Close

આપણને સુંદર ઘર બનાવતાં આવડે છે પણ ઘરમાં સુંદર જીવન જીવતાં આવડતું નથી

રેડ રોઝ | Comments Off on આપણને સુંદર ઘર બનાવતાં આવડે છે પણ ઘરમાં સુંદર જીવન જીવતાં આવડતું નથી
વીસમી સદીના મહાન દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિ આજે ભુલાઈ ગયેલું નામ છે
તા.૧૫ મે, ૧૮૯૫ના રોજ મદ્રાસ અને બેંગ્લુરુ વચ્ચે આવેલા મદનાપલ્લી ગામમાં જન્મેલા કૃષ્ણમૂર્તિના દાદા સંસ્કૃતના વિદ્વાન હતા. માતા કૃષ્ણભક્ત, ધર્મપરાયણ અને મૃદુ સ્વભાવના હતાં. સાડા દસ વર્ષની વયે તેમનાં માતા મૃત્યુ પામ્યાં. કૃષ્ણમૂર્તિ સતત મેલેરિયાથી પીડાતા હતા. લાંબું જીવે તેવી આશા નહોતી. રોજ શાળાએ જઈ શકતા નહોતા. ભણવામાં કાચા અને મંદબુદ્ધિના ગણાતા હતા. શિક્ષકો તેમને મારતા હતા.
અલબત્ત, બચપણથી જ તેઓ અંતર્મુખ હતા. પ્રકૃતિનું બારીકાઈથી નિરીક્ષણ કરતા. ખૂબ દયાળુ હતા. શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને પોતાની પેન, પેન્સિલ, સ્લેટ અને પુસ્તકો આપી દેતા હતા. ઘેર આવેલા ભિખારીઓને ખોબા ભરી ચોખા આપતા. પિતાની આર્થિક સ્થિતિ નબળી હતી. થિયોસોફિસ્ટ પાદરી લેડ બીટરે બાળ કૃષ્ણમૂર્તિ જોયા ત્યારે તેમનામાં અસાધારણ શક્તિઓ જણાઈ. તેમને કૃષ્ણમૂર્તિ જિસસ ક્રાઈસ્ટ અને ભગવાન બુદ્ધની કોટિના લાગ્યા. થિયોસોફિલ સોસાયટીના તે વખતના પ્રમુખ એની બેસન્ટે કૃષ્ણમૂર્તિને દત્તક લઈ તેમને અંગ્રેજી અને બીજા વિષયો ભણાવ્યા. શારીરિક રીતે સક્ષમ બનાવ્યા. તેમને દીક્ષા માટે તાલીમ આપી અને ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા. કૃષ્ણમૂર્તિ ત્રણ વખત મેટ્રિકમાં નાપાસ થતા ભણવાનું છોડી દીધું.
૧૫ વર્ષની વયે કૃષ્ણમૂર્તિએ `શ્રી ગુરુચરણ’ નામની વિશ્વવિખ્યાત પુસ્તિકા લખી. એની બેસન્ટે તેમને જગદગુરુ બનાવવા ૧૯૧૧માં `પૂર્વના તારક સંઘ’ની સ્થાપના કરી. વિશ્વભરના લોકો તેના સભ્ય બન્યા, પરંતુ ૧૯૨૨ના ઓગસ્ટ માસમાં તેમને અનેક આધ્યાત્મિક અનુભવ થયા.
વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક `ઓર્ડર ઓફ ધી સ્ટાર ઈન ધ ઈસ્ટ’નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને અપાયું હતું, પરંતુ જીવનની અંતર્જ્યોતિનાં દર્શન કરી ચૂકેલા જે.કૃષ્ણમૂર્તિએ એ પદનો ત્યાગ કરી તેમણે એવી શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓને સંયમ અને સર્વાંગી શિક્ષણના પાઠ ભણાવાય. તેમના વહાલા ભાઈ નિત્યાનંદનું ૧૯૨૫માં અવસાન થયું. ૧૯૨૯ના ઓગસ્ટમાં કૃષ્ણમૂર્તિએ જગદગુરુ થવાની ના પાડી દીધી. તેમણે `તારક સંઘ’નું વિસર્જન કરી નાખ્યું. સંસ્થાને મળેલાં દાન પાછાં આપી દીધાં. કોઈ પણ સંસ્થા સંઘ,ગુરુ વિચારસરણી મંત્રજાપ, વિધિ અને સંપ્રદાયને `સત્ય’નાં દુશ્મન ગણાવ્યાં.
હવે તેઓ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના ઓહાયો નામના નગરમાં સ્થાયી થયા. વિશ્વભરમાં પ્રવાસો ખેડતા રહ્યા અને પ્રવચનો આપતા રહ્યા. દરેકને કોઈ પણ સંસ્થા, મંડળ કે અનુયાયીઓ વિના એકલા જ રહેવાનો અને મુક્ત જીવન જીવવાનો સંદેશ આપતા રહ્યા.
કહેવાય છે કે તેમનામાં ચમત્કારી અલૌકિક શક્તિ હતી. તેમના હાથના સ્પર્શથી જ રોગ મટી જતો, પરંતુ તેઓ તેમની આ શક્તિનો ભાગ્યે જ ઉપયોગ કરતા. તેઓ સ્પષ્ટ કહેતા કે ચમત્કારને અને અધ્યાત્મને કોઈ જ સંબંધ નથી.
હોલિવૂડની એક કંપનીએ તેમને એક ફિલ્મમાં બુદ્ધનો અભિનય કરવા તે સમયમાં પાંચ હજાર ડૉલરની ઓફર કરી હતી, જે તેમણે નકારી કાઢી હતી.
કૃષ્ણમૂર્તિ પોતાને કોઈનાયે ગુરુ માનતા નહીં. પોતાને માત્ર `માર્ગદર્શક પાટીયું’ માનતા. તેઓ કહેતા હતા: `તમારે જ તમારા દીપ બનવાનું છે. તમે જ તમારા મિત્ર અને તમે જ તમારા શત્રુ છો.’
તેઓ કહેતાં જીવનની સમસ્યાઓનું મૂળ મનની અંદર જમા થયેલા ભૂતકાળના સ્તરો જ છે. પળેપળની સતત જાગૃતિ દ્વારા જ માનવી સુખ-શાંતિથી જીવી શકે છે.
કૃષ્ણમૂર્તિના એ વખતના મિત્રોમાં કેટલીક સુપ્રસિદ્ધ મહારાણીઓથી માંડીને બૌદ્ધ સાધુઓ પણ હતાં. બનાર્ડ શો, જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને દલાઈ લામા પણ હતાં. બનાર્ડ શોએ કહ્યું હતું. `કૃષ્ણમૂર્તિ જેવો સુંદર માનવી મેં જોયો નથી.’
ખલિલ જિબ્રાને કહ્યું હતું: `કૃષ્ણમૂર્તિ મારા ખંડમાં પ્રવેશ્યા ત્યારે મેં મનોમન અનુભવ્યું કે સાક્ષાત પ્રેમનો અવતાર પધાર્યા છે.’
આલ્ડસ હકસલીએ કહ્યું હતું: `કૃષ્ણમૂર્તિને સાંભળતા હું બુદ્ધને સાંભળતો હોઉં તેવું મને લાગ્યું.’
જે.કૃષ્ણમૂર્તિનાં કેટલાંક વિધાનો યાદ કરવાં જેવાં છે. તેઓ કહેતાં હતા: `૨૫ લાખ વર્ષ પૂર્વે આપણે જંગલી હતા, આજે પણ સત્તા, પ્રતિષ્ઠાની ખેવના, બીજાની હત્યા, ઈર્ષા વગેરે સ્વરૂપે આપણે જંગલી જ છીએ. મારા માટે આ ઘણી મોટી શોધ છે. હું નથી માનતો કે માનવજાતિમાં કદી પણ આમૂલ પરિવર્તન થાય.’
તેઓ કહેતાં: `લાખો વર્ષોથી આપણે જેવા છીએ તેવા જ છીએ. લોભી, ઈર્ષાળુ, આક્રમક, અદેખા, ચિંતાતુર અને હતાશ…આપણે ધિક્કાર, ભય અને નમ્રતાનું વિચિત્ર મિશ્રણ છીએ. આપણે હિંસા અને શાંતિ બંને છીએ. આપણે બળદગાડાથી જેટ વિમાન સુધી પ્રગતિ કરી છે પરંતુ માનસિક રીતે જરાયે બદલાયા નથી. આપણને સુંદર ઘર બનાવતાં આવડે છે પરંતુ એવા ઘરમાં સુંદર જીવન જીવતાં આવડતું નથી. દુનિયાના લોકો ભલે શાંતિ,પ્રેમ, અહિંસાની, દયાની, ભાઈચારાની વાતો કરે પણ આ જગતમાં ઉલટું જ ચાલી રહ્યું છે. બેબિલોનમાંથી ખોદકામ કરતાં વર્ષો પૂર્વેનો પથ્થરનો એક અવશેષ મળ્યો હતો. જેની પર લખ્યું હતું. `આ છેલ્લું યુદ્ધ હશે,પરંતુ ત્યારપછી પાંચ હજાર યુદ્ધો થયાં, હજી ચાલુ જ છે અને દરેક નવું યુદ્ધ અગાઉના યુદ્ધ કરતાં વધુ ને વધુ સંપત્તિનો અને માનવીનો ક્રૂરતાપૂર્વક ખાત્મો બોલાવી રહ્યું છે. તેમના કહેવાનું તાત્પર્ય એ હતું કે આ જગત જંગલ જેવું છે, ઉજ્જડ રણ જેવું પણ છે, અંધકારમય પણ છે.
તેઓ કહેતાં: `માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસાપાત્ર હોતું નથી. ભરોસો આંતર મનમાંથી આવવો જોઈએ. તમે તમારું પોતાનું જ મહત્ત્વ વધારશો નહીં. ધન અને કીર્તિનો ઢગલો કરશો ન હીં. જીવનને સુવર્ણ બનાવવાના બદલે ભંગારના પતરાની જેમ જીવનને કથીર બનાવશો નહીં. તમારે જીવનને સમગ્રતયા સમજવું પડશે, તેના એક નાનકડા હિસ્સાને નહીં. એ માટે તમારે વાંચવું જોઈએ. તમારે આકાશમાં જોવું જોઈએ. તમારે ગાવું જોઈએ. તમારે નૃત્ય કરવું જોઈએ. કવિતાઓ લખવી જોઈએ અને દુ:ખ પણ સહન કરવું જોઈએ જેથી જીવનને સમજી શકાય.’
તેઓ કહેતાં હતા: `મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા. જીવન એટલે સંઘર્ષ, અશાંતિ, અને દુ:ખ-એવી વાહિયાત માન્યતા ભડકે બળતા જીવનઘરને બુઝાવી દેતી નથી. જીવન કેટલું સુંદર, અદભુત અને જીવવા જેવું છે તેનું આપણને ભાન જ નથી. પ્રભુએ પૂર્વજન્મના પાપની આ જીવનમાં શિક્ષા કરી છે એવી માન્યતા ભડકે બળતા જીવનઘરને બુઝાવા દેતી નથી. જીવન જીવવાની કળા શું છે તે જાણવા આપણી પાસે સમય જ નથી. વૈજ્ઞાનિક બનવા આપણે વર્ષોનાં વર્ષો ખર્ચી નાંખીએ છીએ. આશ્રમોમાં જઈ બાકીનું જીવન તેમાં સમર્પિત કરીએ છીએ અને જીવનનિર્વાહ માટે કમાણી કરવામાં આખું જીવન ખર્ચી નાંખીએ છીએ પરંતુ જીવન જીવવાની કળા શું છે તે જાણવા માટે આપણે એક દિવસ પણ ફાળવતા નથી. તેથી જ જીવન જીવવાની કળા શીખવી જોઈએ.
આવા ક્રાંતિકારી દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિનું તા.૧૭મી ફેબ્રુઆરી, ૧૯૮૬ના રોજ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના ઓહાયો નામના નગરમાં અવસાન થયું.
તેમના અગ્નિદાહ વખતે અગાઉ તેમણે વ્યક્ત કરેલી ઈચ્છા અનુસાર માત્ર સાત જ વ્યક્તિઓને હાજર રહેવા દીધી હતી. જાણીતા કેળવણીકાર અને સેંટ ઝેવિયર્સ કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના પૂર્વ પ્રાધ્યાપક બબાભાઈ પટેલે જે. કૃષ્ણમૂર્તિ વિશે અનેક પુસ્તિકાઓ લખી છે. અહીં પ્રસ્તુત માહિતી પણ તેમના અને ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયના સૌજન્યથી પ્રસ્તુત કરવામાં આવી છે.

Be Sociable, Share!