Close

ઔરંગઝેબ પણ કોઇના પ્રેમમાં હતો!

રેડ રોઝ | Comments Off on ઔરંગઝેબ પણ કોઇના પ્રેમમાં હતો!
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

‘વેલેન્ટાઈન્સ ડે’ પ્રણયમસ્ત પ્રેમીઓનો દિવસ છે, પરંતુ આજે આ એક એવી વ્યક્તિની પ્રણયકથા છે, જેને ગીત-સંગીત પ્રત્યે સખત નફરત હતી. બહારથી રૂક્ષ પ્રતિભા ધરાવતાં મોગલ બાદશાહ ઔરંગઝેબના જીવનમાં પણ ક્યારેક પ્રણયની વસંત ખીલી ઊઠી હતી. ઔરંગઝેબ એક કઠોર, યુદ્ધમાં ચતુર અને સાહસિક શાસક હતો. ઈસ્લામના નિયમો અનુસાર પવિત્ર જીવન ગુજારનારો મુસલમાન હતો.

એ સમયે બુરહાનપુર પાસે આવેલું જૈનાબાદ નામનું નગર પ્રાકૃતિક સૌંદર્યથી પ્રશસ્તિ પામેલું હતું. આવા જૈનાબાદમાં એક કુલીન નર્તકી રહેતી હતી. તેના અપ્રતીમ સૌંદર્યના કારણે લોકો તેને ‘જૈનાબાદી’નામથી ઓળખતા હતા. તેની શાન-શૌકતની બરાબરી કરવાની કોઈનીયે તાકાત નહોતી. હુસ્ન અને ઈશ્કના પ્યાસા લોકોની નજર તેની પર મંડરાયેલી રહેતી હતી. રાજા-મહારાજાઓ પણ તેને જોઈ હોશોહવાશ ખોઈ બેસતા હતા.

એક દિવસ યુવાન ઔરંગઝેબ બુરહાનપુર ગયા. ઔરંગઝેબના કાકા ખાનજમાં બુરાહનપુરના સૂબા હતા. કાકાએ ઔરંગઝેબની ખૂબ આગતાસ્વાગતા કરી. ભોજન બાદ મહેલમાં ફેરવવામાં આવ્યા. મહેલની ભીતરના એક વિશાળ પ્રાંગણમાં કેટલીક દરબારી ઔરતો સુંદર વેશભૂષા અને સુંદર અલંકારોથી સજ્જ ઊભી હતી. તેમના હાથમાં સુવર્ણ અને કીમતી હીરા-ઝવેરાત ભરેલી થાળીઓ હતી. એ બધી ભેટસોગાદ ઔરંગઝેબ માટે હતી. ઔરંગઝેબની નજર પરીઓ જેવી યુવતીઓ પર પડી. તેને એક સ્ત્રી ગમી ગઈ, પરંતુ તરત જ નજર હટાવતાં એમણે તેમના કાકાને કહ્યું: “જો કુછ ગેરકાનૂની હૈ ઉસે દેખના અપરાધ હૈ.”

ખાનજમાંએ કહ્યું: “યે સબ ઔરંગઝેબ કી ખિદમત મેં પેશ હૈં.” ઔરંગઝેબે તેના કાકાને શુક્રિયા અદા કરી બધી સ્વરૂપવાન સ્ત્રીઓને પડદામાં ચાલ્યા જવા કહ્યું. સ્ત્રીઓ તો જતી રહી પરંતુ ઔરંગઝેબની નજર એક સ્ત્રી પર અટકી ગઈ હતી અને તે જૈનાબાદી હતી. ઔરંગઝેબે બહારથી સખત હોવાનો રૂતબો ચાલુ રાખ્યો પણ ખૂબસૂરત જૈનાબાદી તેના હૃદયમાં વસી ગઈ હતી. એને ફરી જોવા તે તલપાપડ હતો. પણ સ્વભાવથી તે તેમ કરી શક્યો નહીં.

એક દિવસ ઔરંગઝેબ નદીના કિનારે ટહેલવા ગયો હતો. અચાનક કોઈ મધુર ગીતના સ્વર તેના કાનમાં ગુંજી રહ્યા. વૃક્ષો અને ઝાડીઓની પેલે પાર કોઈ ગાઈ રહ્યું હતું. ઔરંગઝેબે એ સ્વર તરફ ચાલવા માંડયું. એણે જોયું તો એક વૃક્ષ નીચે બેઠેલી એક હસીના પોતાની મસ્તીમાં ગાઈ રહી હતી. ઔરંગઝેબ એ યુવતીના હુસ્નની ચમક જોઈ સ્તબ્ધ થઈ ગયો. એના અલૌકિક ગીત-સંગીતમાં તે હોશોહવાસ ગુમાવી બેઠો. એને અચાનક ખ્યાલ આવ્યો કે, આ તો એ જ ઔરત છે જેને મેં કાકા ખાનજમાંના મહેલમાં જોઈ હતી. એ જૈનાબાદી હતી.

ઔરંગઝેબ કે જે ખુદ ગીત-સંગીતનો વિરોધી હતો તે દરબારમાં ગાવાવાળી સ્ત્રીના પ્રેમમાં પડી ગયો. ઔરંગઝેબ ધીમેથી તેની નજીક પહોંચ્યો. એણે હળવાશથી જૈનાબાદી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જૈનાબાદી કોઈ જુદી જ માટીની હતી. ઔરંગઝેબના પ્રેમના ઈજનનો એણે કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. બલકે, જૈનાબાદી કુરનીસ બજાવી ત્યાંથી ચાલી ગઈ.

ઔરંગઝેબ જૈનાબાદીનો પ્રેમ જીતવામાં નિષ્ફળ ગયો એટલે એણે એની ચાચી અર્થાત્ ખાનજમાંની ઔરતની ખુશામત કરવા માંડી. ઔરંગઝેબની ચાચીએ જૈનાબાદીને ઔરંગઝેબના તેના પ્રત્યેના પ્રેમનો સંદેશો પહોંચાડયો. ચાચીના પ્રયાસોથી જૈનાબાદી ઔરંગઝેબને મળવા તૈયાર થઈ. બેઉ મળ્યાં. ઔરંગઝેબ શરાબનો વિરોધી હતો પણ જૈનાબાદી શરાબની શોખીન હતી. જૈનાબાદી નશામાં બેહોશ થઈ જતી ત્યારે ઔરંગઝેબ પીધા વગર જ મદહોશ બની તેના હુસ્નને જોઈ રહેતો.

જૈનાબાદીને હવે ખાતરી થઈ ચૂકી હતી કે ઔરંગઝેબ તેના પ્રેમમાં પૂરેપૂરો રંગાઈ ચૂક્યો છે ત્યારે એણે ઔરંગઝેબના પ્રેમની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. એક દિવસ જૈનાબાદીએ પોતે અત્યંત નશામાં છે તેવો દેખાવ કર્યો અને જે પ્યાલી ઔરંગઝેબ તેની તરફ ધરી રહ્યો હતો તે જ પ્યાલી તેણે ઔરંગઝેબ તરફ ધરી તેને પણ ઘૂંટ મારવા આગ્રહ કર્યો. ઔરંગઝેબ માટે આ મોટી દ્વિધા હતી. તેણે કદી શરાબ પીધો નહોતો. દારૂની બાબતમાં તે કટ્ટર વિરોધી હતો. પણ અહીં ઈશ્કની જાળમાં તે ફસાઈ ગયો હતો. હવે એક તરફ તેનો પ્રેમ હતો અને બીજી તરફ તેનો ધર્મ હતો. ઈસ્લામમાં શરાબ પીવા પર પ્રતિબંધ છે. ઔરંગઝેબ માટે હુસ્ન અને ઈશ્કનો શિકાર બનવાનું આસાન હતું, પરંતુ પોતાના ધર્મના નિયમો વિરુદ્ધ વર્તવાનું તેના માટે કઠિન હતું. તે હવે એક ચૌરાહા પર ઊભો હતો. તેની સમક્ષ ધર્મસંકટ ઊભું હતું.

ઔરંગઝેબ એટલું તો સમજતો હતો કે કઠોરતાથી શાસન કરી શકાય છે પણ પ્રેમ જીતી શકાતો નથી. એણે શરાબની પ્યાલી ધરી રહેલી જૈનાબાદી સમક્ષ પોતાનું મસ્તક નમાવી નમ્રતાથી કહ્યું: “શરાબ કે ઈસ પ્યાલે સે મેરે પ્રેમ કી પરીક્ષા ન લો. જો પહેલે સે હી તુમ્હારી ખૂબસૂરત આંખો કી શરાબ પી કર મદહોશ હો ચુકા હૈં, ઉસે અબ શરાબ કી જરૂરત નહીં.”

પરંતુ જૈનાબાદી તેના પ્રેમની કસોટી માટે અડગ હતી. જૈનાબાદીએ જરા પણ ઉદારતા દાખવી નહીં. એણે મક્કમતાથી શરાબની પ્યાલી ઔરંગઝેબ તરફ ધરી જ રાખી અને ઔરંગઝેબ તે પી લે તેનો ઈન્તજાર કરવા લાગી. તે ઔરંગઝેબ પર કોઈ તરસ ખાવા તૈયાર નહોતી. ઔરંગઝેબને હવે લાગ્યું કે પોતે શરાબની પ્યાલી ગટગટાવી નહીં લે તો તે તેનો પ્યાર ગુમાવશે. તે અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. થોડીક ક્ષણો માટે તે સંવેદનશીલ થઈ ગયો. એ પોતાના ધર્મના નિયમો તોડવા તૈયાર થઈ ગયો. જૈનાબાદીએ જોયું તો ઔરંગઝેબ હવે શરાબની પ્યાલી ગટગટાવા સજ્જ થઈ રહ્યો છે. ઔરંગઝેબે હજુ શરાબની પ્યાલીને હાથ અડકાડયો નહોતો. એણે જેવો પોતાનો હાથ એ તરફ લંબાવ્યો ત્યાં જ જૈનાબાદીએ પોતાના હાથમાં રહેલી શરાબની પ્યાલી દૂર ફેંકી દીધી અને તે બોલીઃ “મેરા ઈરાદા કેવલ તુમ્હે આજમાને કા થા, તુમ્હે શરાબ પીલાને કા નહીં. મેં તુમ્હારા દિલ કભી નહીં તોડુંગી.”

અને ઔરંગઝેબનો પગ લપસતાં રહી ગયો. ધર્મના નિયમ વિરુદ્ધ આચરણ કરવામાંથી તે બચી ગયો. બદલામાં જૈનાબાદીએ ઔરંગઝેબના પ્રેમનો સ્વીકાર કર્યો.

થોડા જ વખતમાં ઔરંગઝેબ અને જૈનાબાદીના પ્રેમની કહાણી વીજળીની ગતિએ ચારે તરફ ફેલાઈ ગઈ. દરબારના હર આદમીના હોઠ પર ઔરંગઝેબના જૈનાબાદી સાથેના પ્રેમની વાત હતી. આ મુદ્દા પર દારાએ ઔરંગઝેબની વિરુદ્ધ શાહજહાંને પણ ભડકાવ્યા. દારાએ એવું પ્રતિપાદિત કરવા પ્રયાસ કર્યો કે, તેનો ભાઈ ઔરંગઝેબ બહારથી જ ર્ધાિમક હોવાનો દાવો કરે છે, પરંતુ ગાવાવાળી એક દરબારી ઔરતના પ્રેમમાં ફસાઈ ગયો છે.

આ પ્રચારથી ઔરંગઝેબ જરા પણ વિચલિત થયો નહીં. તે જેમ તેના ધર્મને છોડવા તૈયાર નહોતો તેમ જૈનબાદીને પણ છોડવા તૈયાર નહોતો. તેને સત્તા પણ જોઈતી હતી અને જૈનાબાદી પણ. જૈનાબાદી પણ હવે ઔરંગઝેબ પ્રત્યે સંપૂર્ણ સર્મિપત હતી. બેઉ એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં, પરંતુ કાળને કાંઈ બીજું જ પસંદ હતું. એક દિવસ જૈનાબાદી અચાનક બીમાર પડી. લાખ ઈલાજ છતાં તે સાજી ન થઈ અને ભરયુવાનીમાં જ તે મૃત્યુ પામી.

ઔરંગઝેબ સ્તબ્ધ થઈ ગયો. જૈનાબાદીને કાયમ પામવાની તેની ઇચ્છા અધૂરી જ રહી ગઈ. તે પછી તો ઔરંગઝેબ ફરી કઠોર બની ગયો. પોતાના ભાઈ દારા સાથે યુદ્ધમાં ઊતર્યો અને પિતા શાહજહાંને કેદમાં નાંખ્યા. ઔરંગઝેબ કઠોર શાસક હોવા છતાં ઈસ્લામના નિયમોનો એણે કદી ભંગ ન કર્યો. ઇતિહાસકારો કહે છે કે, જૈનાબાદીનું અચાનક અકાળ અવસાન થયું ન હોત તો ઔરંગઝેબનું જીવન કાંઈક અલગ જ હોત. ઔરંગઝેબમાં કટ્ટરતાને બાદ કરતાં બીજા મહાન ગુણ હતા અને તેનું શ્રેય દરબારી નર્તકી જૈનાબાદીને જાય છે. જૈનાબાદીના મૃત્યુ પછી કેટલાયે મહિનાઓ સુધી ઔરંગઝેબ તેમના મહેલમાંથી બહાર નીકળ્યા નહોતા. વિશ્વના ઇતિહાસકારોએ ઔરંગઝેબના જીવનના આ લાગણીસભર અધ્યાય પર બહુ ઓછો પ્રકાશ ફેંક્યો છે.

ઔરંગઝેબને પણ પીગળાવી નાંખનાર દરબારી નર્તકી જૈનાબાદીની કબર આજે પણ ઔરંગાબાદના એક વિશાળ તળાવના કિનારે દેખાય છે.

Be Sociable, Share!