તાજેતરમાં પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી ભારતીય સનદી સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઈરા સિંઘલ આઈએએસ ટોપર રહી. આઈએએસની ડિગ્રી ભારતીય પ્રશાસનમાં ખૂબ પરિશ્રમ બાદ હાંસલ થાય છે અને આઈએએસ થવું સ્વયં એક પ્રતિષ્ઠાપાત્ર બાબત ગણાય છે.
ઈરા સિંઘલ આઈએએસ ટોપર બની, પરંતુ તેની જિંદગી સ્વયં એક આગવા સંઘર્ષની કહાણી છે. વિશ્વમાં અનેક લોકો એવા છે જેઓ શારીરિક મર્યાદાઓ અને તકલીફો ધરાવે છે. છતાં શ્રેષ્ઠતાને પામવા કોઈ કસર છોડતાં નથી. ઈરા સિંઘલ તેમાંથી એક છે.
મેરઠમાં જન્મેલી ઈરા સિંઘલ જ્યારે તેનો જન્મ થયો ત્યારે તે બીજા અનેક સામાન્ય બાળકો જેવી જ તંદુરસ્ત હતી, પરંતુ થોડા સમય બાદ જ તેને કરોડજ્જુમાં તકલીફ શરૂ થઈ. કરોડરજ્જુનો આકાર બદલાવા લાગ્યો. માતા-પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું. શરૂઆતમાં તો કોઈ નિદાન ન થયું, પરંતુ પાછળથી નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું કે, “ઈરા સ્કોલિઓસિસ નામની બીમારીનો શિકાર છે.” અને એ કારણે તેની કરોજરજ્જુ સીધી હોવાના બદલે એસ આકારની થઈ ગઈ છે.
ડોક્ટરોએ ઓપરેશનની સલાહ આપી અને સાથેસાથે એ ચેતવણી પણ આપી કે, ઓપરેશન દરમિયાન બાળકીનું મૃત્યુ પણ નીપજી શકે છે. ડોક્ટરોની આ વાત સાંભળીને માતા-પિતાએ ઓપરેશન ના કરાવવું એવો નિર્ણય લીધો. બાળકી જેવી છે તેવી જ મોટી કરવી એવો નિર્ણય લેવામાં આવ્યો.
ઈરા હવે મોટી થવા લાગી છે. સિંઘલ પરિવાર એ બાળકીની માસૂમ વાતો અને હૃદયસ્પર્શી હરકતોથી હર્યુંભર્યું થઈ ગયું. તે હવે ચાર વર્ષની થઈ. પિતા રાજેન્દ્ર સિંઘલને હવે તેના ભણવાની ચિંતા થવા લાગી. તેઓ પુત્રીને લઈને શહેરની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં પ્રવેશ અપાવવા ગયા, પરંતુ સ્કૂલના સંચાલકોએ આ બાળકીને જોતાં જ પ્રવેશ આપવા ઇનકાર કરી દીધો. ઈરાના પિતાને પ્રાથમિક શાળાથી માંડીને સેકન્ડરી સ્કૂલ સુધી એડમિશન અપાવવામાં ભારે મુશ્કેલીઓ પડી. પુત્રીની શારીરિક અપંગતાના કારણે કોઈ સ્કૂલ તેને એડમિશન આપવા તૈયાર નહોતી.
બહુ મથામણ બાદ તેને એક સ્કૂલમાં પ્રવેશ મળ્યો. પ્રવેશમાં ભલે મુશ્કેલીઓ પડી, પરંતુ એક વાર સ્કૂલમાં એડમિશન મળ્યા બાદ તે છવાઈ ગઈ. થોડા જ દિવસોમાં તે સ્કૂલ ટીચરની પ્રિય વિદ્યાર્થિની બની ગઈ. ભણવાથી માંડીને સાંસ્કૃતિક પ્રવૃત્તિની બાબતમાં તે સૌથી અગ્રેસર રહેવા લાગી. તે ભણતી હતી ત્યારથી જ અન્ય લોકોને મદદરૂપ થવાની તેની ઇચ્છાએ જન્મ લીધો હતો. એ વખતે તે ત્રીજા ધોરણમાં હતી. તેની વય હજી આઠ વર્ષની હતી. એ વખતે ઉત્તર કાશીમાં ભૂકંપ થયો હતો. ઘરમાં ભૂકંપ પીડિતો વિશે ચર્ચા થતી હતી. એ વખતે નાનકડી ઈરાએ કહ્યું : “પાપા, મારી પાસે ૯૧ રૂપિયાની બચત છે. તે તમે ભૂકંપ પીડિતોને મોકલી આપો.”
પિતાએ ઇરાને જીવ વિજ્ઞાાન વિષય લેવા દીધો નહીં. તેમને લાગ્યું કે, ઈરા સ્વયં શારીરિક તકલીફોનો સામનો કરી રહી છે તેથી તે મર્યાદાઓ તેને ડોક્ટર બનવામાં નડી શકે છે. તેમને લાગ્યું કે, ઈરા તબીબી શિક્ષણ તો લઈ લેત, પરંતુ તે ઊભી રહીને સર્જરી કરી શકે તેવી ક્ષમતા ધરાવતી નથી.
ઈરા કહે છે : “પાપાએ મને તબીબી ક્ષેત્રમાં જવા ના દીધી તેથી મારા મનમાં ભારે ગુસ્સો હતો. એન્જિનિયરિંગનો અભ્યાસ મેં મન વગર કર્યો. કેટલીક વાર તો મેં પરીક્ષાના દસ કલાક પહેલાં જ વાંચવાનું શરૂ કર્યું છતાં દરેક વખતે હું સારા માર્ક્સે પાસ થઈ.”
શારીરિક તકલીફ છતાં તે હિંમત હારી નહીં. ઈરા કહે છે : “મારામાં કોઈ ખામી છે તેવું મને કદી લાગ્યું નહીં.”
દિલ્હી સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગમાં બીઈની ડિગ્રી હાંસલ કર્યા બાદ ઈરાએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત એફએમએસ કોલેજ દ્વારા ફાઈનાન્સ અને માર્કેટિંગમાં એમબીએ કર્યું. તે પછી તેને કેડબરી કંપનીમાં નોકરી મળી. કોલેજના દિવસોમાં જ તે થિયેટર ગ્રૂપમાં સામેલ થઈ ગઈ હતી. તેને અભિનય ઉપરાંત સાહિત્યનો પણ શોખ હતો. કેમ્પસમાં તેણે તમામ નાટકોમાં ભાગ લીધો. આ સમયગાળા દરમિયાન તેણે કેટલીયે વિદેશી ભાષાઓ શીખી લીધી. તે અંગ્રેજી ઉપરાંત સ્પેનિશ, ફ્રેન્ચ અને ઈટાલિયન પણ જાણે છે. ઈરા કહે છે : “સાહિત્ય માનવીને જીવતાં શીખવે છે.”
ઈરાના સૌથી વધુ મિત્રો ઈજનેરી ક્ષેત્રમાં છે અને મોટેભાગે તેઓ કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરે છે. તેના પરિવારમાંથી કે સગાં-સંબંધીઓમાંથી કોઈ સિવિલ સર્વિસીઝમાં નથી. આમ છતાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી દરમિયાન જ તેને સનદી સેવામાં જવાનો ખ્યાલ આવ્યો. એણે ફરી તૈયારીઓ કરવા માંડી. એણે ભૂગોળને મુખ્ય વિષય બનાવ્યો. ખૂબ મહેનત કરી ફરી અભ્યાસ શરૂ કર્યો.
૨૦૧૦માં પ્રથમ પ્રયાસમાં જ તે સફળ રહી. તે વિદેશ સેવામાં જવા માગતી હતી, પરંતુ મેડિકલ શરતો મુજબ તેને પોસ્ટિંગ આપવામાં આવ્યું નહીં. તે સતત ત્રણ વખત સનદી સેવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ રહી. દરેક વખતે તેની શારીરિક અક્ષમતા તેના માટે મુશ્કેલી બનીને સામે આવી, પરંતુ તે હાર સ્વીકારવા તૈયાર નહોતી. તે બૌદ્ધિક રીતે સક્ષમ હતી. તે પોતાની યોગ્યતા અંગે અને પોતાના હક અંગે કોર્ટમાં ગઈ અને તે પછી ગયા વર્ષે તેને આઈઆરએસ (ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ) માટે પણ તક મળી.
આ દરમિયાન એના એક મિત્રએ તેણે ફરી એક વાર એટલે કે ચોથી વાર પરીક્ષા આપીને આઈએએસ માટે પ્રયાસ કરવો જોઈએ. તે સર્વિસ તાલીમ દરમિયાન જ ફરી એક વાર આઈએએસની પરીક્ષા માટે તૈયારીઓ કરવા લાગી. ખૂબ મહેનત કરી ખૂબ દિલ લગાવીને તેણે અભ્યાસ કર્યો. છેવટે તેણે આઈએએસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવ્યું.
બધા જ ચોંકી ગયા. ઈરા સિંઘલ આઈએએસની પરીક્ષામાં ટોપર રહી. આખા દેશમાં આ અપંગ યુવતીની ચર્ચા થવા લાગી. જોકે હવે અપંગ શબ્દ નથી વપરાતો. શારીરિક તકલીફો ધરાવતી વ્યક્તિઓ માટે ‘બીજી રીતે સક્ષમ’ અથવા ‘ડિફરન્ટલી એબલ’ જેવાં સુંદર શબ્દો વપરાય છે.
ઈરાની મા કહે છે : “મેં મારી દીકરીને કદીયે પુસ્તકો સાથે ચીપકેલી જોઈ નથી. તે એક જ વાર વાંચે છે અને તેને બધું યાદ રહી જાય છે. મારી દીકરી ઓલરાઉન્ડર છે. તેણે કદી ચાર-પાંચ કલાકથી વધુ વાંચ્યું નથી.”
તે કહે છે : “જે કાંઈ કરવું છે તે મનથી કરો. બીજાઓને બતાવવા માટે વાંચો નહીં. વાંચવા કરતાં સમજવું વધુ જરૂરી છે.”
એવું નથી કે ઈરાને કદી હતાશા થઈ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ પોસ્ટિંગ ના મળ્યું તે સમય તેના માટે દુઃખદાયક હતો. પોતાના હક માટે કાનૂની લડાઈ લડવી તે પણ આસાન નથી, પરંતુ તે નિરાશ ના થઈ. હારી નહીં. તે કહે છે : “સફળતાને જીવન કે મરણનો વિષય બનાવવો જોઈએ નહીં. કોઈ પરીક્ષામાં પાસ ના થવાય તો તેનો અર્થ એ નથી કે બસ, અહીં જીવન ખતમ થઈ ગયું. એક કામમાં નિષ્ફળતા મળે તો બીજું કામ કરો. એક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો બીજા ક્ષેત્રમાં પ્રયાસ કરો. નિરાશ ના થાવ.”




