એક પુસ્તકની શું તાકાત છે તે જોવી હોય તો જાણી લો કે રશિયામાં જન્મેલા કાર્લ માર્કસ નામના લેખકે `દાસ કેપિટલ’ પુસ્તક લખ્યું અને તેમાંથી સામ્યવાદી વિચારધારાએ જન્મ લીધો. અલબત્ત, આપણે સામ્યવાદી વિચારધારા સાથે સંમત ન થઈએ પણ એક પુસ્તક એક રાજકીય વિચારધારાને જન્મ પણ આપી શકે છે. પરંતુ આજે એક એવા પુસ્તકની વાત કરવી છે જેણે આપણને ગાંધીજી આપ્યા અને જે પુસ્તકે ઈંગ્લેન્ડને લેબર પાર્ટી આપી એ પુસ્તકનું નામ છે: `અન ટુ ધીસ લાસ્ટ’
આજથી 150 વર્ષ પૂર્વે એક પુસ્તક લખાયું હતું: `અન ટુ ધીસ લાસ્ટ’. પુસ્તકના લેખક હતાઃ જ્હોન રસ્કિન. આ પુસ્તકે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં રાજકીય ક્રાંતિ સર્જી હતી અને એકમાત્ર પુસ્તકના કારણે ઈંગ્લેન્ડમાં એક મોટો રાજકીય પક્ષ પેદા થયો હતો, પરંતુ એ બધામાં સહુથી વધુ નોંધપાત્ર વાત એ હતી કે આ પુસ્તકે ગાંધીજીને સહુથી વધુ પ્રભાવિત કર્યા હતા. મોહનદાસ કરમચંદ ગાંધી `ગાંધીજી’ બન્યા તેમાં આ પુસ્તકનો મોટો ફાળો હતો. કેવી રીતે?
ઘટના એવી છે કે ગાંધીજી આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે જ્હોનિસબર્ગથી ટ્રેન દ્વારા ડર્બન જઈ રહ્યા હતા. રેલવે સ્ટેશન પર તેમના અંગ્રેજ મિત્ર પોલાક તેમને મૂકવા આવ્યા હતા. પોલાકે કહ્યું: `મિ.ગાંધી, આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેમ છે. વાંચી જજો. તમને ગમશે.’ કહેતાં તેમણે યુવાન ગાંધીના હાથમાં `અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તક મૂક્યું. ગાંધીજી તેમની આત્મકથામાં લખે છે કે, `જ્હોનિસબર્ગથી ડર્બન સુધીનો રસ્તો 24 કલાકની યાત્રાનો હતો. આ પુસ્તક હાથમાં લીધા બાદ હું તેને છોડી જ શક્યો નહીં. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારોને મેં અમલમાં મૂકવા વિચાર કર્યો. જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું, પરંતુ જે પુસ્તકે મારા જીવનમાં તત્કાળ અને મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ જ પુસ્તક કહી શકાય. જે વસ્તુ મારા હાડમાં ભરેલી હતી તેનું પ્રતિબિંબ મેં રસ્કિનના પુસ્તકમાં જોયું.’
`અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની ગાંધીજી પર એટલી બધી અસર થઈ કે તેમણે અસીલોની વકીલાત છોડી દીધી અને ખુદ દરિદ્રનારાયણોના બેરિસ્ટર બની ગયા. ગાંધીજીએ પોતાની આત્મકથામાં જ્હોન રસ્કિનને પોતાના પર પ્રભાવી એવા ત્રણ મહાપુરુષોનાં નામ લખ્યાં છે. તેમાંના એક રસ્કિન હતા.
આ પુસ્તકનો પ્રભાવ સમજવો હોય તો આ એક ઘટના જ પૂરતી છે. ઈંગ્લેન્ડમાં એ વખતે મૂડીવાદનું જોર હતું અને આખા યુરોપમાં મજૂરોનું શોષણ થતું હતું. ઈંગ્લેન્ડમાં એ વખતે બ્રિટનની પાર્લામેન્ટમાં પહેલી જ વાર લેબર પાર્ટી મજબૂત લઘુમતી પાર્ટી તરીકે પ્રવેશી ત્યારે તેના સભ્યોને પુછાયું કે `તમે સમાજવાદ તરફ કેમ આકર્ષાયા?’ તેના જવાબમાં ત્રણ ચતુર્થાંશ સભ્યોએ જવાબ આપ્યો હતો: `અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તક વાંચીને.
ટૂંકમાં, ઈંગ્લેન્ડની લેબર પાર્ટીનો ઉદભવ રસ્કિનના પુસ્તકને કારણે થયો. ગાંધીજીએ વકીલાત રસ્કિનનું પુસ્તક વાંચ્યા બાદ છોડી. સુપ્રસિદ્ધ લેખક મનુભાઈ પંચોલી `દર્શક’ લખે છે કે `જે લાખ દેતાં પણ ન મળે તેવાં પુસ્તકોનાં `અન ટુ ધીસ લાસ્ટ’ અક્ષયપાત્ર છે.’
સુપ્રસિદ્ધ વિચારક ટોલ્સટોયે રસ્કિન વિશે લખ્યું હતું: `જવલ્લે જ જોવા મળે તેવા એ માનવી હતા. જેઓ હૃદયથી વિચારનારા હોય છે તે પૈકીના એક વિચારક હતા.’
રસ્કિનનું આ પુસ્તક એક પ્રકારે પોલિટિક્સ ઓફ ઈકોનોમિક્સ જ છે. રસ્કિન લખે છે કે, `માનવીનું અસલ સ્વરૂપ માનવતા સ્વયં છે, પૈસો તો એમના પડછાયાની જેમ પાછળ દોડે છે. ધેર ઈઝ નો વેલ્થ બટ લાઈફ. અર્થાત્ જીવન કરતાં અધિક બીજી કોઈ સંપત્તિ નથી.’ વપરાશ એ જ ઉત્પાદનકાર્યની કસોટી છે. ઉત્પાદનનું લક્ષ્ય વપરાશ છે અને વપરાશનું લક્ષ્ય જીવન છે. જીવન એ જ સંપત્તિ છે એ વાત નહીં સ્વીકારનાર માણસ હીરા-ઝવેરાત જેવી બિનઉપજાઉ સંપત્તિ સોના પાછળની દોડમાં કેવળ લડાઈ-ઝઘડા જ કરતો આવ્યો છે.
રસ્કિન માનતા હતા કે (1) દરેક વ્યક્તિ માટે શરીરશ્રમ ફરજિયાત હોવો જોઈએ (2) અન્યના શ્રમને નીચોવી તેનો કસ કાઢી થતા ફાયદા ઉપર જીવવું બેહૂદું અને આત્મવંચનાથી ભરેલું છે. (૩) યંત્રો પવન કે પાણીથી ચાલતાં હોવાં જોઈએ જે પ્રકૃતિની રમણીયતા પ્રગટ કરે. (4) યંત્રો પ્રદૂષણ પેદા કરે તેવાં કોલસાથી ચાલતાં ન હોવાં જોઈએ. (5) દરેક કારીગર કુશળ હોવો જોઈએ. (6) ભૂમિ, જમીન, ખાણ, જળધોધ જેવી કુદરતી સંપત્તિઓનું રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. (7) સમાજમાં કોઈ બેકાર કે બેઠાડુ રહેવું ન જોઈએ. (8) શ્રમનું વેતન કેવળ માંગ અને પુરવઠાની આકસ્મિક વધઘટના આધારે નક્કી ન થઈ શકે. (9) પોતાના ખપ કરતાં વધારે મેળવેલું કે સંઘરેલું ધન એ ચોરી જ છે.
લાગે છે કે ગાંધીજીએ ચરખો અને રેંટિયો હાથમાં લીધો તે રસ્કિનની વિચારધારાનો પ્રભાવ હતો. ગાંધીજીએ સત્યનો આશરો લીધો તે રસ્કિનની વિચારધારાને આભારી છે. ગાંધીજીએ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત અપનાવ્યો તે પણ રસ્કિનના વિચારોની અસર હતી. રસ્કિન અને ગાંધીજી બેઉ ઈચ્છતા હતા કે, ધનિકવર્ગ પોતાની સંપત્તિ અને કૌશલ્યનો ઉપયોગ સહુના હિત માટે એક ટ્રસ્ટી તરીકે કરે. રસ્કિન અને ગાંધીજીની નજરમાં જો કોઈ ગુનેગાર હોય તો તે ઔદ્યોગિકીકરણ છે. ઔદ્યોગિકીકરણે જ હસ્તકલા કૌશલ્ય અને શ્રમની પ્રતિષ્ઠાનો નાશ કર્યો છે.
રસ્કિને આ પુસ્તક લખ્યું ત્યારે ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિકીકરણ હજુ અપરિપક્વ હતું. કાપડની સાળમાં સાત વર્ષનાં બાળકો સવારના પાંચથી રાતના આઠ વાગ્યા સુધી કામ કરતાં. બપોરે ૩0 મિનિટની રિસેસ મળતી. બાળકો થાકી ગયેલાં જણાય ત્યારે મુકાદમ તેમને ચાબુક મારતો. તેજીના સમયે નાની બાળાઓ પરોઢના ત્રણ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કામ કરતી. રાત્રે આ બાળકો એટલાં બધાં થાકી જતાં કે બ્રેડનો એકાદ ટુકડો ખાઈ તે ઊંઘી જતાં અને તેથી જ તેઓ ઔદ્યોગિકીકરણને ગુનેગાર ગણતા હતા. તેઓ માનતા હતા કે ઔદ્યોગિકીકરણની ઘેલછામાં જાતે જ સૂતર બનાવી કાંતતા કારીગરનો નાશ કર્યો છે અને ગ્રામસમાજનું મધુર સંગીત પણ નાશ પામ્યું છે. તેઓ પૂછતા હતા કે જીવનનો નાશ કરે તેને સંપત્તિ કેવી રીતે કહેવી?
રસ્કિન કહેતા હતા: `મારા ખિસ્સામાં ગીની છે અને તેની કિંમત છે, કારણ કે સામેની વ્યક્તિના ખિસ્સામાં ગીની નથી. બીજાની ગરીબી પર જે સંપત્તિનું ઉત્પાદન થાય છે તે સંપત્તિ નથી પરંતુ વિપત્તિ છે. કેલિફોર્નિયા પાસે દરિયામાં એક જહાજ ડૂબવા લાગ્યું. તેમાં જે સૈનિકોનાં ખિસ્સાંમાં સોનું હતું તે વહેલા તળિયે ગયા. હવે હું પૂછું છું કે, એ ડૂબતા હતા ત્યારે સોનું એમના કબજામાં હતું કે તેઓ સોનાના કબજામાં? તેથી જ સંપત્તિ જેવી કોઈ સાર્વભૌમ વસ્તુ જ નથી, પરંતુ જીવન જ સાચી સંપત્તિ છે.’
જ્હોન રસ્કિનનો જન્મ તા.8 ફેબ્રુઆરી, 1819ના રોજ લંડનમાં થયો હતો. તેમના પિતાનું નામ જ્હોન જેમ્સ રસ્કિન હતું અને માતાનું નામ માર્ગારેટ રસ્કિન હતું. તેઓ તેમનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. તેમણે બાઈબલ, હોમર અને પિલગ્રીમ પ્રોગ્રેસ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. રસ્કિને માત્ર નવ વર્ષની ઉંમરે `પોએમ ઓન યુનિવર્સની રચના કરી હતી. 15 વર્ષની ઉંમરે `ધ જિયોલૉજિકલ સ્ટ્રેટા ઓફ માઉન્ટ બ્લેંક’ પર લેખો લખ્યા. રોજ સવારે ચા પીતી વખતે તેમની માતા તેમને ધર્મગ્રંથોની વાતો સંભળાવતાં’ તેમણે ઓક્સફર્ડમાં અભ્યાસ કર્યો. તેઓ બી.એ.થયા. એલ.એલ.ડી. અને ડી.સી.એલ. જેવી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કર્યા બાદ ઓક્સફર્ડમાં અધ્યાપનકાર્ય પણ કર્યું. 1860માં તેમના 41મા વર્ષે તેમનો `મૉડર્ન પેઇન્ટર્સ’ નો પાંચમો ભાગ પ્રગટ થયો. એક સુપ્રસિદ્ધ કલાવિવેચક તરીકે તેમની નામના ઈંગ્લેન્ડની બહાર પણ પ્રસરી ગઈ. તે પછી તેમનો `સેવન લેમ્પસ ઓફ આર્કિટેક્ચર ગ્રંથ પ્રગટ થયો. તેમની ખ્યાતિ વધતી ગઈ. એ પછી `સ્ટોન્સ ઓફ વેનિસ’ ગ્રંથ પ્રગટ થયો. દરમિયાન તેમણે ઈંગ્લેન્ડમાં પ્રવર્તતી ઔદ્યોગિકીકરણની પરિસ્થિતિ અને અર્થશાસ્ત્ર પર `કોર્નહીલ મેગેઝિન’માં કેટલાક નિબંધો લખ્યા. તેની સામે તીવ્ર પ્રત્યાઘાતો આવતાં પ્રકાશકે તે નિબંધો હપ્તાવાર ક્રમશ: પ્રગટ કરવાની હિંમત કરી નહીં. તેથી રસ્કિને ચાર જ નિબંધોમાં તેમની વાત પૂરી કરી દીધી. તેના 18 મહિના પછી તેમના નિબંધોને 1860માં એક પુસ્તક રૂપે ઢાળવામાં આવ્યા તે જ `અન ટુ ધીસ લાસ્ટ.’ આ પુસ્તકે એ વખતના અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો અને જ્હોન સ્ટુઅર્ટ મીલની ક્લાસિક થિયરીઓને રિજેક્ટ કરી દીધી હોઈ ભારે ઊહાપોહ થયો હતો.
રસ્કિનનું કહેવું હતું કે, અર્થશાસ્ત્રની માંગ અને પુરવઠાની થિયરીએ માનવીને અને ખાસ કરીને મજૂરોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે.
જ્હોન રસ્કિન ખુદ વોટર કલર દ્વારા ચિત્રો દોરતા. કુશળ ચિત્રકાર હતા. તેઓ અર્થશાસ્ત્રી હતા જ નહીં, પરંતુ એક વિચારક હતા. તેમણે `સેંટ જ્યોર્જ ગિલ્ડ’ નામની એક સંસ્થા ઊભી કરી અને તેના દરેક સભ્યે પોતાની મિલકતનો 10મો ભાગ તેને આપવો તેમ નક્કી થયું. અમુક સભ્યોએ જ તેમ કર્યું, પરંતુ રસ્કિને પોતાના વારસાની માતબર રકમ તેમાં આપી દીધી. નિવૃત્તિ બાદ પુસ્તકોની આવક પર જ તેઓ જીવ્યા. તેમના પિતાની મૂડીના વ્યાજ પર જીવવાનો તેમણે ઈન્કાર કર્યો. એક સંવેદનશીલ લેખક અને ગાંધીજીને પણ પ્રભાવિત કરનાર મહાન ચિંતક એવા રસ્કિને ઈ.સ. તા.20મી જાન્યુઆરી, 1900ના રોજ આ જગતમાંથી વિદાય લીધી. આવા રસ્કિને ઈંગ્લેન્ડને લેબર પાર્ટી આપી અને આપણને ગાંધીજી આપ્યા.
|
ReplyForward |




