Close

આવનારા સમયમાં માનવીએ જીવતા રહેવા માટે બીજી પાંચ પૃથ્વીઓની જરૂર રહેશે

રેડ રોઝ | Comments Off on આવનારા સમયમાં માનવીએ જીવતા રહેવા માટે બીજી પાંચ પૃથ્વીઓની જરૂર રહેશે
તા. ૨૨મી એપ્રિલ `પૃથ્વીદિન’ છે
પૃથ્વી આપણી માતા છે. પૃથ્વી આપણને જળ આપે છે. અન્ન આપે છે. નિવાસસ્થાન બનાવવા જગ્યા આપે છે. પૃથ્વી પર ઊગતાં વૃક્ષો છાંયડો આપે છે. ઈંધણ, કોલસો, તેલ અને ગેસ પણ આપે છે. પૃથ્વી પર માનવજાતે પુષ્કળ પ્રમાણમાં ખોદકામ કરીને વારંવાર પૃથ્વીની છાતી માનવજાતે ચીરી નાંખી છે ઔદ્યોગિકીકરણના મોહમાં પૃથ્વી સાથે માનવજાતે વારંવાર છેડછાડ કરી છે. હવે પૃથ્વીને માતા સમજી તેના સ્રોતનો વિવેકસભર ઉપયોગ કરવો જરૂરી છે.
પૃથ્વી તેની પર તમામ પ્રાણીમાત્ર, વૃક્ષો, વેલા અને વનસ્પતિની માતા છે. પૃથ્વી પર વસ્ત્રો પહેરીને ફરતો માનવી પૃથ્વી પરનું સૌથી ડેન્જરસ એનિમલ છે. વાઘ, સિંહ, દીપડા કે બીજાં પ્રાણીઓએ પૃથ્વીનું દોહન કર્યું છે, શોષણ કર્યું નથી. માનવજાતે તેની સુખ-સાહ્યબી પૃથ્વીનું જંગલિયાતભર્યું શોષણ કર્યું છે. વૃક્ષોનું નિકંદન પ્રાણીઓએ નહીં, માનવીઓએ કાઢી નાખ્યું છે. ભૂગર્ભના જળસ્રોત પ્રાણીઓએ નહીં, માનવીએ ચૂસી લીધા છે. પૃથ્વીના પેટાળમાં રહેલા કોલસો, ખનિજ, તેલ અને સુવર્ણ માટે માનવીએ મધર અર્થના ઉદરને ઠેર ઠેર ચીરી નાખ્યું છે. માના વક્ષ:સ્થળમાંથી દુગ્ધનું પાન કરવાને બદલે જંગલી માનવજાતે માનાં સ્તનનાં લોહી માંસ પણ ચૂસી લીધાં છે. પ્રાકૃતિક સંસાધનોનું બેહદ શોષણ કરીને માનવીએ પૃથ્વીની હાલત વસૂકી ગયેલી ગાય જેવી કરી દીધી છે. માનવી જે રીતે તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૃથ્વીને બરબાદ કરી રહ્યો છે, તે જોતાં માનવીએ જીવતા રહેવા માટે આવનારાં વર્ષોમાં બીજી પાંચ પૃથ્વી અને બીજા બે ભારતની જરૂર પડશે.
ક્યાંથી લાવીશું બીજી પાંચ પૃથ્વી? પૃથ્વીના પેટાળમાંથી કોલસો અને તેલ ખતમ થઈ રહ્યાં છે. અમેરિકા બહુ ચાલાક દેશ છે. તે તેના તેલભંડારોને સાચવીને બેઠું છે અને મોટાભાગનું તેલ અખાતના દેશોમાંથી મંગાવે છે. આખા વિશ્વમાં વીજળીનો સૌથી વધુ ઉપયોગ-દુરુપયોગ અમેરિકા કરે છે. પેટ્રોલ-ડીઝલ પણ તે સહુથી વધુ વાપરે છે. દુનિયાભરના લોકો ભલે અલગ અલગ જીવનશૈલી મુજબ જીવતા હોય, પરંતુ પૃથ્વી પરનાં પ્રાકૃતિક સંસાધનોની વાત આવે છે ત્યારે તેની અસર સામૂહિક હોય છે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે વિશ્વની વસ્તી વર્ષભરમાં પૃથ્વીના જે કુદરતી સ્રોતોનો ઉપયોગ કરે છે તેની ભરતી કરવામાં પૃથ્વીને દોઢ વર્ષ લાગી જશે. એક ગણિત તો એવું કહે છે કે આજના હિસાબે માનવજાતની તમામ જરૂરિયાતો પૂરી કરવા બીજી ૧.૪ પૃથ્વીની આજે જરૂર છે.
પૃથ્વી પર માનવવસ્તી વધતી જાય છે.
 માનવીની જરૂરિયાતો વધતી જાય છે, પણ પૃથ્વીની સાઈઝ આપણે વધારી શકતા નથી. મોટરકારોનું ઉત્પાદન વધારી શકાય છે, પણ પૃથ્વીની ભીતર તેલના ભંડારોની સાઈઝ વધારી શકાતી નથી. જે છે તે જ ખેંચી કાઢવાનું છે.
એક વધુ ભારતની જરૂર
ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક તથા સીઆઈઆઈએ ૨૦૦૮ના એક અહેવાલમાં કહ્યું છે કે જે તેજીથી ભારતની અર્થવ્યવસ્થા વિકસી રહી છે તે જોતાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા તથા કચરાના નિકાલ માટો ભારત જેવા એક વધુ દેશની જરૂર છે.
અર્થાત્ ભારતના લોકોને ખાવા-પીવા, વાહનો ચલાવવા, ઘરમાં અજવાળું કરવા બે ગણાં પ્રાકૃતિક સંસાધનોની જરૂર છે.
વર્લ્ડ વાઈલ્ડ લાઈફે ૨૦૧૦માં આપેલા એક રિપોર્ટ પ્રમાણે પૃથ્વી પરના લોકો સરેરાશ એક અમેરિકન નાગરિક જેવું જીવન જીવે છે તેવું જીવન પૃથ્વી પરના તમામ લોકો જીવવા માગતા હોય તો તમામ જરૂરિયાતો પૂરી કરવા માટો આજે બીજી પાંચ પૃથ્વીઓની જરૂર છે. એક બ્રિટિશ નાગરિક સરેરાશ જે જીવન જીવે છે તેવું જીવન પૃથ્વી પરના બીજા લોકો જીવવા માગતા હોય તો પૃથ્વી પરના લોકોને દર વર્ષે ૨.૭ પૃથ્વીની જરૂર રહશે. ૨૦૩૦ સુધી દુનિયાની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે વિશ્વના લોકોને બે પૃથ્વીની જરૂર રહેશે.
ચીન-અમેરિકા
 દુનિયાનાં પ્રાકૃતિક સંસાધનોનો ૪૪ ટકા ઉપભોગ ફક્ત ચીન અને અમેરિકામાં જ થાય છે. ચીનની વધતી વસતી અને અમેરિકન લોકોની જીવનશૈલી પૃથ્વીના કુદરતી સ્રોત પર સહુથી વધુ બોજારૂપ બન્યા છે. ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક મુજબ કુદરતી સંસાધનોની માંગના હિસાબે ચીનની હિસ્સેદારી ૨૩ ટકા અને અમેરિકાની હિસ્સેદારી ૨૧ ટકા છે. આમ, પૃથ્વીનાં પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગમાં ૪૪ ટકા હિસ્સો તો આ બે દેશોનો જ છે. બાકીના દુનિયાના લોકોએ તેમની માગ બાકીના ૫૬ ટકા કુદરતી સંસાધનોથી પૂરી કરવાની રહે છે.
પૃથ્વી પરની ક્ષમતા અને ભારને જીએચએ અર્થાત્ ગ્લોબલ હેક્ટર પ્રતિ વ્યક્તિમાં માપવામાં આવે છે. પૃથ્વી પર ચીનનો પ્રતિ વ્યક્તિ ભાર ૨.૨૧ જીએચએ છે, પરંતુ પૂરી વસ્તીને જોડવાથી તે ભાર વધી જાય છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ પૃથ્વી પર ભાર ૯ જીએચએ છે, એટલે કે અમેરિકાના સાડા સત્તર ફૂટબોલ મેદાન બરાબર છે. એટલે કે અમેરિકાનું લાકડું, પાણી, ઊર્જા, માંસ, માછલી જેવી જરૂરિયાતો અને તેમાંથી નીકળતા કાર્બન કચરાને ઠેકાણે પાડવા માટે જેટલાં સંસાધનોનો ઉપયોગ થાય છે તે આટલાં મેદાનો જેટલી ઉત્પાદક ક્ષમતા ધરાવે છે.
– અડધી પૃથ્વીની જરૂર હતી
એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ ૧૯૬૧માં જ બીજી એક અડધી પૃથ્વીની જરૂરિયાત હતી. એ વખતે દુનિયાની વસ્તી ત્રણ અબજની હતી. માનવીની જરૂરિયાતો પૂરી કરવા તથા તે દરમિયાન પેદા થયેલા કચરાના નિકાલ માટે પૃથ્વીને જે પ્રાકૃતિક સંસાધન જોઈએ તેને ઈકોલોજિકલ ફૂટપ્રિન્ટ કહે છે. ૧૯૬૧માં ઈકોલોજિકલ ફૂટપ્રિન્ટ ૨.૪ હતી. ટૂંકમાં, એ વખતે બીજી એક અડધી પૃથ્વીની જરૂર હતી.
પૃથ્વી પર કયો દેશ સહુથી વધુ ભારરૂપ છે તેના આંકડા જાણવા જેવા છે. સંયુક્ત આરબ અમીરાત કુદરતી સંસાધનોના ઉપયોગમાં તેનો આંકડો ૧૦.૬૭ છે. તે દુનિયામાં પ્રથમ નંબરે છે. તેનું સહુથી વધુ યોગદાન કાર્બન ઉત્સર્જન ૮.૧ જીએચએ રહ્યું. ટૂંકમાં, સહુથી વધુ પ્રદૂષણ ફેલાવતો દેશ સંયુક્ત આરબ અમીરાત છે. તે ભરપાઈ કરવા માટે બીજા નવ અમીરાતની જરૂર છે. અમેરિકા પાંચમા નંબરે છે. પૃથ્વી પર ભારરૂપ ચીન ૭૪મા સ્થાને અને ભારત ૧૪૧મા સ્થાને અને તિમોર લેસ્સે ૧૫૨મા નંબરે છે.
જો આ પરિસ્થિતિ રહી તો માનવીએ વસવાટ માટે પૃથ્વી જેવો બીજો ગ્રહ શોધવો પડશે.
સદીઓથી પૃથ્વીવાસીઓને બે જિજ્ઞાસાઓ રહી છે. એક તો બીજા ગ્રહ પર કોઈ પરગ્રહવાસીઓ રહે છે કેમ? અને પૃથ્વી જેવો વસવાટ કરી શકાય તેવો બીજો કોઈ ગ્રહ છે કે કેમ? એલિયન્સની તો ખબર નથી, પરંતુ `અર્થ-૨’ એટલે કે પૃથ્વી જેવા વસવાટને લાયક બીજો ગ્રહ છે કે કેમ તે ખોજનો અંત આગામી ૧૦ વર્ષમાં આવી જશે. આવો ગ્રહ સૂર્ય પરિવારની પાડોશમાં ક્યાંક હોવાની શક્યતાની નજીક વિજ્ઞાનીઓ પહોંચી ગયા છે.
કેપ્લર મિશન
પૃથ્વી જેવા જ વસવાટને લાયક ગ્રહની શોધ નાસાનું કેપ્લર નામનું અંતરીક્ષ યાન ચલાવી રહ્યું છે. નાસાના વિજ્ઞાનીઓ કેપ્લર અંતરીક્ષ યાન દ્વારા મોકલવામાં આવતી માહિતીના આધારે બીજા કોઈ તારાની ભ્રમણકક્ષામાં પૃથ્વી જેવું વાતાવરણ ધરાવતા અન્ય કોઈ ગ્રહની તપાસ કરી રહ્યા છે. કેપ્લર મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં ૨૩૨૬ જેટલા ગ્રહો શોધ્યા છે. તેમાંથી ૧૨૩૫ પ્લેનેટર્સને ઓળખી શકાય છે. તેમાંથી ૫૪ જેટલા બહારી ગ્રહો પર પાણી અને જીવન હોવાની શક્યતા છે એમ વિજ્ઞાનીઓ માની રહ્યા છે. કેપ્લર સ્પેસ ક્રાફટે શોધેલા ગ્રહો પૈકી ૨૦૭ ગ્રહો પૃથ્વી જેવડા છે. ૬૮૦ ગ્રહો પૃથ્વી કરતાં મોટા છે. ૧૧૮૧ ગ્રહો નેપ્ચૂનની સાઈઝના છે. ૫૫ ગ્રહો જ્યુપિટરથી મોટા છે. કેપ્લરે તાજેતરમાં જ પૃથ્વી જેવો એક ગ્રહ શોધ્યો છે જે જીજે-૬૬૭૬૦ તરીકે ઓળખાય છે અને પૃથ્વીવાસીઓ નજીકના ભવિષ્યમાં તેની મુલાકાત લેશે તેવી ધારણા છે. આ ગ્રહના ભ્રમણનો સમય ૨૮ દિવસનો છે. તે પૃથ્વી કરતાં ૪.૫ ગણો મોટો છે. આ ગ્રહ નથી તો ઉષ્ણ કે નથી તો વધુ ઠંડો પ્રવાહીરૂપે તેની પર પાણી હોવાની શક્યતા છે.
—————————————-

Be Sociable, Share!