Close

વરદરાજન મુદલિયાર મુંબઈનો એક ‘દયાવાન’ ડોન અનેક ગરીબોનો બેલી હતો

કભી કભી | Comments Off on વરદરાજન મુદલિયાર મુંબઈનો એક ‘દયાવાન’ ડોન અનેક ગરીબોનો બેલી હતો
વરદરાજન મુદલિયાર.
મુંબઈના અંડરવર્લ્ડમાં વરદરાજન મુદલિયાર પણ એક નામચીન ડોન હતો. વરદરાજન મુદલિયારનો જન્મ ૧૯૨૬માં તામિલનાડુના તુતીકોરિન ખાતે થયો હતો.  ૧૯૪૫માં તે મુંબઈ આવ્યો. વીટી સ્ટેશન પર એક મજૂર તરીકે તેની કારકિર્દીનો આરંભ કર્યો. તે પછી બંદર પર  આવતાં દરિયાઈ જહાજોમાંના કાર્ગો- માલસામાનની ચોરી કરવા લાગ્યો. તેને લોકો ‘વર્દા’ કહેતા. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ તામિલ લોકોમાં તે લોકપ્રિય હતો. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહીને જ તેણે ખંડણી, અપહરણ, કોન્ટ્રાક્ટ કિલીંગ, અને જમીનને લગતી ગતિવિધિઓ જેવી અપરાધી પ્રવૃત્તિનો આરંભ કર્યો. તે પછી જમીનો પચાવી પાડવામાંથી માંડીને, ગેરકાનૂની જુગાર, ગેરકાનૂની દારૂનો ધંધો, દેશી દારૂ બનાવવો જેવી ક્રિમિનલ એક્ટિવિટી શરૂ કરી. એના વિસ્તારમાં દેશી દારૂના વિતરણનો તે કિંગ બની ગયો.
એ પછી મુંબઈમાં હાજી મસ્તાનનો એક મોટો દાણચોર તરીકે ડંકો બજ્યો પરંતુ કેટલાક સમય બાદ હાજી મસ્તાને દાણચોરીનો  ધંધો બંધ કરી દીધો. ત્યારબાદ કરીમ લાલાની પઠાણ ગેંગના સમદખાન અને દાઉદ ઇબ્રાહીમ વચ્ચે તિરાડ પડી ત્યારે વરદરાજન મુંબઈના અંડરવર્લ્ડના એક મોટા શક્તિશાળી ડોન તરીકે ઉદય પામ્યો.
ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા તામિલનાડુના ગરીબ લોકોની વસતીમાં તેણે સમાંતર ન્યાય  વ્યવસ્થા ઊભી કરી. લોકોની ફરિયાદો સાંભળતો અને ન્યાય કરતો. ૧૯૮૦ના ગાળામાં પોલીસ ઑફિસર વાય.સી. પવાર તેની ક્રિમિનલ એક્ટિવિટી પર ત્રાટક્યા. તેમણે વરદરાજનની  ગેંગના કેટલાક માણસોને એલિમિનેટ કરી દીધા. અને બાકીના માણસોને જેલ ભેગા કર્યા. પોલીસની કડકાઈથી વરદરાજને દેશી દારૂના ઉત્પાદન અને વિતરણનો ધંધો બંધ કરી દીધો. ૧૯૮૩માં વરદરાજનનું અંડરવર્લ્ડ સામ્રાજ્ય અસ્ત થવા પામ્યું. એ કારણે તેણે મુંબઈ  છોડી દેવું પડયું અને તે મુંબઈ છોડી તામિલનાડુ ભાગી ગયો.
વરદરાજન મુંબઈના વિક્ટોરિયા રેલવે સ્ટેશને પોર્ટર હતો ત્યારે જ તેણે નજીકમાં આવેલી બિસ્મીલ્લાહ શાહ દરગાહ પાસે ગરીબોને અન્ન અને ભોજન આપવાનું શરૂ કર્યું હતું. એ મોટો ગેંગસ્ટર બની ગયો ત્યાં સુધી  તેણે આ સેવા કાર્ય ચાલુ રાખ્યું હતું.
મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનું મોટું માહાત્મ્ય છે.  માટુંગા સ્ટેશન પાસે તે મોટો મંડપ બંધાવીને ગણેશચતુર્થીની મોટી ઉજવણી કરતો. આ મંડપમાં શ્રાી ગણેશજીનાં દર્શન કરવા મુંબઈની મોટી હસ્તીઓ પણ આવતી. ૧૯૮૦ પછીના ગાળામાં મુંબઈની પોલીસે વરદરાજનને કેટલીયે નોટિસો મોકલી. સમયગાળા દરમિયાન જ તેની ગેંગના કેટલાક માણસો માર્યા ગયા અને કેટલાક જેલમાં ગયા તે કારણે વરદરાજન મુંબઈથી મદ્રાસ-ચેન્નાઈ જતો રહ્યો. ત્યાં જઈ તે નિવૃત્ત જીવન જીવવા લાગ્યો.
૧૯૮૮માં હૃદયરોગના હુમલાના કારણે મદ્રાસમાં તેનું મૃત્યુ નીપજ્યું ત્યારે હાજી મસ્તાને ઍરઇન્ડિયાના ચાર્ટર્ડ પ્લેનમાં તેના મૃતદેહને મુંબઈ આણ્યો અને મુંબઈમાં તેની અંતિમક્રિયા કરાવી. વરદરાજનની આ ઇચ્છા એણે અગાઉ તેના સાથીઓ સમક્ષ વ્યક્ત કરકેલી હતી અને હાજી મસ્તાને વરદરાજનની મુંબઈમાં જ તેની અંતિમક્રિયા થાય તેવી તેની ઈચ્છા પૂરી કરી. વરદરાજનના મૃત્યુથી મુંબઈના ધારાવી, માટુંગા, સાયન અને કોલીવાડા જેવા વિસ્તારોના રહીશોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. ઘણા બધા ગરીબ લોકોએ તેને શ્રાદ્ધાંજલિ અર્પી. એ બધા જ વિસ્તારોએ તેના માનમાં બંધ પાળ્યો. આ બધા જ સમયગાળા દરમિયાન વરદરાજનનો પ્રિય મિત્ર સેલ્યા તેના જીવનના તમામ તબક્કે તેની સાથે રહ્યો. તા.૨ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ વરદરાજનનું અવસાન થયું ત્યારે તે ૬૧ વર્ષનો હતો.
વરદરાજનને મહાલક્ષ્મી નામની એક પુત્રી હતી જે ચેન્નાઈ ખાતે તેના ઘેર લાગેલી આગમાં ૫૦ વર્ષની વયે તેના પતિ સાથે જ મૃત્યુ પામી. ૨૦૧૦ની સાલમાં આ દુર્ઘટના ઘટી. મહાલક્ષ્મીના પતિનું નામ હેમચન્દર હતું.
વરદરાજન મુદલિયારના જીવન પરથી ઘણી ફિલ્મો બની. ૧૯૮૩માં બનેલી ‘અર્ધસત્ય’ નામની  ફિલ્મમાં રામા શેટ્ટી નામનું પાત્રમાં અભિનેતા સદાશીવ અમરાપુકરે ભજવ્યું. રામા શેટ્ટીનું પાત્ર વરદરાજન મુદલિયારના જીવન પર આધારિત હતું. તે પછી ૧૯૮૪માં ‘મશાલ’ ફિલ્મ બની. આ ફિલ્મનું એક પાત્ર પણ વરદરાજનના જીવન પર આધારિત હતું. ફિલ્મમાં આ પાત્રનું નામ વરદરાજન ઑફ ડોઘરભટ્ટી હતું.  આ  પાત્રનો રોલ અમરીષપુરીએ ભજવ્યો. ૧૯૮૭માં મણિરત્નમે ‘નાયકન ફિલ્મ’ બનાવી. તે પણ વરદરાજનના પાત્ર પર આધારિત હતી. એમાં પણ કમલ હાસને એ રોલ ભજવ્યો. તે પછી ૧૯૮૮માં એના જ જીવન પરથી ‘દયાવાન’ નામની  હિન્દી ફિલ્મ બની. જેમાં મુખ્ય રોલ વિનોદ ખન્નાએ ભજવ્યો. આ ફિલ્મ ‘નાયકન’ ફિલ્મની હિન્દી રિમેઇક હતી.
૧૯૯૧માં ‘અભિમન્યુ’ નામની  ફિલ્મ બની. તે પણ મુંબઈના અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ પર આધારિત હતી. તેમાં મુદલિયાર નામનું એક કેરેક્ટર આવતું હતું. જે અસલી વરદરાજન મુદલિયારને મળતું આવતું હતું. ‘અગ્નિપથ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને  વરદરાજનની શૈલીમાં જ સંવાદો રજૂ કર્યા. ૨૦૧૦માં હાજી મસ્તાનના જીવન આધારિત ‘વન્સ અપોન અ ટાઇમ’ નામની હિન્દી ફિલ્મ બની. તેમાં ‘વરધાન’ નામનું એકપાત્ર કે જે વરદરાજન મુદલિયારના જીવન જેવું જ હતું. તે પાત્ર રવિખાન વિલકરે ભજવ્યું. ૨૦૧૩માં ‘થલાઇલા’ નામની તામિલ ફિલ્મ બની, તેના સત્યરાજ નામનું એક પાત્ર  આવે છે જે વરદરાજન મુદલિયારના જીવન પર આધારિત હોય તેમ ઘણાને લાગે છે. એ પછી ૨૦૧૫માં ‘યાગવરણીયમ્’ નામની તામિલ ફિલ્મ બની. તેનું મુખ્યપાત્ર કે જે મિથુન ચક્રવર્તીએ ભજવ્યું. તે પણ વરદરાજન મુદલિયારના જેવું  જ લાગે છે.
છેલ્લે ૨૦૧૮માં ફરી એકવાર ‘કાલા’ નામની તામિણ ફિલ્મ બની. તેનો મુખ્ય રોલ રજનીકાંતે ભજવ્યો. એ પાત્ર પણ વરદરાજન મુદલિયારના જીવનથી પ્રેરિત હતું.
આવી છે મુંબઈના ‘દયાવાન’ ડોન વરદરાજન મુદલિયારના જીવનની કથા.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!