નવેમ્બર માસમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ડેમોક્રેટિક પાર્ટીએ હવે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતાર્યાં છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડશે. અમેરિકામાં ટુ પાર્ટી સિસ્ટમ અને પ્રેસિડેન્શિયલ ડેમોક્રેટિક સિસ્ટમ છે.
કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કસોકસની ચૂંટણી લડાઈ છે. કમલા હેરિસ જીતશે તો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર પહેલા મહિલા રાષ્ટ્રપતિ હશે. ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો અનેક વિવાદોમાં સપડાયેલા હોવા છતાં તેઓ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે.
ચાલો હવે એક મજેદાર વાત કરીએ, જો તમે અમેરિકાના નાગરિક છો તો તમારી પાસે બે જ મુખ્ય વિકલ્પ છે. એક વિકલ્પ છે `વોટ ફોર ડોન્કી’ અને બીજો વિકલ્પ છે `વોટ ફોર એલિફન્ટ.’ એટલે કે ક્યાં તો તમારે ગધેડાનો સિમ્બોલ પસંદ કરવો પડશે અથવા હાથીનો સિમ્બોલ પસંદ કરવો પડશે.
આ વાત કોઈનીયે ઠેકડી ઉડાડવા માટે લખવામાં આવી નથી. ભારતની મોટામાં મોટી પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને તેનું પ્રતીક `કમળ’ છે. બીજી દેશની સહુથી જૂનામાં જૂની પાર્ટી કોંગ્રેસ છે અને તેનું નિશાન છે `પંજો’. એટલે કે તમારે કમળ પસંદ કરવું કે પંજો એ તમારે નક્કી કરવાનું હોય છે. બરાબર એ જ રીતે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીનું નિશાન છે `ગધેડું’ અને રિપબ્લિકન પાર્ટીનું નિશાન છે `હાથી.’ ઘણાને નવાઈ લાગશે કે ગધેડું તે વળી પાર્ટીનું પ્રતીક હોતું હશે? અને તે પણ વિશ્વના સહુથી વિકસિત દેશ અમેરિકામાં? હા, પણ ડેમોક્રેટિક પાર્ટીનું નિશાન ડોન્કી અને રિપબ્લિકન પાર્ટીનું નિશાન એલિફન્ટ છે તે એક હકીકત છે. આનો કોઈ ઈતિહાસ પણ છે.
૧૯મી સદીમાં થોમસ નાસ્ટ નામના એક કાર્ટૂનિસ્ટે એ જમાનામાં આ બંને પોલિટિકલ પાર્ટીઓની ઠેકડી ઉડાડતાં ખૂબ કાર્ટૂન્સ દોર્યાં હતાં.૧૮૭૦ની સાલમાં કાર્ટૂનિસ્ટ થોમસ નાસ્ટે `હાર્પસ વિકલી’માં ગધેડાને ડેમોક્રેટ્સના સિમ્બોલ તરીકે ચીતર્યો હતો. એ સમયના એક બનાવને તે એ રીતે ચીતરવા માંગતો હતો કે એક મૃત સિંહને એક ગધેડું લાત મારી રહ્યું છે. કાર્ટૂનિસ્ટનો કહેવાનો મતલબ એ હતો કે ડેમોક્રેટિક પાર્ટીનો અભિપ્રાય બેવકૂફીભર્યો છે. સિંહની ગુફામાં ગધેડાના ભૂંકવાનો કોઈ અર્થ નથી એવું દર્શાવવા માંગતો હતો તે.
૧૮૪૭માં એ જ કાર્ટૂનિસ્ટે રિપબ્લિકન પાર્ટી માટે હાથીનો સિમ્બોલ તરીકે ઉપયોગ કરવા માંડ્યો. કાર્ટૂનિસ્ટનો `હાથી’ સિમ્બોલ ઉપયોગ દ્વારા એવો સંદેશો હતો કે રિપબ્લિકન પાર્ટીની નીતિઓથી અમેરિકામાં ફુગાવો વધી શકે છે.
અમેરિકન પ્રજાએ હવે થોમસ નાસ્ટના આ બેઉ પ્રાણી પ્રતીકો સ્વીકારી લીધાં છે. ડેમોક્રેટિક પાર્ટીને લાગેવળગે છે ત્યાં સુધી એ પક્ષે ૧૮૨૮ની સાલમાં એન્ડ્ર્યુ જેક્શને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે `ગધેડા’ના ચિહ્નનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. જ્યારે રિપબ્લિકન પાર્ટીએ ૧૮૬૦માં તેના સિમ્બોલ તરીકે એલિફન્ટનો ઉપયોગ કર્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે આ બંને પાર્ટીઓના મજાક માટે કાર્ટૂન દોરનાર કાર્ટૂનિસ્ટ થોમસ નાસ્ટ સ્વયં રિપબ્લિકન હતો. અમેરિકન કાર્ટૂનિસ્ટ થોમસ નાસ્ટે ૧૮૬૨થી ૧૮૮૬ સુધી અમેરિકાના `હાર્પસ’ સાપ્તાહિકમાં કાર્ટૂનો દોર્યાં હતાં અને તે અમેરિકાનો ફર્સ્ટ પોલિટિકલ કાર્ટૂનિસ્ટ હતો. તેના કાર્ટૂન્સમાં કરવામાં આવેલા કટાક્ષ ઘણીવાર તીખા પણ હતા. તેની અટક `નાસ્ટ’ હોઈ કેટલાક તેને `નેસ્ટી’ પણ કહેતા હતા. `નેસ્ટી’ શબ્દનો અર્થ ખબર ના હોય તો ડિક્શનરી જોઈ લો અથવા અંગ્રેજી ભાષાના શિક્ષકને પૂછી લો. હા, પણ મોટા ભાગના અમેરિકનો થોમસ નાસ્ટને `નેસ્ટી’ માનતા નહોતા. તેનાં કાર્ટૂન્સ કોઈના પણ ગળે ઊતરી જાય તેવાં હતાં.
ઈતિહાસના જાણકારો કહે છે કે કાર્ટૂનિસ્ટ થોમસ નાસ્ટનો ઉછેર ૧૮૪૦થી ૧૮૫૦ દરમિયાન ન્યૂયોર્કમાં થયો હતો. તે બાળક હતો ત્યારે ઘણા મોટા છોકરાઓ તેને પજવતા હતા. અમેરિકાના શ્વેત લોકો અશ્વેતો પાસે જે ગુલામી કરાવતા હતા અને જે જોરજુલમ ગુજારતા હતા તે તેને ગમતું નહોતું.
થોમસ નાસ્ટ પ્રેસિડેન્ટ લિંકનની પાર્ટીનો સમર્થક હતો. એણે હેરાલ્ડ મેગેઝિનમાં એક કાર્ટૂન દોરી એવું બતાવવા પ્રયાસ કર્યો હતો કે ગધેડાએ સિંહનું ચામડું ઓઢીને પોતે સિંહ છે તેવું બતાવવા કોશિશ કરી હતી અને એ રીતે તે રિપબ્લિકન્સને વોટ આપવા જનતાને ઈશારો કરી રહ્યો હતો.
આ કાર્ટૂનિસ્ટે એકવાર ગધેડાને સિંહની ચામડીમાં વીંટાળેલો પણ દર્શાવ્યો હતો. જે એમ કહેવા માંગતો હતો કે સિંહની ચામડી ઓઢીને બેઠેલો ગધેડો જંગલનાં પ્રાણીઓને બીવડાવે છે, પણ અસલમાં તે સિંહ નહીં પણ સિંહની ચામડીમાં છુપાયેલો ગધેડો જ છે. ગધેડાની આવી બનાવટથી કેટલાંક પ્રાણીઓ ગભરાઈ જાય છે, પણ એકમાત્ર હાથી જ ડરતો નથી. આનો સિમ્બોલ રિપબ્લિકન્સ છે અને તમે રિપબ્લિકન્સને જ વોટ આપો એવી અપીલ આ કાર્ટૂનિસ્ટે આ ચિહ્ન દ્વારા કરી હતી.
થોમસ નાસ્ટના આ કાર્ટૂન પછી રિપબ્લિકન પાર્ટીએ `હાથી’ને જ પોતાનો સિમ્બોલ બનાવી દીધો.
અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ ગધેડાને તેમના પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. એમ કરવા પાછળનું કારણ એ હતું કે ડેમોક્રેટિક પાર્ટી `ગધેડા’ને સ્ટ્રોંગ અને સખત મહેનતું માને છે. તેની સેવાને તેઓ બિરદાવે છે.
હવે એ બંને મોટી પોલિટિકલ પાર્ટીઓએ આ બંને પ્રાણીઓનાં ચિત્રને પોતાની ઓળખ તરીકે સ્વીકારી લીધાં છે.
એ જાણવું રસપ્રદ થઈ પડશે કે વિશ્વમાં ૪૮ એવી પોલિટિકલ પાર્ટીઓ છે જેમના સિમ્બોલ પ્રાણીઓ છે.
અમેરિકાની જ એક નાની અને ઓછી જાણીતી પોલિટિકલ પાર્ટી `ધી પ્રોહિબિશન પાર્ટી’ છે તેનું પ્રતીક ઊંટ છે. કેમ કે ઊંટના પ્રતીક દ્વારા કહેવા માંગે છે કે ઊંટ વારંવાર પીતું નથી અને જો પીવે છે તો માત્ર પાણી, સમજ્યા?
એ પાર્ટીનું નામ જ `ધી પ્રોહિબિશન પાર્ટી’ છે. `ધી કોન્સ્ટિટ્યૂશન પાર્ટી’ નામની ઓછી જાણીતી પાર્ટીનું પ્રતીક ઈટલ છે કે જે અમેરિકાનું ઓફિસિયલ રાષ્ટ્રીય પક્ષી છે.
હવે બીજા દેશોની પાર્ટીઓનાં નિશાન જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક શરૂઆતમાં બે બળદની જોડી હતું, પણ તે બદલીને હવે `પંજો’ રાખવામાં આવ્યું છે.
મહાગુજરાતની ચળવળ વખતે ઊભી થયેલી જનતા પરિષદનું નિશાન કૂકડો હતું. વર્ષો પહેલાં ભારતના ઈલેક્શન કમિશનર ટી. એન. શેષાન હતા ત્યારે ડો. જયલલિતાની પાર્ટીનું નિશાન કૂકડો હતું. સુ. શ્રી માયાવતીની બહુજન પાર્ટીનું નિશાન વર્ષો સુધી હાથી જ રહ્યું. આસામની આસામ ગણ પરિષદ પાર્ટીનું નિશાન પણ હાથી જ છે. આ ચૂંટણી ચિહ્ન દ્વારા આસામ ગણ પરિષદ કહેવા માંગે છે કે હાથી જેમ શક્તિશાળી, સ્ટ્રોંગ ઈચ્છાશક્તિ, નિર્ભય અને સ્થિર છે તેવી જ અમારી પાર્ટી છે. મહાગુજરાતની ચળવળ વખતે ગુજરાતની એક સ્થાનિક પોલિટિકલ પાર્ટીનું ચિહ્ન `સિંહ’ હતું. `ધી ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક’ નામની પશ્ચિમ બંગાળની એક પોલિટિકલ પાર્ટીનું નિશાન વાઘ છે. શિવસેનાની ધજામાં પણ પક્ષનું પ્રતીક વાઘ દર્શાવાયું છે. રશિયાની `યુનાઈટેડ રશિયા પાર્ટી’નો સિમ્બોલ રીંછ છે. દક્ષિણ આફ્રિકાની `ધી કેપિટાલિસ્ટ પાર્ટીનો સિમ્બોલ’ `ગાય’ છે. ઝિમ્બાબ્વેની `ધી માલ’ પાર્ટીનો સિમ્બોલ `સાન કોફા મિથિકલ બર્ડ’ તરીકે ઓળખાતું એક પક્ષી છે. કેન્યાની `ધી શ્રીકિશીઓ પાર્ટી’નો સિમ્બોલ `શાર્ક’ માછલી છે. `ધી પિપલ્સ એનપાવરમેન્ટ’ પાર્ટીનો સિમ્બોલ `હાથી’ છે. ભારતના પડોશી દેશ નેપાળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીનો સિમ્બોલ `પવિત્ર ગાય’ છે. મ્યાનમારની નેશનલ લીગ પાર્ટીનો સિમ્બોલ `મોર’ છે. એટલે કે વિશ્વની મોટાભાગની પોલિટિકલ પાર્ટીઓનાં નિશાન `ગધેડા’થી માંડીને `હાથી’ અને બીજાં પશુ-પક્ષીઓ છે.
હવે જો તમે અમેરિકાના નાગરિક છો તો તમારે જ નક્કી કરવાનું છે કે તમારે `ડોન્કી’ને મત આપવો કે એલિફન્ટને?
અને છેલ્લે એક જોક
– આજની જોક
સંતુ રંગીલીએ એના હસબન્ડ સેવકરામને કહ્યું: `મેં ના પાડી હતી તોયે ચૂંટણીમાં ઊભા રહીને પસ્તાયા ને?’
`હા’
`કેટલા મત મળ્યા?’
સેવકરામ બોલ્યા: `ત્રણ’
સંતુ રંગીલી બોલી: `તમને જે ત્રણ મત મળ્યા તેમાં એક તો તમારો મત, બીજો મારો મત, પણ તમને ત્રીજો મત આપવાવાળી છે કોણ?’
સેવકરામ મૌન રહ્યા.



