એનું લગ્ન એવી વયે થઈ ગયું હતું કે જ્યારે તે વિવાહનો અર્થ જ જાણતી નહોતી. કિશોર અવસ્થામાં તે ગર્ભવતી બની અને એક પુત્રીની મા પણ બની ગઈ હતી. એ દરમિયાન એક અકસ્માતમાં એના પતિનું અચાનક મૃત્યુ થઈ ગયું. પતિના મૃત્યુના કારણે તેની પર આસમાન તૂટી પડયું. ઘરમાં કમાવાવાળું કોઈ રહ્યું નહીં. અચાનક આર્થિક સંકટ આવી પડયું. રાની હવે મજૂરીએ જવા લાગી.
લખનઉ ખાતેના મહોલ્લામાં દેશરાજ નામનો યુવાન રહેતો હતો. તે મૂળ ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાનો વતની હતો. તે એક સિક્યોરિટી એજન્સી ચલાવતો હતો. તે પરિણીત હતો પરંતુ પત્ની ગામમાં રહેતી હતી અને દેશરાજ એકલો જ લખનઉંમાં રહેતો હતો. તે સારું કમાઈ લેતો હતો. શરાબ અને શબાબનો શોખીન હતો.
એક દિવસ તેની નજર રાની પર પડી. પહેલી નજરે જ તે તેના પ્રેમમાં પડી ગયો. ધીમે ધીમે તેણે યુવાનીમાં જ વિધવા બનેલી રાનીની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી લીધી. એક દિવસ રાની એકલી જ ઘરની બહાર બેઠેલી હતી. તે ઉદાસ હતી. દેશરાજ સીધો તેની પાસે પહોંચી ગયો અને હમદર્દી દાખવતા બોલ્યો ઃ ‘રાની ! મેં તારી મુશ્કેલીઓ વિશે જાણી લીધું છે. મને લાગે છે કે તારા જીવનમાં માત્ર દુઃખ જ છે.’
રાની તેની સામે જોઈ રહી.
દેશરાજ બોલ્યો ઃ ‘મારું નામ દેશરાજ છે. હું સિક્યોરિટી એજન્સી ચલાવું છું. કોઈ કામ હોય તો કહેજે’ !
એટલું કહી તે જતો રહ્યો. રાની પાસે આવકનું કોઈ સાધન નહોતું. મજૂરી કરીને તે માંડ રોટલા ભેગી થતી. દીકરીને સ્કૂલમાં મોકલવાના પૈસા નહોતા. થોડા દિવસ બાદ દેશરાજ ફરી રાનીના ઘેર આવ્યો. તેણે રાનીના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ મૂકી દીધી અને કંઈ પણ બોલ્યા વગર જતો રહ્યો. એણે જોયું તો રાનીએ એ પૈસા હાથમાં દબાવી દીધા. રાની માટે તો આ ઘણી મોટી રકમ હતી. આમેય તેની જિંદગી અભાવોથી ભરેલી હતી, એને દેશરાજ ભગવાને મોકલેલો કોઈ દૂત જ લાગ્યો.
એ પછી દેશરાજની હિંમત વધી ગઈ. દર થોડા થોડા દિવસોના અંતરે તે રાનીના ઘેર આવવા લાગ્યો. એણે રાનીને અનાજ અને જીવનજરૂરિયાતની બીજી ચીજ વસ્તુઓ લાવી આપી. રોકડ રકમ પણ આપી. દેશરાજ બોલ્યો ઃ રાની! હું પણ એકલો જ રહું છું.’
એ સાંજે રાનીએ અને દેશરાજને જમીને જવા વિનંતી કરી. દેશરાજ જમવા રોકાઈ ગયો. એ પછી તો દેશરાજ અવારનવાર રાનીના ઘેર આવવા લાગ્યો. જ્યારે પણ આવે ત્યારે રાની એના માટે જમવાનું બનાવી દેતી. વળી દેશરાજે રાનીની પુત્રી માટે સ્કૂલ ફી ભરવાની વ્યવસ્થા પણ કરી દીધી હતી. ધીમે ધીમે રાની દેશરાજના અહેસાનો નીચે દબાતી ગઈ. દેશરાજે જોયું કે રાની હવે તેની ઉપર જ અવલંબિત છે. એણે ધીમે ધીમે આવવાનું ઓછું કરી દીધું. રાની હવે દેશરાજનો ઇન્તજાર કરવા લાગી. દેશરાજ ના આવે તો વિહવળ થઈ જતી.
એક સાંજે રાનીએ ઠપકા ભરી નજરે દેશરાજને કહ્યું ઃ ‘કેમ આવવાનું ઓછું કરી નાખ્યું છે?’
દેશરાજ બોલ્યો ઃ ‘મને મારી પત્ની યાદ આવી જાય છે. પણ તે દૂર રહે છે એટલે ઠેકા પર એકલો એકલો શરાબ પીને સમય પસાર કરી લઉં છું.’
રાની બોલી ઃ ‘ બહાર જઈ શરાબ પીવાની શું જરૂર છે? તમે મારા ઘરમાં જ પી શકો છો.’
બીજા દિવસે દેશરાજ રાત્રિના સમયે શરાબની બોતલ લઈને જ રાનીના ઘેર પહોંચી ગયો. એ રાત્રે તેણે રાનીના ઘેર શરાબ પીધો, ત્યાં જમ્યો અને રાનીએ તેને રાત્રે પોતાના ઘેર જ રોકી લીધો, બંને એકબીજાની કરીબ આવી ગયા હતા. એ રાત્રે દેશરાજ બોલ્યો ઃ ‘રાની હવેથી તું એકલી નથી, હું કાયમ તારી સાથે જ છું એમ સમજ.’
‘તો હું પણ તારી જ છું એમ સમજ’ઃ રાનીએ કહ્યું.
દેશરાજે રાનીની સુષુપ્ત થયેલી ભાવનાઓને જગાડી દેહસુખ કરતા લાગણીઓનું તેને મન ભારે મોટું મૂલ્ય હતું અને લાગણીઓના પ્રવાહમાં એણે પોતાની જાતને સંપૂર્ણપણે દેશરાજને સમર્પિત કરી દીધી.
એ દિવસ પછી બેઉ પતિ-પત્નીની જેમ જ રહેવા લાગ્યા, હા દેશરાજ તેના અલગ મકાનમાં રહેતો હતો, દિવસે બહાર રહેતો પણ રાત્રે જમવા આવી જતો. મોડી રાત્રે પોતાના ઘેર જતો રહેતો. આ તરફ રાનીના જીવનમાં ફરી રંગો ભરાવા લાગ્યા. તેનું ઘર ઠીકઠાક થઈ ગયું. નવા વાસણો આવ્યા. દીકરી પણ સારો ડ્રેસ પહેરીને સ્કૂલમાં જવા લાગી. એનું પોતાનું શરીર પણ હવે ભરાયું હતું. રાનીનું સૌંદર્ય ફરી ખીલી ઊઠયું.
એક દિવસ દેશરાજ રાનીના ઘેર જવાના બદલે ફરી મિત્રો સાથે ઠેકા પર દારૂ પીવા ગયો. તેમાં એક રંજિત પણ હતો, રંજિત તેની સિક્યોરિટી એજન્સીમાં કામ પણ કરતો હતો. બંને વચ્ચે સારી દોસ્તી હતી. એ રાત્રે શરાબના નશામાં દેશરાજે રંજિતને તેના અને રાનીના અવૈદ્ય સંબંધોની વાત કહી દીધી. રંજિત થોડો બદમાશ હતો, એણે એ રાત્રે બધી જ વાત દેશરાજ પાસેથી કઢાવી લીધી. બીજા દિવસે સવારે રંજિતે ખૂબ શાંતિથી દેશરાજને કહ્યું ઃ ‘તુંં એેકલો એકલો રાનીને ઘેર જાય તે ઠીક નથી. મને પણ હિસ્સો જોઈએ, યાર.’
દેશરાજે સાવધ થઈ જતાં કહ્યું ઃ ‘એ શક્ય નથી તે મારી પત્ની જેવી છે.’
‘પત્ની હોય કે પારકી, પણ મને તેમાં ભાગ જોઈએ. એમ નહીં થાય તો હું તારી નાતમાં તારા અને રાનીના સંબંધોની વાત ફેલાવી દઈશ’ ઃ રંજિતે ધમકી આપી.
દેશરાજ વિચારમાં પડી ગયો, એણે મનોમન વિચાર્યું કે, ‘રાની આમેય મારી વાસના પૂર્તિનું સાધન છે તો પછી દોસ્તને સાથે રાખવામાં વાંધો શું છે ! વળી આમેયે રંજિતનું મોં બંધ રાખવા આ જરૂરી છે. વળી રાની કઈ મોટી ચારિત્ર્યવાન છે તે વિધવા હોવા છતાં મારી સાથે સંબંધ રાખે જ છે ને !’
દેશરાજે કહ્યું ઃ ‘જો રંજિત! મને થોડો સમય આપ. રાનીને સમજાવવામાં થોડો સમય લાગશે.’
રંજિતે કહ્યું ઃ ‘ઠીક છે.’
એ રાત્રે દેશરાજ શરાબની બોટલ લઈ ફરી રાનીના ઘેર ગયો. પહેલાં થોડાં પૈસા આપ્યા. પછી દારૂ પીધો. રાનીના હાથે બનાવેલું જમ્યો. રાત્રે એ ધીમેથી બોલ્યો ઃ ‘રાની ! મારો એક દોસ્ત છે, રંજિત. તારે એને ……..! આપણે એની વાત નહીં માનીએ તો આપણી વાત બધાને કહી દેશે.’
રૂમમાં અંધારું હતું. રાનીની દીકરી ઊંઘી ગઈ હતી. રાનીના ચહેરા પરના ભાવ જોઈ શકાતા નહોતા. એ બોલી ઃ ‘તમે જેમ કહેશો તેમ કરીશ. મને એટલું જ કહો કે તમારી ઈચ્છા પણ એવી જ છે.’
‘હા.’
રાનીએ પૂછયું ઃ ‘કેમ?’
‘તને વધુ સુખ આપશે. મારાથી વધુ યુવાન છે.’
‘અને બીજું શું આપશે ?’
‘પૈસા.’
‘કેટલા ?’
‘તું માંગીશ એટલા.’
‘એ મારી સાથે લગ્ન કરશે ?’
‘હા, એ કુંવારો છે, જ્યારે હું પરણેલો છું.’
રાની બોલી ઃ ‘તો કાલે જ લઈને આવો એને.’
બીજા દિવસે રાત્રે રંજીતને લઈ દેશરાજ રાનીના ઘેર પહોંચ્યો રાનીએ બંનેનું સ્વાગત કર્યું. દેશરાજ રોજની જેમ શરાબની બોતલ લઈને જ આવ્યો હતો. રાની બે ગ્લાસ અને સોડા લઈ આવી. કલાક સુધી એ બંને મિત્રો દારૂ પીતા રહ્યા. રાની રસોઈ બનાવવા અંદરના રૂમ તરફ ચાલી ગઈ. ખૂબ મોડે સુધી બેઉ મિત્રોની શરાબ પાર્ટી ચાલતી રહી. બંને જણ લવારી પર ચડી ગયા. એ પછી એમણે જમવાનું કાઢવા કહ્યું. રાનીએ બંનેને જમાડયા. જમી લીધા બાદ દેશરાજે કહ્યું ઃ ‘રાની ! હું મારા દોસ્તને મૂકીને જાઉં છું.’
‘તમે ચિંતા ના કરો’ રાની બોલી.
અને દેશરાજ જતો રહ્યો. રાનીના ઘરનું બારણું બંધ થઈ ગયું. અંદરની બત્તીઓ બુઝાઈ ગઈ. રાત્રિ સમ સમ આગળ વહેતી રહી. દૂર દૂર કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાતો હતો. લોક પણ જંપી ગયું હતું. મ્યુનિસિપાલિટીની બત્તીઓની આસપાસ મચ્છરો ઊડી રહ્યા હતા.
રાત પસાર થઈ ગઈ.
સવારે રંજિત જાગ્યો. પણ રાની હજુ સૂતેલી જ હતી. એણે રાનીને ઢંઢોળી પણ તે કાંઈ બોલી નહીં. એણે રાનીનો હાથ પકડયો. અને મૂકતાં જ હાથ પડી ગયો. રંજીત ગભરાયો. એણે જોયું તો રાનીનો દેહ ઠંડો પડી ગયો હતો. અને ખ્યાલ આવી ગયો કે રાની હવે નિર્જીવ છે. રંજિતને પરસેવો છૂટી ગયો.
એ દોડીને દેશરાજને બોલાવી લાવ્યો.
રાનીએ આપઘાત કરી લીધો હતો. પણ એણે કેમ આપઘાત કર્યો એનું કોઈ કારણ દર્શાવ્યું નહોતું. કોઈ ચિઠ્ઠી છોડી નહોતી. રહસ્યને રહસ્ય જ રહેવા દઈ. રાની તો એ ફાની દુનિયાને છોડીને જતી રહી.




