વિશ્વના બીજા નંબરના ધનવાન વ્યક્તિ ગણાય છે. તાજેતરમાં જ તેમણે બર્કશર હૈથવે ઇંકના ૨.૪૮ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧૮ હજાર કરોડના સ્ટોકનું દાન આપી દીધું. અત્યાર સુધીમાં તેમણે આપેલા તમામ ધનની કુલ રકમ ૨૧.૫ અબજ ડોલર જેટલી થાય છે. ઉપરોક્ત રકમ તેમણે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને માનવ કલ્યાણ માટે વાપરવા આપ્યું છે. હજી તેઓ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપી દેવાની મહેચ્છા ધરાવે છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશન શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તથા ગરીબી નિર્મૂળ કરવાના ક્ષેત્રમાં કામ કરે છે.
દુનિયાભરના જે લોકો પૈસામાં જ સુખ શોધે છે તેમણે વોરેન બફેટની જિંદગીની કહાણી અને તેમના વિચારોમાં ડોકિયું કરવા જેવું છે. સ્કૂલના દિવસોમાં તેઓ અખબાર વેચતા હતા. ૧૧ વર્ષની વયે તેમણે પહેલું મૂડીરોકાણ કર્યું. શેરના ભાવોમાં ચઢાવ-ઉતારની રમત તેમને પસંદ આવી ગઈ. ભણતાં ભણતાં તેઓ બિઝનેસ પણ કરી લેતા હતા. જોતજોતામાં તેઓ વિશ્વના સૌથી અમર વ્યક્તિ બની ગયા.
વોરેન બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના નેબ્રાસ્કા પ્રાંતમાં થયો હતો. પરિવારમાં ત્રણ ભાઈ-બહેન હતાં. એમના પિતા હોવાર્ડ બફેટ સ્ટોક બ્રોકર હતા. આસાનીથી ઘર ચાલતું હતું, પરંતુ વોરેન બફેટ શરૂઆતથી જ સ્વાવલંબી હતા. તેઓ પોતાનો ખર્ચ પિતા પર પડે તેવું ઇચ્છતા નહોતા. એટલે જ સ્કૂલના દિવસોમાં સ્કૂલે જતા પહેલાં સવારમાં અખબાર વેચવા લાગ્યા હતા. એ કારણે તેમનું ખિસ્સાખર્ચ આસાનીથી નીકળી જતું હતું. તેમની માતા લીલા સ્ટાફલ બફેટ ઘર સંભાળતી હતી. તેમને પુત્રના પાર્ટ ટાઈમ જોબ સામે કોઈ વાંધો નહોતો.
એક દિવસ વોરેન બફેટ તેમના પિતાની સાથે શેરબજારમાં ગયા. શેરબજારમાં પહેલી જ વાર નાનકડા કિશોરે શેરબજારની ઉત્તેજના નિહાળી. શેરોના ઊંચકાતા અને ગગડતા ભાવો પર શેર દલાલોના ચહેરા પર દેખાતા રોમાંચથી તેઓ અભિભૂત થઈ ગયા. એમને આ ધંધો દિલચશ્પ લાગ્યો. તે પછી તેઓ અવારનવાર પિતાની સાથે શેરબજાર જવા લાગ્યો.
વોરેન બફેટે ૧૧ વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદ્યો. એક શેરની કિંમત ૩૮ ડોલર હતી. ખરીદીના બીજા જ દિવસે તે શેરનો ભાવ ઘટીને ૨૭ ડોલર થઈ ગયો. વોરેન ઉદાસ થઈ ગયો. પિતાએ થોડા દિવસો સુધી ઇંતજાર કરવા કહ્યું. કેટલાક દિવસો બાદ એ શેરની કિંમત ૪૦ ડોલર થઈ ગઈ. નાનકડા વોરેને તે શેર ઝડપથી વેચી દીધો. કેટલાક દિવસો બાદ એ જ શેરનો ભાવ ૨૦૦ ડોલર થઈ ગયો. હવે વોરેનને શેરબજારની ખૂબીઓ જાણવામાં રસ પડયો. ભણતાં ભણતાં તેણે શેરબજારમાં રસ લેવા માંડયો. વોરેન પહેલેથી જ હિસાબ-કિતાબમાં હોેશિયાર હતા. ગણિત પર તેમનો જબરદસ્ત કાબૂ હતો. નફા-નુકસાનને તેઓ બરાબર સમજતા હતા.
અલબત્ત, જીવનમાં જરૂરિયાતને તેઓ બહુ જ મહત્ત્વ આપતા હતા. બિઝનેસની સાથેસાથે ભણવાનું ચાલુ રાખ્યું. ૨૦ વર્ષની વયે વોરેને કોલંબિયા સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમની મુલાકાત બેન્ઝામિન ગ્રેહામ સાથે થઈ. બેન્ઝામિન ગ્રેહામ અર્થતંત્રના જાણીતા વિશ્લેષક હતા. તેમની પાસેથી વોરેન ઘણું શીખ્યા.
એ દરમિયાન ૨૨ વર્ષની ઉંમરે ૧૯૫૨માં વોરેને સુસૈન થોમસન સાથે લગ્ન કરી લીધું. બે વર્ષ બાદ બેન્ઝામિન ગ્રેહામે વોરેનને પોતાની કંપનીમાં નોકરી આપી. અહીં તેમને પ્રતિવર્ષ ૧૨,૦૦૦ ડોલરનું વેતન મળતું હતું. ૧૯૫૬માં બેન્ઝામિન ગ્રેહામ નિવૃત્ત થઈ ગયા. તે પછી વોરેન પોતાના વતન વતન ઓમાહા પાછા આવ્યા. અહીં તેમણે બફેટ પાર્ટનરશિપ લિમિટેડ નામની કંપની ઊભી કરી. ૩૨ વર્ષની વયે તેઓ કરોડપતિ બની ગયા. ૧૯૬૫માં તેમણે બર્કશાયર હૈથવે કંપની લઈ લીધી. તે વખતે તેમની વય ૩૫ વર્ષની હતી. તે પછી તેઓ એક પછી એક એમ મોટું મૂડીરોકાણ કરતાં ગયાં. વોરેને એ પછી કદી પાછું વળીને જોયું નહીં.
વોરેન પોતાના મિત્રો અને સલાહકારોની બાબતમાં ખૂબ જ સજાગ રહેતા. વોરેન હંમેશાં કહેતા કે, “તમે કેવા પ્રકારના માનવી છો તે તમારા મિત્રોથી નક્કી થાય છે. તમારી પ્રગતિ અને બરબાદીમાં તમારી આસપાસના લોકોની જ મુખ્ય ભૂમિકા હોય છે.”
વોરેન બફેટ કમાતા જ રહ્યા. ૨૦૦૮માં તેમની સંપત્તિ ૬૨ અબજ ડોલરની થઈ ગઈ. ‘ફોર્બ્ઝ’ મેગેઝિને વોરેન બફેટને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આજે તેઓ બર્કશાયર કંપનીના સીઈઓ છે, પરંતુ વોરેન બફેટે પોતાની સફળતા અને સંપત્તિ પર કદી અભિમાન કર્યું નહીં. તેમને પૈસાનો દેખાડો બિલકુલ પસંદ નથી. આજે પણ વોરેન બફેટ એ જ સામાન્ય ઘરમાં રહે છે જે તેમણે ૧૯૫૮માં ઓમાહામાં ૩૧,૫૦૦ ડોલરમાં ખરીદ્યું હતું. આ ઘરમાં માત્ર ત્રણ જ બેડરૂમ છે. જેટ વિમાન કંપનીના માલિક હોવા છતાં તેઓ કદી પ્રાઈવેટ જેટ વિમાનમાં મુસાફરી કરતા નથી. તેમના ઘરની બહાર કોઈ ઊંચી તારની વાડ નથી. ઘરમાં જરૂર કરતાં એક પણ ચીજ વધારાની ઉપલબ્ધ નથી. તેઓ જાતે જ પોતાની મોટરકાર ચલાવે છે. ડ્રાઈવર રાખતા નથી. મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીની પાર્ટીઓમાં કદી જતા નથી. તેઓ કોઈ સેલફોન રાખતા નથી. તેમના ટેબલ પર કોમ્પ્યુટર રાખતા નથી. ક્રેડિટ કાર્ડ રાખતા નથી. તેઓ કદીયે બેંકમાંથી લોન લેતા નથી. બ્રાન્ડેડ વસ્ત્રો, જૂતાં કે ચશ્મા ખરીદતાં નથી.
તેઓ કહે છે : “બર્કશાયર હૈથવે નામની મારી પેઢી ૬૩ કંપનીઓનો સમૂહ છે. મારી તમામ કંપનીના વડાઓને વર્ષમાં એક જ વાર મિટિંગમાં બોલાવી તેમને લક્ષ્યાંક આપી દઉં છું. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપું છું. મારી દરેક કંપનીના સીઈઓને બે નિયમો આપું છું. નિયમ નંબર એક : શેર હોલ્ડરોનાં નાણાં ડૂબવા જોઈએ નહીં અને નિયમ નંબર બે : પહેલા નંબરના નિયમનો ભંગ કરવો નહીં.”
તેઓ કહે છે : “પૈસો માનવીનું સર્જન કરતો નથી, પણ માનવી જ પૈસાનું સર્જન કરે છે. બીજાઓ જે કરે છે તેમ ના કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તે પછી તમને જે યોગ્ય લાગે તેમ કરો. ખુશ રહેવા માટે બહુ જ ધન હોવું જરૂરી નથી. કેટલીક સાધારણ ક્ષણો તમને બેસુમાર ખુશીઓ આપી શકે છે. દા.ત. કોફી શોપમાં બેસીને આવતા જતા લોકોને નિહાળવામાં મને ઘણો આનંદ આવે છે. જેમ કે મને ઢળતા સૂરજની સંધ્યાએ ઉઘાડા પગે સમુદ્રના કિનારે ચાલવાનું બહુ જ ગમે છે. ભીની રેતી અને સુંદર હવા મને ઘણો આનંદ આપે છે જે કીમતી મોટરકારો અને મોંઘાદાટ વસ્ત્રો આપી શકતાં નથી.”
વોરેન બફેટ કહે છે : “કામ એવું પસંદ કરો કે સવાર થતાં જ તમને ફટાફટ ઓફિસે પહોંચી જવાનું મન થાય. ગમે તેટલા પૈસા હોય પણ સામાન્ય માનવી જેવું જ જીવન જીવો. પૈસાથી ખુશીઓ ખરીદી શકાતી નથી. બીજાઓની સાથે સરખામણી કરીને વધુ ને વધુ કમાવાની ધૂન તમને કદી સંતુષ્ટ કરી શકશે નહીં.”
આટઆટલી સંપત્તિ હોવા છતાં સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવતા વોરેન બફેટ વિશ્વના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું બીડું પણ ઉપાડયું છે. વિશ્વના મોટા દાનદાતાઓમાં વોરેન બફેટનું નામ ટોચ પર છે. ૨૦૦૬માં તેમણે પોતાની સંપત્તિનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાની ૮૩ ટકા સંપત્તિ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને આપવાની જાહેરાત કરી છે. ‘ટાઈમ’ મેગેઝિને તેમને વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કર્યા હતા. ૨૦૧૨ એપ્રિલમાં મેડિકલ ટેસ્ટમાં તેમને માલૂમ પડયું કે તેમને કેન્સર છે. પાંચ મહિનાના સફળ ઇલાજ બાદ તેઓ કેન્સર સામેનો જંગ જીતી ગયા. ૮૩ વર્ષની વયે આજે તેઓ પોતાની જાતને ઓફિસ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખે છે.




