સુરૈયા હવે રહ્યાં નથી.
૭૫ વર્ષની ઉંમર પૂરી કરવામાં તેમને થોડુંક જ છેટું રહી ગયું.
હિન્દી ફિલ્મજગત તેમના ઉત્કૃષ્ટ અભિનય, સુંદર સ્વર અને બેહદ લોકપ્રિયતા માટે હંમેશાં યાદ કરશે. આજે અમિતાભ બચ્ચનની જેટલી લોકપ્રિયતા છે એથી અથવા તો એ કરતાંયે વધુ લોકપ્રિયતા સુરૈયાની હતી. આજથી ૮૦ વર્ષ પહેલાં સુરૈયાને રોજ ૭ હજાર પત્રો પ્રશંસકો તરફથી મળતા હતા. સુરૈયાને જોેવા માટે મુંબઈમાં તેમના ઘરની બહાર ૪૦૦થી વધુ લોકો કલાકો સુધી બેસી રહેતા. સુરૈયા જ્યારે અભિનેત્રી હતાં. ત્યારે તેમની ‘દાસ્તાન’ ફિલ્મ જોેવા માટે એક્ટર ધર્મેન્દ્ર છ માઈલ ચાલીને થિયેટર પહોંચ્યા હતા.
સુરૈયા અને નૂરજહાં બેઉ લાહોરમાં જ જન્મ્યાં હતાં અને એકબીજાના સમકાલીન હતાં. ૧૯૪૧માં ‘તાજમહલ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સુરૈયાએ ૧૯૪૨માં પહેલી જ વાર ‘શારદા’ ફિલ્મ માટે ગાયું હતું. પરંતુ ફિલ્મ ‘અણમોલ ઘડી’માં ‘સોચા થા ક્યા ક્યા હો ગયા’, ‘પ્યાર કી જીતમાં ‘તેરે નૈનોને ચોરી કિયા’, ‘બડી બહેન’માં ‘લીખનેવાલેને’, ‘મિરઝા ગાલિબ’માં ‘દિલે નાદાન તુઝે’ તથા ફિલ્મ ‘દિલ્લગી’માં ‘તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની’ ગીતથી તેઓ આજે પણ મશહૂર છે.
સંગીતકાર નૌશાદ કહે છે. ‘સુરૈયા ૧૯૩૯માં પહેલી જ વાર મારી પાસે આવી ત્યારે એ અભિનેત્રી બનવા માંગતી હતી, પરંતુ મેં તેને કહ્યું કે, કુદરતે તને મેલોડિયસ સ્વર બક્ષ્યો છે તેથી તું ગાયિકા બન. મેં જ સુરૈયાને ‘સુરીલી’માં બદલી નાંખી હતી.’
સુરૈયાની ‘બડી બહન’ ફિલ્મ રજૂ થઈ ત્યારે તેના પ્રીમિયર વખતે લોકોની ભીડને હટાવવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો. આ ઘટના બાદ સુરૈયાએ તેની ફિલ્મોના પ્રીમિયરમાં હાજરી આપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તેના ફેન્સ મુંબઈમાં મરીનડ્રાઇવ પર આવેલા તેના ‘ક્રિષ્ના મહલ’ એપાર્ટમેન્ટ આગળ જઈ કલાકોના કલાકો સુધી સુરૈયાના દીદાર માટે ઊભા રહેતા. એ કારણે સંખ્યાબંધ વખત ટ્રાફિકજામ થતો અને ટ્રાફિક પોલીસને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવી પડતી.
એ વખતે તેના સમકાલીન કલાકારો પૈકી દેવ આનંદ પણ એક હતા. સુરૈયા અને દેવ આનંદ વચ્ચેનો રોમાન્સ એ વખતના અખબારો તથા મૅગેઝિનો માટે ‘હોટ ફેવરિટ સ્ટોરી’ હતી. ખરી વાત તો એ હતી કે એ વખતે હોલિવૂડમાં ગ્રેગરી પેક નામનો એક્ટર બેહદ લોકપ્રિય હતો. દેવ આનંદનો ચહેરો તથા આંખો પણ ગ્રેગરી પેકને મળતાં આવતાં હતાં. દેવ આનંદ પણ ઇન્ડિયાનો ગ્રેગરી પેક ગણાતો હતો. ગ્રેગરી પેકને મળવા સુરૈયા પણ ગઈ હતી. દેવ આનંદ અને સુરૈયા વચ્ચે પ્રેમસંબંધો હતા, પરંતુ બંનેના ધર્મ અલગ હોઈ સુરૈયા દેવ આનંદને પરણી ન શકી એ વાત જાણીતી છે, પરંતુ દેવ આનંદ શું કહે છે તે જુઓ. દેવ આનંદ કહે છે, ‘હું ૧૯૪૮ની સાલમાં પહેલી જ વાર ફિલ્મ ‘જીત’ના સેટ પર મળ્યો હતો. એ વખતના સમયમાં તે બહુ જ મોટી સ્ટાર હતી. જ્યારે હું ફિલ્મોમાં સાવ નવો નવો જ હતો. અમારા બંનેનો પહેલો શૉટ મને બરાબર યાદ છે. મારે પિયાનો વગાડવાનો હતો જ્યારે તેણે મારી પાસે નમીને ગીત ગાવાનું હતું. અમારો એ શૉટ સરસ રીતે લેવાવો અને તે દિવસથી અમે બેઉ મિત્રો બની ગયાં. ત્યાર પછીની સ્ટોરી જાણીતી છે. ઇતિહાસ બની ગઈ છે. તે ઇતિહાસ હોવા છતાં હવે એક દંતકથા પણ બની ગઈ છે. સુરૈયા સાથે મેં ખૂબ યાદગાર સમય અને ક્ષણો પસાર કરી છે. સુરૈયા મારા જીવનનું એક મહાન પ્રકરણ છે.’
દેવ આનંદ કહે છે, ‘સુરૈયા અત્યંત વાઇબ્રન્ટ સ્ત્રી હતી. તેની આંખો અત્યંત સુંદર અને સામાવાળી વ્યક્તિને પકડી રાખે તેવી હતી. એ એક સ્ટાર હતી. પરંતુ તે એક માનવી છે તે વાતો કદી ભૂલતી નહોતી. તે ગ્રેગરી પેકની પ્રશંસક હતી અને મને વારંવાર કહેતી કે, હું ગ્રેગરી પેક જેવો લાગું છું.’
દેવઆનંદ કહે છે, ‘કોઈ એક સમય હતો જ્યારે અમે એકબીજાને ચાહતા હતાં, પરંતુ અમારા બન્નેના ધર્મ અલગ હોવાના કારણે તેના પરિવારને અમારો સંબંધ મંજૂર નહોતો. તેણે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને પાછળથી ફરી ગઈ હતી તેવી વાતો ખોટી છે. એવું કશું જ નથી. હા, મેં એની સાથે લગ્ન કરવાની દરખાસ્ત મૂકી હતી, પરંતુ તે મને પુષ્કળ ચાહતી હતી પરંતુ તેની નાની અમારા બન્નેના ધર્મ અલગ હોવાના કારણે અમારા લગ્નની સખત વિરુદ્ધમાં હતી અને તેણે સુરૈયાની અવરજવર પર સખત પ્રતિબંધ મૂકી દીધો હતો. અમારી બંને વચ્ચે સખત પ્રેમ હતો, પરંતુ તેની પર અમલ કરવા જેટલી નૈતિક હિંમત તેનામાં નહોતી. તે બિચારી કદીયે આ મામલામાં ‘બૉલ્ડ’ બની શકી નહોતી. પ્રેમની અભિવ્યક્તિમાં પણ તે ખૂલીને બોલી શકતી નહોતી. અમારા બેઉની પ્રેમની અનુભૂતિ એક જુદા જ પ્રકારની હતી. મને એ વાતની જ્યારે ખાતરી થઈ કે તે મને ચાહે છે, પરંતુ તે એમાં આગળ વધી કે બોલી શકે તેમ નથી. ત્યાર બાદ મેં પણ એ દિશામાંથી મારાં પગલાં પાછાં વાળી લીધાં હતાં. હું એ વખતે થોડોક લાગણીશીલ અને દુઃખી થઈ ગયો હતો, પરંતુ તમે જ્યારે યુવાન હોવ ત્યારે પ્રણયભંગ વખતે તે પ્રિયપાત્ર પ્રાપ્ત ના થાય તો તેવું બનતું જ હોય છે. ત્યાર પછી એ બધું ભુલાઈ ગયું હતું. એ બધાનો અંત આવી ગયો હતો. અમે એકબીજાએ આપેલી પાર્ટીઓમાં જતાં હતાં, પરંતુ તે એકમાત્ર શિષ્ટાચાર જ હતો.’
દેવઆનંદ અને સુરૈયા પહેલાં મળતાં ત્યારે દેવઆનંદે સુરૈયાને પૂછયું હતું કે આપણે લગ્ન કરી લઈશું પછી જે બાળકી અવતરશે તો આપણે તેનું નામ શું રાખીશું?
સુરૈયાએ કહ્યું ઃ ‘તમારાથી મને દીકરી અવતરશે તો હું તેનું નામ ‘દેવીના’ રાખીશ.’
દેવઆનંદ કહે છે ઃ ‘પણ અમારા લગ્ન કદી થઈ શક્યા નહીં.’
દેવ આનંદ કહે છે, ‘સુરૈયા બીમાર છે અને હૉસ્પિટલમાં છે તેની ખબર પડયા પછી મેં હૉસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું, કારણ કે હું જોે હૉસ્પિટલમાં ગયો હોત તો જૂની વાતોનું બૂમરેંગ થાત. તેમાં અસલી વાત છુપાઈ જાત અને
તાજોે વિવાદ ખડો થાત. તેથી જ હું હૉસ્પિટલમાં ના ગયો.’
સુરૈયા પર એની નાનીના સખ્ત મિજાજનો પહેરો અને પ્રભાવ હતા. જોેકે સુરૈયાએ તેની નાનીના કારણે દેવઆનંદ સાથે લગ્ન ના કર્યા અને ત્યારપછી દેવ આનંદે કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધાં, પરંતુ સુરૈયાએ દેવઆનંદ સાથે લગ્ન ના થવા છતાં કદીયેં શાદી ના કરી. તેઓ જિંદગીભર અપરિણીત રહ્યા.
કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યા બાદ કલ્પના કાર્તિકને એક દીકરી અવતરી તે પછી એક વખત અનાયાસે જ સુરૈયા સાથે મુલાકાત થઈ જતાં સુરૈયાએ દેવઆનંદનને પૂછયું ઃ ‘મેં જાણ્યું છે કે તમારી પત્ની કલ્પના કાર્તિકને દીકરી અવતરી છે. તેનું શું નામ રાખ્યું છે? ‘
તેના જવાબમાં દેવઆનંદે કહ્યું ઃ’મેં મારી દીકરીનું નામ ‘દેવીના’ રાખ્યું છે.’
ત્યાર પછી ૧૯૫૨માં પણ સુરૈયાએ રાજ કપૂર સાથે કામ કર્યું. રાજ કપૂર સાથેની ‘દાસ્તાન’ ફિલ્મમાં ગવાયેલું ‘તારી રી… યારા રી…’ ગીત હિટ થયું.
દેવેન્દ્ર પટેલ



