Close

ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

રેડ રોઝ | Comments Off on ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો
તા.૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિન છે.
 ભારત વર્ષમાં અનેક ભાષાઓ છે. દરેક ભાષાની અલગ અલગ મહેંક અને લઢણ છે. આપણી માતૃભાષા ગુજરાતી છે. એ તો સુવિદિત છે કે ભારતની ગુજરાતી, હિન્દી, મરાઠી, ભોજપુરી જેવી અનેક ભાષાઓની માતા સંસ્કૃત છે. દેશની અનેક ભાષાઓથી સંસ્કૃતમાં ઉતરી આવી છે અને સમયાંતરે તે વિસ્તારના લોકોમાં અપભ્રંશ થઈને બોલાતી આવી છે. આ સંદર્ભમાં એક વાત સમજી લેવી  જેવી જોઈએ કે દરેક ભાષા પણ સમયાંતર બદલાતી રહે છે. જૂના અને તળપદા શબ્દો ભુલાતા જાય છે અને બીજી ભાષાઓના પ્રભાવ હેઠળ નવા શબ્દો ઉમેરાતા જાય છે. તો ચાલો આજે ૭૦ કે ૧૦૦ વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના કેટલાંક ભુલાતા ગયેલા શબ્દો પર નજર નાંખીએ ઃ
ગામેતરું ઃ  બહારગામ મહેમાનગતિએ જવું તેને ગામેતરું કહે છે. દા.ત. તમારા ભાઈ તો ગામેતરે ગયા છે. તેનો અર્થ એ છે કે તેઓ બહાર ગયા છે.
મજિયારાં-જુદારાં ઃ  જો કુટુંબ ભેગું રહેતું હોય તેવા સંયુક્ત કુટુંબ માટે ગામડામાં મજિયારા શબ્દ વપરાતો હતો. બે ભાઈઓના પરિવાર અલગ થાય,  અલગ અલગ રહેવા  માંડે અને પિતાની મિલકત વહેંચીને અલગ  રહે તેને જુદારાં કહેવામાં આવતું હતું.
રાંઢવું ઃ રાંઢવું એટલા જાડું દોરડું. ગામડામાં આ શબ્દનો વધુ ઉપયોગ થતો હતો.
વરતઃ વરત એ પણ જાડા, લાંબા દોરડાનું જ એક નામ છે.
અલાણી ઃ કૂવામાંથી પાણી કાઢવા  માટે આજની વીજળીક મોટરો આવી તે પહેલાં ખેડૂતો કૂવામાં કોસ ઉતારી બળદ મારફતે  તે કોસ ઉપર લાવતા. આ માટે કોસ પાણીમાં ડૂબે તે પછી કૂવાના કિનારે ઢાળમાં બળદ આસાનીથી ઉતરી પાણી ભરેલા કોસને ઉપર ખેંચી લાવે તે ઢાળને અલાણી કહેવામાં આવતી હતી.
ઉરાં ઃ કૂવામાંથી પાણી ભરેલા કોસને જે છાજલીમાં ઢલવાતું તે સિમેન્ટથી બનેલી છાજલીને ઉરાં કહેવામાં આવતા હતા.
જોતરું ઃ બળદ ગાડું ખેંચતો હોય કે કૂવામાંથી  પાણી ભરેલા કોસને ખેંચતો હોય ત્યારે તેના ગળે આ બાંધવામાં આવતા ચામડાના પટ્ટાને જોતરું કહેવામાં આવતું હતું.
ગુંજાર ઃ આજથી ૧૦૦ વર્ષ પહેલાંના ઘરમાં આગળ આંગણું હોય તે પછી  ઘરનો મુખ્ય  ખંડ હોય તે પછી ઢોર બાંધવાનો ઓરડો હોય અને છેલ્લે એક નાનો ઓરડો હોય તેને ગુંજાર કહેવામાં આવતું. ગુંજારમાં પરચૂરણ ચીજો  પડી રહેતી અને ક્યારેક કાચી કેરીઓને પકવવા માટે ઘાસની અંદર મૂકીને ગુંજારમાં રાખવામાં આવતી હતી.
પાણિયારી ઃ વર્ષો પહેલાં ઘરના મુખ્ય ઓરડા પછી રસોડું શરૂ થાય ત્યાં  પાણીના માટલાં અને બેડાં મૂકવા માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવતું. તેને પાણિયારી કહેવામાં આવતી હતી.
વળગણી ઃ ઘરના મુખ્ય ઓરડામાં એક દીવાલ પાસે કપડાં લટકાવવા દોરડું કે વાંસની લાકડી લટકાવવામાં આવતી હતી જેની પર  સ્ત્રીઓ પોતાની સાડી કે પુરુષોના ધોતિયા કે બીજાં વસ્ત્રો લટકાવી દેવાતા હતા. તેને વળગણી કહેવામાં આવતી.
હળોતરા ઃ વર્ષાઋતુના આરંભ થાય અને ખેડૂતો સૌથી પહેલી વાર ખેતરમાં વાવેતર કરવાનું મુહૂર્ત કરે  તેને હળોતરા કહેવામાં આવતા હતા. હળોતરા કર્યા પછી ખેડૂતો કંસાર ખાતા. આ એક પ્રકારનું  ખેતરનું પૂજન જ ગણાતું હતું.
કોસ ઃ વર્ષો પહેલાં કૂવામાંથી પાણી કાઢવા માટે ચામડાના બનેલા એક કોથળાને કોસ કહેવામાં આવતો હતો.
ગભાણ ઃ ગાય, ભેંસ, બળક કે વાછરડાંને ઘેર બાંધવામાં આવતા હતા અને તેમને ઘાસ કે ખાણ  પીરસવામાં માટે જે  જગા બનાવવામાં આવતી તે ગભાણ કહેવામાં આવતી હતી.
ઉલાળ-ધરાળઃ ટ્રેક્ટર આવ્યાં તે પહેલાં ખેડૂતો તેમના અનાજ કે બીજી ચીજવસ્તુઓ અન્યત્ર લઈ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતા હતા. ગાડાના પાછળના ભાગમાં વધુ વજન ભરાઈ ગયું હોય અને ધુંસરી પર જોડેલા બળદના ગળામાં ભીંસના કારણે તકલીફ થાય તો ગાડું  ઉલાળ છે તેમ કહેવાતું હતું અને ગાડાના આગળના ભાગમાં વજન વધુ ભરાઈ ગયું હોય તો ગાડું ધરાળ છે તેમ કહેવામાં આવતું હતું.
હરણિયું ઃ હરણિયું એટલે પરોઢ સવાર થતાં  પહેલાં અંધારા આકાશમાં થોડો ઉજાસ શરૂ થાય ત્યારે સપ્તર્ષીના તારા દેખાતા હોય તો તેને હરણિયું થવા આવ્યું છે તેમ કહેવામાં આવતું.
મોદઃ  વર્ષો પહેલાં  ગામડામાં સારા કે માઠા પ્રસંગે બેસવા માટે  જાડા કાપડની બનેલી કાર્પેટ પાથરવામાં આવતી હતી. તે મોદ કહેવાતી હતી. મોદ એટલી વિશાળ રહેતી કે તેમાં એક સાથે ૧૦૦ જેટલા લોકો પલાંઠી વાળીને બેસી શકતા હતા.
ભરભાંખરું ઃ ભરભાખરું એટલે પણ પરોઢના આછો ઉજાસ રાત્રિ અદૃશ્ય થતી હોય અને ધરતી પર  આછું અજવાળું શરૂ થવાના સમયને ભરભાંખરું કહેવામાં આવતું હતું.
ખમીસ ઃ ખમીસ એટલે શર્ટ તે માટે પહેરણ શબ્દ પણ વપરાય છે. નાના બાળકને પહેરાવવામાં આવતા વસ્ત્રને ઝભલું કહેવાતું.
વહેલ ઃ વહેલ એટલે કોઈ પાંદડાની બનેલી વેલ નહીં. વેલ એટલે શણગારેલું  નાનું ગાડું જેમાં વરરાજાને બેસાડીને પરણાવવાએ  નાનકડા પણ સરસ રીતે શણગારેલા ગાડામાં બેસાડીને લઈ જવામાં આવતા તેમાં બે-પાંચ જણથી વધુ લોકો બેસી શકતા નહીં,  ખાસ કરીને લગ્ન પ્રસંગે જ વહેલનો ઉપયોગ થતો હતો.
પેલ્લી ઃ આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં ગામડાના મકાનોના આંગણામાં બેસવા  માટે સિમેન્ટની બનેલી બાંકડા જેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી તે પલ્લી કહેવાતી હતી.
કથરોટ ઃ  વર્ષો પહેલાં ગામડામાં મહિલાઓ બાજરીનો રોટલો બનાવવા લાકડાના પાત્રમાં લોટ બાંધતી તે પાત્ર કથરોટ કહેવાતી.
મેરમેરાયું ઃ દિવાળીના દિવસે ગામના બાળકો એક લીલી લાકડી પર માટીનું બનેલું ગોળ દીવડો પ્રગટાવવાનું જે પાત્ર બનાવવામાં આવતું હતું અને તેમાં ઘી કે તેલ પૂરી  બાળકો ઘેર ઘેર ફરતા. તે લાકડી પરના દીવડાને  મેરમેરાયું કહેવામાં આવતું હતું.
બલૈયા ઃ વર્ષો પહેલાં ગામડાની પ્રૌઢ અને વૃદ્ધ મહિલાઓ હાથીદાંતમાંથી બનેલાં અને લાલ રંગથી રંગેલા કંગન પહેરતા તેને બલૈયા કહેવામાં આવતા હતા.
પંગત ઃ લગ્નપ્રસંગે ગામડામાં મહેમાનોને નીચે કતારમાં બેસાડવામાં આવતા તે પંગત કહેવાતી હતી.
પળિયા ઃ જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધ થાય અને તેના માથાના વાળ શ્વેત થઈ જાય તે સફેદ વાળને પળિયા કહેવામાં આવતા હતા. દા.ત. લોકો કહેતા અલ્યા તારા માથામાં પળિયા આવ્યા તો યે સુધર્યો નહીં.
ડફણું ઃ ડફણું એટલે લાકડાની નાની સોટી. ગધેડા ને સીધે રસ્તે ચાલવા લોકો ડફણું ફટકારતા હતા.
ડાકલુંઃ વર્ષો પહેલાં ગામડામાં અંધશ્રાદ્ધા પ્રવર્તતી હતી અને મોડી  રાત્રે કેટલાંક વિસ્તારોમાં ભૂવા કે તાંત્રિક ચામડાથી બનેલું એક વાજિંત્ર વગાડતા જે ભય પેદા કરતું. તે વાજિંત્રને ડાકલું કહેવામાં આવતું હતું.
ઉબેટ ઃ કોઈ ગાડું  ઢાળમાં ઉતરી ના પડે ત્યારે ઊભેલા ગાડાના પૈંડાની આગળ ઇંટ કે પથ્થર મૂકવામાં આવતો જે ઉબેટ કહેવામાં આવતો હતો.
ગોઠમડું ઃ નાનું  બાળક માથું નીચે રાખીને પોતાની જાતને ઊથલાવી નાંખે તેને ગોઠમડું  ખાધું તેમ કહેવામાં આવતું હતું.
કલચીઃ વર્ષો પહેલાં ગામડામાં નાના બાળકો રમતાં રમતાં હસી મજાક કરે અને બુમરાણ કરે તેને કલચી કરે છે તેમ કહેવામાં આવતું હતું.
રેંગણી પાંચમઃ એ જ રીતે નાના બાળકો તોફાન મસ્તી કરતા હોય તો એ છોકરાં રેંગણી પાંચમ કરે છે તેમ કહેવામાં આવતું હતું.
હપાળું ઃ હપાળું એટલે ભલામણ. કોઈને નોકરી અપાવવા કે બીજા કોઈ કામ કરવા માટે કોઈને ભલામણ કરવાની હોય તો હપાળું કર્યું તેમ કહેવામાં આવતું હતું.
ઊપણિયું ઃ વર્ષો પહેલાં ગામડામાં ટ્રેક્ટરો આવ્યા ત્યારે ખેતરમાં  પાકેલા અનાજને  પવન નાંખી અનાજને જુદું પાડવા માટે જે સાધન પાત્ર વપરાતું તે ઊપણિયું કહેવામાં આવતું હતું.
રેલ્લો- રેલ્લી ઃ ગાયના વાછરડાંને રેલ્લો કહેવામાં આવતો અને ગાયની વાછરડીને રેલ્લી કહેવનામાં આવતી હતી.
પરોણાગત ઃ ઘેર કોઈ મહેમાન આવે તો પરોણા આવ્યા છે તેમ કહેવાતું અને મહેમાનગતિને પરોણાગત કહેવામાં આવતું.
ગોફણ ઃ  ખેતરમાંથી ધાનને નુકસાન કરી રહેલા વાંદરાઓને ભગાડવા ચામડાનું બનેલું  સાધન ગોફણ કહેવાતું. જેમાં પથ્થરનો ટુકડો મૂકી તેને  દૂર દૂર સુધી ફેંકી વાંદરાઓને ભગાડવામાં આવતા તે સાધન ગોફણ કહેવાતું.
કલાડું ઃ વર્ષો પહેલાં ગ્રામ્ય મહિલાઓ રોટલો શેકવા ચૂલા પર મૂકેલા માટીના જે પાત્રનો ઉપયોગ કરતી હતી તે કલાડું  કહેવામાં આવતું.
ચાકડો ઃ  માટીના વાસણો બનાવનાર કારીગરો ભીની કરેલી માટીમાંથી જે ગોળ ફરતા ચક્ર પર  માટલું તૈયાર કરતા હતા તે ચક્રને ચાકડો કહેવામાં આવતો.
ઉંબરો ઃ જૂના જમાનાના મકાનોમાં આંગણામાંથી ઘરના મુખ્ય ઓરડામાં પ્રવેશ કરતી વખતે લાકડાનું બનેલું નાનું પાર્ટીશન ઊભું કરવામાં આવતું તેને ઉંબરો કહેવામાં આવતો. વૃદ્ધ લોકો માટે એક કહેવત પણ જાણીતી છે કે ‘ઉંબરા થયા ડુંગરા ને પાદર થયા પરદેશ’.

Be Sociable, Share!