વિશ્વના ધનવાન વ્યક્તિઓની યાદીમાં જેમનું નામ છે તેવા વોરન બફેટે તાજેતરમાં તેમની સંપત્તિમાંથી અબજો ડૉલરનું દાન જાહેર કર્યું.વોરેન બફેટની વિશ્વના ટોચના દસ ધનિક માણસોમાં તેમની ગણના થાય છે. તેઓ ૫૦ બિલિયન ડૉલરની સંપત્તિના માલિક છે. તેમની પાસે જે કાંઈ સંપત્તિ છે તેમાંથી ૯૯ ટકા સંપત્તિનું દાન તેમણે મૃત્યુ પછી ચેરિટી માટે આપી દેવાનું વિચાર્યું છે. જેઓ ધનવાન બનવા માગે છે તેમને તેમણે કેટલીક તાજી સલાહો આપી છે જે દરેકે જીવનમાં ઉતા૨વા જેવી છે.
પ્રતિષ્ઠા ઃ પ્રતિષ્ઠા કમાતાં ૨૦ વર્ષ લાગે છે, તેને ગુમાવવામાં માત્ર પાંચ જ મિનિટ લાગે છે. જો તમે આ વાત પર વિચારશો તો તમે એ જ ક્ષણેથી જુદી રીતે વર્તશો. મૂળભૂત નિયમો ઃ નિયમ નંબર-૧ ઃ પૈસા કદી ગુમાવવા નહીં. નિયમ નંબર-૨ ઃ પહેલાં નંબરના નિયમને કદી ભૂલવો નહીં. આવકનો સ્ત્રોત ઃ એક જ સ્ત્રોતમાંથી આવક ૫૨ કદી ભરોસો રાખવો નહીં. અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરો અને વધારાના સ્ત્રોતમાંથી આવક ઊભી કરો. ખર્ચ ઃ જે વસ્તુની જરૂર નથી તે કદી ખરીદો નહીં. જો બિનજરૂરી વસ્તુઓ ખરીદશો તો એક દિવસ એવો આવશે કે તમારે જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચવી પડશે. બચત ઃ ખર્ચ કર્યા પછી જ જે રકમ વધી છે તેની બચત ના કરો પરંતુ જે બચત કરી છે તેમાં તે પછી જે ૨કમ વધે તે જ રકમ ખર્ચો. જોખમ ઃ નદીના ઊંડા પાણી માપવા બંને પગનો ઉપયોગ કદી ના કરવો. પહેલાં એક જ પગ મૂકો. પ્રમાણિક્તા ઃ પ્રમાણિક્તા અત્યંત ખર્ચાળ છે. હલકા લોકો પાસેથી પ્રમાણિક્તાની અપેક્ષા કદી ના રાખો.
વારસો ઃ જો તમે સમૃદ્ધ છો તો તમે તમારા સંતાનો માટે એટલું જ રાખો કે જેથી તેઓ કોઈ પ્રવૃત્તિ કરી શકે પરંતુ તેઓ કાંઈ જ ના કરે એટલું તેમને કદી ના આપો. મૂડીરોકાણ ઃ આજે કોઈ વ્યક્તિ કોઈ છાંયડામાં બેઠો છે તો તેનો અર્થ એ થયો કે કોઈકે તો વર્ષો પહેલાં વૃક્ષ વાવ્યું હશે. પૈસાદાર બનવું ઃ મને હંમેશાં એ વાતની ખાતરી હતી કે હું ધનવાન બનીશ. એ વિશે મને મારી જાતમાં એક ક્ષણ માટે પણ અવિશ્વાસ નથી થયો. શીખવું ઃ જેઓ તમારા કરતાં વધુ બુદ્ધિશાળી છે તેમની નજીક વધુ રહો. તમારા કરતાં જેમનું વર્તન વધુ સારું છે તેમને મિત્ર બનાવો. જેથી તમે પણ એ દિશામાં જશો. પ્રાઈસ- વેલ્યૂ ઃ તમે જે ચૂકવો છો તે કિંમત છે અને જે મેળવો છો તે મૂલ્ય છે. ધનવાનો પર કર ઃ નબળા અને મધ્યમ વર્ગના લોકો પરના ક૨ હજુ વધારે ઘટાડવા જોઈએ પરંતુ મારા જેવા માણસોએ હજુ વધુ કર ભરવા જોઈએ. પડકારો ઃ હું એક સાથે સાત આડા બાર કૂદ્યોે નથી, હું એક જ ફૂટનો બાર કૂદવા પ્રયાસ કરું છું. જેથી હું તેની પર ચાલી શકું. રિસ્ક ઃ જોખમો અણધારી જગાએથી જ આવે છે એ અંગે તમે સંપૂર્ણ અંધારામાં હોવ છો. વૉલ સ્ટ્રીટઃ વૉલ સ્ટ્રીટ (અમેરિકાનું શૅરબજાર) જ એક એવી જગા છે કે જ્યાં રૉલ્સ રૉયસમાં બેસીને આવતા લોકો અંડરગ્રાઉન્ડ ટ્રેન- સબ વેમાં મસાફરી કરતાં નિષ્ણાતો પાસે સલાહ લે છે. મિરર ઃ વેપાર-ધંધાની દુનિયામાં મોટરકારના આગળના કાચ કરતાં રિવ્યૂ મિરર વધુ સ્વચ્છ હોય છે. દરિયામાંથી ભરતી ચાલી જાય છે ત્યારે જ તમને ખબર પડે છે કે પાણીમાં કોણ નગ્ન છે.
છ વર્ષની વયેઃ વૉરન એડવર્ડ બફેેટનો જન્મ તા. ૩૦ ઑગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકના એક સ્ટોકબ્રોકર કમ કૉંગ્રેસમેન (સેનેટર)ના ઘેર થયો હતો. વૉરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડૉલરના ભાવે તેમણે ત્રણ શૅર ખરીદ્યા હતા. પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડૉલ૨ થઈ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વૉરને શૅરનો ભાવ ૪૦ ડૉલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શૅરનો ભાવ ૨૦૦ ડૉલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રોષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડૉલર (૨,૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડૉલર) કમાઈ લીધા. પિતાએ પુત્રને પરાણે યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યાં ત્યારે વોરને ફરિયાદ કરી કે ‘હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.’ તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિવર્સિટી ઑફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું
વૉરન બફેટે ૩૧ બિલિયન ડૉલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છેઃ
(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.
(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી. તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.
(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહારની તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો જેથી જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.
(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઈવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.
(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઈવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.
(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે. આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારાલક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાંસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.
(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઈટ પીપલ’ને ‘રાઈટ જોબ’ આપું છું.
(૮) હું મારા સીઈઓને એ નિયમો આપું છું, રૂલ નંબર એક ઃ શૅર હૉલ્ડરનાં નાણાં ડૂબવા જોઈએ નહીં. રૂલ નંબર બેઃ પહેલાં નંબરનો રૂલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
(૯) મોટા મેળાવડાઓ કે હાઇ સોસાયટીના જન્મેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.
(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.
(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કોમ્પ્યૂટર પણ રાખતો નથી.
(૧૨) હું કોઈ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બૅન્કોમાંથી લોન લેતો નથી.
(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છેઃ
(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.
(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.
(૧૬) કોઈ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જે સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્મા કે જૂતાં પહેરો.



