ઘણાં વર્ષો પહેલાં અમદાવાદમાં જન્મેલા આઠ વર્ષના બાળકે ૩૦ વર્ષની પરિણીતાને જોઇ કહ્યું હતું : “યે શાન્તા મેરી ઔરત હૈં.”
બાળકે, શાન્તા તેના પૂવર્જન્મની પત્ની હોવાનું જણાવી ઉત્તર પ્રદેશમાં તેના ઘરનું સરનામું અને સગાંવહાલાઓના નામો ઉચ્ચારી આશ્ચર્ય સર્જી દીધું હતું. બાળક કદી ઉત્તરપ્રદેશ ગયો જ નહોતો. આઠ વર્ષ પહેલાં જ શાંતાનો પતિ મૃત્યુ યુ.પી.માં પામ્યો હતો અને તેના પ્રથમ પતિનું નામ પણ તે બોલી ગયો હતો. શાંતા ફરી લગ્ન કરી મજૂરી કરવા
તેના પતિ સાથે અમદાવાદ આવી હતી. અગાઉ મૃત્યુ પામેલો તેનો પતિ અમદાવાદમાં પુનર્જન્મ પામ્યો હોવાના અખબારી અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો હતો.
ઓગસ્ટ, ૧૯૭૨માં રાજસ્થાનના પાલી જિલ્લાના સરધના ગામમાં પણ પુનર્જન્મનો એક કિસ્સો નોંધાયો હતો. રાધા નામની એક કન્યા તેના કપાળમાં કેટલાક ચિહ્નો સાથે જન્મી હતી. જે દિવસથી તે બોલતાં શીખી તે દિવસથી તેણે પહેલું વાક્ય એ ઉચ્ચાર્યું હતું કે, ‘હું રાધા નહીં પરંતુ સોહની છું. મારું ગામ ઝડાલી છે. (ઝડાલી પણ પાલી જિલ્લામાં જ આવેલું છે.) વાત એમ હતી કે ૧૯૭૧ના ડિસેમ્બર માસની કાતીલ ઠંડીમાં ૧૫ વર્ષની સોહની તેના મામાના ઘરે ગઇ હતી. એક દિવસ તે તેના મામાના ખેતરમાં ગઇ અને ઘાસ કાપવાના મશીન પર પડી જતાં તેના કપાળમાં ઘા થયો અને થોડી જ વારમાં ખૂબ લોહી વહી જતાં તે ખેતરમાં જ મૃત્યુ પામી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી સોહનીની મામીને સ્વપ્ન આવ્યું કે, ‘સોહની આપણા જ કોઇ સગાંના ઘરે પાછી આવી છે!
અને એ દિવસોમાં જ સોહનીની મામીની એક બહેન કે જે સરધના ગામમાં રહેતી હતી તેણે એક બાળકીને જન્મ આપ્યો. એનું નામ રાધા પાડવામાં આવ્યું. રાધા સહેજ બોલતાં શીખી ત્યારે તેણે કહ્યું ! ‘મારું નામ રાધા નહીં, સોહની છે.’ તે આમ બોલતી હતી ત્યાં સુધી તો બધાને ખબર પડી નહીં. પરંતુ એક દિવસ એની માએ જમતી વખતે તેને વધુ શાક આપવાની ના પાડી ત્યારે તે તેની કાલી કાલી ભાષામાં બોલી : તમે મને શાક નહીં આપો તો હું મારા ઘરે જતી રહીશ.
રાધાની આ વાત સાંભળી પહેલાં તો ઘરમાં બધા હસ્યાં : ‘તું તારા ઘરે જ છે, રાધા બીજા કયા ઘરે જઇશ?’
ત્યારે રાધા બોલી : ‘મારું ઘર ઝાલાડીમાં છે.’
‘ત્યાં તો તારી માસી રહે છે.’
‘ના. ત્યાં જ મારી મા રહે છે. એના ઘરની પાછળ કૂવો છે. ખેતરમાં પીપળાનું ઝાડ છે. પીપળાના ઝાડ નીચે એક મશીન છેઃ’ રાધા બોલતી રહી.
રાધાની મા તો વિચારમાં પડી ગઇ. રાધા કદી ઝલાડી ગઇ જ નહોતી. એણે કહેલી બધી વાતો સાચી હતી.
રાધા બોલી : ‘હું રાધા નહીં, સોહની છું. એક દિવસ હું મશીન પર પડી ગઇ અને મરી ગઇ.’
ઘરના તમામ સભ્યો રાધાની આ વાત સાંભળી આશ્ચર્ય ચકિત થઇ ગયાં. રાધા બોલી : “સોહની પહેલાં હું કામેડી એક પક્ષી હતી.’
અને થોડા દિવસમાં તો આખાયે પાલી જિલ્લામાં સોહનીના રાધા તરીકેના પુનર્જન્મની વાત ફેલાઇ ગઇ. કેટલાયે સંશોધકો પાલી જિલ્લાના સરધના ગામે પહોંચી ગયા અને રાધાના પુનર્જન્મના કિસ્સાનો અભ્યાસ કરવા લાગ્યા.
જ્યારથી માનવી સમજણો થયો ત્યારથી જ પુનર્જન્મની થિયરીને તે માનતો આવ્યો છે. મહાભારત અને રામાયણનાં તમામ મહત્ત્વપૂર્ણ પાત્રોની કોઇને કોઇ પુનર્જન્મની કથાઓ અને મહાકાવ્યોમાં મોજુદ છે. પ્રાચીન મિસરના ફેરોઝ-રાજાઓ પુનર્જન્મના માનતા હતા અને તેમના મૃતદેહના મમી બનાવી પિરામીડોમાં સાચવી રાખવાની વ્યવસ્થા કરાવતા હતા. ભારતમાં હિન્દુ ઉપરાંત બૌદ્ધ, જૈન અને શીખ એ ત્રણેય ધર્મો પુનર્જન્મમાં માને છે.
ઔરંગઝેબના શાસનમાં ૪૦મા વર્ષે બક્ર નામના એક ગામનો મુખી રાવત સુખારામ તેના દુશ્મનોના હાથે કોઇ ઝઘડા દરમિયાન માર્યો ગયો હતો. તેની પીઠ પર ઘા થયો હતો. અને બીજો ઘા તેના જમણા કાનની નીચેના ભાગમાં થયો હતો. આ ઘટનાના થોડા મહિના બાદ સુખારામના જમાઇના ઘરે એટલે કે તેની પુત્રીની કુખે એક પુત્ર જન્મ્યો હતો. તેનું નામ રામદાસ પાડવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે નાનકડાં બાળકની પીઠ પર કોઇ પુરાણા ઘાના નિશાન હતાં. બાળકના જમણા કાનની નીચે પણ નિશાન હતાં. બધાને ખબર હતી કે સુખારામ મરી ગયો ત્યારે તેના શરીરના આ જ ભાગો પર જ ઇજાઓ થઇ હતી. તે પછી રામદાસ જેવો બોલતો થયો તે દિવસથી જ તેના ગામ, તેના સગાંઓ અને તેના પૂર્વ જન્મની કેટલીયે હકીકતો બોલવા લાગ્યો હતો. આ સમાચાર આખા વિસ્તારમાં ફેલાઇ ગયા. આખીયે વાત બાદશાહ ઔરંગઝેબ સુધી પહોંચી. રામદાસને બાદશાહના દરબારમાં હાજર થવાનું ફરમાન વછૂટયું. બાદશાહે જાતે જ બાળક રામદાસને કેટલાક પ્રશ્નો પુછયા રામદાસે કહેલી વાતોની ચકાસણી કરવા બાદશાહે સૂચના આપી. રામદાસે પૂર્વજન્મ અંગે કહેલી વાતો સાચી નીકળી અને બાદશાહે સંતોષ વ્યક્ત કર્યો. આ ઘટના ૩૦૦ વર્ષ પુરાણી છે અને ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ઘટેલી આ ઘટનાનો ઉલ્લેખ મુનશી સૂબાન રાયે ‘ખુલાસા તારીખ’ નામના પુસ્તકમાં કર્યો છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પુનર્જન્મની માન્યતા હજ્જારો વર્ષ પુરાણી છે પરંતુ તેની વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ચકાસણીની શરૂઆત ૩૦૦ વર્ષ પહેલાં ઔરંગઝેબના શાસનથી જ થઇ. નવા જન્મેલા બાળકના શરીર પરના ઘા અને તે પછી બાળકે કહેલી વાતો- એ બેઉ મેળ ખાતાં હોઇ અહીંથી જ વિજ્ઞાનનો પ્રવેશ શરૂ થયો.
ઇન્દોર ખાતે આવેલા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રિઇન્કારનેશન એન્ડ સર્વાઇવલ રિસર્ચના ડાયરેકટર ડો. કીર્તિ સ્વરૂપ રાવત છેલ્લા ૪૦ વર્ષથી આવા પુનર્જન્મના કિસ્સાઓ પર સંશોધન કરી રહ્યા છે. તેમજ તેમના સંશોધનમાં તેમણે આખા દેશના કિસ્સાઓ હાથ પર લીધા છે. તેમણે ભારતભરમાં ૫૦૦ જેટલા પુનર્જન્મના કિસ્સાઓ નોંધ્યા છે. તેમાંથી ૨૫૦ જેટલા કિસ્સાઓનો તેમણે પોતે જ જાતઅભ્યાસ કર્યો છે. તેમણે કરેલા અભ્યાસમાં સુનિતા ખંડેલવાલનો કિસ્સો બેજોડ છે.
તા.૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૯ના રોજ રાજસ્થાનના લક્ષ્મણગઢ ગામમાં સુનિતાનો જન્મ થયો હતો. સુનિતાએ મોટી થતાં જ કહ્યું હતું કે, ‘હું સુનિતા નથી, પણ શકુન્તલા છું. મારું ઘર તો અહીંથી ૪૮૦ કિલોમીટર દૂર કોટામાં આવેલું છે! એ પછી સુનિતાએ તેના પૂર્વજન્મના સ્થળ, સગાંવહાલાંઓ, સરનામાં તેને અકસ્માત વખતે શરીરના જે જે ભાગો પર ઇજાઓ થઇ હતી તે બધાનં વર્ણન કર્યું. પરંતુ સુનિતાએ આ દાવો કર્યો કર્યો તે સાથે જ સંશોધકો તેની પાસે પહોંચી ગયા. પહેલા સુનિતાનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું. તે પછી તેણેકહેલી વાતોની ૪૮૦ કિલોમીટર દૂર આવેલા ગામ જઇ ચકાસણી કરવામાં આવી. સુનિતાએ આપેલી તમામ વિગતો સાચી ઠરી. સુનિતાના કિસ્સાનો સહુ પ્રથમ અભ્યાસ ડો. એચ.એન. બેનરજી કે જેઓ પેરાનોર્મલ ફિનોમેનન પર સંશોધન કરી રહ્યા હતા તેમણે કર્યો. તેમણે જ સુનિતાએ આપેલા સરનામાવાળા સ્થળે જઇ ચકાસણી કરી હતી. સુનિતા એક જ વિધાન કરતી હતી : “મને કોટા લઇ જાવ.” સુનિતા કોટા કદી ગઇ નહોતી. ડો. બેનરજીએ અનેકવાર સુનીતાની મુલાકાત લીધી હતી. દરેક વખતે સુનીતા પોતાને કોટા લઇ જવાની વાત કહેતી હતી. છેવટે ડો. બેનરજી સુનીતાને તેના માતા-પિતાની પરવાનગીથી કોટામાં રહેતા તેના પૂર્વજન્મના માતા-પિતા પાસે લઇ ગયા અને સુનિતાએ તેના માતા-પિતાને તેમના ઘર, સગાં-સંબંધીઓની એટલી બધી માહિતી આપી કે તેઓ પણ ચકિત થઇ ગયાં. સુનીતાને એક જૂની તસવીર બતાવવામાં આવી. તે તેની માતા અને ભાઇ સિવાય બીજા તમામને ઓળખી ગઇ અને બધાના નામો બોલી ગઇ. તે ક્યાં પડી ગઇ હતી અને ક્યાં ઇજા થઇ મૃત્યુ પામી હતી તે ઘટના સ્થળ પણ તેણે દર્શાવ્યું. શકુન્તલાને પડી જવાથી કપાળના જે ભાગે વાગ્યુ હતું તેવું જ નિશાન સુનિતાના કપાળ પર હતું.
ડો. રાવતે પણ આ જ કેસનો ફરીથી ૧૯૮૬ અને ૧૯૯૭માં અભ્યાસ કર્યો. સુનીતાના ભાઇ રામબાબુ ખંડેલવાલે કહ્યું: “સુનિતા અને મૃત્યુ પામેલી શકુન્તલામાં ઘણું સામ્ય છે. હવે તો શકુન્તલાના માતા-પિતા સુનિતાને પણ પોતાની દીકરી જ સમજે છે. વાર તહેવારે તેને કોટા બોલાવે છે. શકુન્તલાને માતા-પિતાએ સુનિતા તેમને સોંપી દેવા અને બદલામાં ઘણા બધા રૂપિયા આપવાની ઓફર પણ કરી હતી પરંતુ ખંડેલવાલ પરિવારે વિનયપૂર્વક એ ઓફર નકારી કાઢતાં કહ્યું હતું : “તમે જ્યારે કહેશો ત્યારે અમે સુનિતાને તમારા ઘરે મોકલીશું. પરંતુ અમે સુનિતા કાયમ માટે સોંપી દઇ શકીએ નહીં.
આજનું વિજ્ઞાન પુનર્જન્મને સ્વીકારતું નથી પરંતુ જેઓ શ્રીમદ ભગવદગીતા કે બાઇબલને માને છે તેઓ પુનર્જન્મમાં અચૂક શ્રદ્ધા ધરાવે છે. પુનર્જન્મ હજુ પણ વધુ વૈજ્ઞાનિક ચકાસણીનો વિષય છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in



