આજથી ૭૦થી ૮૦ વર્ષ પહેલાંની વાત છે.
અરવલ્લી જિલ્લાના નાનકડા ગામ આકરૂન્દમાં લધ્ધા પટેલની લાટીમાં ભારત સુબોધ મંડળની નાટક કંપની આવતી. પુરુષો જ સ્ત્રીપાત્રો ભજવતા. ગામના મોળા કૂવા પાસે જૂની ધર્મશાળામાં રામલીલા આવતી. સીતાનું પાત્ર પણ પુરુષો જ ભજવતા. ગામમાં ભાગ્યે જ કોઈની પાસે રેડિયો હતો. એક મગનલાલ બાપુજી મહેતા નામના ગામના એક રહીશના ઘેર ગ્રામોફોન હતું. લોકો એને થાળી વાજું કહેતા. નાના બાળકો ગ્રામોફોન પર ફરતી રેકોર્ડ દ્વારા મોટા ભૂંગળામાં પ્રગટ થતું ગીત-સંગીત સાંભળી અચરજ પામતા. તે પછી ડૉ. કે. બી. શાહ રેડિયો લાવ્યા. ગામમાં વીજળી નહોતી. બૅટરીથી રેડિયો વાગતો.
એ રેડિયો કે ગ્રામોફોન પર ગૌહર જાનનું ગીત વાગતું. આજની પેઢી તો વધુમાં વધુ લતા મંગેશકરને જાણે છે. પણ ગૌહર જાન કોણ હતી તેની કોઈ જ માહિતી નથી.
ગૌહર જાન ગીત અને સંગીતની દુનિયાની પહેલી સુપરસ્ટાર હતી. ૧૯૦૨માં પહેલીવાર ભારતમાં ગ્રામોફોન રેકોર્ડ બની હતી. ભારતમાં ધ્વનિ- મુદ્રણની એ નવી ટેક્નિક હતી. એ ગ્રામોફોન રેડિયો પર ગૌહર જાનનાં ગીતો રેકોર્ડ થતા. દેશના ખૂણે ખૂણે લોકો રેડિયો પર ગૌહર જાનનાં ગીતો સાંભળતાં.
ગૌહર જાન અપ્રતિમ સૌંદર્ય ધરાવતી હતી. ઠુમરી, દાદરા અને કજરી ગઝલોની તે ગાયિકા હતી. તે એક – યહૂદી પરિવારમાં જન્મેલી ગૌહર જાનનું મૂળ નામ એલીન એન્જેેલિના યેઓવાર્ડ હતું.
ગૌહર જાનનો જન્મ તા. ૨૬. જૂન, ૧૮૭૩ના રોજ આઝમગઢમાં થયો હતો. તેના પિતા વિલિયમ રોબર્ટ અમેરિકન કંપનીમાં એન્જિનિયર હતા. તેમની માતાનું નામ વિક્ટોરિયા હેમિંગ હતું. મા ભારતીય હતી. લગ્નના ૭ વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. એ પછી માતા પુત્રીને લઈને ખુરશીદ નામના એક મુસ્લિમ સદ્ગૃહસ્થ સાથે બનારસ ગઈ. જન્મ વખતે ગૌહર જાનનું મૂળ નામ એન્જેલિના એલીન યેઓવા હતું. તલાક બાદ તેમનાં માતાએ ઈસ્લામ કબૂલ કરી લીધો અને પોતાનું નામ મલકા જાન રાખી લીધું. પુત્રી નામ ગૌહર જાન રાખી લીધું. એ વખતે મલકા જાન એક પ્રસ્થાપિત ગાયિકા અને નૃત્યાંગના હતી. મોટા લોકો તેમને ‘બડી મલકા જાન’ કહેતા. ૧૮૮૩માં અલકા જાન કોલકાતામાં નવાબ વાજિદ અલી શાહના દરબારમાં નિયુક્ત થઈ ગઈ. એ જ વર્ષમાં તેમણે કોલકાતામાં ૨૪, ચિત્તપોડ રોડ પર ૪૦ હજાર રૂપિયામાં પોતાનું ઘર ખરીદી લીધું.
પુત્રી ગૌહર જાને પતિયાલાના કાલે ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ તથા રામપુરના ઉસ્તાદ વજીર ખાન પાસેથી હિન્દુસ્તાની ગાયન શીખી લીધું. તે પછી મહાન કલા ગુરુ બૃંદાદાન મહારાજ પાસેથી કથકનૃત્ય શીખી લીધું. ગૌહર જાને ‘હમદમ’ના નામે ગઝલો પણ લખવા માંડી. એમણે રવીન્દ્ર સંગીતમાં પણ મહારત હાંસલ કરી. બનારસમાં ડાન્સ અને સંગીતની તાલીમ બાદ ૧૮૮૭માં શાહી દરબારમાં પોતાનું કૌશલ દર્શાવ્યું.
એ દરમિયાન તેમની મુલાકાત પારસી થિયેટરના આર્ટિસ્ટ કેશવ નાયક સાથે થઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડયા, પરંતુ ૧૯૦૭માં અચાનક કેશવ નાયકનું મોત થઈ ગયું.
૧૯૧૧માં દિલ્હી દરબારમાં ગૌહર જાનને ઇંગ્લૅન્ડના રાજા પાંચમા જ્યોર્જના સન્માન સમારંભમાં નિમંત્રણ મળ્યું. ત્યાં તેમણે અલાહાબાદની જાનકીબાઈ સાથે ગીતો પીરસ્યાં. કેટલાક સમય બાદ ગૌહર જાન મૈસૂરના મહારાજા કૃષ્ણ રાજ વાડિયાર ચોથાના નિમંત્રણમાં મૈસૂર ગયાં.
બનારસમાં ગૌહર જાને શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને કથકનૃત્યની તાલીમ લીધા બાદ ૧૯૦૨થી ૧૯૨૦ સુધીમાં તેણે હિન્દુસ્તાની, બંગાળી, ગુજરાતી, મરાઠી, તમિલ, અરબી, ફારસી, પશ્તુન, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓમાં અઢળક ગીતો ગાયાં. જેની ૬૦૦ જેટલી ગ્રામોફોન રેકોર્ડ બની. પોતાની આ આગવી કળાથી તે ખૂબ ધન અને અને ઐશ્વર્યની સ્વામિની બની ગઈ. કહેવાય છે કે તે એકવાર જે ઘરેણું પહેરે એ બીજી વાર પહેરતી નહોતી.
ગૌહર જાનનો સમય ૨૦મી સદીનું પરોઢ હતો. ગીત અને સંગીતની નવી. દુનિયાના આગમનનો સંકેત હતો. હજુ ક્યાયં-ક્યાંક સાઇલન્ટ ફિલ્મો આવતી હતી. પણ ટોકી બોલતી ફિલ્મોનો જમાનો હજુ દૂર હતો. શહેરોમાં ઊભરતાં મધ્યમવર્ગના પરિવારોમાં ગ્રામોફોન સમૃદ્ધિનું પ્રતીક હતું. એ એક એવું યંત્ર હતું જેને ચાવી ભરવામાં આવતી. ઉપર રેકોર્ડ મૂકવામાં આવતીઃ તેની પર પિન મુકાતી. રેકોર્ડ ફરતી અને સુંદર ગીત પ્રગટ થતું. ૭૮ આર.પી.એન.ની ગતિ પર ફરતી એ વિનિયલ રેકોર્ડસ બદલાતી સંસ્કૃતિનું પ્રતીક બની ગઈ.
અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે ૧૮૭૯માં અમેરિકાના મહાન વૈજ્ઞાનિક થોમસ એડિસને સાઉન્ડ રેકોર્િંડગ મશીન ફોનોગ્રાફની શોધ કરી હતી. ૧૮૯૯માં લંડનમાં ગ્રામોફોન એન્ડ ટાઇપિંગ કંપની શરૂઆતમાં રેકોર્ડ બનાવતી. તે કંપની જીટીએલના નામે પણ જાણતી હતી. એ કંપનીના સાઉન્ડ એન્જિનિયર ફ્રેડ ગેસબર્ગ પૂર્વેના દેશોમાં બજાર અને સંગીત પ્રતિભાઓની શોધમાં આવ્યા હતા. ૧૯૦૨માં કોલકાતાની ગ્રેટ ઇસ્ટર્ન હોટલમાં તેમની મુલાકાત ગૌહર જાન સાથે થઈ. ૭૮ આર.પી.એમ.ની સ્પીડવાળી ગ્રામોફોને રેકોર્ડ પર અવાજ મુદ્રિત કરનાર પહેલી ગાયિકા ગૌહર જાન બની.
૨૦મી સદીના શરૂઆતનાં વર્ષોથી ૧૯૧૬ સુધીમાં ૭૫ જેટલી રેકોર્િંડગ કંપનીઓ બની. એ સમયગાળામાં એક લાખ રેકોર્ડસ બની. સમયની સાથે એ કંપનીઓ ગાયબ થઈ ગઈ અને ગ્રામોફોન કંપનીમાં તેમનો વિલય થઈ ગયો. ૧૯૧૬માં ‘હીઝ માસ્ટર્સ વોઇસ’ નામની કંપની જાણીતી બની. સંગીતના બજારમાં તેની મોનોપોલી થઈ ગઈ.
પાછલી સદીની શરૂઆતમાં ગૌહર જાન અને તેમના જેવા બીજા કલાકારો બે દુનિયામાં પથરાઈ ગયાં હતાં. થિયેટર, રેકોર્િંડગ સ્ટુડિયો ગીત-સંગીતના સાર્વજનિક કાર્યક્રમો, પિૃમી શૈલીની સંગીતની સ્કૂલો વગેરે ઊભરી રહ્યા હતાં. આ એક નવી દુનિયા હતી. એમાંથી જ નવા કલાકારો પણ ઊભર્યા. ગીત-સંગીત હવે વ્યવસાયિક બનવા લાગ્યાં હતાં. સંગીત હવે કૉર્પોરેટજગત સાથે જોેડાવા લાગ્યું.
કોલકાતામાં ૧૯૦૨માં ગૌહર જાનના અવાજમાં થયેલી પહેલી ગ્રામોફોન રેકોર્ડથી આજ સુધીમાં ગીત-સંગીતમાં, કળામાં, ટેક્નોલૉજીમાં, લોકોની અભિરુચિમાં બેહદ પરિવર્તન આવ્યું છે. ૧૯૨૫માં કાર્બન માઇક્રોફોનનો ઉપયોગ કરવાવાળી ઇલેક્ટ્રોનિક ટેક્નોલૉજી હતી. ૧૯૧૫માં ગ્રામોફોન કંપનીનો કોલંબિયા કંપનીનો બહુરાષ્ટ્રીય કંપની ઈસ્ૈંમાં વિલય થઈ ગયો. ૧૯૫૨માં ઈ.એમ.આઈ. કંપનીએ સાડા ત્રણ મિલિયનના સંગાતવાળી ૭૮ આર.પી.એમ.ની ગતિવાળી રેકોર્ડને સાડા ૩૩ આર.પી.એમ.ની સ્પીડવાળી રેકોર્ડ તૈયાર કરી. ૧૯૯૬માં કૉર્પોરેટ તારક (સીડી) આવી. હવે તો પેન ડ્રાઇવ કે હાર્ડ ડિસ્કમાં જ મુદ્રિત થયેલું ગીત-સંગીત ઉપલબ્ધ છે. એક હાર્ડ ડિસ્કમાં ૫૦૦૦ ગીતો ઉપલબ્ધ કરી શકાય છે.
જૂના ગ્રામોફોન કે જૂની રેકોર્ડ્સ શોધવી હોય તે અમદાવાદના ગુજરી બજારમાં કે મુંબઈના ચોર બજારમાં જવું પડે છે. આવી રેકોડ્ર્સ કે જૂના ગ્રામોફોન ક્યારેક મ્યુઝિયમ્સમાં જ જોેવા મળે છે. હા, કેટલાક કળારસિકો એવા પણ છે જેમને જૂની રેકોર્ડ્સ સંઘરવાનો શોખ છે, પરંતુ હવે તેમની સંખ્યા પણ ઘટતી જાય છે. ભારતના પહેલા રેકોડિંગ સ્ટાર મશહૂર ગાયિકા અને નૃત્યાંગના ગૌહર જાન હતાં. ૧૭ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા..
દેવેન્દ્ર પટેલ



