Close

હમ કથા સુનાતે રામ સકલ ગુણધામ કી યે રામાયણ હૈ… પુણ્યકથા શ્રી રામકી

કભી કભી | Comments Off on હમ કથા સુનાતે રામ સકલ ગુણધામ કી યે રામાયણ હૈ… પુણ્યકથા શ્રી રામકી

આજે અયોધ્યામાં  ભગવાન શ્રીરામની જન્મભૂમી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે મંદિરનો શીલાન્યાસ થયો ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. બરાબર ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં શ્રીરામજન્મ ભૂમી ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનશે. દેશના ૯૦ કરોડ જેટલા હિંદુઓની આસ્થાનાં પ્રતીક સમા ભગવાન શ્રીરામના જન્મની પ્રેરકકથા અહીં પ્રસ્તુત છે.

ભાગીરથ મહારાજાના વંશમાં શ્રૃત, તાપી, સિંધુ દ્વીપ અને તે પછી અપુતાપુ થયા. આ વંશમાં ઋતુપર્ણ નામનો પણ રાજા થયો. વંશ આગળ ચાલ્યો. કેટલીક પેઢીઓ બાદ ખટ્વાંગ નામનો રાજા થયો. તેમના વંશમાં દિલીપ નામનો રાજા થયો. આ દિલીપ રાજાએ ગાય માતાની બહુ સેવા કરી હતી.

એક વખત જંગલમાં એક સિંહ એક ગાયની પાછળ શિકાર કરવા પડયો હતો. રાજા દિલીપે સિંહને રોકતાં કહ્યું, ”તું મને મારીને ખાઈ જા પણ આ ગાય માતાને છોડી દે.”

ગાયનું રક્ષણ કરવા રાજા દિલીપે પોતાના શરીરનો ભોગ આપ્યો હતો.

આવા રાજા દિલીપના એક પુત્રનું નામ રઘુ. રઘુરાજા મહાન જ્ઞાની, વીર અને ઉદાર હતા. એક યજ્ઞા દરમિયાન તેમણે પોતાના શરીર પર પહેરેલા વસ્ત્રને છોડીને પોતાની સર્વ સંપત્તિ દાનમાં આપી દીધી હતી. એ પછી રઘુરાજાની ર્કીિત વધી જતાં તેમના સૂર્યવંશને લોકો રઘુવંશ કહેવા લાગ્યા હતા.

રઘુરાજાનો પુત્ર અજ રાજા થયો. અજ રાજાનું લગ્ન ઇંદુમતી રાણી સાથે થયું. તેમના ઘરે એક બાળક જન્મ્યો. તેનું નામ દશરથ. દશરથ ચક્રવર્તી રાજા થયા. અયોધ્યામાં રાજ કરવા લાગ્યા. તેમને ત્રણ રાણીઓ હતી છતાં સંતાન પ્રાપ્તિ ના થતાં રાજાએ વસિષ્ઠ ઋષિને પ્રાર્થના કરી.  વસિષ્ઠ ઋષિએ રાજાની પાસે પુત્ર કામેષ્ઠિ યજ્ઞા કરાવ્યો. યજ્ઞાની પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈ બહાર આવ્યા.

અગ્નિદેવે રાજા દશરથને કહ્યું, ”તમારા ઘરે ચાર બાળકો થશે. તે તમને બહુ જ સુખ આપશે. તમારી ર્કીિત વધરાશે. આ પ્રસાદી છે. તે તમે લો.”

અગ્નિનારાયણે રાજા દશરથને પ્રસાદી આપી. રાજાને આનંદ થયો. પ્રસાદ મસ્તક પર ચડાવ્યો. રાજા દશરથે ઋષિ વસિષ્ટને પૂછયું, ”તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે. આ પ્રસાદનું હું શું કરું ?”

વસિષ્ઠ ઋષિએ કહ્યું, ”રાજન, કૌશલ્યા તમારાં ધર્મપત્ની છે. પ્રસાદમાં મુખ્ય અધિકાર તો તેમનો છે. એમને પ્રસાદ આપો.”

કૈકેયી અને સુમિત્રાની પણ પ્રસાદ લેવાની ઇચ્છા હતી. અંતે વસિષ્ટ ઋષિએ વિચાર કરીને કહ્યું, ”અડધો પ્રસાદ પહેલાં કૌશલ્યાને આપો અને બાકીનો અડધો રહે તેના બે ભાગ કરી એક ભાગ કૈકેયીને તથા એક ભાગ સુમિત્રાને આપો.”

કૈકેયીને પાછળથી પ્રસાદ આપ્યો તેથી તેને ખોટું લાગ્યું. તેને ક્રોધ આવ્યો. કૈકેયીને અભિમાન હતું કે હું સુંદર છું. રાજા મારા આધીન છે એમ કહી કૈકેયી અહંકારની ભાષામાં બોલવા લાગ્યાં. તેમણે મહારાજા માટે અપમાનજનક શબ્દો વાપર્યા.

કૈકેયીએ દશરથ રાજાને કહ્યું, ”મારે પ્રસાદ જોઈતો નથી.”

એ જ સમયે એક સમડી આવી અને કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઝૂંટવીને ઊડી ગઈ.

એ વખતે અંજન પર્વત પર અંજની મા પંચાક્ષર શિવમંત્રનો જાપ કરતાં હતાં. ”ભગવાન શંકર જેવો મહાન જ્ઞાની અને મહાન વીર મને પુત્ર થાઓ”- અંજની માની આવી ઇચ્છા હતી. શિવજીની પ્રેરણાથી જે સમડીએ કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવ્યો હતો તે પ્રસાદ અંજની માના હાથમાં પધરાવી દીધો. અંજની માતાની આંખો બંધ હતી. તેઓ સમજ્યા કે શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે. એમ માનીને તેઓ પ્રસાદ આરોગી ગયાં. પ્રસાદ લીધા બાદ તેઓ ગર્ભવતી બન્યાં. પૂરા માસે તેમના પેટે હનુમાનજી પ્રગટયા.

આ તરફ હાથમાંથી સમડી પ્રસાદ લઈ જતાં કૈકેયીને બહુ દુઃખ થયું. તેઓ રડવા લાગ્યાં. તેમને રડતાં જોઈ કૌશલ્યાને દયા આવી. તેમણે તેમના પ્રસાદમાંથી થોડો ભાગ કૈકેયીને આપ્યો. પ્રસાદ લીધા બાદ ત્રણેય રાણીઓને ગર્ભ રહ્યો.

ફરી એક વાર વસિષ્ઠ ઋષિએ રાજા દશરથને કહ્યું, ”સગર્ભા સ્ત્રીની ઇચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે. તમે તમારી રાણીઓને રાજી કરો. તેઓ જે માગે તે આપો.”

વસિષ્ઠ ઋષિની સલાહ બાદ રાજા દશરથે પહેલાં સુમિત્રાજીને પૂછયું, ”મહારાણી ! તમારી શું ઇચ્છા છે ?”

સુમિત્રાએ કહ્યું, ” મારા માટે આ અલગ  રાજમહેલ છે તે મને નથી ગમતું. મારે અલગ રહેવું નથી. મારી ઇચ્છા છે કે હું કૌશલ્યાજીની સેવા કરું. મને કૌશલ્યાજીના મહેલમાં કૌશલ્યાજીની સેવામાં રાખો.”

સુમિત્રાની આ વાત સાંભળી વસિષ્ઠ ઋષિ બોલ્યા, ”રાજન ! ભવિષ્ય બહુ જ સુંદર દેખાય છે. એના પેટમાં કોઈ મહાન પુરુષ હશે. નહીં તો શોક્યની સેવા કરવાની કોઈની ઇચ્છા થાય નહીં.”

એ પછી રાજા દશરથ મહારાણી કૌશલ્યાની પાસે ગયા.  તેઓ શાંત છે. તેમની બોલવાની ઇચ્છા નથી. કાંઈ ખાવાની પણ ઇચ્છા નથી. દશરથ રાજા તેમના મહેલમાં ગયા ત્યારે કૌશલ્યાજી ધ્યાનમાં બેઠેલાં હતાં. માથાના વાળ ખુલ્લા છે. ગ્ષ્ટિ નાકની અણિ પર છે. તેમનું મન સ્થિર અને ચિત્ત એકાગ્ર થયેલું છે. પતિદેવ આવ્યા છે એ વાતની પણ તેમને ખબર પડી નહીં. છેવટે દશરથ રાજા બોલ્યા, ”ગુરુદેવની આજ્ઞાથી હું આવ્યો છું. તમારી શું ઇચ્છા છે ?”

કૌશલ્યાજી હજુ ધ્યાનમાં હતાં.

દશરથ રાજાને જોઈ દાસીએ  મહારાણી કૌશલ્યાને જગાડયાં. કૌશલ્યાજી જાગ્યાં. એટલે દશરથ રાજાએ ફરી પૂછયું, ”તમારી શું ઇચ્છા છે ?”

કૌશલ્યાજીએ સ્વસ્થ થતાં કહ્યું, ”હું અતિ આનંદમાં છું. મને કોઈ ઇચ્છા નથી.”

રાજા વિચારમાં પડી ગયા, પરંતુ કૌશલ્યાજી જાણતાં હતાં : ”આનંદમય શ્રીરામ મારા હૃદયમાં છે. હવે કાંઈ બોલવાની ઇચ્છા પણ નથી. મારે કોઈ સુખ ભોગવવું નથી.”

ત્યારે ઋષિ વસિષ્ઠે દશરથ રાજાને કહ્યું, ”રાજન ! આ તો વેદાંતના બધા સિદ્ધાંતો બોલે છે. ભવિષ્ય બહુ સુંદર છે.”

માતા કૌશલ્યાના હૃદયમાં બિરાજેલા પરમાત્માની દેવો-ગાંધર્વો પણ સ્તુતિ કરવા લાગ્યા. શ્રીરામ અયોધ્યામાં પ્રગટ થવાના હતા. જે નગરમાં યુદ્ધ થયું નથી તેને અયોધ્યા કહે છે. દશરથ રાજા જિતેન્દ્રિય છે, તપસ્વી છે. પંચજ્ઞાનેન્દ્રિય, પંચકર્મેન્દ્રિય અને દસ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે. તેમનો રથ સીધો ચાલે છે. આવા મહારાજા નિદ્રાધીન હતા ત્યારે તેમને એક સ્વપ્ન આવ્યું. રાજાએ સ્વપ્નમાં જોયું તો મોટા મોટા સાધુ મહાત્માઓ તેમના ઘરે આવ્યા છે. એ બધા તેમને આશીર્વાદ આપે છે.

દશરથ મહારાજા જાગ્યા. સ્વપ્નનો અર્થ સમજવા તેઓ ફરી ઋષિ વસિષ્ઠ પાસે ગયા. તેમણે સ્વપ્નનું વર્ણન કર્યું.

ઋષિએ કહ્યું, ”રાજન, સ્વપ્ન બહુ સુંદર છે, તમારા ઘરે દીકરો થશે અને એના જેવો આજ સુધી કોઈના ઘરે થયો નહીં હોય અને થશે નહીં. મને લાગે છે કે, પરમાત્મા સ્વયં પુત્રરૂપે તમારા ઘરે પધારવાના છે તેનું આ સ્વપ્ન સૂચક છે.”

અને ઋષિની સૂચના મુજબ દશરથ રાજા સ્નાન કરી ધ્યાનમાં બેસી જપ કરવા લાગ્યા. અને પરમ પવિત્ર સમય આવી પહોંચ્યો. દસ દિશાઓ પ્રસન્ન થઈ. મંદ, શીતળ, સુગંધીદાર પવન વાવા લાગ્યા. ચૈત્ર માસ, શુક્લ પક્ષ, પરિપૂર્ણ નવમી તિથિ, પુનર્વસુ નક્ષત્રનો સુયોગ અને મધ્યાહ્નકાળે માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રીતે ભગવાન શ્રીરામ પ્રગટ થયા.

માતા કૌશલ્યા બહુ રાજી થયાં, પરંતુ તેમની ઇચ્છા ભગવાન શ્રીરામને બે હાથવાળા જ જોવાની હતી. માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કર્યું અને બે હાથવાળા બાળક શ્રીરામનું પ્રાગટય થયું. આવી છે ભગવાન શ્રીરામના જન્મની કથા અને આવી છે અયોધ્યાના રાજા દશરથની કથા. હવે એ અયોધ્યા કે જે ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે ત્યાં રામમંદિર બનશે એ વાતથી દેશના કરોડો હિંદુઓ ખુશ છે.

  • દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!