Close

રૂપલે મઢી છે સારી રાત ઢૂંકડું ના હોજો પરભાત

કભી કભી | Comments Off on રૂપલે મઢી છે સારી રાત ઢૂંકડું ના હોજો પરભાત
વર્ષો પહેલાંની વાત છે.
સાબરકાંઠાની અંતરિયાળ ભૂમિનું એક નાનકડું ગામ. જ્યારે ગામમાં વીજળી નહોતી. પાણીના નળ નહોતા. તાર-ટેલિફોન પણ નહોતા. ગરીબોના ઘરમાં કોડિયાં ને સહેજ સુખી લોકોના ઘરમાં ફાનસ જલતાં. માંડ પાંચસોની વસ્તીવાળા ગામમાં ચંદુ નામે ગોવાળ. ચંદુ ગરીબ હતો. માતા-પિતા નહોતાં. એક હાથે સહેજ ઠૂંઠિયો. ગામના છેવાડે માટીના ખોરડામાં રહે. રોજ સવારે સૂરજ માથે આવે તે પહેલાં ગામના ફળિયે ફળિયે બૂમ પાડે. આખા ગામનાં ઢોર લઈ વગડામાં ચરાવવા જાય. સાંજ પડતાં ઢોર લઈ પાછો આવે. સવારે રોટલો બનાવીને સાથે ભાથું બાંધીને જતો. બહુ જ ઓછું બોલતો.
ગામમાં એક પટેલ રહેતા. સંસારી હતા પણ ભજનો ગાતા તેથી લોકો તેમને ભગત કહેતા. ગામમાં કોઈ પણ ભાંજગડ થાય તોય ભગત મધ્યસ્થી બને. ચંદુ ગોવાળના ભાઈબંધો મશ્કરા ને તોફાની. ચંદુને ઠૂંઠિયો કહીને રોજ મશ્કરી કરે. ચંદુ ગરીબ અને વળી હાથે ઠૂંઠિયો એટલે કોઈ છોકરી આપે નહીં. એના ભાઈબંધોએ કહ્યું ઃ ‘ચંદુ ! ભગત પાસે જા તો તારો કાંઈક મેળ પડે.’
ભોળિયો ચંદુ એક રાત્રે ભગતના ઘેર પહોંચ્યો. પોતે કુંવારો હોઈ ભાઈબંધો મશ્કરી કરે છે તેમ કહ્યું. ભગત ચંદુની વેદના સમજી ગયા અને ધીરજ રાખવા કહ્યું. ભગતે પૂછયું ઃ ‘તારી પાસે કેટલી રકમ છે ?’
ચંદુએ કહ્યું ઃ ‘મારી પાસે રોકડા કાંઈ નથી. મારી માનાં ચાંદીનાં સાંકળાં અને સોનાની બે બંગડીઓ છે.’
‘ઠીક છે’ ભગતે સાંત્વન આપ્યું.
ભગત પ્રેમાળ હતા. એક દિવસ તેમણે ફરી રાત્રે ચંદુને ઘેર બોલાવ્યો ઃ ‘જો ચંદુ ! આપણી નજીકના ગામ રામપુરાની વિધવા માની એકની એક છોકરી છે. ગરીબ છે. ઘસાઈ ગયેલું ઘર છે. છોકરીનું નામ રૂખી છે. ચાંદીનાં સાંકળા એની માને આપી દેવાનાં એ વેચીને ડોસી એના દાડા ટૂંકા કરશે. સોનાની બંગડીઓ રૂખીને આપવાની. બોલ છે કબૂલ ?’
ચંદુ તો ઘરમાં બૈરું આવતું હોય તો બધું આપી દેવા તૈયાર હતો. એ રાજી રાજી થઈ ગયો. એણે હા પાડી.
થોડા વખતમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ભગતે ચંદુનું ગોઠવી દીધું. ગામ આખાને ચંદુ માટે પ્રેમ હતો. કોઈએ કપડાં સીવડાવી આપ્યાં, કોઈએ નવા બૂટ લઈ આપ્યા. કોઈએ માથામાં નાખવાનું તેલ આપ્યું. લગ્નની તિથિ નક્કી થતાં ગામની છોકરીઓએ ચંદુની બહેન બની ચંદુને પીઠી કરી. ભાઈબંધોએ અત્તરનું પૂમડું કાનમાં મૂકી આપ્યું.
જાન રામપુરા ગઈ.ભગતે આગેવાની લીધી. ગામના મોટિયારો પણ જોડાયા. સાત ફેરા થયા. એ જમાનામાં કન્યા મોટો ઘૂમટો તાણીને બેસતી. ના તો એ વરને બરાબર જોઈ શકે કે ના તો વરરાજા કન્યાનો ચહેરો જોઈ શકે. પરણીને ઘેર આવ્યા બાદ જ વરને કન્યાનું મોં પહેલી જ વાર જોવા મળતું. ‘અમે ઈડરિયો ગઢ જીત્યા રે’નાં ગીતો ગાતી જાનડીઓ ચંદુ ઠૂંઠિયાને પરણાવી વાજતેગાજતે ઘેર લઈ આવી. સાંજે સૌ સૌના ઘેર ગયાં પરંતુ ચંદુના ભાઈબંધો ઊઠતા નહોતા. હજુ મશ્કરીઓ ચાલતી હતી. ચંદુનું બૈરું કેવું છે તે જોવા સૌ તલપાપડ હતા, પણ રૂખી ઘૂમટો હટાવતી જ નહોતી.
ચંદુના ભાઈબંધોએ કહ્યુંઃ ‘દોસ્ત ! આજ તો પીવો પડશે.’
ચંદુએ ઘણી ના પાડી પરંતુ ભાઈબંધો ચંદુને ખેંચી નદીકાંઠે એક ટેકરી પરની છાપરીમાં ચાલતા અડ્ડા પર લઈ ગયા. છાપરીમાં એક ફાનસ જ જલતું. લોકો અહીં દેશી પીવા આવતા. ભાઈબંધોએ ચંદુને મહુડાનો પહેલી ધારનો પીવરાવ્યો. પછી તો બધા મસ્તીમાં આવતા ગયા. રાત આગળ ધપતી રહી. ખીલી ઊઠેલા તારલિયાઓના કારણે આકાશ રૂપાળું લાગતું હતું. મંદ મંદ પવન વહેતો હતો. રાત આગળ ધપતી હતી.
આ તરફ રૂખી એના ઓરડાની પાછળના વરંડામાં મૂકેલા પથ્થર પર નાહીને ઘરમાં વર ક્યારે આવે તેનો ઈન્તજાર કરતી હતી. ગામ આખું અંધકારની ગર્તમાં ડૂબી ગયું હતું. ક્યાંક કયાંક કૂતરાં ભસતાં હતાં. અડધી રાત થઈ જતાં આખા દિવસની થાકેલી રૂખી પણ ખાટલામાં ગોદડી પાથરી આડી પડી. તેલનું કોડિયું પણ બુઝાવી દીધું. ઘરમાં અંધારું કરી રૂખી સૂઈ ગઈ. નાનકડી બારીમાંથી ચાંદની સહેજ સહેજ ઢોળાઈ જતી હતી.
રૂખીની આંખ મળી ગઈ હતી.
છેક મધરાતે એને ઢંઢોળવામાં આવી ત્યારે જ એને ખબર પડી કે ‘હાય હાય, હું તો સૂઈ ગઈ હતી! ઘરવાળો આવી ગયો તેનોયે મને ખ્યાલ ના રહ્યો.
રૂખીએ મીઠો ઠપકો આપ્યો ઃ ‘ભાઈબંધો સાથે પીવા ગયા હતા ને ! આજનો દિવસ તો વહેલા આવવું હતું? મારો જરા પણ ખ્યાલ ના આવ્યો ?’
રૂખીએે કોડિયું પેટાવવા કોશિશ કરી, પણ ‘કોઈ જરૂર નથી. બહુ મોડું થઈ ગયું છે’ એમ કહેવાતાં રૂખી પાછી ખાટલામાં આડી પડી. એ એના જીવનની પ્રથમ મધુર રાત હતી. રૂખીને પુરુષના સ્પર્શનો એ પહેલો આનંદ હતો. તે આજે બહુ જ ખુશ હતી. કેટલીયે વાર સુધી બારીમાંથી ઘૂસી જતી ચાંદનીને જાણે કે કહી રહી હતીઃ ‘આજે સવાર જ ના પડે તો કેટલું સારું ?’
પણ રાત રાતનું કામ કરતી રહી. રાત સમ સમ વહેતી રહી. બારીમાંથી આવતો મંદ પવન હવે વધુ શીતળ બન્યો હતો.
છેક ભળભાંખરે એની આંખ ખૂલી તો ચંદુ એના ખાટલામાં નહોતો. નહાવા ધોવા બહાર ગયો હશે તેમ સમજી તે વરંડામાં ગઈ, પણ ચંદુ કયાંયે દેખાતો નહોતો. હજુ ધરતી પર પૂરો ઉજાશ થયો ન હતો. એણે દૂર દૂર નજર કરી તો એક માણસ લથડિયાં ખાતો આવતો હતો. એનો હાથ ઠૂંઠો હતો. એ ચંદુ હતો. રૂખી સમજી કે રાત્રે ઊઠીને ફરી ઢીંચવા જતા રહ્યા.
રૂખીએ ચંદુને હવે આકરો ઠપકો આપ્યો! ‘મારી સાથે રહ્યા બાદ પછી પણ ધરાયા નહોતા તે ફરી પીવા જતા રહ્યા ?’
ચંદુ ચોંકી ગયો. એણે કહ્યું ઃ ‘હું તો રાત્રે ઘેર આવ્યો જ નથી. મને તો ભાઈબંધોએ ઉપરાઉપરી ગીલાસ પીવરાવી દીધા હતા. હું તો ત્યાં જ ઊંઘી ગયો હતો. મારી આંખ ઊઘડી ત્યારે તો મને ખબર પડી કે આ તો સવાર પડી ગઈ. કોણ આવ્યું હતું રાત્રે ?’ રૂખી સ્તબ્ધ થઈ ગઈ.
એને ખ્યાલ આવી ગયો કે, કાંઈક ખરાબ થઈ ગયું છે. ભાઈબંધોએ જ કાવતરું કરીને ચંદુને પીવરાવી ઊંઘાડી દીધો અને કોઈક…’
ચંદુ પણ મનોમન સમજી ગયો. પરંતુ તે સાવ ભોળિયો અને ગરીબ હતો. સ્વભાવથી પણ ગરીબ. એણે રૂખીને ઘરમાં લઈ જતાં કહ્યું ઃ ‘સારું, જે થવાનું હતું તે થઈ ગયું. ગામમાં કોઈને કહીશ નહીં. ઘરની વાત પરમાં જ દબાવી દે.’
રૂખી ઘરના ખૂણામાં બેસી ગઈ. બપોરે તો એણે પિયર પાછા જવાનું હતું. એ જમાનાના રિવાજ પ્રમાણે વહુ એકાદ-બે દિવસ પતિના ઘેર રહેતી. બીજા કે ત્રીજા દિવસે પિયર પાછી જતી રહેતી. મહિને બે મહિને કે વરસ પછી આણું કરવાનું અને પછી તે પતિના ઘરમાં કાયમ રહેતી.
બપોરે તો રૂખીને તેડવા સમપુરાથી બે-ત્રણ જણ આવી ગયા. ગામના લોકોએ રૂખીને પહેલી જ વાર જોઈ. રૂપ રૂપનો અંબાર હતી. ભગવાને નિરાંતે એને ઘડી હતી. ઘણા ચંદુ ઠૂંઠિયાને જોેતા અને પછી રૂખીને જોતા. કોઈક મશ્કરીમાં કહતુું ખરુંઃ ‘કાગડો દહીંથરું લઈ ગયો.’ પરંતુ રૂખી શૂન્યમનસ્ક હતી. તેના ચહેરાની ભીતરની વેદના કોઈએ ના નિહાળી. રૂખી પિયર જતી રહી. ચંદુ પણ હવે વધુ મૌન બની ગયો. એક ઘટનાને ભૂલવા એ ફરી ગામનાં ઢોર લઈ વગડામાં જવા લાગ્યો. આખો દિવસ બોલ્યા-ચાલ્યા વગર બેસી રહેતો. એને એક જ વિચાર આવતો હતો કે, ‘કયા ભાઈબંધે દગો કર્યો હશે?’
સમય વીતતો રહ્યો.
બરાબર મહિના પછી રૂખીનું આણું કરાવવામાં આવ્યું. રૂખી પણ હવે ઓછું બોલતી હતી. ચંદુ એને કાંઈ જ કહેતો નહોતો.
એક દિવસ રૂખીએ કહ્યું ‘સાંભળો છો ?’ ‘હ..’ ‘આ મહિને હું થઈ નથી.’ રૂખીએ દુઃખી સ્વરે કહ્યું.
ચંદુ સમજી ગયો કે મહિના પહેલાંની ઘટનાનું આ પરિણામ છે. તે કાંઈ બોલ્યો નહીં. આખી રાત બેઉ ઊંઘી શક્યાં નહીં. છેક સવારે રૂખી એટલું જ બોલી કે ‘મારે છોકરું જોઈતું નથી. ભગત પાસે જાવ. કાંઈક ઉપાય બતાવે.’ ચંદુએ જવાબ આપ્યો નહીં. પછી ચંદુ રાત્રે ભગત પાસે ગયો. મોડી રાત્રે ભગત જ્યારે એકલા પડયા ત્યારે ચંદુએ દિલ ખોલીને બધી સાચી વાત કહી દીધી. ભગત પણ થોડી વાર મૌન બની ગયા. એમણે કહ્યું ઃ ‘કાલે સવારે આવજે. ઉપાય બતાવીશ.’
ચંદુ બીજા દિવસે સવારે ભગતના ઘેર પહોંચ્યો.
એમણે ચંદુને અંદરની પરસાળમાં લઈ જઈ કહ્યું ‘લે, આ થેલી લે.’
‘શું છે એમાં ? કોઈ મૂચડિયાં છે ?’ ‘ના ‘ ભગતે કહ્યું ઃ ‘એમાં અનાજ છે. ઘી છે. ગોળ છે. તલ છે. લોટ છે. એનો શીરો કરીને રોજ રૂખીને ખવરાવજે. સારા દાડામાં સારો ખોરાક જોઈએ. સમજ્યો ? ખલાસ થઈ જાય તો ફરી આવજે !
‘પણ… ?’ ‘પણ ને બણઃ’ ભગતે ધીમેથી ચંદુના કાનમાં કહ્યું ઃ ‘જે કાંઈ થયું છે તે અજાણતાં થયું છે. રૂખીએ જાણીબુજીને તો કાંઈ કર્યું નથી. ઘરની વાત ઘરમાં દબાવી દેવાની. રૂખી જેવું બૈરું નહીં મળે. આવનારું છોકરું તારું જ છે એમ સમજ. જેણે ખોટું કર્યું છે તેને ભગવાન જોશે.’
ચંદુ કહ્યાગરો હતો. ભગતે આપેલી ઘી-ગોળ ને લોટની થેલી લઈ ઘેર આવ્યો. બીજા દિવસે આખા ગામમાં એણે દાંડી પીટી દીધી કે, તે બાપ બનવાનો છે. ગામની છોકરીઓ તો દોડીને રૂખીને હરખ કરવા આવી. ઘર આખું સ્ત્રીઓથી ભરાઈ ગયું. ચંદુના મશ્કરા ભાઈબંધો પણ મશ્કરી કરવા લાગ્યા કે, ‘અલ્યા, તારો છોકરો ઠૂંઠિયો તો નહીં આવે ને !’
પણ ચંદુ હસતો જ રહ્યો. ફરી એક રાત આવી.
ગામ આખું જંપી ગયું હતું. આકાશમાં તારલિયાનો દરબાર ભરાયો હતો. બારીમાંથી મંદ મંદ ચાંદની હસતી હતી. રૂખી પડખામાં સૂતેલા ચંદુને કહી રહી હતી ઃ ‘રાત કેવી રૂપાળી છે નહીં ?’
ચંદુ બોલ્યો ઃ’સવાર જ ના પડે તો કેટલું સારું?’ પણ રાત વહેતી રહી. ચંદુને ઊંઘ આવી ગઈ.
સવારે તે ઊઠયો તો રૂખી ખાટલામાં નહોતી. એટલામાં તો ગામમાંથી બૂમ આવી કે રૂખીએ કૂવો પૂર્યો. આખું ગામ કૂવા પર ઊભરાયું. કેટલીયે વાર બાદ રૂખીની લાશ બહાર કાઢવામાં આવી.
ચંદુ ગોવાળ ફરી શૂન્યમનસ્ક બની ગયો. ફરી એકાકી બની ગયો. એક માત્ર ભગત જ એની વેદનાનું રહસ્ય જાણતા હતા. ભગતે ચંદુના માથા પર હાથ ફેરવ્યો, પરંતુ આ ઘટના બાદ ચંદુ પણ ઝાઝું જીવ્યો નહીં. આજે તો રૂખી પણ નથી અને ચંદુ ગોવાળ પણ નથી અને ભગત પણ નથી, પરંતુ વર્ષો પહેલાં ભગતે કર્ણોપકર્ણ કહેલી વાત અહીં જેમની તેમ મૂકી દેવાઈ છે. ભગત એટલું બોલ્યા હતાઃ ‘જોે ભાઈ! કેટલાકના નસીબમાં સુખ લખ્યું જ હોતું નથી.’
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!