કહેવાય છે કે હિન્દી ફિલ્મો દ્વારા જ હિન્દી ભાષાનો સૌથી વધુ પ્રચાર થયો છે. દેશમાં અનેક ભાષાઓ છે પરંતુ દેશનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં હિન્દી ફિલ્મોના ગીતો લોકજીભે ના હોય. હિન્દી ફિલ્મોએ માત્ર સદા બહાર ગીતો જ નથી આપ્યાં પરંતુ હિન્દી ફિલ્મોમાં પ્રસ્તુત ગીતો શ્રોષ્ઠ સાહિત્યની અનુભૂતિ પણ કરાવે છે. સાહિર લુધિયાનવીએ ફિલ્મ ‘ચિત્રલેખા’ માટે લખેલું ગીત- ‘મન રે તુ કહે ના ધીરે ધીરે’ શ્રોષ્ઠ કાવ્ય જ નહીં પણ શ્રોષ્ઠ જીવનદર્શન પણ છે. પરંતુ આજે વાત કરવી છે હિન્દી ફિલ્મોના કેટલાક શ્રોષ્ઠ સંગીતકારોની. હિન્દી ફિલ્મોના ગીતો અને સંગીતકારો વિશે ઊંડું ઊંડું અદ્યયન કરનાર ડૉ. પદ્મનાથ જોશીએ ગુજરાતી ભાષામાં ‘હિન્દી ફિલ્મજગતના સદાબહાર સંગીતકારો’ નામનું દળદાળ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક સ્વયં એક મહાનિબંધ છે. હિન્દી ફિલ્મ જગતને નજીકથી જોનાર ડૉ.પદ્મનાથ જાશીએ ગુલામ હૈદર, સરસ્વતી દેવી, અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર, વસંત દેસાઈ, રોશન, હુશ્નલાલ-ભગતરામ, ખેમચંદ, પ્રકાશ, સજ્જાદ હુસૈન, પંકજ મલિક, એસ.એન.ત્રિપાઠી, ગુલામ મોહમ્મદ, ચિત્રગુપ્ત, ખૈયામ, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રાજેશ રોશન, રાહુલ દેવ બર્મન, એ.આર. રહેમાન, બપ્પી લહેરીથી માંડીને નદીમ-શ્રાવણ જેવા સંગીતકારો વિશે વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખિત કરી છે. તેઓ ગીતકાર શૈલેન્દ્રથી માંડીને શંકર જયકીશનને પણ રૂબરૂ મળી ચૂક્યા છે.
ડૉ. પદ્મનાથ જોશીએ લખેલા આ પુસ્તકમાં અનેક સંગીતકારોની વાત છે. પરંતુ તેમણે આલેખેલું હિન્દી ફિલ્મ જગતના પ્રથમ મહિલા સંગીતકાર ‘સરસ્વતી દેવી’નું વિસ્તૃત વર્ણન તેમના જ શબ્દોમાં સહ પ્રસ્તુત છે ઃ’ હિન્દી ફ્લ્મિઉદ્યોગના ઉત્કર્ષમાં બૉમ્બે ટોકીઝનું પ્રદાન મહત્ત્વનું હતું. જેના સ્થાપક હિમાંશુ રોયે એમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ફિલ્મજગતને અશોકકુમાર, દિલીપકુમાર, નરેન્દ્ર શર્મા તથા પ્રદીપ જેવી પ્રતિભાઓનો પરિચય કરાવ્યો હતો. એમાં એક પ્રતિભા છે પ્રથમ સ્ત્રી-સંગીતકાર સરસ્વતી દેવી જેઓએ બૉમ્બે ટોકીઝની સફળતામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. ૧૯૧૨માં જન્મેલા આ પારસી મહિલાનું સાચું નામ તો ખુર્શીદ મિનોચર હોમજી હતું. તેઓના પિતા જાણીતા ઉદ્યોગપતિ હતા.
ખુર્શીદને સંગીતમાં ઊંડો રસ હોવાથી પિતાએ તેને ધ્રુપદ અને ધમારના નિષ્ણાત સંગીતગુરુ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસે સંગીતનો અભ્યાસ કરાવ્યો. ત્યાર બાદ મૅટ્રિક પાસ કરીને લખનૌની લૉર્ડ મૈરિસ કૉલેજમાં ખુર્શીદ ઉર્ફે સરસ્વતી દેવીએ સંગીતનો અભ્યાસ કર્યો તથા ધ્રુપદ ગાયનમાં ખાસ તાલીમ લીધી. પછી ત્યાં જ શિક્ષક તરીકે કામ કર્યું.
૧૯૨૦ના દસકાના અંતમાં મુંબઈમાં રેડિયો સ્ટેશન સ્થપાયું. ખુર્શીદ અને તેની બહેન માણેક દર મહિને રેડિયોમાં સંગીતનો કાર્યક્રમ આપતાં. તેઓનાં ગીતોમાં સિતાર, દિલરૂબા અને ઓર્ગન જેવાં વાદ્યોનો ઉપયોગ થતો. હોમજી સિસ્ટર્સ નામનો આ કાર્યક્રમ શ્રાોતાઓમાં ખૂબ લોકપ્રિય હતો. હિમાંશુ રોયે તેમની ફિલ્મો માટે શાસ્ત્રીય સંગીતના જાણકારની શોધમાં હતા. તેમણે હોમજી સિસ્ટર્સ કાર્યક્રમ સાંભળ્યો, જે તેમને પસંદ પડયો આથી તેમણે ખુર્શીદને મળવા બોલાવ્યા અને બૉમ્બે ટૉકીઝનો સંગીતખંડ બતાવ્યો. હિમાંશુ રૉયએ ખુર્શીદ ઉર્ફે સરસ્વતી દેવીને બૉમ્બે ટૉકીઝનો સંગીતવિભાગ સંભાળવા અને તેઓની ફિલ્મોમાં સંગીત આપવા વિનંતી કરી, જે ખુર્શીદે પડકાર રૂપે સ્વીકારી. તેની બહેન માણેકને ફિલ્મોમાં અભિનયનું કામ મળ્યું. હિમાંશુ રૉયના અતિ આગ્રહને વશ થઈને ખુર્શીદ ફિલ્મમાં સંગીત આપવા તૈયાર થયા. હિમાંશુ રૉયે બંને બહેનોના નામ બદલાવી અનુક્રમે સરસ્વતી દેવી તથા ચંદ્રપ્રભા રાખ્યા.
સરસ્વતી દેવીની સંગીત નિર્દેશિકા તરીકે પ્રથમ ફિલ્મ હતી બૉમ્બે ટૉકીઝની ‘જવાની કી હવા’ (૧૯૩૫) જેમાં અભિનેત્રી તરીકે હિમાંશુ રૉયનાં પત્ની દેવિકા રાની અને નઝમુલ હુસૈન હતાં. આ બન્ને ગાયક નહોતાં. હજુ ર્પાૃગાયનની શરૂઆત થઈ ન હોવાથી સરસ્વતી દેવીને ખૂબ સહેલાં ગીતો તૈયાર કરવાં પડયાં અને વાદ્યોનો વધુ ઉપયોગ કરવો પડયો હતો. આ ફિલ્મની ફક્ત એક જ રેકર્ડ બહાર પડી હતી અને તે પણ વાદ્યોની હતી. આ ફિલ્મનું ‘ગીત સખી રી મોહે પ્રેમ કો સાર બતા દે’ ઘણું લોકપ્રિય થયું હતું.
હિન્દી ફિલ્મમાં ર્પાૃગાયનની શરૂઆત સરસ્વતી દેવીએ કરી હતી. બૉમ્બે ટૉકીઝની ફિલ્મ ‘જવાની કી હવા’માં પોતાની બહેન ચન્દ્રપ્રભાએ ગાવાનું ગીત તેનું ગળું ખરાબ થઈ જતાં તેમને માત્ર હોઠ ફફડાવવાનું કહી તે ગીત પોતે ગાયું હતું. ૧૯૩૬માં આ સંસ્થાએ ફિલ્મ ‘મમતા’, ‘જીવન નૈયા’, ‘જન્મભૂમિ,’ ‘અછૂતકન્યા’ જેવી ફિલ્મો આપી. ફિલ્મ અછૂતકન્યામાં હિમાંશુ રોયએ બૉમ્બે ટૉકીઝના લેબોરેટરી ટેક્નિશિયન અશોકકુમારને તેમની ઇચ્છાવિરુદ્ધ જઈને ફિલ્મમાં અભિનય આપવા ફરજ પાડી. ‘અછૂત કન્યા’ ફિલ્મમાં અશોકકુમાર તથા દેવિકા રાનીએ ગાયેલાં ગીતો અતિશય લોકપ્રિય બન્યાં. ‘કિસે કરતા હૈ મૂરખ પ્યાર’ (અશોકકુમાર), ‘ઊડી હવા મેં જાતી હૈ રાની’ અને યુગલગીત ‘મૈં ચીડિયા બન કે બન બન ડોલ રે’ (અશોકકુમાર. દેવિકા રાની) રાગ પીલૂ પર આધારિત આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. ફિલ્મ ‘ઇજ્જત’નાં ગીતો લોકોએ પસંદ કર્યાં હતાં. અશોકકુમાર તથા દેવિકા રાનીએ ગાયેલાં બે યુગલગીતો ‘મતવાલે’ ‘નયનો વાલી’ તથા ‘મરને દે મોહે’ અને દેવિકા રાનીના અવાજમાં બે ગીતો નગરી લાગે ‘સૂની સૂની તથા કિધર જાઓગે કન્હૈયા’ આ ચારેય ગીતો કશ્યપનાં લખેલાં હતાં.
દેવિકા રાની, કિશોર સાહૂ અને પૃથ્વીરાજને રજૂ કરતી ફિલ્મ ‘જીવન પ્રભાત’નાં બન્ને ગીતો ‘ચાંદની કા પલના, ઝૂલે ચંદા સા લલના’ (દેવિકા રાની), ‘તુમ મેરી તુમ મેરે સાજન’ (દેવિકા રાની, કિશોરસાહૂ) સુંદર ગીતો હતાં.
૧૯૩૭માં અન્ય ત્રણ ફિલ્મો પ્રેમ કહાની, સાવિત્રી અને ભાભી રજૂ થઈ. ફિલ્મ ભાભીનું રેણુકા દેવીનું ગાયેલું ગીત ‘નન્હી-નન્હી બુંદિયાં મેહરા બરસે’ ઘણું જ લોકપ્રિય થયું હતું. ફિલ્મ નિર્મલા (૧૯૩૮)માં દેવિકા રાની તથા સાથીઓએ ગાયેલું એક સંદેશાત્મક ગીત ‘દુઃખ સુખ સે હૈ જિનકા નાતા, જીવન એક સંગ્રામ’ અને દેવિકા રાની તથા અશોકકુમારના અવાજમાં યુગલગીત ‘તુમ ઔર મૈં ઔર મુન્ના પ્યારા’ લોકપ્રિય થયાં હતાં. સરસ્વતી દેવીના ગીત-સંગીત શ્રાોતાઓના માનસપટ ઉપર છવાઈ જતાં અને જાણે શ્રાોતાઓને તેઓના ગીતોનો નશો ચઢતો હતો. ફિલ્મ ‘દુર્ગા’માં દેવિકા રાનીનું ગાયેલું ‘અંધેરી પાર હૈ લાજોં કે હાથ હૈ’ ઘણી જ સુંદર રચના હતી.
કવિ પ્રદીપે ફિલ્મ કંગનમાં ચાર ગીતો લખીને ૧૯૩૯માં ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો. ગીત-સંગીતની દૃષ્ટિએ આ સફળ ફિલ્મ રહી. આ ફિલ્મમાં સરસ્વતી દેવી તથા રામચન્દ્ર પાલે સંગીતની જવાબદારી સંભાળી હતી. લીલા ચિટનીસે ગાયેલાં અને પ્રદીપના લખેલાં ગીતો ‘સૂની પડી રે સિતાર મૈં તો આરતી ઉતારું ઘનશ્યામ કી’ તથા ‘તુમ ધીરે ધીરે બહો મેરે આતે હોંગે ચિતચોર’ ઘણાં જ લોકપ્રિય થયાં. ‘રાધા રાધા પ્રેમ અગાધા કિસને હમ આઝાદ પરિન્દો કો બંધન મેં બાંધા’ ગીતે તો લોકપ્રિયતાનો વિક્રમ સ્થાપ્યો હતો. ફિલ્મ ‘વચન’, ‘નવજીવન’ અને ‘આઝાદ’માં પણ સરસ્વતી દેવીનું સંગીત ઘણું જ સફળ રહ્યું હતું.
સરસ્વતી દેવીએ તૈયાર કરેલી ધૂનો ફક્ત ભારતમાં જ, પરંતુ ઈંગ્લૅન્ડમાં પણ લોકપ્રિય થઈ હતી. બી.બી.સી.એ તેઓની ફિલ્મ જન્મભૂમિના પ્રખ્યાત સમૂહગીત ‘જય જય પ્યારી જન્મભૂમિ માતાની’ ધૂનને તેની ઇન્ડિયન ન્યૂઝ સર્વિસનો સિગ્નેચર ટયૂન બનાવ્યો છે.
બાદમાં સરસ્વતી દેવીએ મિનર્વા મૂવીટૉનની ૬ ફિલ્મોમાં સ્વતંત્ર રીતે અને અન્યોની સાથે સંગીત આપ્યું. ૧૯૪૫માં ફિલ્મ ‘આમ્રપાલી’માં અમીરબાઈ કર્ણાટકીના અવાજમાં સુંદર ગીતો આપ્યાં. ૧૯૪૯માં તેઓની છેલ્લી લોકપ્રિય સંગીતની ફિલ્મ ‘ઉષા હરણ’માં ૧૨ ગીતો હતાં જેમાં બે ગીતો લતા મંગેશકરના અવાજમાં હતાં.
સરસ્વતી દેવી અને તેમની મોટી બહેન માણેકે લગ્ન કર્યાં નહોતાં. હિન્દી ફિલ્મના પ્રથમ મહિલા સંગીત નિર્દેશિકા કુ. ખુર્શીદ મિનોચર હોમજી યાને સરસ્વતી દેવીનું મુંબઈમાં તા. ૧૦ ઓગસ્ટ ૧૯૮૦ના દિવસે ૬૮ વર્ષની વયે અવસાન થયું હતું. બસમાં મુસાફરી કરતી વખતે પડી જવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. મૃત્યુ સમયે તેમની મોટી બહેન માણેક યાને ચન્દ્રપ્રભા હાજર હતી.
૧૯૪૫માં અમદાવાદમાં જન્મેલા આ પુસ્તકના લેખક ડૉ. પદ્મનાથ જોશીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલ, મુંબઈ અને અમદાવાદમાં લીધું હતું. ૧૯૬૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજ દ્વારા અર્થશાસ્ત્રના વિષયમાં બી.એ. કર્યું અને ૧૯૬૮માં રાજ્ય શાસ્ત્રના વિષયમાં એમ.એ. કર્યું હતું. તે પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાં મૅનેજમેન્ટના વિષયમાં સંશોધન કર્યું. ૧૯૭૩થી ૧૯૭૬ સુધી ઇસરોમાં ઉપગ્રહ શૈક્ષણિક દૂરદર્શન પ્રયોગમાં સંદેશાવ્યવહાર વિષયકમાં સંશોધન કર્યું. ડૉ. વિક્રમ સારાભાઈએ સ્થાપેલી અનેક સંસ્થાઓમાં એમણે પૂરા પાડેલા નેતૃત્વ વિષયક અભ્યાસ કરી ૧૯૬૭માં ડૉ. વિક્રમ સારાભાઈ ઃ અ સ્ટડી ઓન ઇનોવેટિવ લીડરશિપ એન્ડ ઇન્સ્ટિટયૂટ બિલ્ડિંગ વિષય પર પીએચ.ડી. કર્યું હતું. તેઓ એક બહુશ્રાુત અભ્યાસુ અને વિદ્વાન છે.



