Close

સોફિયા લોરેન -કાર્લો, હું તમને બેહદ પ્રેમ કરું છું

કભી કભી | Comments Off on સોફિયા લોરેન -કાર્લો, હું તમને બેહદ પ્રેમ કરું છું
ઇટાલીમાં જન્મેલી સોફિયા લોરેન એક કુંવારી માતાની પુત્રી હતી. તેના પિતા રિકાર્ડો હતા પણ પત્નીને ગર્ભવતી હાલતમાં જ છોડીને જતા રહ્યા હતા. સોફિયાની માતા રોમિલ્દા એક ગામની સ્થાનિક રેસ્ટોરામાં પિયાનો વગાડીને તેમાંથી થતી આવકથી સોફિયાને ઉછેરતી હતી. વચ્ચે વચ્ચે તેની માતા રોમિલ્દાનો પ્રેમી રિકાર્ડો રોમિલ્દાને મળતો રહેતો. તેનાથી તે ફરી ગર્ભવતી થઈ અને ફરી એકવાર  તેણે બીજી એક પુત્રીને જન્મ આપ્યો. જેને મારિયા એવું નામ આપવામાં આવ્યું.
એ વખતે નાનકડી સોફિયા એના ગામમાં આવેલા નાના છબીઘરમાં ફિલ્મો જોતી. એ ફિલ્મો જોતાં એને પણ અભિનય કરવાનું મન થઈ આવ્યું.
એવામાં ઇટાલીના નેપલ્સમાં એક સૌંદર્યસ્પર્ધા યોજાવાની હતી. ૧૪ વર્ષની નાનકડી પણ  સુંદર લાગતી સોફિયાએ એ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. એ સૌંદર્ય સ્પર્ધામાં તે પ્રથમ તો ના આવી પરંતુ ૧૨ જેટલી સુંદરીઓ પૈકી તેને પણ એક ઇનામ મળ્યું. સોફિયાને ૨૩ હજાર લીરા (ઇટાલીનું ચલણ) એટલે કે ૩૫ હજાર ડૉલર જેટલી રકમ ઇનામમાં મળી.
સોફિયાને એક એક્ટિંગ સ્કૂલમાં અભિનય શીખવા માટે દાખલ કરવામાં આવી. તેની સ્કૂલ ટીચરે તેને સમાચાર આપ્યા કે અમેરિકાથી એક ફિલ્મ કંપની રોમ આવવાની છે.  તેને સ્થાનિક કલાકારોની જરૂર છે. સોફિયા રોમ પહોંચી. મા અને દીકરીને એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ મળ્યું. કેટલાક દિવસો બાદ ફરી બ્યૂટી સ્પર્ધા યોજાઈ.  સોફિયાએ એ   બ્યૂટી સ્પર્ધામાં ભાગ લીધો. સોફિયાને બીજું ઇનામ મળ્યું. એે સ્પર્ધામાં આમંત્રણ આપનાર  એક પુરુષ તેની પાસે આવ્યા. એ વિશ્વ વિખ્યાત ફિલ્મ નિર્માતા કાર્લો પોન્ટી હતા. તેમણે સોફિયાને કહ્યું ઃ ‘કાલે તું મારી ઑફિસમાં આવ. તારો સ્ક્રીન ટેસ્ટ લઈએ.’ સ્ક્રીન ટેસ્ટ લેવાયો પણ કેમેરામેને સોફિયાને નાપાસ કરી. પરંતુ કાર્લોને હજી ભરોસો હતો કે સોફિયામાં અભિનય ક્ષમતા છે. એક દિવસ કાર્લો પોન્ટીએ ફરી  સોફિયાને બોલાવી અને બંને એકાંતમાં મળતાં રહ્યા. ૧૮ વર્ષની સોફિયા અને ૩૭ વર્ષના કાર્લો પોન્ટી વચ્ચે પ્રેમના અંકુરો ફૂટયા. કાર્લો પોન્ટી પરણેલા હતા, છતાં આમ થયું.  છેવટે કાર્લો પોન્ટીએ તેની નવી બનનારી ફિલ્મ ‘ગોલ્ડ ઑફ નેપલ્સ’માં સોફિયાને હીરોઇનનો રોલ આપી દીધો. ફિલ્મના નિર્દેશકે સોફિયાને કહ્યું ઃ ‘તારે અભિનય શીખવાની જરૂર જ નથી. તું સહજ અભિનય કર. તું જે કાંઈ કરીશ તે જ અભિનયનો માપદંડ બની જશે.
અને એ વાત સાચી સિદ્ધ થઈ.
વિત્તોરિયાના નિર્દેશનમાં સોફિયાએ ૧૪ ફિલ્મોમાં કામ કર્યું.
આલ્બર્ટ મોરાવિયાની કથા- ‘વુમન ઑફ ધી રિવર’ ફિલ્મમાં તે કામ કરી રહી હતી. એક રાત્રે સોફિયાને દમનો હુમલો થયો. આખી રાત કાર્લો તેની પાસે બેસી રહ્યા. દિવસે તે કામ કરતી. રાત્રે પરેશાન થઈ જતી. ફિલ્મના શૂટિંગની સમાપ્તિની સાથે જ હુમલો પણ શાંત થઈ ગયો. શૂટિંગના છેલ્લા દિવસે કાર્લો સેટ પર ગયા. સોફિયાને સહેજ બાજુએ લઈ જઈને એના હાથની આંગળી પર હીરાની વીંટી પહેરાવી દીધી. એમના સ્નેહસંબંધની આ પરિણતિ હતી.
સોફિયાની માએ એને સમજાવી, ‘તારાથી એ ૨૦ વર્ષ મોટા ને પરિણીત છે. બે બાળકોના પિતા છે. તારે એના ઘરમાં નોકરાણી બનીને રહેવું પડશે.’. પણ સોફિયા મક્કમ હતી.
આ વાતને એક વર્ષ પણ વીત્યું નહોતું. ત્યાં એને ‘પ્રાઈડ એન્ડ પૈશન’ નામની ફિલ્મમાં ફેક સિનાત્રા અને કૈરી ગ્રાન્ટ સાથે કામ કરવાની તક મળી. આ ફિલ્મનું શૂટિંગ છ મહિના સુધી સ્પેનમાં ચાલતું રહ્યું. એ દરમિયાન કેરી ગ્રાન્ટ અને સોફિયા વચ્ચે પ્રણયસંબંધ બંધાઈ ગયો, પરંતુ તે હજી કાર્લો પોન્ટીને .પણ ચાહતી હતી. કેરી ગ્રાન્ટ ત્રણ લગ્નો કરી ચૂક્યા હતા અને ત્રણ તલાક પણ આપી ચૂક્યા હતા.
હવે એક તરફ હતા મુક્ત કેરી ગ્રાન્ટ અને બીજી તરફ પરિણીત કાર્લો કે જેઓ અગાઉની પત્નીને છૂટાછેડા આપવા તૈયાર નહોતા. એક ચાંદની રાત્રે એક રેસ્ટોરન્ટની છત પર કેરીએ પ્રસ્તાવ મૂક્યો, ‘સોફિયા, આપણે લગ્ન કરી લઈએ.’ સોફિયાને કેરીની ભાવનાઓનો અહેસાસ હતો છતાં તેની આંખો આગળ કાર્લોની છબી તરવરતી હતી. સોફિયાએ કહ્યું, ‘મને વિચારવા માટે કેટલોક સમય આપો.’ સ્પેનના પ્રવાસની આખરી રાતે બંનેએ સાથે ભોજન લીધું. વિદાય લેતી વખતે કેરીએ પૂછયું, ‘સોફિયા, આપણું શું થશે?’
સોફિયાએ કહ્યું, ‘મને ખબર નથી, કેરી! સાચે જ મારું મગજ ભ્રમિત થઈ ગયું છે. એક દિવસ હું આમ ખેંચાઉં છું તો બીજા દિવસે બીજી તરફ.’
બંનેએ ભારે હૈયે એકબીજાથી વિદાય લીધી.
સોફિયા બીજી ફિલ્મના શૂટિંગ માટે યુનાન પહોંચી.
એ કામ પતાવીને સોફિયા હોલિવૂડ પહોંચી જ્યાં કાર્લો પણ શૂટિંગ કરી રહ્યા હતા. પણ બન્યું એવું કે અહીં પણ સોફિયાએ કેરી ગ્રાન્ટ સાથે જ કામ કરવાનું હતું. કેરી રોજ એની હોટલ પર સોફિયાને ફૂલ મોકલતા. સોફિયા કાર્લો સામે બેસીને કેરીની જ વાતો કર્યા કરતી. સાથે-સાથે એને મહેસૂસ પણ થવા લાગ્યું કે કેરીની વાતોના કારણે કાર્લો પર તનાવ છવાઈ જાય છે.
એક દિવસ સોફિયાએ કાર્લો સમક્ષ પોતાનું હૃદય ખોલી દીધું, ‘મને ખબર છે કે જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ પર દબાણ કરે છે તે ચિડાઈ જાય છે, ખાસ કરીને તે વિવાહિત હોય ત્યારે તો ખાસ. પરંતુ કાર્લો, હું તમને બેહદ પ્યાર કરું છું. મેં મારું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. મને લાગે છે કે મારે હવે બાળકો જોેઈએ છે. ઘર જોેઈએ છે. હવે હું તમારી સાથે ગૌરવપૂર્ણ રીતે રહેવા માગું છું. તમે છૂટાછેડા લઈ લો.’ કાર્લોએ કોઈ જવાબ ન આપ્યો.
સોફિયા કેરી સાથે અભિનય કરતી રહી. પરંતુ બેઉ વચ્ચે હવે પહેલાં જેવી ઉષ્મા નહોતી બેઉ સાથે ભોજન લેતાં, પરંતુ સોફિયાની ભીતરની કોઈ ચીજ ગાયબ થઈ ગઈ હતી. એ વાત કેરીએ સમજી લીધી હતી.
એક દિવસ સોફિયા એના બંગલામાં સવારનું અખબાર ફેંદી રહી હતી. એની નજર એક સમાચાર પર પડી. કાર્લો અને તેની પત્નીના છૂટાછેડા થઈ ગયા હતા. થોડા દિવસ પછી લોકોએ અખબારમાં બીજા સમાચાર વાંચ્યા, ‘કાર્લો અને સોફિયા લોરેન પરણી ગયાં.’
લગ્નની પ્રથમ રાત્રિએ બંને જણ તેમના શયનખંડમાં ગયાં તો તેમના આૃર્ય વચ્ચે સોફિયાની સેક્રેટરીએ બિસ્તર પર શુભેચ્છા સ્વરૂપ ચોખાના દાણા નાખ્યા હતા.
બીજા દિવસે સોફિયા સેટ પર ગઈ. કેરી ગ્રાન્ટ એની પાસે આવ્યા અને કહ્યું, ‘સોફિયા! તું સુખી રહે તેવી શુભેચ્છા પાઠવું છું.’ એમ કહી એના ગાલ પર માનભર્યું ચુંબન કર્યું અને સામાન્ય વ્યવહાર કરવા કોશિશ કરી. અલબત્ત, કેરી સાથે ફિલ્મ પૂરી કરવાનું સોફિયાને ભારે પડી ગયું.
કાર્લો સાથે લગ્ન કર્યા બાદ તે બે પુત્રોની માતા બની. ત્યાર બાદ એનું ઘર વસી ગયું અને એક પછી એક ચડિયાતી ફિલ્મોમાં તે ઉત્કૃષ્ટ અભિનય કરતી રહી. એની અનેક શ્રોષ્ઠ ફિલ્મો પૈકી એક છે, *્ર્ુ ઉર્દ્બીહ*. વિશ્વયુદ્ધની ભૂમિકામાં બનેલી આ ફિલ્મની કથામાં મા અને દીકરી બેઉ પર સૈનિકો બળાત્કાર કરે છે. સોફિયાએ યુવાન માતાની ભૂમિકા અદા કરી હતી.
સોફિયા લૉરેનને અનેક તોફાનોનો સામનો કરવો પડયો. અનેક ફિલ્મોમાં કામ કર્યું અને એકૅડેમી ઍવૉર્ડસ મળ્યા. અભિનયના ક્ષેત્રમાં એ ટોચ પર રહી. પુષ્કળ નામના અને પુષ્કળ પૈસા કમાઈ. તેના પછી અનેક અભિનેત્રીઓ આવી, પણ આ ઇટાલિયન એક્ટ્રેસનું સ્થાન બીજી કોઈ અભિનેત્રી લઈ શકી નહીં.
એના જીવનમાં ત્રણ અવસરો એવા આવ્યા જ્યારે એને ભારે આઘાત લાગ્યો. એક તો એના પહેલા ગર્ભપાત વખતે, બીજોે એની પ્રિય સખી મેરેલિન મનરોની આત્મહત્યા વખતે અને ત્રીજોે એના લાગણીશૂન્ય પિતાના દેહાન્ત વખતે. સોફિયા લૉરેન હજી જીવે છે. તેઓ ૮૯ વર્ષની વયનાં છે.
એક ગ્રામ્ય સૌંદર્ય આજેય ઇટાલીની સેલિબ્રિટી છે. આજે તેની પાસે રોમમાં આલીશાન બંગલો છે, પરંતુ લિજન્ડરી બ્યૂટી ક્વીન બનતા પહેલાં એણે ગરીબી અને ભૂખમરો વેઠેલાં છે.
અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટયૂટે સોફિયા લોરેનને ૫૦’ગ્રેટ અમેરિકન સ્ક્રીન લેજન્ડસ’ની યાદીમાં  સ્થાન આપ્યું છે.
સોફિયા લોરેનને ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ, ઑસ્કાર ઍવોર્ડ, સિલ્વર રિબન ઍવોર્ડ, એકેડેમી ઍવોર્ડ સહિત બે ડઝન જેટલા ઍવોર્ડ્સ મળેલા છે. ૧૯૬૦માં સોફિયા લોરેન યુ.કે.માં સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી. ૧૯૬૧માં ફરી યુ.કે.માં  સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી, ૧૯૬૬માં અમેરિકામાં સૌથી વધુ લોકપ્રિય સ્ટારનું  સન્માન પ્રાપ્ત થયેલું છે.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!