Close

સ્વરૃપવાન સંધ્યા સિંઘની રહસ્યમય હત્યા કોણે કરી?

કભી કભી | Comments Off on સ્વરૃપવાન સંધ્યા સિંઘની રહસ્યમય હત્યા કોણે કરી?
સંધ્યા સિંઘ રુપિયા ૨૦ લાખની જ્વેલરી પર્સમાં મૂકી બેંકમાં ગયાં અને ગુમ થયાં નામ છે સંધ્યા સિંઘ. 

સંધ્યા આખા પરિવારનું કેન્દ્રબિંદુ હતી. તેના પતિ જયપ્રકાશ સિંઘ ઇન્દોરમાં સેન્ટ્રલ એક્સાઈઝના કમિશનર છે. તેમની દીકરી રાજરાજેશ્વરીનું સ્કૂલનું શિક્ષણ પૂરું થયા બાદ પરિવાર મુંબઈ સ્થળાંતર કરી ગયું, કારણ કે દીકરીને મુંબઈની રૃઈઆ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. તેઓ નવી મુંબઈની સીવુડ્સ ખાતે આવેલી એનઆરઆઈ કોલોનીમાં રહેવા લાગ્યાં. પુત્ર રઘુવીર જુહુની એક લો કોલેજમાં ભણવા લાગ્યો. પરિવારનાં ત્રણેય સદસ્યને મેલેરિયા થતાં ભણવાનું છોડી દીધું. બોલિવૂડના જાણીતા સંગીતકાર જતીન લલિત તેમના મામા થાય જ્યારે પાર્શ્વગાયક સુલક્ષણા પંડિત અને વિજેતા પંડિત તેમનાં મામી થાય.

સ્વરૃપવાન સંધ્યા સિંઘની રહસ્યમય હત્યા કોણે કરી?

સંધ્યા સિંઘ ૫૦ વર્ષની વયે પણ કાળી ભમર આંખોના કારણે અત્યંત રૃપાળાં લાગતાં હતાં. તેમને કીમતી ઝવેરાત અને અલંકારો પહેરવાનો શોખ હતો. કેટલોક સમય મુંબઈમાં રહ્યા બાદ સંધ્યા સિંઘ તેમનાં પુત્રી અને પુત્રને લઈ ફરી ઇન્દોરમાં ફરજ બજાવતા તેમના પતિ સાથે જોડાવા પાછા જવાનો વિચાર કરી રહ્યાં હતાં. એ પહેલાં એક દિવસ સંધ્યા સિંઘ જ્વેલરી લઈને બહાર ગયાં અને કદી પાછાં ના આવ્યાં.

કેટલાક માને છે કે, સંધ્યા સિંઘના ગાયબ થઈ જવાનું કારણ તેમનું ઝવેરાત હતું. તેમના પુત્ર રઘુવીરે તેમની માતાને આટલી બધી જ્વેલરી પહેરી બહાર ના જવા અનેકવાર ચેતવ્યાં હતાં. તેઓ વજનદાર સોનાના દાગીના અને કીમતી હીરાનો નેકલેસ પહેરીને જ બહાર જતાં હતાં. તેઓ ટી.વી. શ્રેણીમાં જે જ્વેલરી અભિનેત્રીઓ પહેરતી તેના આધારે જ પોતાના અલંકારોની ડિઝાઈન તૈયાર કરાવતાં હતાં.

આમ તો ગઈ તા. ૨૫મી નવેમ્બરના રોજ સંધ્યા સિંઘે તેની દીકરી અને પુત્રને જણાવ્યું હતું કે, તેમના સીવુડ્સ ફ્લેટમાંથી કેટલીક જ્વેલરી ગુમ થઈ છે. તેમના પતિ જયપ્રકાશ સિંઘ કહે છે ઃ “મારું જ્યારે જ્યારે પોસ્ટિંગ બદલાયું ત્યારે ત્યારે તેની જ્વેલરી ગુમ થઈ ના હોય તેવું કદી બન્યું નથી. કોઈક એનું ઝવેરાત નિયમિત રીતે ચોરી જતું હતું.”

મુંબઈના સીવુડ્સ ફ્લેટમાંથી પણ આ રીતે જ તેનાં ઝવેરાત ચોરાતાં તેઓ પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયાં હતાં. તે પછી એક પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના ફ્લેટમાં તપાસ કરી હતી. કેટલુંક ઝવેરાત ઘરની નોકરાણી પાસેથી મળી આવ્યું હતું. એ પછી પોલીસ ઈન્સ્પેક્ટર અને સંધ્યા સિંઘ મિત્ર બની ગયાં હતાં. પોલીસ ઈન્સ્પેક્ટર મુંબઈમાં કેટલાક નવા ફ્લેટ્સના પ્રોજેક્ટ્સ બતાવવા સંધ્યા સિંઘને પોતાની સાથે લઈ ગયા હતા..

તા. ૧૬ ડિસેમ્બરના રોજ પુત્ર રઘુવીરે તેની માતા સંધ્યા સિંઘને કહ્યું : “ચાલ મમ્મી, તારે બેંકમાં જવું છે ને ! હું તને ઉતારી દઈશ.” એ દિવસે સંધ્યા સિંઘ તેમનું કેટલુંક ઝવેરાત બેંકના લોકરમાં મૂકવા જવા માંગતા હતાં. સંધ્યા સિંઘે તેમના પુત્રને કહ્યું ઃ “આપણી બાજુમાં જ રહેતાં ઉમા ગૌડ મારી સાથે આવવાનાં છે તેથી તું જા. હું અને ઉમા સાથે બેંકમાં જઈશું.”

એટલું કહ્યા બાદ સંધ્યા સિંઘ કેટલુંક ઝવેરાત લઈ એ જ સંકુલમાં રહેતાં ઉમા ગૌડના ફ્લેટ પર ગયાં. જતાં પહેલાં ઘરની નોકરાણીની દીકરીએ પણ ઝવેરાતને બોક્સમાં મૂકાતું જોયું હતું. એ બોક્સ સંધ્યા સિંઘે તેમના પર્સમાં મૂક્યું હતું. ઉમા ગૌડના કહેવા મુજબ ઉમાએ સંધ્યા સિંઘને તેમની કારમાં સવારે ૧૧ વાગે બેંક પાસે ઉતાર્યાં હતાં, પરંતુ ૧૦.૨૮ વાગ્યાથી સંધ્યા સિંઘનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. લગભગ બપોરના ૧.૩૦ વાગે નજરે જોનારા બે વ્યક્તિઓએ જણાવ્યું કે, “અમે સંધ્યા સિંઘની તસવીરને મળતી આવતી કોઈ સ્ત્રીને વાહાલ વિસ્તારમાં એક ઓટો રિક્ષામાં બેઠેલી જોઈ હતી. તેની સાથે પોલીસ અધિકારી જેવો લાગતો એક પુરુષ પણ રિક્ષામાં હતો.”

એ પછી સંધ્યા સિંઘ તેમના ઘરે કદી પાછાં ફર્યાં નહીં. તેઓ જ્યારે ગુમ થઈ ગયાં ત્યારે તેમની પાસે રૃ. ૨૦ લાખની જ્વેલરી હતી. સંધ્યા સિંઘ ગુમ થયાની ફરિયાદ તેમના પરિવારે પોલીસ મથકે નોંધાવી. એક બીજા જ પોલીસ અધિકારીએ બેંકમાં જઈ સંધ્યા સિંઘનું લોકર ખોલાવડાવ્યું ત્યારે તેમાં માત્ર રૃ. દોઢ લાખનું જ ઝવેરાત હતું જે પહેલેથી જ મૂકેલું હતું. બાકીનું ૨૦ લાખનું ઝવેરાત ક્યાં ગયું તે પોલીસ માટે કોયડો હતો. સંધ્યા સિંઘે તેમની આંગળી પર જે રિંગ પહેરી હતી તે જ રૃ. ૧૫ લાખની હતી.

તા. ૨૮મી જાન્યુઆરીએ એટલે કે સંધ્યા સિંઘના ગુમ થયાના ૪૦ દિવસ બાદ નવી મુંબઈના માર્શલેન્ડ વિસ્તારમાંથી તેમનું હાડપિંજર મળી આવ્યું. એ બ્રિટિશ બર્ડ વોચર્સ પક્ષીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ત્રીનું કંકાલ નિર્જન વિસ્તારમાં નિહાળ્યું હતું. આ વિસ્તાર પણ સંધ્યા સિંઘના ઘરની પાસે જ આવેલો છે. પરિવારને પણ મીડિયાના અહેવાલો બાદ જ જાણ થઈ હતી. પરિવારના લોકોએ સ્ત્રીના હાડપિંજરને જોયું અને તેના ગળામાં પહેરેલા રૃદ્રાક્ષના કારણે જ ઓળખવિધિ થઈ હતી. એ રૃદ્રાક્ષ પતિએ તેમનાં પત્ની સંધ્યા સિંઘને ભેટ આપેલું હતું. હાડપિંજર જ્યાંથી મળ્યું હતું તેની બાજુમાં જ એક પર્સ પણ પડેલું હતું અને તે પણ સંધ્યા સિંઘનું જ હતું, પણ તેમાંથી જ્વેલરી ગાયબ હતી.

નવી મુંબઈની પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. ગમે તે કારણસર પોલીસ આ કેસમાં ધીમી ગતિએ આગળ વધી રહી હોઈ પતિ જયપ્રકાશે ફરિયાદ કરી તેથી તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી તેમ છતાં પણ તેમાં કોઈ પ્રગતિ થઈ નહીં. પતિ જયપ્રકાશે બહુ દબાણ કર્યું એટલે પોલીસે કહ્યું ઃ “અમે તપાસ કરી છે. અમારી તપાસ મુજબ એક ભાડૂતી હત્યારો એ વિસ્તારમાં બનાવના આગલા દિવસો દરમિયાન જોવા મળ્યો હતો તેથી સંધ્યા સિંઘના મર્ડર પાછળ તે કોન્ટ્રાક્ટ કિલર હોવો જોઈએ.”

સંધ્યા સિંઘના પતિએ મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે : “સંધ્યા સિંઘના મર્ડર પાછળ એક પોલીસ અધિકારી પણ હોઈ શકે છે. તેમની તપાસ કેમ થતી નથી ?”

પોલીસે સંધ્યા સિંઘના પતિના આરોપને નકારી કાઢયો. તે પછી પોલીસે એમ કહ્યું કે : “સંધ્યા સિંઘનો પુત્ર રઘુવીર પણ આ મર્ડરમાં સામેલ હોઈ શકે છે.” તેનું કારણ આપતાં પોલીસે કહ્યું : “જે દિવસે એ જે એરિયામાં સંધ્યા સિંઘની હત્યા થઈ તે દિવસે અને તે જ એરિયામાં તમારો પુત્ર રઘુવીર ફરતો હોવાનો તેનો સેલફોન રેકોર્ડ દર્શાવે છે.”

તેની સામે સંધ્યા સિંઘનું પરિવાર કહે છે : “અમારું ઘર પણ એ જ સેલફોન ટાવરની રેન્જમાં આવે છે.”

પોલીસે સંધ્યા સિંઘના પુત્ર રઘુવીરને જ શંકાના દાયરામાં લેતાં રઘુવીરે આગોતરા જામીન માગ્યા છે. પોલીસના વલણ બાદ સંધ્યા સિંઘના પતિ જયપ્રકાશ કહે છે : “મારી પત્નીની હત્યા બાદ પોલીસ મારા જ નિર્દોષ પુત્રને સંડોવી દેવાની હદે જઈ શકે છે તેવું મેં કદી કલ્પ્યું પણ નહોતું. પોલીસ કોઈકને બચાવવા માગે છે અને તેથી જ આખીયે તપાસને અવળા પાટે ચડાવી રહી છે. એક પુત્ર પોતાની જ માતાની હત્યા શા માટે કરે ? અમારું ઝવેરાત તો ઘરમાં જ પડયું રહેતું હતું અને તે બધું છેવટે તો અમારા પુત્રનું જ હતું. સૌથી અગત્યની વાત એ છે કે, મારી પત્ની એના પુત્રને જેટલો પ્રેમ કરતી હતી તેટલો જ પ્રેમ મારા દીકરાને તેની માતા માટે હતો. હા, કોઈવાર મા-દીકરા વચ્ચે ઝઘડો થતો, પણ બીજી માતાઓ અને દીકરાઓ વચ્ચે થાય છે તેવી જ બોલાચાલી થતી.”

સંધ્યા સિંઘને બેંક સુધી લિફ્ટ આપનાર તેમની પડોશી ઉમા ગૌડ મુંબઈથી જયપુર ચાલ્યાં ગયાં છે. સંધ્યા સિંઘના મર્ડરનું રહસ્ય હજુ વણઉકલ્યું છે. જયપ્રકાશ સિંઘનું પરિવાર હતાશ છે. જયપ્રકાશ સિંઘના સગા ભાઈ સંજય પ્રકાશ સીઆઈએસએફમાં ડીઆઈજી છે. તેઓ કહે છે ઃ “જયપ્રકાશ સિંઘે પહેલાં પત્ની ગુમાવી હવે અન્યાયના માર્ગે તેમનો પુત્ર ગુમાવવાનો પણ વારો આવ્યો છે.”

 બોલો કોણ હશે સંધ્યા સિંઘનો હત્યારો ? સંધ્યા સિંઘની હત્યાનું રહસ્ય એક પોલીસ અધિકારી, એક ભાડૂતી હત્યારો અને ખુદ તેમના પરિવારની આસપાસ ઘૂંટાઈ રહ્યું છે.

 
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!