Close

હું ફ્રી ગર્લ છું, ક્યાં જાઉં છું તે તમારે મને પૂછવાનું નહીં

કભી કભી | Comments Off on હું ફ્રી ગર્લ છું, ક્યાં જાઉં છું તે તમારે મને પૂછવાનું નહીં

 

free girlલંડન.

અહીં વેમ્બલી ખાતે મોટે ભાગે ગુજરાતીઓ રહે છે. આ વિસ્તારમાં મૂળ નાઈરોબીથી આવીને વસેલા ઘનશ્યામ સુંદરલાલ અમીન તેમનાં પત્ની સુનંદા સાથે રહેતા હતા. તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. નિવૃત્ત થતા અગાઉ તેઓ લંડનથી અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં ટ્રેનના ચાલક તરીકે નોકરી કરતા હતા. નિવૃત્તિ પછી તેમને સોશિયલ સિક્યોરિટી સ્કીમ હેઠળ સારા પૈસા મળતા હતા. તેમની પોતાની બચત પણ હતી. મુશ્કેલી એક જ હતી કે તેઓે નિઃસંતાન હતા. ખોળાના ખૂંદનારની ખોટ હતી. આ કારણે તેમને એકલતાનું દુઃખ હતું.

કોઈએ એમને સલાહ આપી કે બાળક દત્તક લઈ લો. બ્રિટનમાં બાળક દત્તક લેવું એ અઘરું છે અને તે પણ કોઈ ભારતીય પરિવાર માટે તો વધારે અઘરું છે.

ઘનશ્યામભાઈના પરિવારે કોઈકની સલાહથી કોલકાતાની એક સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક સાધ્યો. એ સંસ્થાએ એક અનાથ આશ્રમનો સંપર્ક કરાવી આપ્યો. અનાથાશ્રમે પરિવારને કોલકાતા આવવા આમંત્રણ આપ્યું. ઘનશ્યામભાઈ અને તેમના પત્ની- બેઉ કોલકાતા આવ્યા. તેમને સુચિત્રા નામની એક છોકરી ગમી ગઈ. તે પંદર વર્ષની હતી. જન્મે બંગાળી હતી અને માત્ર બંગાળી તથા હિંદી જ બોલતી હતી. સાવ ભોળી અને રૂપાળી મુગ્ધા હતી. પરિવારે સુચિત્રાને પસંદ કરી. સુચિત્રા પણ તેમની સાથે લંડન જવા તૈયાર થઈ.ળઘનશ્યામભાઈના પરિવારે સુચિત્રાને દત્તક લેવાની તમામ કાનૂની વિધિ પતાવી. સુચિત્રાને યુ.કે.ના વિઝા અપાવવામાં અનેક મુશ્કેલીઓ પડી. અનેક પ્રકારના પ્રમાણપત્રો રજૂ કરવા પડયા. છેક છ મહિના બાદ સુચિત્રાને વિઝા મળ્યા.

સુચિત્રા હવે લંડન પહોંચી.

એના માટે બધું જ નવું નવું હતું. દેશ નવો, દુનિયા નવી, ભાષા નવી, લોકો નવા, બધું જ નવું પણ તેને એક સ્કૂલમાં દાખલ કરવામાં આવી. એણે થોડાક જ સમયમાં અંગ્રેજી ભાષા શીખી લીધી. વળી તે ગોરી હતી. નાની હતી. તે ઝડપથી ગોરા બાળકો સાથે ભળી ગઈ. સ્કૂલમાં ઘણાં ગુજરાતી, પંજાબી અને બાંગલાદેશથી આવેલા પરિવારોના બાળકો પણ ભણતા હતા.

સુચિત્રા હવે મોટી થવા લાગી. તે એકલી લંડનની અંડરગ્રાઉન્ડમાં મુસાફરી કરી શકતી. એકલી છેક પિકાડાલી સુધી જઈ શકતી. તે ભણવામાં પણ હોશિયાર હતી. સુચિત્રાને દત્તક લેનાર ઘનશ્યામભાઈ અને તેમના પત્ની સુનંદા પણ ખુશ હતા. રજાના દિવસે કોઈ વાર તેઓ સુચિત્રાને મેડમ તુષાડ્સ મ્યુઝિયમ જોવા લઈ જતાં. તો કોઈ વાર તેને હાઈડ પાર્ક લઈ જતાં. મિત્રોના ઘેર પાર્ટીઓમાં પણ તેઓે સુચિત્રાને હંમેશા સાથે જ રાખતાં. સુચિત્રા સુનંદાબહેનને ‘મમ્મી’ કહેતી ત્યારે તેઓ ખુશ થઈ જતાં. તેમને એમ જ લાગતું કે સુચિત્રા તેમની જ દીકરી છે.

હજુ તે સ્કૂલમાં જ હતી. કોઈવાર તેની સખીના ઘેર રાત્રે રોકાઈ જતી. સમય વીતતાં તે દર શનિવારે તેની સખીના ઘેર રાત રોકાવાનો આગ્રહ રાખવા માંડી. હજુ તે ૧૭ વર્ષની જ હતી. એક દિવસ સુનંદાબહેનને ખબર પડી કે સુચિત્રા એની જે બહેનપણીના ઘેર રોકાવાનું કહીને ગઈ હતી પરંતુ તે રાત્રે તે તેની બહેનપણીના ઘેર ગઈ જ નહોતી. કડકાઈથી પૂછપરછ કરી તો સુચિત્રા ખીજાઈ ગઈ. એણે કહી દીધું: ”ધીસ ઈઝ નન ઓફ યોર બિઝનેસ.”

ઘનશ્યામભાઈ અને સુનંદાબહેનને આઘાત લાગ્યો. થોડા દિવસ પછી એક બીજી ઘટના ઘટી. સ્કૂલમાંથી ફોન આવ્યો કે સુચિત્રા ઘણી વાર સ્કૂલમાં આવતી નથી. ઘનશ્યામભાઈ અને સુનંદાબહેને ફરી સુચિત્રાને પૂછયું તો તેણે ઉડાઉ જવાબ આપ્યો તેમણે સ્કૂલમાં જઈ સુચિત્રાની બહેનપણીઓની પૂછપરછ કરી તો ખબર પડી કે સુચિત્રા સુખબીર નામના એક પંજાબી છોકરા સાથે ફરે છે. ચાલુ સ્કૂલ છોડી તેની સાથે બહાર ચાલી જાય છે. ઘનશ્યામભાઈએ એ સાંજે સુચિત્રાને પૂછયું: ‘અમને ખબર પડી છે કે તું સુખબીર નામના કોઈ છોકરા સાથે ફર્યા કરે છે એ સાચંુ છે ?”

સુચિત્રાએ કહ્યું: ‘આઈ એમ અ ફ્રી ગર્લ. હું ક્યાં જાઉં છું અને બહાર જઈ શું કરું છું તે તમારે પૂછવાનું નહીં.’

સુનંદાબેને કહ્યુે: ‘પણ બેટા, તું અમારી દીકરી છે. અમને ચિંતા થાય છે. તું હજી ૧૭ વર્ષની જ છે.’

સુચિત્રાએ કહ્યું: ‘યુ આર નોટ માય બાયોલોજિકલ મધર. આઈ એમ યોર એડોપ્ટેડ ગર્લ. તમે તમારા સ્વાર્થ માટે મને દત્તક લીધેલી છે. હું તમારી કૂખે જન્મેલી નથી. મારી પણ તમારા અધિકારો મર્યાદિત છે સમજ્યા ?’

‘એટલે ?’ : સુનંદાબેને પૂછયું.

‘આઈ એમ નોટ અ પાર્ટ ઓફ યોર બોડી. હું તમારા શરીરનો એક હિસ્સો નથી. મારા શરીર પર મારો જ અધિકાર છે ?’

સુચિત્રાની વાત સાંભળી ઘનશ્યામભાઈ ગુસ્સે થઈ ગયા. તેમણે સુચિત્રાને એક તમાચો ફટકારી દીધો.

સુચિત્રા બોલીઃ ‘ધીસ ઈઝ ફર્સ્ટ એન્ડ લાસ્ટ. હવે બીજી વાર તમે આવું કરશો તો હું પોલીસને બોલાવીશ.’

ઘનશ્યામભાઈએ કહ્યું: ‘હું જ પોલીસને જાણ કરીશ કે અમે દત્તક લીધેલી છોકરી ભણવાની ઉંમરે ખોટા કામ કરી રહી છે. તને સામાજિક કાઉન્સેલિંગમાં મોકલી દઈશું. એ પછી પણ નહીં સુધરે તો તને ઈન્ડિયા પાછી મોકલી દઈશું.’

ઈન્ડિયા પાછા જવાની વાત સાંભળીને સુચિત્રા વિચારમાં પડી ગઈ. એ ચૂપ થઈ ગઈ, ચૂપ થઈને તે તેના બેડરૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે ઊઠીને તેણે મમ્મી-પપ્પાને ‘સોરી’ કહ્યું. ઘનશ્યામભાઈને અને સુનંદાબેનને શાંતિ થઈ. સુનંદાબહેને કહ્યું: ‘જા બેટા, આ તારી ભણવાની ઉંમર છે, તું સારી રીતેે ભણ. ભણી લીધા બાદ તારે હજુ કારકિર્દી બનાવવાની છે. તું હજી ટીનએજ છે. ગમે તેવા છોકરા સાથે ના રખડાય.’

સુચિત્રાએ નત્ મસ્તકે કહ્યું: ‘મમ્મી, એ ભૂલ ફરી નહીં કરું.’

અને તે ફરી નિયમિત રીતે સ્કૂલમાં જવા લાગી. સ્કૂલમાં પણ નિયમિત હાજરી આપવા લાગી. સુચિત્રા સ્કૂલમાં હાજરી આપતી નથી તેવી ફરિયાદો પણ બંધ થઈ ગઈ. ઘનશ્યામભાઈએ આડકતરી રીતે તપાસ કરી તો તેમાં પણ માલૂમ પડયું કે સુચિત્રા સ્કૂલમાં નિયમિત હાજરી આપે છે.

આ વાતને કેટલોક સમય વીત્યો.

એક દિવસ વેમ્બલીના જે વિસ્તારમાં ઘનશ્યામભાઈ અને સુનંદાબહેન રહેતા હતા તે વિસ્તારના પડોશીઓએ પોલીસને ફરિયાદ કરી કે અમારી બાજુના ઘરમાંથી દુર્ગંધ આવે છે. તાબડતોબ પોલીસ આવી ગઈ. ઘરનું બારણું બંધ હતું પરંતુ અંદરથી સ્ટોપર મારેલી નહોતી. પોલીસે બારણાને ધક્કો માર્યો અને બારણું ખુલી ગયું. તેમણે અંદર જઈને જોયું તો બેડરૂમમાં ઘનશ્યામભાઈ અને તેમના પત્ની સુનંદાબેનની લાશો પડેલી હતી. બંને મૃત્યુ પામેલા હતા. પડોશીઓને પૂછતાં ખબર પડી કે તેમની સાથે તેમની દત્તક લીધેલી એક પુત્રી પણ રહેતી હતી. જે અત્યારે ઘરમાં નહોતી.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. તેમની દત્તક દીકરી ગુમ હતી. કેટલાક દિવસથી તે સ્કૂલમાં પણ જતી નહોતી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પતિ- પત્નીનું મોત નીપજાવતા પહેલાં ખોરાકમાં તેમને ઘેનની ગોળીઓ આપવામાં આવી હતી અને ત્યાર બાદ ઘનશ્યામભાઈનું મોત ચાકુના ઘાથી નીપજાવવામાં આવ્યું છે અને સુનંદાબહેનનું મોત મોં પર ઓશીકું દબાવીને નીપજાવવામાં આવ્યું છે.

પોલીસને પહેલો શક મરનારની દત્તક પુત્રી સુચિત્રા પર જ હતો. તેમણે ઘનશ્યામભાઈના, અને સુચિત્રાના મોબાઈલ કોલ રેકોર્ડ ચકાસ્યા. બેજ દિવસમાં તેઓ સુચિત્રાના બોય ફ્રેન્ડ સુખબીર સુધી પહોંચી ગયા. સુખબીર એકલો તેની વિધવા મા સાથે રહેતો હતો. સુચિત્રા પણ એના ઘેરથી જ પકડાઈ. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં સુચિત્રા અને સુખબીરે કબૂલ કરી લીધું: ‘હા, તેઓ અમારા પ્રેમના વિરોધી હોઈ અમે જ તેમની હત્યા કરી છે.’

સુચિત્રાએ કહ્યું: ‘એ રાત્રે મેં જ મારા પાલક માતા-પિતાના ખોરાકમાં ઘેનની ગોળીઓ નાંખી દીધી હતી. જેથી કરી તેઓ જાગી ના જાય. તેઓ ઘસઘસાટ ઊંઘી ગયા. પછી મેં સુખબીરને બોલાવી લીધો હતો. એ પછી મારી પાલક માતા સુનંદાબહેનના મોં પર ઓશીકું દબાવી તેમના શ્વાસ રુંધાવી દીધા હતા. સુનંદાબહેન ધમપછાડા કરતાં હોઈ મારા પાલક પિતા ઘનશ્યામભાઈ જાગી ગયા હતા. સુખબીર ચાકુ લઈને જ આવ્યો હતો. એણે એમને ચાકુના ઘા મારી દીધા અને અમે ભાગી ગયા.’

પોલીસ સ્તબ્ધ થઈ. બંનેની ધરપકડ કરવામાં આવી. અલબત્ત, સુચિત્રા હજુ સગીર હોવા છતાં તબીબી તપાસમાં તે સગર્ભા હોવાનું જણાયું.

દત્તક લેતા પહેલાં સો વાર વિચારવું પડે તેવો આ કિસ્સો છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!