એનું નામ કાન્દ્રી છે.
તેનો જન્મ ઝારખંડના એક અંતરિયાળ ગામમાં થયો હતો. ચારે બાજુ દુર્ગમ જંગલની ભીતર એના ગામમાં મોટા ભાગે ગરીબોની વસ્તી છે. અહીં સરકારની કોઈ જ સહાય પહોંચતી ના હોઈ માઓવાદીઓનો આ ગામ પર કબજો હતો. માઓવાદીઓ આ ગામમાં જ રાત્રે છૂપાતા અને દિવસે બહાર ચાલ્યા જતા. આ વિસ્તારમાં માઓ કોઓર્ડિનેશન કમિટી પણ હતી.
નાનકડી કાન્દ્રીને લશ્કરી પોષાકવાળા અને હાથમાં બંદૂકવાળા યુવાન માઓવાદીઓ બહુ જ ગમતા હતા. તેને લાગતું હતું કે આ લોકો સારું કામ કરે છે. એ વખતે કાન્દ્રી માત્ર પંદર વર્ષની જ હતી. એને એક માઓવાદી યુવાન ગમવા લાગ્યો હતો. એક દિવસ મોડી રાત સુધી કાન્દ્રી ઘેર આવી નહીં. આખી રાત તેના માતા-પિતાએ તપાસ ચલાવી પણ કાન્દ્રી મળી નહીં.
છેક ત્રણ-ચાર દિવસ પછી તે ઘેર પાછી આવી ત્યારે તે બદલાઈ ગયેલી હતી. તે માઓવાદની વાત કરવા લાગી. શાયદ તે હવે કુંવારિકા પણ રહી નહોતી.
કાન્દ્રીના માતાપિતાને ખ્યાલ આવી ગયો કે દીકરી તેની ઉંમર કરતાં સહેજ વહેલી યુવાનીમાં ડગ માંડી રહી છે. તેમણે કાન્દ્રી માટે યોગ્ય વરની શોધ શરૂ કરી દીધી.
કાન્દ્રીને આ વાતની ખબર પડતાં જ તે ફરી ભાગી ગઈ. તે સીધી જ માઓવાદીઓની કમિટીની સભ્ય બની ગઈ. હવે તે તેના માઓવાદી સાથીઓની સાથે ઓરિસ્સાના જંગલોમાં ચાલી ગઈ. અહીં તેણે માઓવાદી પોષાક પણ પહેરી લીધો. માઓવાદીઓએ કાન્દ્રીને લશ્કરી તાલીમ આપવાની શરૂઆત કરી. રોજ સવારે વહેલા ઊઠવાનું. દોડવાનું. કસરત કરવાની, બંદૂક ચલાવતાં શીખવાનું. બોમ્બ ફોડતાં શીખવાનું. સુરંગો બિછાવતાં શીખવાનું. બપોરે નક્સલવાદીઓ માટે રસોઈ બનાવવાની. વાસણો ધોવાના અને રાત્રે કોઈના હમ બિસ્તર બનવાનું. કાન્દ્રી હજી પંદર વર્ષની હતી. તે થાકી જતી. માઓવાદી બનવાનો તેનો અભરખો હવે પૂરો થઈ ગયો હતો. તેને લાગ્યું કે આમ જંગલમાં ભટક્યા કરતાં ગામની જિંદગી સારી હતી. માઓવાદીઓએ તેને નાની ઉંમરમાં સ્ત્રી બનાવી દીધી હતી. વળી તાલીમ દરમિયાન ભૂલ થાય તો શિક્ષા સહન કરવાની. તેનાથી આ બધું સહન થતું નહોતું.
એક વાર તે નાઇટ ડયૂટી પર હતી.
બધા નક્સલવાદીઓ ઊંઘી ગયા હતા. તે સંત્રી પહેરો કરી રહી હતી. એ દરમિયાન જ એ તે ભાગી છૂટી. જંગલોના રસ્તાથી તો એ પરિચિત હતી. રખડતી રખડતી તે પોતાના ગામ આવી.
કાન્દ્રીના માતા-પિતા દીકરીને પાછી આવેલી જોઈ રાજી થઈ ગયાં. તેઓ એને લડયાં જ નહીં. એમણે બીજા જ દિવસે કાન્દ્રી માટે અગાઉથી શોધી રાખેલા છોકરાના માતા-પિતાનો સંપર્ક સાધ્યો. છોકરાનું નામ શંકર હતું. અને ઓરિસ્સાના બોન્દામુન્ડા ગામનો રહેવાસી હતો.
કાન્દ્રી અને શંકરને ઉતાવળે ઉતાવળે પરણાવી દેવાયા. કાન્દ્રી હવે તેના પતિના ઘેર રહેવા ગઈ. શંકરને તેની પત્નીના નક્સલવાદીના ભૂતકાળ વિશે કોઈ જ માહિતી નહોતી. બેઉ સુખેથી રહેવા લાગ્યાં.
આ વાતને કેટલાંક વર્ષો વીત્યાં.
એક વાર તે તેના પતિ સાથે રથયાત્રા જોવા ગઈ હતી અને પોલીસે અચાનક જ તેને પકડી લીધી. પોલીસ પાસે જે ખતરનાક નક્સલવાદીઓના જૂથની તલાશ હતી. તેમાં કાન્દ્રીની તસવીર પણ હતી. ધરપકડ થતાં જ કાન્દ્રી ગભરાઈ હતી.
કાન્દ્રીને પોલીસ થાણે લઈ જવામાં આવી. પોલીસે કડકાઈથી તેના નક્સલવાદીઓ સાથેના સંબંધ વિશે પૂછપરછ કરતાં તે ભાગી પડી.
કાન્દ્રી બધું ફટાફટ બોલી ગઈ ઃ ‘હા, હું માઓવાદી યુવાન તરફ આકર્ષાઈને નકસલવાદીઓ જોડે ભાગી ગઈ હતી. એ લોકોએ મને પણ નક્સલવાદી સૈનિકની તાલીમ આપવા માંડી હતી. રોજ સવારે ડ્રિલ કરાવતા હતા. હું હંમેશા મારી સાથે રાઇફલ રાખતી હતી. બુલેટ્સ પણ રાખતી.’
અને કાન્દ્રી ચૂપ થઈ ગઈ.
કાન્દ્રી બોલી ઃ ‘સાહેબ મને છોડી દો. મારું લગ્નજીવન તૂટી જશે.’
કાન્દ્રીની તપાસ કરી રહેલા ઓરિસ્સાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જેઠવાએ કહ્યું ઃ ‘બેટા, ડોન્ટવરી. તું નકસલવાદીઓ વિશેની બધી જ માહિતી આપ. તને કોઈ પરેશાન નહીં કરે. તારું લગ્નજીવન પણ તૂટવા નહીં દઈએ. એટલું જ નહીં પણ સરકાર તને નોકરી આપે તે માટે હું ભલામણ કરીશ.’
એ પછી કાન્દ્રીની હિંમત ખૂલી,. એણે નક્સલવાદીઓના ઠેકાણાં, તેમણે છૂપાવેલાં શસ્ત્રો અને તેના પ્લાન્સ વિશે બધી જ માહિતી પોલીસને આપી. કાન્દ્રીએ આજ સુધી એક પણ પોલીસ એન્કાઉન્ટરમાં ભાગ લીધોે નહોતો. તેથી તેના માથે કોઈ જ ગુનો બનતો નહોતો. નક્સલવાદીઓ વિશે માહિતી આપવા બદલ સરકારે તેને રૂ.૫૦ હજારની મદદ અને સરકારી આવાસ યોજના હેઠળ મકાન આપી તેનું પુનર્વસન કરવાની ખાતરી આપી હતી. નક્સલવાદીઓની શરણાગતિની યોજના હેઠળ આ વ્યવસ્થા છે. કાન્દ્રીને શરણાર્થી નક્સલવાદી ગણવામાં આવી.
એ પછી પોલીસે ફટાફટ ઓરિસ્સા અને ઝારખંડના જંગલોમાં ધોંસ વધારી દીધી. કેટલાક પકડાયા અને કેટલાક વધુ ઊંડાણવાળા વિસ્તારોમાં ચાલ્યા ગયા.
આ બધું તો પત્યું. પરંતુ તેના પતિને ખબર પડી કે ‘મારી પત્ની તો નક્સલવાદી છે’ એટલે એણે કાન્દ્રીને મારીને ઘરમાંથી કાઢી મૂકી. એ વખતે કાન્દ્રી સગર્ભા હતી. એ ફરી ઝારખંડમાં એનાં ગરીબ માતા-પિતાના ઘેર ચાલી ગઈ. ફરી એનાં માતા-પિતાએ કાન્દ્રીને સ્વીકારી લીધી. થોડા જ મહિનાઓ બાદ કાન્દ્રીએ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ‘કાન્હા’ પાડવામાં આવ્યું.
દીકરો મોટો થવા લાગ્યો.
માતા-પિતા ગરીબ હતા. ઘરમાં ખાવાનું હતું જ નહીં. તેને વિચાર આવ્યોે કે ‘ભૂખે મરવું તે કરતાં ફરી નક્સલવાદી બની જવું સારું.’ ભૂખમરાનો ભોગ બનેલી કાન્દ્રી પોલીસ અધિકારીઓ પાસે ગઈ. શરણાર્થી નક્સલવાદી તરીકે તેને ઘર, નોકરી અને રૂ. ૫૦ હજારની સહાય આપવાના વાયદાની યાદ અપાવી. પરંતુ પોલીસે રાબેતા મુજબનો જવાબ આપ્યો ઃ ‘તમારો કેસ આગળ ઉપર મોકલી આપ્યો છે.’
૨૧ વર્ષની કાન્દ્રી એક શરણાર્થી નક્સલવાદી છે અને સરકાર સહાય કરતી નથી એ વાતની મીડિયાને ખબર પડતાં કાન્દ્રીની કહાણી સ્થાનિક અખબારોમાં પ્રગટ થઈ. આ વાત કલેક્ટરના ધ્યાન પર આવતા ઓરિસ્સાના એ વખતના મુખ્યમંત્રી નવીન પટનાયક સુધી આ વાત પહોંચી. મીડિયાએ લખ્યું હતું કે, એક ગરીબ આદિવાસી કન્યા નક્સલવાદીઓનો સાથ છોડીને આવી છે અને હવે તેણે શસ્ત્રો ત્યજી દીધા છે તો તેને નક્કી કરાયેલી શરણાર્થી સહાય કેમ કરવામાં આવતી નથી? મુખ્યમંત્રી પટનાયકે આ વાતને ગંભીરતાથી લીધી. તેમણે તરત જ ઉચ્ચ અધિકારીઓને હુકમ કર્યો ઃ ‘જાવ… ગમે ત્યાંથી કાન્દ્રીને શોધી કાઢો અને નિયમ મુજબની તમામ સહાય કરો.’
બીજા જ દિવસે સરકારી અધિકારીઓનો કાફલો ઝારખંડના જંગલોમાં પહોંચી ગયો. ગરીબ આદિવાસી પરિવારનું ઘર શોધી કાઢયું. કાન્દ્રીને તત્કાલ રૂ. ૫૦ હજારની સહાય ચૂકવવામાં આવી અને ઓરિસ્સાની તે શરણાર્થી હોઈ તેને ઓરિસ્સામાં ઇન્દિરા આવાસ હેઠળ એક ઘર પણ આપવામાં આવ્યું.
ઓેરિસ્સાની એ વખતની નવીન પટનાયક સરકારે એક દિવસ કાન્દ્રીને સ્થાનિક પોલીસમાં ભરતી થવા નિમંત્રણ આપ્યું. કાન્દ્રીને તો સૈનિકની તાલીમ નક્સલવાદીઓએ આપી જ હતી. તેણે તરત જ હા પાડી. કાન્દ્રીની ઓરિસ્સા ટ્રાફિક હોમગાર્ડ તરીકે ભરતી કરવામાં આવી. તેને ખાખી રંગનો ગણવેશ પણ આપવામાં આવ્યો. કાન્દ્રીને હોમગાર્ડની નોકરી મળી છે. ઘર પણ મળ્યું છે અને મહિને રૂ.૩,૫૦૦ પગાર પણ મળે છે એ વાતની ખબર પડતાં તેનો પતિ શંકર પણ તેની પાસે આવી ગયો અને ભૂતકાળ ભૂલી બેઉ ફરી પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા.
એક જમાનાની માઓવાદી કાન્દ્રી હવે નક્સલવાદી લશ્કર ગણવેશના બદલે ખાખી ડ્રેસમાં સ્ટીલ સિટી તરીકે ઓળખાતા રૂરકેલાના એક ચાર રસ્તા પર ટ્રાફિકનું નિયમન કરે છે.
અલબત્ત તેણે નક્સલવાદીઓનું જૂથ છોડી દીધું હોઈ એ લોકો તેને ક્યારેક તો નિશાન બનાવશે જ તેવો ભય તેને સતત સતાવ્યા કરે છે. કાન્દ્રી કહે છે ઃ ‘હું મરી જઈશ, તો મારા બાળકનું શું થશે ?’
આ સવાલનો જવાબ કોઈ પાસે નથી.
– દેવેન્દ્ર પટેલ



