાલ પર નજર રાખી અને તા. ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ડોન રવિ પૂજારીને હેરકટિંગ સલૂનમાં જતી વખતે જ પકડી લેવાયો. પરંતુ રવિ પૂજારીને ભારત લાવવાનું એટલું સરળ ના રહ્યું. રવિ પૂજારીએ સેનેગલની કોર્ટમાં એના વકીલ દ્વારા એવી દલીલ કરાવી કે તેની સામેના કેસોની વાત જ ખોટી છે. વળી તે રવિ પૂજારી નહીં પરંતુ એન્થની ફર્નાન્ડિઝ છે તેથી તેનું પ્રત્યાર્પણ ભારતમાં થઈ શકે નહીં.
રવિ પૂજારીના આ કાનૂની દાવના કારણે સેનેગલની કોર્ટે રવિ પૂજારીને અદાલતનો અંતિમ ફેંસલો ના આવે ત્યાં સુધી દેશ ના છોડવાની શરતે જામીન પર મુક્ત કર્યો.
આ તકનો લાભ લઈ રવિ પૂજારી અંડરગ્રાઉન્ડ જતો રહ્યો સેેનેગલ પોલીસ ફરી સક્રિય બની અને રવિ પૂજારીને દક્ષિણ આફ્રિકામાંથી પકડયો. ફરી તેને સેનેગલ લાવવામાં આવ્યો. અને છેવટે કર્ણાટકની પોલીસ રવિ પૂજારીને ભારત લાવવામાં સફળ થઈ. હવે તે બેંગ્લુરુની જેલમાં છે.
—–DEVENDRA PATEL
|
ReplyForward
|




