વેલેન્ટાઈન પ્રેમનો દિવસ છે. વેલેન્ટાઈન તો આજના સમયે ઉત્સવ છે, પરંતુ આજે અહીં પાંચ હજાર વર્ષ પૂર્વે ઉદ્ભવેલી એક ઉત્કૃષ્ટ, આધ્યાત્મિક અને અતિ પાવન પ્રેમની કથા પ્રસ્તુત છે.
આ કથાનું સ્ત્રીપાત્ર છે રુક્મિણી અને તેના પ્રણયનું બીજું પાત્ર છે ભગવાન શ્રીકૃષ્ણ.
અમરાવતી (આજનું વિદર્ભ) નગરીમાં ભીષ્મક નામનો રાજા રાજ કરતો હતો. તેને રુક્મી નામનો રાજપુત્ર અને રુક્મિણી નામની રાજકુમારી હતાં. રુક્મી એવું ઈચ્છતો હતો કે તેની બહેન રુક્મિણીનાં લગ્ન રાજા શિશુપાલની સાથે થાય. શિશુપાલ સાથે સંબંધ બાંધી તે પોતાની તાકાત વધારવા માંગતો હતો, પરંતુ રુક્મિણીને રાજાની રાણી થવાનું કે વિલાસી જીવન જીવવાનું પસંદ નહોતું.
રુક્મિણી નાનાં હતાં ત્યારથી જ તેઓ પરમાત્મા સાથે પરણવાની ઈચ્છા ધરાવતાં હતાં. તેમનું જીવન પણ સાદું હતું. રુક્મિણીના પિતા રાજા ભીષ્મકની ઈચ્છા હતી કે, `મારી રાજકન્યા હું કૃષ્ણને અર્પણ કરું.’ પરંતુ તેમનો મોટો પુત્ર `રુક્મી’ ઈચ્છતો હતો કે `હું મારી બહેન શિશુપાલને અર્પણ કરું.’
વળી, શિશુપાલ અતિ કામી હતો. શિશુપાલને ખબર આપવામાં આવ્યા કે રાજકુમાર રુક્મી તેની બહેન રુક્મિણીનું લગ્ન તેની સાથે કરાવવા માંગે છે એટલે તે આનંદથી પાગલ થઈ ગયો. તે ગણપતિનું પૂજન કરતાં પણ રાજકુમારીનું ચિંતન કરવા લાગ્યો.
કહેણ મળતાં જ શિશુપાલે જાન તૈયાર કરી અને જાન લઈ અમરાવતી જવા નીકળ્યો, પણ પોતાનાં લગ્ન શિશુપાલ સાથે થઈ રહ્યાં છે તે વાત રુક્મિણીને ગમી નહીં. તેણે શ્રીકૃષ્ણને એક પત્ર લખ્યો. ભારતના અધ્યાત્મ ઈતિહાસમાં તે પહેલો પ્રેમપત્ર ગણાય છે, જે એક રાજકુમારીએ ભગવાન શ્રીકૃષ્ણને સ્વયં લખ્યો હતો.
પત્રમાં રુક્મિણીએ શરૂઆતમાં શ્રીકૃષ્ણને લખ્યું: `હે ભુવન સુંદર! હે અચ્યુત!’
ભગવાનનું નામ અચ્યુત છે. અચ્યુત એટલે જેમને કામનો સ્પર્શ નથી. કામનો સ્પર્શ થયા પછી જે જીવ પડે છે તે ચ્યુત થાય છે. શ્રીકૃષ્ણ નિષ્કામ છે માટે તેમને અચ્યુત કહેવામાં આવે છે. રુક્મિણીજીએ બીજું સંબોધન કર્યું છે, `ભુવન સુંદર.’ એનો અર્થ એ છે કે શ્રીકૃષ્ણ જેવું કોઈ સુંદર નથી. કરોડો સૂર્ય કરતાં પણ શ્રીકૃષ્ણ અતિ સુંદર છે, પ્રકાશમાન છે અને આનંદ આપનાર છે.
તે પછી રુક્મિણીજી શ્રીકૃષ્ણને લખે છે: `આપ અતિ સુંદર છો. આપ અતિ નિષ્કામ છો. અનેક સાધુ-સંતોના મુખે મેં આપના ઉત્કૃષ્ટ ગુણોની કથા સાંભળી છે. આપ સાધુ-સંતોના દુ:ખભંજક છો. મને વિશ્વાસ છે કે આપ મુજ દાસીનો સ્વીકાર કરશો અને કદાચ આપ મારો સ્વીકાર ન કરો તો પણ હું બીજો જન્મ લઈશ, બીજા અનેક જન્મો લઈશ, પણ લગ્ન તો આપ પરમાત્મા સાથે જ કરીશ.’
રુક્મિણીએ આ પત્ર સુદેવ નામના એક વિશ્વાસુ બ્રાહ્મણને આપીને કહ્યું: `સુદેવ, આપ મારો આ પત્ર શ્રીકૃષ્ણને પહોંચાડો.’
સુદેવ દ્વારકા ગયા.
તેમણે શ્રીકૃષ્ણને રાજકુમારી રુક્મિણીજીએ લખેલો પત્ર આપ્યો. પત્ર આપતાં સુદેવે શ્રીકૃષ્ણને કહ્યું: `રુક્મિણી અતિ સુંદર છે, અતિ લાયક છે. એ નાની હતી ત્યારથી જ હું એને જોઉં છું. આપ તેનો સ્વીકાર કરો.’
શ્રીકૃષ્ણએ પત્ર હાથમાં લઈ વાંચ્યો. રુક્મિણીના અક્ષરો અતિ સુંદર હતા. પત્ર વાંચી શ્રીકૃષ્ણને અત્યંત આનંદ થયો. તેમણે સુદેવ બ્રાહ્મણને કહ્યું: `હું રાજકુમારી રુક્મિણીને જાણું છું. એના વિશે મેં ઘણું સાંભળ્યું છે. તેમને કહો કે હું તેમનો સ્વીકાર કરીશ.’
એમ કહી શ્રીકૃષ્ણએ સારથિને બોલાવી રથ તૈયાર કરાવ્યો. સુદેવ બ્રાહ્મણને રથમાં પોતાની સાથે બેસાડ્યા અને રુક્મિણીને લેવા તેમણે પ્રયાણ કર્યું, પરંતુ આ તરફ રાજા શિશુપાલ પણ રુક્મીના નિમંત્રણથી રુક્મિણીને પરણવા જાન લઈને નીકળી ગયો હતો.
રાજાના મહેલમાં રુક્મિણીનાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી.
એક જ રાત્રિમાં શ્રીકૃષ્ણ રથમાં સવાર થઈ વિદર્ભનગરી પહોંચી ગયા. લોકોએ પણ શ્રીકૃષ્ણનું સ્વરૂપ જોઈ આનંદ વ્યક્ત કર્યો, પરંતુ નગરના લોકોને એ વાતની ખબર નહોતી કે શ્રીકૃષ્ણના આગમનનું પ્રયોજન શું છે.
આ તરફ શિશુપાલની જાન પણ નગરના દ્વારે આવી પહોંચી હતી. બીજી બાજુ રાજકુમારી રુક્મિણીના હૃદયની ધડકન વધી ગઈ હતી. તેમને આશા હતી કે, શ્રીકૃષ્ણ આવશે અને તેમને લઈ જશે. તેઓ શ્રીકૃષ્ણની ચાતકની જેમ પ્રતીક્ષા કરવા લાગ્યાં. થોડીક જ ક્ષણોમાં તેમણે સુદેવ બ્રાહ્મણને જોયા. રુક્મિણી રાજી થયાં. તેમને લાગ્યું કે સુદેવ કામ પતાવીને જ આવ્યા છે. રુક્મિણીએ પૂછ્યું: `શું થયું?’
સુદેવે કહ્યુ: `બેટા, ચિંતા કરીશ નહીં. હું શ્રીકૃષ્ણને લઈને આવ્યો છું.’
તે પછી સુદેવ બ્રાહ્મણે ભગવાન શ્રીકૃષ્ણએ ગોઠવેલી યોજના સમજાવતાં કહ્યુ: `લગ્નની વિધિ પહેલાં તારે કુળના નિયમ પ્રમાણે નગરની બહાર દેવી પાર્વતીની પૂજા કરવા જવાનું છે.તું તારી સખીઓ સાથે પાર્વતીજીના મંદિરે પૂજા કરવા જજે. ત્યાં શ્રીકૃષ્ણ આવશે અને તેમના રથમાં બેસી જજે. શ્રીકૃષ્ણ તને રથમાં બેસાડી દ્વારકા લઈ જશે.’
સુદેવ બ્રાહ્મણની વાત સાંભળી રુક્મિણીની આંખ ભીની થઈ. તેમણે બ્રાહ્મણને પ્રણામ કર્યાં અને કહ્યું: `મહારાજ! હું આપની શું સેવા કરું?’
સુદેવે કહ્યું: `મારે કંઈ જોઈતું નથી.’ એમ કહી આશીર્વાદ આપી સુદેવ તેમના ઘેર જતા રહ્યા.
આ તરફ શિશુપાલની જાન હવે નગરમાં પ્રવેશી ચૂકી હતી. તેની સાથે જરાસંઘ, દંતવક્રત અને બીજા અનેક રાજાઓ હતા. શિશુપાલને ખબર પડી કે શ્રીકૃષ્ણ પણ આવ્યા છે તે જાણી તે ગભરાયો. જરાસંઘે તેને સાંત્વના આપતાં કહ્યું: `અમે તારી સાથે છીએ પછી શા માટે ડરે છે?’
એવામાં રુક્મી પણ આવ્યો. તેણે શિશુપાલને હૈયાધારણ આપતાં કહ્યું: `તમે જરાયે ચિંતા કરશો નહીં. રાજકુમારી સાથે પહેલવાનો ઘેરો કરીને ચાલશે. પાર્વતીના મંદિર સુધી સુરક્ષા કર્મચારીઓ તલવારો સાથે સજ્જ રહેશે.’
આ તરફ રાજમહેલમાં રુક્મિણીને સોનાના પાટલે બેસાડી સ્નાન કરાવ્યું. સુંદર શૃંગાર કરવામાં આવ્યો. ઘરમાં તુલસીજીની અને બાલકૃષ્ણની પ્રદક્ષિણા કરી. પિતાને વંદન કર્યા. પિતાએ કહ્યું: `આ કન્યા જેના ઘેર જશે તે બહુ સુખી થશે તેવો આ કન્યાનો યોગ છે.’ તે પછી રુક્મિણીએ માતાને વંદન કર્યાં. માતાને વંદન કર્યા બાદ રુક્મિણીએ પાર્વતીજીના મંદિરે પૂજા કરવા પ્રયાણ કર્યું. આઠ સખીઓ જમણી બાજુ અને આઠ સખીઓ ડાબી બાજુ.
રુક્મિણીની ચાલ હંસ જેવી હતી. દેશ દેશના રાજાઓ રુક્મિણીને જોવા ભેગા થયા હતા. તેઓ પહેલેથી જ પાર્વતીજીના મંદિરે જઈને ઊભા રહી ગયા હતા. રુક્મિણી પાર્વતીજીના મંદિરે પહોંચ્યાં. માતાજીની પૂજા કરી. માતાના ચરણમાં માથું મૂકતાં તેઓ બોલ્યાં: `મા મને શ્રીકૃષ્ણ જેવો પતિ મળે.’ માતાજીના ગળામાંથી પુષ્પની માળા રુક્મિણીના માથા પર પડી.
રુક્મિણી માતાજીની પૂજા કરી મંદિરની બહાર આવ્યાં. ધીમે ધીમે પગથિયાં ઊતરવા લાગ્યાં. રાજાઓ તાકી તાકીને જોવા લાગ્યા. તેઓ કામાંધ હતા. તેઓ બોલવા લાગ્યા: `ઓહ! આ તો અતિ સુંદર છે. શિશુપાલ ભાગ્યશાળી છે.’
રુક્મિણીને આ ઠીક લાગ્યું નહીં. તેમણે વિચાર્યું: `હું તો જગતની મા છું. આ બધાં મારાં બાળકો છે. તેઓ મને કામભાવથી જુએ છે તે ઠીક નથી.’ એવું વિચારતાં રુક્મિણીને ક્રોધ આવ્યો.
પોતાની આંખોમાંથી અલૌકિક તેજ પ્રગટ કર્યું, જે દૂર ઊભેલા શ્રીકૃષ્ણ સિવાય કોઈથીયે સહન થઈ શક્યું નહીં. શ્રીકૃષ્ણ સિવાય તમામ રાજાઓ અને સુરક્ષા કર્મચારીઓ મૂર્છિત થઈ ગયા.
બરાબર એ જ સમયે અગાઉ ગોઠવેલી યોજના પ્રમાણે શ્રીકૃષ્ણએ સારથિને ઈશારો કર્યો. અતિ ગતિશીલ એવા ઘોડા રથને મંદિર તરફ લઈ ગયા. રુક્મિણીજીએ રથ જોયો. રથ પર ફરકાવેલો ગરુડ ધ્વજ જોયો. તેઓ સમજી ગયાં કે આ રથ શ્રીકૃષ્ણનો જ છે. શ્રીકૃષ્ણએ હાથ લંબાવ્યો. રુક્મિણીજીનો હાથ પકડી તેમને રથમાં બેસાડ્યાં અને રથને દ્વારકા તરફ અત્યંત તેજ ગતિથી દોડાવી મૂક્યો.
મૂર્છિત થયેલા રાજાઓ જાગૃત થયા ત્યાં સુધીમાં તો શ્રીકૃષ્ણનો રથ દૂર દૂર નીકળી ગયો હતો. શ્રીકૃષ્ણ રુક્મિણીજીને લઈ ગયા છે તે જાણી રાજાઓ યુદ્ધ કરવા તૈયાર થયા. આ તરફ શ્રીકૃષ્ણના ભાઈ બલરામને ખબર પડી કે કંઈક ગરબડ છે. આજે કનૈયો ઘરમાં કેમ નથી? યુદ્ધની ખબર પડતાં બલરામ પણ લશ્કર લઈ વિદર્ભ પહોંચ્યા અને દુશ્મન સૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું. લડવા આવેલા રુક્મીને શ્રીકૃષ્ણએ રથના સ્તંભ સાથે બાંધ્યો હતો. બલરામ અર્થાત્ દાઉજીએ શ્રીકૃષ્ણને કહ્યું: ગમે તેમ હોય તો પણ તે આપણો સંબંધી છે. તેને બાંધ્યો કેમ? રુક્મિણીનો એ મોટો ભાઈ છે. આમ કહી દાઉજીએ રુક્મીને મુક્ત કરાવી વસ્ત્રો અને આભૂષણ આપી તેનું સન્માન કર્યું.
તે પછી શ્રીકૃષ્ણ-બલરામ રુક્મિણીજીને લઈ દ્વારકા આવ્યા. નારદજીએ મુહૂર્ત કાઢી આપ્યું. માઘ માસ, શુક્લ પક્ષ, પંચમી તિથિ. એ સમયે શ્રીકૃષ્ણને ફરી માતા યશોદાની યાદ આવી. તેમણે કહેણ મોકલ્યું: `મા, તું નહીં આવે તો મારે નથી પરણવું.’
યશોદાજીને આનંદ થયો. તેમણે વિચાર્યું: `અમે વ્રજ છોડીને ક્યારેય બહાર ગયાં નથી. મારે લાલાને જોવો છે. તેને જોયા વગર હું મરવાની નથી, પણ તે અહીં આવવાનો નથી અને અમે જઈ શકવાનાં નથી, પણ મારા લાલાનાં લગ્નના દિવસે આખા ગામને જમાડીશ.’
નંદરાજાનો જવાબ આવ્યો નહીં. લગ્નનો સમય થયો એટલે શ્રીકૃષ્ણે બલરામને કહ્યું: `મોટાભાઈ, મેં સાંભળ્યું છે કે મા બહુ યાદ કરે છે. શ્રીકૃષ્ણએ રથ જોડાવ્યો અને દાઉજીને લઈને મા યશોદાને મળવા ગયા. પગે લાગ્યા. માનો આનંદ સમાતો નથી. તે કહે છે: `બેટા, તું કેટલો મોટો થઈ ગયો? કેવો દેખાય છે?’ એમ કહી યશોદાજીએ શ્રી કૃષ્ણ-બલરામને બેસાડી નજર ઉતારી. એ પછી ગોપીઓ પણ દોડી આવી.
તે પછી શ્રીકૃષ્ણ ગોપીઓ અને વ્રજવાસીઓને લઈ દ્વારકા પધાર્યા. દ્વારકા પાસે ગોપી તળાવ છે ત્યાં ગોપીઓને મુકામ આપ્યો. તે પછી શ્રીકૃષ્ણનાં રુક્મિણી સાથે લગ્ન માધવપુરમાં થયાં.
શ્રીકૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજ્યા અને વ્રજવાસીઓએ અંતરપટ ધર્યો. એ દિવસે વસંતપંચમી હતી. `કુર્યાત સદા મંગલમ’ના શ્લોકોથી ગગન ગાજી ઊઠ્યું: શ્રીકૃષ્ણ સાથે રુક્મિણીજીનાં દર્શન કરતાં ગોપીઓને આનંદ થયો. તેમનું ધ્યાન ધરતી ગોપીઓ શ્રીકૃષ્ણનાં ચરણોમાં લીન થઈ ગઈ.
જે દિવસે રુક્મિણીજી દ્વારકામાં પધાર્યાં, તે દિવસથી દ્વારકાની શોભા પણ બહુ વધી ગઈ. રુક્મિણીજીને સાક્ષાત્ મહાલક્ષ્મી માનવામાં આવે છે. ભાગવતમાં લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણને કોઈવાર ક્રોધ આવે છે, પણ રુક્મિણીજીને જીવનમાં કદી ક્રોધ આવ્યો નથી.
આજના વેલેન્ટાઈન દિન નિમિત્તે પ્રસ્તુત છે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીની અલૌકિક અને ઉત્કૃષ્ઠ પ્રણયકથા.




