૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓનાં ચૂંટણી પરિણામો આવી ગયાં. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજય થયો. હિન્દી બેલ્ટમાં ભાજપાનું વર્ચસ્વ વધ્યું. કોંગ્રેસે ફક્ત એક જ રાજ્ય તેલંગાણા મેળવ્યું અને બે રાજ્યો ગુમાવ્યાં. દેશનાં ૧૨ રાજ્યોમાં હવે ભાજપાની સરકાર છે જ્યારે કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ જ રાજ્યોમાં સત્તા છે. લાગે છે કે દેશમાં ચૂંટણી જીતવા માટે ભાજપા પાસે પીએમ નરેન્દ્ર મોદી જ એક બ્રાન્ડ છે. પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકો મંત્રમુગ્ધ થઈ જઈ ભાજપાને ખોબલે ખોબલે મત આપે છે. પીએમ મોદીનો લોકપ્રિય ચહેરો અને દેશના ગૃહમંત્રી અમિત શાહની ચાણક્યનીતિ અને ભાજપાનું બૂથ મેનેજમેન્ટ ભાજપ માટે જીતની ગેરંટી છે. આ ચૂંટણી પરિણામો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનું એક ટ્રેલર જેવું જ છે. ૨૦૨૪માં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ લોકસભામાં ભાજપા માટે સત્તા હાંસલ કરી ત્રીજી વાર હેટ્રિક કરવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. ભાજપા પાસે પીએમ નરેન્દ્ર મોદીથી માંડીને બીજા અનેક શ્રેષ્ઠ વક્તાઓની હરોળ છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન પાસે એમની કક્ષાનો એક પણ પ્રખર વક્તા નથી. બૂથ મેનેજમેન્ટ પણ નથી.
પીએમ મોદીના `ભારત’ની સામે `ઈન્ડિયા’ ગઠબંધન પરાજિત થયું છે. લોકસભાની ચૂંટણી પહેલાં જ `ઈન્ડિયા’ ગઠબંધનમાં તિરાડ પડી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી ઈન્ડિયા ગઠબંધનથી દૂર રહેવા માંગે છે. મમતા બેનરજીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આ પરાજય જનતાનો નહીં પણ કોંગ્રેસનો છે. કોંગ્રેસના સિનિયર નેતા ગુલામનબી આઝાદ પણ હવે કોંગ્રેસ સાથે નથી. દેખીતી રીતે જ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની ખાઈ વધી છે. નોંધપાત્ર વાત એ છે કે એક સમયે ખુદ મમતા બેનરજી કોંગ્રેસનો જ એક હિસ્સો હતાં, હવે નથી.
સવાલ એ છે કે ૧૩૮ વર્ષ જૂની કોંગ્રેસ કેમ લુપ્ત થઈ રહી છે?
કોંગ્રેસની સ્થાપનાને તા.૨૮મી ડિસેમ્બરે ૧૩૮ વર્ષ પૂરાં થશે અને હવે ૧૩૯મા વર્ષમાં પ્રવેશ કરશે. દેશની આઝાદીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર એક રાષ્ટ્રીય પક્ષ તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે.
પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની મજબૂત સરકાર હતી, પરંતુ હાઈકમાન્ડે નવજ્યોત સિંહ સિદ્ધુને મહત્ત્વ આપી કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંહને કોંગ્રેસ છોડવા મજબૂર કરી દીધા. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ એક સમયે કોંગ્રેસના મજબૂત અને યુવા નેતા હતા પણ તેમણે પણ કોંગ્રેસ છોડી દેવી પડી. રાષ્ટ્રીય કોંગ્રેસ વેરવિખેર કેમ થઈ રહી છે? આ પ્રશ્નનું આત્મચિંતન ખુદ કોંગ્રેસના નેતાઓએ જ કરવું જોઈએ. જે કોંગ્રેસ પાસે ભૂતકાળમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, મહાવીર ત્યાગી, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓનું નેતૃત્વ હતું તે હવે કોંગ્રેસ પાસે નથી.
એક સમયે કોંગ્રેસ પાસે સેવાદળ જેવું સંગઠન હતું. તમામ જિલ્લાઓમાં સેવાદળની શાખાઓ હતી. આજે સેવાદળ ક્યાં છે? એક સમયે ગુજરાતમાં કોંગ્રેસ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ, ડો.જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ અને બાબુભાઈ જ પટેલ જેવા નેતાઓ હતા. આવા નેતાઓ આજે ક્યાં છે? ૧૯૮૫ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસે ખામ થિયરી અપનાવી જ્ઞાતિવાદને વકરાવ્યો. ગુજરાતમાં લોહિયાળ ઘટનાઓ ઘટી. ખંજરબાજીઓ થઈ. આગ લગાડવાના બનાવો બન્યા. દિવસોના દિવસો સુધી શહેરો કરફ્યૂમાં કેદ રહ્યાં અને તે દિવસથી કોંગ્રેસનાં વળતાં પાણી થયાં. બીજી તરફ ભાજપાએ હિંદુ ધર્મ અને રાષ્ટ્રભાવના વિકસાવી તમામ જ્ઞાતિઓને હિંદુ ધર્મ અને રાષ્ટ્રવાદના નેજા હેઠળ લાવી દીધી. અહીંથી જ ભાજપનો ઉદય થયો. ભાજપના ઉદય પછી એક પણ ખંજરબાજી ન થઈ અને એક પણ કોમી તોફાન ન થયું.ભાજપ પાસે બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનીંગ છે અને કોંગ્રેસ પાસે તેનો સાવ અભાવ છે. આ જ છે ભાજપના જલવંત વિજયના કારણો.
કોંગ્રેસનો ઇતિહાસ જાણવા જેવો છે. ૮૧ વર્ષની વય ધરાવતા ગુજરાતની કોંગ્રેસના એક સમયના નેતા પ્રમોદ શાહે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ `દર્શન અને ચિંતન’ નામનું એક પુસ્તક લખ્યું છે. તેમણે આ પુસ્તકમાં કોંગ્રેસના ભવ્ય ઇતિહાસનું વિસ્તૃત આલેખન કર્યું છે. તેમના પુસ્તકના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે:
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના તા.૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ થઈ હતી. `કોંગ્રેસ’ની સ્થાપના એક અંગ્રેજે કરી હતી જેમનું નામ હતું એલન ઓક્ટેવિયન હ્યુમ. એલન હ્યુમનો જન્મ તા.૬ જૂન, ૧૮૨૯ના રોજ સ્કોટલેન્ડના મેન્ટોસ ખાતે થયો હતો. તેઓ સિદ્ધાંતવાદી રાજકારણી હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી હેવનબર્ગસ્થિત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ હ્યુમ ૧૯૪૯ના સમયગાળામાં ભારત આવ્યા હતા. અહીં તેઓ બેંગાલ સિવિલ સર્વિસમાં જોડાયા હતા. ૧૮૭૦થી ૧૮૭૯ સુધી તેઓ બ્રિટિશ સરકારમાં સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના સ્થાપક બનેલા હ્યુમ ભારત આવ્યા ત્યારે ભારતમાં આવેલા અંગ્રેજો ૧૯૫૭ના બળવામાં ભાગ લેનારા ભારતના રાષ્ટ્રપ્રેમીઓને ફાંસીએ લટકાવતા હતા, પરંતુ એલન હ્યુમ જુદી જ માટીના હતા. તેઓ ભારતનાં ગામડે ગામડે ફરીને ભારતના ખેડૂતોની તકલીફો જાણવા પ્રયત્ન કરતા હતા. તેઓ ખેડૂતોને મદદ પણ કરતા હતા. એ સમયગાળામાં તેમણે પક્ષીઓ સંબંધી ૧૨ ગ્રંથો પણ લખ્યા હતા. આ ગ્રંથો તેમનો નોકર પસ્તીમાં વેચી આવ્યો ત્યારે તેઓ સહેજ પણ ગુસ્સે ન થયા. એથી ઉલટું તેમનો પ્રતિભાવ એક મહાત્માને છાજે તેવો હતો. તેમણે કહ્યું કે, `નોકરે એટલા માટે ગ્રંથો વેચ્યા કે તેનું પેટ અનાજ માંગતું હતું, જ્ઞાન નહીં.’
આ ઘટના બાદ એલન હ્યુમે તેમના નોકરનો પગાર વધારી દીધો હતો.
એલન હ્યુમે ઈંગ્લેન્ડમાં રહેવાનો ઈન્કાર કરી સિમલામાં ૭૦ હજાર ફૂટની ઊંચાઈએ મકાન બંધાવીને રહેવાનું પસંદ કર્યું. તેઓ અંગ્રેજ હોવા છતાં દારૂ પીતા નહોતા. તેમણે જોયું કે ભારતમાં આવી રાજ કરતાં અંગ્રેજોમાંથી મોટાભાગના દારૂડિયા અને લાંચિયા હતા. આ કારણથી તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને કલકત્તાના નવજુવાનોને રાજકીય અને સામાજિક દૃષ્ટિએ જાગ્રત કરવા ઝુંબેશ ઉપાડી. તે પછી તેમણે તેમની ઝુંબેશને વ્યવસ્થિત કરવા તા.૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. એ વખતે ભારતના ૭૨ પ્રતિનિધિઓ હાજર હતા. આમ, કોંગ્રેસની સ્થાપના એક ઉદાર, ઉમદા અને ઉદાત્ત હૃદયવાળા અંગ્રેજે કરી હતી. એ વખતે કોંગ્રેસની સ્થાપનાનો ઉદ્દેશ ભારતની આઝાદીના જુવાળને સંગઠિત કરી તેને અસરકારક બનાવવાનો હતો અને અંગ્રેજ શાસકો અને ભારતની પ્રજા વચ્ચે સંકલન સાધવાનું એક માધ્યમ બનવાનો હતો. એ વખતની કોંગ્રેસના સભ્યોએ એક એવું મંડળ બનાવ્યું કે જે લોકોની સમસ્યાઓને અંગ્રેજ શાસકો સુધી પહોંચાડે. જોકે કોંગ્રેસની સ્થાપના બાદ તેમાં એવા નેતાઓ જોડાયા જેમણે દેશને આઝાદી અપાવી. આમ, એક અંગ્રેજે સ્થાપેલી કોંગ્રેસે જ ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક હ્યુમ ૧૯૦૬ સુધી કોંગ્રેસના મહામંત્રી રહ્યા. ૧૮૭૦થી ૧૮૭૯ દરમિયાન તેમણે લેફ્ટનન્ટ ગવર્નરનું પદ એટલા માટે ઠુકરાવ્યું કે આ પદ પર રહી તેઓ ભારતીયોની સેવા ન કરી શકત.
લાલા લાજપતરાયે પણ એલન હ્યુમનાં વખાણ કરતાં કહ્યું હતું કે, `એલન હ્યુમ સ્વતંત્રતાના પૂજારી હતા. તેમનું હૃદય ભારતીયોની દુર્દશા પર રડતું હતું.’
એલન હ્યુમ બ્રિટિશ સરકારના ખુલ્લા ટીકાકાર બની ગયા હતા. બ્રિટિશ સરકાર તેમના પર વિશ્વાસ મૂકતી નહોતી. બીજી બાજુ ભારતના પણ કેટલાક લોકો હ્યુમના વિરોધી બની ગયા હતા. છેવટે ૧૮૯૨માં તેમણે ભારત છોડ્યું અને ઈંગ્લેન્ડ જતા રહ્યા. તા.૩૧મી જુલાઈ, ૧૯૧૨ના રોજ એલન હ્યુમનું ઈંગ્લેન્ડ ખાતે અવસાન થયું.
આવો ભવ્ય ભૂતકાળ ધરાવતી રાષ્ટ્રીય કોંગ્રેસ આજે તેના અસ્તિત્વ માટેની લડત લડી રહી છે.



