મુંબઈના અંડરવર્લ્ડના ઇતિહાસમાં આ એક જાણીતું નામ છે. ૧૯૭૫થી ૮૦ના વર્ષોમાં મુંબઈના અંડરવર્લ્ડમાં કુખ્યાત દાણચોર હાજી મસ્તાનના નામનો ડંકો હતો. હાજી મસ્તાન આમ તો તામિલનાડુથી આવેલા એક સામાન્ય મુસ્લિમ પરિવારનું સંતાન હતો. તે ઝાઝુ ભણેલો નહોતો. પેટિયું રળવા એણે મુંબઈના બંદર પર કુલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બંદર પર આવતાં જહાજોના માણસો સાથે ઘરોબો કેળવી તેણે નાની મોટી દોણચોરીની શરૂઆત કરી હતી. ધીમે ધીમે એણે પોતાની ગેંગ બનાવી.
મુંબઈનાં ઓછી અવરજવરવાળાં રિમોટ બંદરો પર તેની હોડીઓ લાંગરવા માંડી અને ગલ્ફના દેશોમાંથી ઘડિયાળો તથા સોનું મંગાવવા લાગ્યો. એક દિવસ તે દેશનો મોટામાં મોટા સ્મગલર બની ગયો.
મુંબઈના મોટાં મોટાં ફિલ્મ નિર્માતાઓને પૈસાની જરૂર પડે તો અડધી રાતે તેઓ હાજી મસ્તાન પગેે પડી જતા. એકવાર બન્યું એવું કે શ્રાીનગરથી પ્રગટ થતા એક ઉર્દૂ અખબારે હાજી મસ્તાનનો ઇન્ટરવ્યૂ છાપ્યો. એ અખબારી મુલાકાત દરમિયાન હાજી મસ્તાન ભૂલથી બોલી ગયો કે ‘રાતના અંધારામાં મોટા મોટા નેતા અને ફિલ્મ અભિનેતાઓ મને પગે પડે છેે. આ ઇન્ટરવ્યૂ સાથે એ ઉર્દૂ અખબારે રાજ કપુર હાજી મસ્તાના પગે પડે છે તેવી એક તસવીર પણ પ્રગટ કરી. રાજ કપુર પણ પૈસાની તકલીફ પડે ત્યારે હાજી મસ્તાન પાસે પૈસાની મદદ માંગતા હતા. ‘મેરા નામ જોકર’ ફિલ્મ બનાવ્યા બાદ રાજ કપુર ખૂબ આર્થિક સંકટમાં ઘેરાઈ ગયા હતા. નવી ફિલ્મ ‘બોબી’ બનાવવા તેમની પાસે પૈસા નહોતા. એ સંજોગોમાં હાજી મસ્તાને રાજ કપુરને નાણાં આપ્યા હતા કે કેમ તે સ્પષ્ટ નથી.
– આ અખબારી મુલાકાત અને તસવીર પ્રગટ થયા બાદ આખો દેશ અને કેન્દ્ર સરકાર ચોંકી ગઈ.
કસ્ટમ ખાતું સજાગ થઈ ગયું. હાજી મસ્તાન આખા દેશમાં જાણીતો બની ગયો. ફિલ્મ એક્ટર દિલીપકુમાર પણ હાજી મસ્તાનના મિત્ર હતા.
હવે હાજી મસ્તાનની વાત વિગતે જોઈએ. હાજી મસ્તાન ઉર્ફે સુલતાન મિરઝાનો જન્મ ૧લી માર્ચ ૧૯૨૬ના રોજ બ્રિટિશ ઇન્ડિયાની મદ્રાસ પ્રેસિડેન્સી એટલે કે હાલના તામિલનાડુના રામાનંથપુરમ્માં થયો હતો. રોજી માટે તે મુંબઈ આવ્યો અને કુલીમાંથી દેશનો સૌથી મોટો દાણચોર બની ગયો. ૧૯૬૦ના ગાળામાં મુંબઈના અંડરવર્લ્ડમાં કરીમ લાલા પઠાણ ગેંગનો લીડર હતો. વરદ રાજન મુદલિયાર એક બીજી ગેંગનો લીડર હતો તેનો તે સમકાલીન હતો. વરદ રાજન મુદલિયાર પણ તામિલનાડુનો જ વતની હતો. એ બધામાં હાજી મસ્તાન સૌથી આગળ નીકળી ગયો. મુંબઈ અને ગુજરાતના દરિયાકિનારેથી તેના જહાજો દાણચોરીના માલસામાનની અવરજવર કરતાં હતા. એમાંથી તે બહુ જ ધન કમાયો.
કહેવાય છે કે ઓછું ભણેલો હાજી મસ્તાન એક હોંશિયાર બિઝનેસમેન હતો. દાણચોર હોવાના નાતે તે પોલીસ અને સરકારી અધિકારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતો હતો. હા, તેની એક ખૂબી એ હતી કે તે તેની પ્રતિસ્પર્ધી ગેંગસ સાથે સારા સંબંધો જાળવવામાં માનતો હતો. યુવાન વયથી જ તે સમજી ગયો કે મુંબઈમાં કોઈ પણ ધંધામાં નેતાઓ અને ફિલ્મી પ્રતિભાઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા જરૂરી છે. ઘણીવાર તેની તસવીરો ફિલ્મ કલાકારો સાથે પણ જોઈ શકાતી.
હાજી મસ્તાન હંમેશા સફેદ વસ્ત્રો જ પહેરતો. ક્યારેક બંધ ગળાનો કોટ પહેરતો. તેની લાઇફસ્ટાઇલ લકઝુરિયસ હતી. શૂઝ પણ તે સફેદ રંગના જ પહેરતો. તેની મર્સિડિઝ કાર પણ સફેદ રંગની હતી. હાથના કાંડા પર અત્યંત મોંઘી સોનાની ઘડિયાળ પહેરતો.
શરૂઆતમાં તેનું જીવન તામિલનાડુના દરિયાકિનારે જ વીત્યું હતું. આઠ વર્ષની વયે જ તે તેના પિતા સાથે મુંબઈ આવ્યો હતો. કુલી બનતા પહેલાં તેણે બચપણમાં તેણે મુંબઈના ક્રાફડ માર્કેટમાં એક સામાન્ય શ્રામજીવી તરીકે પણ કામ કર્યું હતું પરંતુ મુંબઈના બંદર પર તે ૨૦ વર્ષની વયે કુલી બન્યો. એ વખતે સોના પર ખૂબ મોટી ઇમ્પોર્ટ ડયુટી હતી. અહીંથી જ એ બંદર પર આવતા પ્રવાસીઓ પાસેથી ગોલ્ડ લઈ દાણચોરીની શરૂઆત કરી. તે પછી તેણે પોતાનો જ દાણચોરીનો વ્યવસાય જમાવી દીધો. એ ઉંમરે પણ એણે હજયાત્રા કરી.
એ પછી એણે દમણના દાણચોર સુકર નારાયણ બખિયા સાથે હાથ મીલાવ્યા. દમણના દરિયાકિનારે હોડીઓમાં ગલ્ફના દેશોમાંથી આવતું સોનું તે દાણચોરીથી મુંબઈ લાવવા માંડયો. એમાંથી તે પૈસા કમાયો અને મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવા માંડી. એણે મુંબઈના પેડર રોડ પર પણ સી-ફેસિંગ બંગલો ખરીદ્યો, પરંતુ તે એક નાના ઓરડામાં જ રહેવા લાગ્યો જે તેના બંગલાના ટેરેસ પર તેણે બાંધ્યો હતો.
એ પછી હાજી મસ્તાને મુંબઈના ફિલ્મ નિર્માતાઓને નાણાં ધીરવાનું શરૂ કર્યું. એક સમયે તે ખુદ ફિલ્મ નિર્માતા બની ગયો. એણે ઇલેક્ટ્રોનિક્સ ગુડસ અને હૉટેલ બિઝનેસમાં પણ ઝંપલાવ્યું. મુંબઈના ક્રાફર્ડ માર્કેટ પાસેના મુસાફીરખાના પાસે તેણે કેટલીક ઇલેક્ટ્રોનિક્સ સામાન વેચવાની દુકાનો પણ ખોલી.
એના સમયમાં જ કાર્યરત બીજી પ્રતિસ્પર્ધી ગેંગ સાથે સંઘર્ષમાં ઉતરવાના બદલે વિરોધી ગેંગ્સના લીડર સાથે તેણે સારા સંબંધો રાખ્યા. તે હોંશિયાર બિઝનેસમેન હતો. એણે એ વખતે મુંબઈમાં કાર્યરત એવી બીજી ગેંગ્સના લીડર્સની મિટિંગ બોલાવી મુંબઈ શહેરના જુદા જુદા વિભાગો વહેંચી લીધા જેથી કોઈ એક બીજાને નડે નહીં. આ કામમાં એ વખતની માફિયા ક્વીન જેનાબાઈ દારૂવાલીએ તેને મદદ કરી. દેનાબાઈ અગાઉ ‘ચાવલવાલી’ તરીકે જાણીતી હતી. જેનાબાઈ રેશનનું અનાજ ખરીદીને બજારમાં બ્લેકમાં વેચી દેતી હતી. તે મહત્ત્વાકાંક્ષી હતી. જેનાબાઈએ શરાબના ઉત્પાદકો અને વિતરકો સાથે સંબંધો વિકસાવ્યા. જેમાં વરદ રાજન મુદલિયાર પણ એક હતો. તે પછી તે ‘જેનાબાઈ દારૂવાલી’ તરીકે જાણીતી બની ગઈ. જેનાબાઈને હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહીમના પરિવાર તથા કરીમ લાલા સાથે સારા સંબંધો હતા. હાજી મસ્તાનની મંજુરી બાદ જ જેનાબાઈ દારૂવાલીએ હાજી મસ્તાનના પેડર રોડ પર આવેલા બંગલો પર બધી પ્રતિસ્પર્ધી ગેંગના લીડર્સની મિટિંગ બોલાવી હતી. હાજી મસ્તાનના બંગલાનું નામ ‘બતુલ સુરુર’ હતું. હાજી મસ્તાન સોના નામની અભિનેત્રીને પરણ્યો હતો, જે મધુબાલા જેવી લાગતી હતી. સોનાનું અસલી નામ શાહજહા બેગમ હતું. તેણે અગાઉ ૧૯૬૪માં બનેલી ‘આવારા બાદલ’ અને ૧૯૭૧માં બનેલી ‘બિખરે મોંતી’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. હાજી મસ્તાન સાથે લગ્ન બાદ તે સોના મસ્તાન મિરઝા તરીકે ઓળખાઈ.
પરંતુ અગાઉ જણાવ્યું તે પ્રમાણે હાજી મસ્તાને શ્રાીનગરથી પ્રગટ થતા એક ઉર્દૂ અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારબાદ તેની તકલીફો શરૂ થઈ.
કેન્દ્ર સરકારે હાજી મસ્તાનના દાણચોરીના ધંધા પર હવે સંકજો કસ્યો. સરકાર તેને પકડવા મથતી હતી. એ સમયગાળામાં કેન્દ્ર સરકાર કરીમ લાલા, યુસુફ પટેલ અને દમણના સુકર નારાયણ બખિયા પર સરકારની નજર હતી. પરંતુ એ સમયગાળામાં એ જમાનાના લોકનાયક જયપ્રકાશ નારાયણ હાજી મસ્તાન સહિત તમામ દાણચોરોને અને ચંબલના ડાકુઓને સરકારના શરણે આવવા અપીલ કરતા હતા. શરણે આવે તેને પરેશાન કરવામાં ના આવે તેવી ભલામણ વડાપ્રધાનને કરવા તેઓ ખાતરી આપતા હતા. હાજી મસ્તાન જયપ્રકાશ નારાયણના વિચારોથી પ્રભાવિત હતો. તેને વળી આ સમયગાળા દરમિયાન તે તેની ગેંગ ચલાવવા બહુ સક્રિય નહોતો. એણે એ બધાં કામ લાલા અને વરદ રાજન મુદલિયારને સોંપી દીધાં હતા. વરદ રાજન અને હાજી મસ્તાન બેઉ તામિલનાડુથી આવતા હોઈ બંને વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા. વરદ રાજન મુદલિયારનું મૃત્યુ થતાં હાજી મસ્તાને તેના મૃતદેહને મુંબઈ લાવા પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા ગોઠવી હતી.
જયપ્રકાશ નારાયણની અપીલને માન આપી તે સરકારના શરણે ગયો. તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો. જેલમાં તેણે હિન્દી શીખવાનું શરૂ કર્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ હાજી મસ્તાને રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૮૦થી ૮૧ દરમિયાન તેણે દલિત મુસ્લિમ સુરક્ષા મહાસંઘની સ્થાપના કરી. ત્યાર પછી એ મહાસંઘ ભારતીય માઇનોરિટીઝના નામે પોલિટિક્સ પાર્ટીમાં પરિવર્તિત થયો. હાજી મસ્તાન મુંબઈની જાહેરસભાઓને પણ સંબોધતો હતો. તેનાં વળતાં પાણી માટે તેનો એક જુનિયર સાથી જ જવાબદાર હતો. જેનું નામ દાઉદ ઇબ્રાહીમ.
તા.૨૫ જૂન ૧૯૯૪ના રોજ ૬૮ વર્ષની વયે તેનું અવસાન થયું.
હાજી મસ્તાન એક કુખ્યાત દાણચોર હોવા છતાં તેણે મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાની કોશિશ કદી કરી નહીં. કહેવાય છે કે હાજી મસ્તાન દાણોચોર હોવા છતાં પણ કોઈનેય મારી નાંખવાનો ઓર્ડર તેની ગેંગને કદી કર્યો નહોતો. ના એણે કોઈને ગોળી મારી કે ના તો એ એણે બોમ્બ વિસ્ફોટ કરાવ્યા. પાછલી વયમાં તેણે દાણચોરીને તિલાંજલી આપી દીધી હતી.
દેવેન્દ્ર પટેલ




