Close

લૈલા ખાનની આ નીલી આંખો પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી ?

કભી કભી | Comments Off on લૈલા ખાનની આ નીલી આંખો પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી ?
લૈલા ખાનનું અસલ નામ રેશમા પટેલ હતું. તે પાકિસ્તાનમાં જન્મી હતી. માંજરી આંખો અને ગૌર ત્વચાના કારણે તે ભડકાવનારું રૂપ ધરાવતી હતી. તે બોલિવૂડમાં ફ્લ્મિ અભિનેત્રી બનવા આવી હતી કે કોઈ ત્રાસવાદી સંગઠનની યોજના પાર પાડવા આવી હતી કે સેક્સ રેકેટ ચલાવતી હતી કે કરોડોના હવાલા બિઝનેસ સાથે સંકળાયેલી હતી તે બધાં જ રહસ્યો તેના મોતની સાથે ધરબાઈ ગયાં છે.  તે ગુમ થઈ ગઈ તે પહેલાં લૈલા ખાન બાંગ્લાદેશના ત્રાસવાદી સંગઠન ‘હરકત – ઉલ – જિહાદ’ ના ત્રાસવાદી મુનીર ખાન સાથે પરણી હતી. તે દિવસથી તે રેશમા પટેલ મટીને લૈલા ખાન બની ગઈ હતી. લૈલાના પિતાનું નામ નાદીર શાહ પટેલ છે. શરૂઆતમાં તે પિતાની અટકથી ઓળખાતી હતી. તેની માતાનું નામ સલીના હતું. તેને બે બહેનો પણ હતી. તેની એક બહેનનું નામ અઝીમા પટેલ અને બીજી બહેનનું નામ હાશ્મીના હતું. આ બધાં સંતાનો નાદીર શાહ પટેલથી પેદા થયાં હતાં.
મુંબઈ આવ્યા બાદ લૈલા ખાને બોલિવૂડના એક્ટર રાજેશ ખન્નાની સાથે ‘વફા’ ફ્લ્મિમાં કામ કર્યું હતું. લોકો કહે છે કે તેની મા પણ ફ્લ્મિોમાં કામ કરવા માંગતી હતી. પાછળથી લૈલાની માતા સલીનાએ તેના પહેલા પતિ અને લૈલાના બાયૉલૉજિકલ પિતા નાદીર શાહ પટેલથી છૂટાછેડા લઈ લીધા હતા. સલીના પટેલ નાદીર શાહ પટેલની પત્ની તરીકે રહેતી હતી તે દરમિયાન જ તે આસિફ્ શેખ નામના યુવાનને પ્રેમ કરવા લાગી હતી. નાદીર શાહ પટેલને છોડીને તે આસિફ્ શેખને પરણી ગઈ હતી. આસિફ્ શેખને પરણ્યા બાદ સલીના પટેલ આસિફ્ શેખના જ મિત્ર પરવેઝ ટાકના પ્રેમમાં પડી ગઈ હતી અને આસિફ્ શેખને છોડીને તે પરવેઝ ટાક સાથે પરણી ગઈ હતી. પરવેઝ ટાકને પરણ્યા બાદ સલીના પટેલ (૫૧ વર્ષ) તેનાથી અડધી ઉંમરના બે યુવાનો સાથે લફ્રાબાજીમાં પડી ગઈ હતી. પત્નીના અનેક પુરુષો સાથેના આડા સંબંધો જાણ્યા બાદ પરવેઝ ટાક અને સલીના પટેલ વચ્ચે અનેકવાર ઝઘડો થતો હતો. પરવેઝ ટાક એક કાશ્મીરી મુસલમાન છે. સલીના પટેલનો પ્રથમ પતિ નાદીર શાહ પટેલ હાલ તેની બીજી પત્ની સાથે મીરાં રોડ પર રહે છે. તે ગારમેન્ટનો વેપારી છે. સલીના પટેલનો બીજીવારનો પતિ આસિફ્ શેખ લોખંડવાલા ગારમૅન્ટ ટ્રેડરના અપહરણનો આરોપી છે અને હાલ સાવ ફલતું જગ્યાએ રહે છે. સલીનાનો ત્રીજી વારનો પતિ પરવેઝ ટાક ૩૫ વર્ષનો જમ્મુ અને કાશ્મીરનો યુવાન છે. જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક અધિકારીઓ અને બે સ્ત્રીઓ સાથે લાખોની છેતરપિંડી કરીને મુંબઈ ભાગી આવ્યો હતો અને લૈલાની મમ્મી સલીના પટેલ સાથે ખાનગીમાં લગ્ન કરી લીધાં હતાં. આમ નાદીર શાહ પટેલને છોડયા પછી સાવ ફલતું વ્યક્તિઓ સાથે પરણ્યા બાદ પણ ગમે તે કારણસર લૈલા ખાન અને તેની માતા સલીના પાસે કરોડોની સંપત્તિ આવી ગઈ હતી. મુંબઈમાં તેમની પાસે બે ફ્લૅટ હતા. ઓશિવારામાં એક દુકાન હતી. નાસિક પાસે એક દુકાન હતી. નાસિક પાસે ઇંગતપુરીમાં એક ફાર્મહાઉસ અને બંગલો પણ હતા.
સલીના પટેલ અવારનવાર દુબઈ જતી હતી. એક વાર દુબઈ જતાં પહેલાં સલીના પટેલે મુંબઈની તેની વિવાદાસ્પદ પ્રોપર્ટી અંગે તેના અગાઉના પતિ આસિફ્ શેખને એટર્ની હોલ્ડર બનાવવાનું નક્કી કર્યું હતું. આ વાતની જાણ થતાં પરવેઝ ટાક અને સલીના પટેલ વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો. દિલ્હીની પોલીસ બીજા કેટલાક કેસોમાં પોલીસ જેમને શોધી રહી હતી તેવા શાકિર હુસેન અને પરવેઝ ટાક બેઉ કાશ્મીરના કિશ્તયર જિલ્લાના ભુજ્જવાહ ગામના વતની છે. પરવેઝના કહેવાથી જ સલીના પટેલે શાકિર હુસેનને ઈગતપુરીના ફર્મહાઉસ ખાતે વૉચમેન તરીકે નોકરી પર રાખ્યો હતો. તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ સલીના પટેલ, લૈલા ખાન તેની બહેન હાશ્મીના અને તેનાં બે બાળકો ઈમરાન, ઝારા તથા કમીન રેશ્મા મુંબઈથી ડ્રાઇવ કરીને કારમાં ૧૪૬ કિલોમીટર દૂર આવેલા ઇંગતપુરી  (નાસિક) ખાતેના બંગલા પર ગયાં હતાં. તા. ૯ મી ફ્ેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ સલીના પટેલે તેની બહેન અલ્બાના પટેલને ફેન કરીને જાણ કરી હતી કે તે તેના ત્રીજા પતિ પરવેઝ ટાક સાથે ચંડીગઢમાં છે. તે પછી સલીના પટેલ, લૈલા ખાન અને આખુંયે પરિવાર સંપર્ક વિહોણું થઈ ગયું હતું. સલીના પટેલના પ્રથમ પતિ અને લૈલા ખાનના બાયોલોજિકલ પિતા નાદીર શાહ પટેલને શંકા જતાં તેમણે મુંબઈ પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, ‘મારી દીકરી લૈલા ખાન અને પરિવારનાં બીજાં સભ્યો ગુમ થઈ ગયાં છે. એ જ પ્રકારની બીજી એક ફરિયાદ બોલિવૂડના ફ્લ્મિ ડાયરેક્ટર રાકેશ સાવંતે પણ લૈલા ખાનના ગુમ થવા અંગે નોંધાવી હતી, કારણ કે લૈલા ખાન તેમની ફ્લ્મિ ‘જન્નત’માં અભિનેત્રી હતી.
નાદીર શાહ પટેલની પૂછપરછના આધારે પોલીસને પહેલો શક પરવેઝ ટાક અને આસિફ્ શેખ પર ગયો હતો. આ બંને લૈલાની મમ્મી સલીના પટેલના વર્તમાન અને પૂર્વ પતિ હતા. દરમિયાન એવું બન્યું કે પરવેઝ ટાક બીજા એક કેસમાં જમ્મુ અને કાશ્મીરની પોલીસ દ્વારા તા. ૨૧ જૂન, ૨૦૧૨ ના રોજ જમ્મુમાં પકડાઈ ગયો. પરવેઝ ટાક અને તેનો મિત્ર શાકિર હુસેન દિલ્હીના બીજા એક કેસના આરોપી હતા. પરવેઝ ટાક વૉન્ટેડ હોઈ દિલ્હીની પોલીસે મુંબઈની પોલીસને જાણ કરતાં મુંબઈની પોલીસ પરવેઝ ટાકને મુંબઈ લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન પરવેઝ ટાકે કબૂલ કર્યું હતું કે, ‘મેં જ લૈલા ખાન, સલીના પટેલ અને તેમના પરિવારજનોની ઈગતપુરીના ફર્મહાઉસમાં હત્યા કરી નાંખી છે. સલીના પટેલ વારંવાર મારું અપમાન કરતી હતી. સલીના પટેલ મને રસોઈ બનાવવાનું તથા ડ્રાઇવિંગ કરવાનું ફલતું કામ કરવા હુકમો કરતી હતી. આ બધું તો હું સહન કરતો હતો પણ તેનો બીજા યુવાનો સાથે આડો સંબંધ છે. તે વાતની જાણ થયા બાદ હું તે સહન કરવા તૈયાર નહોતો. તે દિવસે મારી અને સલીના પટેલ વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો. મેં સલીના પટેલના માથામાં લોખંડનો સળિયો ફ્ટકાર્યો હતો. આ બૂમાબૂમ સાંભળી લૈલા ખાન અને ઘરના બીજાં સભ્યો બહાર દોડી આવ્યાં હતાં. હું ગભરાઈ ગયો હતો, મેં વૉચમેન શાકિર હુસેનને મદદ માટે બોલાવ્યો અને સલીના પટેલને સળિયા ફ્ટકારી મારી નાંખી. આ દૃશ્ય જોનાર બીજા સાક્ષીઓ લૈલા ખાન અને બીજા બધાની પણ મેં હત્યા કરી નાંખી. ઈગતપુરીના ફર્મહાઉસના કમ્પાઉન્ડમાં જ એક ખાડો કરી તમામ છ જણની લાશો દાટી દીધી. લૈલા ખાન બધું જોઈ ગઈ હોઈ મેં એની હત્યા કરી નાખી હતી.’
પરવેજ ટાક અગાઉ તેનાં નિવેદનો બદલતો રહેતો હતો, પરંતુ તેના આ છેલ્લા નિવેદનને પણ ચકાસી લેવા પોલીસે ૨૫૦ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી. પરવેઝ ટાકને ઈગતપુરી ફાર્મહાઉસ ખાતે લઈ જવામાં આવ્યો. બંગલાની પાછળની એક જગા પરવેઝે બતાવી. વરસતા વરસાદમાં એ જગાએ ખોદકામ કરવામાં આવ્યું અને પાંચ ફ્ૂટ ઊંડેથી છ જેટલાં નરકંકાલો અને બૅગમાં ભરેલાં વસ્ત્રો મળી આવ્યાં. એ નરકંકાલો હવે ડીએનએ ટેસ્ટ માટે ફોરેન્સિક લેબને મોકલી આપવામાં આવ્યા. શાયદ એ કંકાલો લૈલા ખાન, તેની માતા સલીના પટેલ અને તેમનાં પરિવારજનોનાં જ હશે. અલબત્ત લૈલા ખાન, તેની માતા સલીના પટેલ અને બીજા પરિવારજનોની હત્યા દેખાય છે અને પરવેઝે કરી છે તેટલી સરળ નથી. પરવેઝ ટાક, તેના મિત્ર શાકિર હુસેન અને તેનો પાર્ટનર આસિફ્ શેખના સંબંધો પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા. લૈલા ખાન બાંગ્લાદેશના ત્રાસવાદી સંગઠન – લશ્કરના સભ્ય મુનીર ખાન સાથે પરણેલી હતી. લૈલા ખાનના સંબંધો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે પણ હતા. દિલ્હીના બૉમ્બ ધડાકામાં જે મિત્સુબીશી આઉટ લેન્ડર કાર વપરાઈ હતી તે લૈલા ખાનની મમ્મી સલીના પટેલના નામે રજિસ્ટર થયેલી હતી. આ કારમાં વિસ્ફોટક સામગ્રીની હેરાફેરી થઈ હતી. લૈલાનો બીજી વારનો પતિ પરવેઝ ટાક ખુદ લશ્કર-એ-તોઇબાનો સભ્ય હોવાની પોલીસને શંકા હતી. લૈલા ખાન સ્વરૂપવાન હોવાના નાતે બહારથી લોકોને બતાવવા માટે જ ફ્લ્મિોમાં કામ કરતી હતી. હકીકતમાં તે મુંબઈ શહેરની વિસ્તૃત માહિતી આઇએસઆઇને મોકલતી હતી. જે કારમાં વિસ્ફેટકો લઈ જવાયા હતા તે કાર ભલે તેની માતાના નામે હતી, પરંતુ હકીકતમાં તે કારની અસલી માલિકણ લૈલા ખાન જ હતી. સૌથી રહસ્યમય વાત એ છે કે, લૈલા ખાન, તેની માતા સલીના પટેલ અને તેનાં પરિવારજનોની જે ફર્મહાઉસમાં હત્યા થઈ તે બંગલો હત્યા બાદ સળગાવી દેવામાં આવ્યો હતો. હત્યારાઓને બંગલો સળગાવી દેવામાં શું રસ? કયા પુરાવા નાશ કરવા ફાર્મનો આખો બંગલો સળગાવી દેવાયો? આૃર્યની વાત એ છે કે લૈલા ખાનના મુંબઈના બંગલામાંથી એક હજારથી વધુ ફોટોગ્રાફ્સ મળ્યા છે. જેમાં લૈલા ખાનની મહારાષ્ટ્રના અનેક રાજકારણીઓ, મોટા અધિકારીઓ અને પોલીસ અફસરો સાથે તસવીરો છે. લૈલા ખાન અને તેની માતા સલીના પટેલને મુંબઈના ઘણા પોલીસ અધિકારીઓ સાથે શારીરિક સંબંધો પણ હતા. એ સંબંધો બદલ લૈલા ખાન અને સલીના પટેલ પૈસા પડાવતાં હતાં કે દેશ વિરોધી માહિતી ? અઝમલ કસાબની જેમ લૈલા ખાન અને સલીના પટેલ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના કાવતરાનાં રહસ્યો ઉલેચી ના નાંખે તે માટે તો પરવેઝ ટાક અને શાકિર હુસેનનો ઉપયોગ થયો નથી ને? લૈલા ખાન અને સલીના પટેલની હત્યા કોઈ પુરાવાના નાશ માટે આંતરરાષ્ટ્રીય સાજીશ તો નથી ને? શું લૈલા ખાનની ખતરનાક નીલી આંખો પાકિસ્તાન માટે તો કામ કરતી હતી? લૈલા ખાન, સલીના પટેલ અને તેના પરિવારની હત્યા બાદ આ રૂપાળા ચહેરાઓના ટેરરિસ્ટ ક્નેકશનનું રહસ્ય પણ હવે ઈગતપુરીના ફાર્મહાઉસમાં દફન થઈ ગયું છે.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!