Close

વિદ્યાને વિનય ગમી ગયો હતો અને વિનયને વિદ્યા પરંતુ-

કભી કભી | Comments Off on વિદ્યાને વિનય ગમી ગયો હતો અને વિનયને વિદ્યા પરંતુ-
બેલ રણકી ઊઠયો.
સુપરવાઈઝરે ઉત્તરવહીઓ એકત્ર કરવા માંડી. વિદ્યાર્થીઓ છેલ્લી ઘડી સુધી લખવામાં મશગૂલ હતા. પણ વિદ્યા સમયસર લખી રહી હતી. પોતાની ઉત્તરવહી ઝડપથી સુપરત કરીને, ખૂણામાં પડેલાં પુસ્તકો ઉઠાવીને એ કોલેજની બહાર આવી. રોજની જેમ આજે પણ બદામના ઝાડ નીચે વિનય ઊભો હતો. ચાર આંખો એક થઈ. વિનયના મોં પર સ્મિત હતું. વિદ્યાના ચહેરા પર પરીક્ષા પૂરી થયાનો સંતોષમિશ્રિાત આનંદ હતો. થોડીક અધીરાઈ હતી. પણ છેલ્લાં કેટલાક માસના સતત માનસિક પરિશ્રામને લીધે એ થાકેલી જણાતી હતી. ઉજાગરાને લીધે એની આંખો ઝીણી બની હતી.
‘કેવું ગયું પેપર?’ વિનયે પૂછયું,
‘સારું ગયું.’
– બસ આટલી જ ટૂંકી વાતચીત.
અને બેઉ મધમાખીઓની જેમ ગણગણાતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓથી ઊભરાયેલા કોલેજના કેમ્પસથી અલગ થઈ ગયા.
યુનિવર્સિટીનું કેમ્પસ હવે શાંત અને નીરવ બન્યું હતું. મોટી પથ્થરિયા ઈમારતને પેલે પાર સૂરજ ડૂબવા આવ્યો હતો. લીમડાના એક ઝાડ તળે બે સાઈકલો નજીક નજીક ઊભી હતી અને એ જ રીતે વિદ્યા અને વિનય પણ નજીક નજીક છતાં ચોક્કસ અંતર રાખીને ઊભાં હતાં. વિનય વિદ્યા તરફ્ તાકી રહ્યો હતો. વિદ્યા પગનાં અંગૂઠા વડે ધરતીને ખોતરતી હતી જાણે કે વિનયના પ્રશ્નોેનો જવાબ લખી રહી હતી.
‘વિનય! પરીક્ષા તો પૂરી થઈ. હવે….’
‘હવે શું?’ વિનયે પૂછયું.
‘તું તો જતો રહેવાનો ને!’
‘હાસ્તો….મારી પરીક્ષા એક અઠવાડિયું વહેલી પૂરી થઈ. તારા માટે જ રોકાયો હતો. મમ્મી-પપ્પા તો ક્યારનાંયે મને મુંબઈ બોલાવે છે.’
‘આ વખતે પૂછી લઈશ?’
વિનયે અજાણ બનતાં પૂછયુંઃ ‘શું?’
‘ભૂલી ગયો?’
‘મને તો કંઈ જ યાદ નથી.’
‘જા, હવે… તને યાદ ના હોય તો મને પણ યાદ નથી.’
અને વિનય ખડખડાટ હસી પડયો
થોડીવાર પછી એ બોલ્યોઃ ‘વિદ્યા! વેકેશનમાં હું મુંબઈ તો જાઉં છું. પણ જૂનમાં પાછો આવીશ ત્યારે જરૂર પરવાનગી લઈને જ આવીશ. તારો ફોટોગ્રાફ્ મમ્મીને બતાવીશ. મારી વાત કોઈ ટાળશે નહીં. બસ તને એકાદ વાર જોવા બોલાવશે અથવા તો મમ્મી-પપ્પા જ અહીં આવશે.  તું ચિંતા ના કરીશ વિદ્યા.’
વિદ્યા ફ્રી નીચું જોેઈ રહી હતી.
‘પણ એક શરત છે.’ વિનય બોલ્યો.
‘શું?’ વિદ્યાએ ઝડપથી ઊંચે જોેતાં પૂછયુંં.
‘શરત એ જ કે આ વર્ષે પણ યુનિવર્સિટીમાં તારો પ્રથમ નંબર આવવો જોેઈએ.’
‘અને ના આવે તો?’
‘તો દરખાસ્ત રદ.’
‘કબૂલ, પણ મારીયે એક શરત છે.’
‘શું?’ વિનયે પૂછયું.
‘એ જ કે તારો પણ નંબર ગયા વર્ષની જેમ જ યુનિવર્સિટીમાં પહેલો આવવો જોેઈએ.’
‘અને ના આવે તો?’
‘તો દરખાસ્ત રદ.’
અને બેઉ ખડખડાટ હસી પડયાં.  અંધારું થવા આવ્યું હતું.  બેઉની વાતો ક્યાંય સુધી ચાલતી રહી.
વિદ્યા…
એટલે એક સાલસ પ્રકૃતિની છોકરી.
સુંદર, શરમાળ એ વિવેકસભર.  બચપણમાં એણે માતા-પિતાનો આશરો ગુમાવ્યો હતો. પરિણામે મામા-મામીએ એને ઉછેરીને મોટી કરી હતી. મામા-મામીને કોઈ સંતાન નહોતું અને નાનકડી વિદ્યા અનાથ બની હતી. પરિણામે મામા-મામી જ એનાં પાલક મમ્મી-પપ્પા બની ગયાં હતાં. કેટલીક વાર તો વિદ્યા ભૂલી જતી કે એ અનાથ છે, મામા-મામીએ પૂરાં લાડકોડથી એને ઉછેરી હતી. આજેય એ અવારનવાર મામીની ગોદમાં સૂઈ જતી.
નાની હતી ત્યારે તો એ રિસાતી, ઝઘડતી. તોફાન-મસ્તી કરતી અને મામા-મામી એની હરેક હઠ પૂરી કરતાં. વિદ્યાના આનંદ માટે હસતાં અને વિદ્યા રડતી. ત્યારે તેઓ પણ રડતાં. પણ ધીમે ધીમે તે મોટી થઈ, શાળાનો અભ્યાસ પૂરો કરી કોલેજમાં ગઈ ત્યાં સુધીમાં એ ભાવસભર બની ગઈ હતી. તોફાન-મસ્તી ઘટી ગયાં હતાં અને અચાનક થોડીક અંતર્મુખ અને થોડીક શરમાળ બની હતી. કોઈ કોઈ વાર એને મમ્મી-પપ્પા યાદ આવી જતાં એમના વિશે એેને વિચારવાનું મન થતું. કોઈક કાળે એવી પણ ખબર પડી કે એની માતાનું પ્રસૂતિકાળથી જ અવસાન થયું હતું. જ્યારે પિતાએ કોઈક અગમ્ય કારણસર આપઘાત કર્યો હતો.
અને તનહાઈમાં કોઈવાર વિદ્યા રડી પડતી.
મામા-મામીનો પ્યાર ભરપૂર હતો. પણ દિલ ઠાલવી શકાય એવા પતિની એને જરૂર હતી અને એને પોતાની જ કોલેજના એક તેજસ્વી યુવાન સાથે પરિચય થયો. વિનય ખરેખર વિનયી અને પ્રેમાળ યુવાન હતો, બેઉનો પરિચય પ્રગાઢ બન્યો અને પ્રણયમાં પરિણમ્યો.
એક શુદ્ધ પ્રેમ. એક શુદ્ધ લાગણી. નરી આત્મિયતા. બેઉ બબ્બે વર્ષના પરિચય છતાં એકમેકને સ્પર્શ્યા નહોતાં, સૌંદર્યનું આકર્ષણ જરૂર હતું પણ બે વખત એના ઉપભોગની કોઈ લાલસા નહોતી. બેઉ વચ્ચે સ્પષ્ટ સમજણ હતી. ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી રાહ જોેવી. પછી જ વિનય એનાં મમ્મી-પપ્પા સમક્ષ અને વિદ્યા એનાં મામા-મામી સમક્ષ વાત છેડે. બેઉનાં પરિવાર તરફથી તેમના જીવનસાથીની પસંદગી માટે અલિખિત એવી સ્વતંત્રતા હતી અને આ એક તંદુરસ્ત વલણની ભૂમિકા પર જ બેઉ એકમેકમાં પરોવાઈ રહ્યાં હતાં.
યુનિવર્સિટી કેમ્પસ. એ જ લીમડાનું ઝાડ. એની એ જ ઢળતી નીરવ સાંજ. બે સાઈકલો નજીક નજીક
છતાં અસ્પૃશ્ય બનીને ઊભી હતી. વિદ્યા અને વિનયના ચહેરા પર આનંદ અને ઉલ્લાસ હતો. ભાવાત્મક એકતા સ્પષ્ટ વર્તાતી હતી. પરીક્ષાના પરિણામો ધાર્યા મુજબનાં આવ્યાં હતાં.
વિનય બોલ્યોઃ ‘વિદ્યા! કાલે મમ્મી-પપ્પા આવે છે. સવારે દસ વાગ્યે તને જોેવા આવશે.તેઓ સંમત થઈ ગયાં છે. મમ્મી તો તારી તસવીર જોેઈને  તારી પર વારી ગઈ હતી.’
‘બસ હવે, બહુ વખાણ ના કર.’
‘વિદ્યા, તું ખરેખર સરસ છે.’
‘ઠીક છે….તારાં મમ્મી-પપ્પાને હું પસંદ પડું એટલે બસ.’
‘કાલે સાંજે આ જ સ્થળે,આ જ સમયે અહીં મળીશું.’
અને બેઉ છૂટાં પડયાં.
* * *
વિદ્યાએ આજે  સરસ મજાની સાડી પહેરી હતી. કાળા લાંબા કેશ અલંકૃત ઢબે ગૂંથ્યા હતા. માથે સહેજ સહેજ પાલવ ઢાંક્યો હતો. વિદ્યા આજે કોલેજની કોઈ યુવતી જણાતી નહોતી.  તે એક સ્ત્રી ભાસતી હતી.
ધીમા ડગલે એ બેડરૂમ છોડી રસોડામાં ગઈ. મામીએ તૈયાર કરેલ મીઠાઈની ટ્રે ઉપાડી દીવાનખંડમાં ગઈ. ટિપોઈ પર ટ્રે મૂકી એ સામેના સોફા પર બેઠી. વિનયનાં  મમ્મી-પપ્પાએ એને જોેઈ સંતોષ અને આનંદનું સ્મિત છલકાવ્યું. પતિ-પત્નીએ નજર મિલાવી. સ્વીકૃતિના ભાવની અલપઝલપ થઈ. અને વિદ્યા ઊઠીને પાછી ચાલી ગઈ.
પસંદગીની કામગીરી સમાપ્ત થઈ અને અનૌપચારિક વાતો જેવી કે વેપારધંધાને રાજકારણ ઈત્યાદિ વિષય પર છેડછાડ શરૂ થઈ.
વિદ્યા એના બેડરૂમમાં અદ્રુત સોણલાં ગૂંથતી અલંકારો ઉતારી રહી હતી. દરમિયાન મામા ઉપર આવ્યા
‘વિદ્યા!’મામા બોલ્યા.
‘ઓહ મામા! તમે?’ વિદ્યા એમના તરફ ફરી.
‘બેટા! તારી સાથે થોડીક વાતો કરવા ઉપર આવ્યો છું.’
‘બોલોને મામા!’
‘એક વાત મેં તને અત્યાર લગી કહી ન હોતી. પણ આજે ના કહું તો ભવિષ્યમાં તું એ જાણે અને મને દોષ દે. તેથી આજે જ કહી દઉં છું. મારી ઈચ્છા નથી તોયે મારે આ વાત આજે યાદ કરવી પડે છે. તને ખબર હશે ખરી અને નહીં પણ હોય પણ તારા પિતાજીએ આત્મહત્યા કરી હતી. એનું કારણ એમનો એક ભાગીદાર હતો. પેઢી તારા પિતાના નામે ચાલતી હતી અને ભાગીદારે સરકારને ભરવાના પેઢીના કરના પૈસા ચાંઉ કર્યા હતા. પરિણામે પેઢી પર ટાંચ આવી અને તારા પિતાને જેલમાં જવાનો વારો આવ્યો. આ આઘાત સહન ન થતાં તારા પિતાએ આપઘાત કર્યો અને તેમના ભાગીદારનું નામ છે દોલતરાય દેસાઈ. દોલતરાય એ બીજું કોઈ નહીં  પણ તારા વિનયના પિતા!’
‘ઓહ!’ વિદ્યાના મોંમાંથી ઉદ્ગાર સરી પડયો.
ઘડી બે ઘડીમાં તો એને ચક્કર આવી ગયાં. એ પડું પડું થઈ રહી.
– અને એ પડી જ ગઈ….
અને વિદ્યા ઉલઝનમાં સરી પડી.  ઉલઝન હજી ઉલઝન જ છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!