આજે બલરાજ સાહની અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાત અત્રે પ્રસ્તુત છે.
ભારતીય સિનેજગતના તેઓ માત્ર ઉત્કૃષ્ટ એક્ટર જ ન હતા પરંતુ એક ઉમદા ઈન્સાન પણ હતા. ફિલ્મ `વક્ત’માં કરેલો તેમનો શ્રેષ્ઠ અભિનય આજે પણ લોકોને યાદ છે.
બલરાજ સાહની ફિલ્મ જગતમાં આવ્યા તે પહેલાં તેઓ અધ્યાપક હતા એ વાત બહુ ઓછા લોકો જાણે છે. બલરાજ સાહનીએ તેમની જિંદગીનો કેટલોક સમય કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાંનિધ્યમાં `શાંતિનિકેતન’ ખાતે ગુજાર્યો હતો. રવીન્દ્રનાથ ટાગોર સાથેના સમયગાળા દરમિયાન ટાગોરે માતૃભાષા અંગે તેમને પ્રબોધેલા જ્ઞાનનો મહિમા વ્યક્ત કરતો એક અનુભવ બલરાજ સાહનીને તેમની આત્મકથામાં વર્ણવ્યો છે. બલરાજ સાહનીની વાત તેમના જ શબ્દોમાં વાંચો:
`એ વખતે ગુરુદેવ બહુ જ વૃદ્ધ હતા છતાં `શાંતિનિકેતન’ની તમામ પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા. હું અવારનવાર તેમને મળતો ત્યારે તેઓ મને પૂછતા: `બંગાળી ભાષા શીખી રહ્યા છોને?’
હું કહેતો: `હા શીખી રહ્યો છું.’
પણ મારું એ જુઠ્ઠાણું હતું. હું ખરા દિલથી બંગાળી શીખતો નહોતો.
અનેકવાર મને લાગતું કે કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રાંતવાદના શિકાર છે. બીજી બાજુ તેઓ `વિશ્વભારતી’ના આદર્શોની વાતો કરતા. તેઓ `શાંતિનિકેતન’ને ભારતીય સંસ્કૃતિનું જ નહીં, પરંતુ વિશ્વ સંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા માંગતા હતા, પરંતુ બીજી બાજુ તેઓ તેમના પ્રાંત બંગાળની બંગાળી ભાષા મારા પર ઠોકી દેવા માંગતા હતા. આ કેવો ઢોંગ? – તેવું મેં વિચાર્યું. પરંતુ મારું એ અનુમાન ખોટું હતું.
એક દિવસ હું વાર્ષિક હિન્દી સંમેલન માટે તેમને નિમંત્રિત કરવા ગયો. તેમણે મને બેસવા કહ્યું. તેઓ મારી સાથે વાતો કરવા લાગ્યા.
ટાગોર બોલ્યા: `તમે અહીં આવ્યા ત્યારે તો થોડા મહિના જ અહીં રહેવાનું કહેતા હતા, પણ હવે તો તમને અહીં આવે એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તમે હવે જતા કેમ નથી?’
મને આઘાત લાગ્યો. હું અહીં એક શિક્ષક તરીકે કામ કરતો હતો. મારું કામ સંતોષજનક હતું. મારા સાથીઓ મારા વિશે સારો અભિપ્રાય ધરાવતા હતા. વિદ્યાર્થીઓ પણ મને ચાહતા હતા. આમ છતાં ગુરુદેવ મને અહીંથી જવાનું કેમ કહે છે?
મેં કહ્યું: `હું અહીં ખુશ છું. હું અહીં જ રહેવા માંગું છું.’
ગુરુદેવે કહ્યું: `પણ આ એવી જગ્યા નથી જ્યાં તમે કાયમ માટે રહી જાઓ. અત્યાર સુધીમાં તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અહીં શું કરવા માંગતા હતા. હવે તમારે તમારા પ્રાંતમાં જ સર્જનાત્મક કામ કરવું જોઈએ.’
મેં કહ્યું: `હું તો અહીં પણ સર્જનશીલ જ છું. તેમાં કોઈ પરિવર્તન લાવવા માંગતો નથી. હું અહીં ખુશ છું. મારી પત્ની પણ અહીં ખુશ છે.’
ગુરુદેવે મને પૂછ્યું: `ભણાવવા સિવાય અહીં બીજું શું કરો છો?’
મેં કહ્યું: `હું હિન્દી ભાષામાં ટૂંકી વાર્તાઓ લખું છું, જે વિવિધ સામયિકોમાં પ્રગટ થાય છે. મેં અહીં રહીને ઘણું બધું લખ્યું છે. મને નામના પણ મળી છે.’
ગુરુદેવે પૂછ્યું: `પરંતુ તમારી માતૃભાષા હિન્દી તો નથી. તમે પંજાબી છો. પંજાબીમાં કેમ લખતા નથી?’
ગુરુદેવની આ વાત સાંભળી ફરી મને લાગ્યું કે ગુરુદેવ સંકુચિત વિચારો ધરાવતા પ્રાંતવાદી વ્યક્તિ છે. આવું વિચાર્યા બાદ મેં નમ્રતાથી કહ્યું: `પરંતુ હિન્દી તો રાષ્ટ્રભાષા છે. આખા દેશની ભાષા છે. હું કોઈ પ્રાંતીય ભાષામાં શા માટે લખું? હું આખા દેશ માટે શા માટે ન લખું?’
ગુરુદેવે કહ્યું: `હું બંગાળી ભાષામાં લખું છું કે જે એક પ્રાંતીય ભાષા છે છતાં માત્ર હિન્દુસ્તાન નહીં, પરંતુ આખી દુનિયા મને વાંચે છે.’
મેં કહ્યું: `પરંતુ ગુરુદેવ! હું આપના જેટલો મહાન લેખક નથી. હું બહુ નાનો લેખક છું.’
ગુરુદેવ બોલ્યા: `અહીં નાના કે મોટાનો સવાલ નથી. લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે હોય છે. પોતાની ભાષા અને પોતાના લોકો સાથે હોય છે. એમાં જ તમને આત્મીયતાનો અહેસાસ થશે.’
મેં કહ્યું: `ગુરુદેવ! શાયદ આપને મારા પ્રાંતની હાલતની જાણકારી નથી. પંજાબમાં અમે કાં તો હિન્દીમાં લખીએ છીએ કાં તો ઉર્દૂમાં, કોઈ પંજાબી ભાષામાં લખતું નથી. સાચું કહીએ તો તેને ભાષા જ ન કહેવાય. પંજાબી તો હિન્દીની એક ઉપભાષા માત્ર છે.’
ગુરુદેવે કહ્યું: `હું તમારી વાત સાથે સંમત નથી. પંજાબી સાહિત્ય બંગાળી સાહિત્ય જેટલું જ પુરાણું છે. ગુરુ નાનક જેવી પ્રતિભાઓએ જે ભાષામાં લખ્યું છે. ‘
એમ કહ્યા પછી ગુરુદેવે મને ગુરુ નાનકની કેટલીક પંક્તિઓ સંભળાવી જે હું જાણતો જ નહોતો.
ફરી ગુરુદેવ બોલ્યા: `મારે તમને એ પણ કહી દેવું જોઈએ કે ગુરુ નાનકની કેટલીક મહાન કવિતાઓના કેટલાક અંશોનો હું બંગાળી ભાષામાં અનુવાદ કરવા પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે હું તેને સંપૂર્ણ ન્યાય આપી શકીશ નહીં.’
મેં કહ્યું: `આ તો શીખોની ધાર્મિક વાણી છે. હું તો એવા સાહિત્યની વાત કરી રહ્યો છું, જે ધર્મ કે સંપ્રદાયથી ઉપર હોય. ‘
ગુરુદેવે કહ્યું: `જુઓ, તમે જે કહો છો તે પ્રકારની વાતો આજથી સો વર્ષ પહેલાં અંગ્રેજી ભણેલા બંગાળી બુદ્ધિજીવીઓ કરતા હતા. પોતાની ભાષાને સમૃદ્ધ કરવાનું કામ મુશ્કેલ નથી.બંકિમ બાબુએ બંગાળી ભાષાને ૨૦ હજાર નવા શબ્દો આપ્યા. મેં પોતે ૮૦ હજાર નવા શબ્દો આપ્યા. મેં બંગાળી ભાષાને સમૃદ્ધ કરવા પ્રયત્ન કર્યા અને મને તેમાં સફળતા મળી છે. આજે મારી બંગાળી ભાષા અભિવ્યક્તિ માટે વિશ્વની કોઈ પણ ભાષાથી પાછળ નથી.’
હું ચૂપ થઈ ગયો.
છતાં હું તેમની વાતોથી પ્રભાવિત ન થયો. હું જાણતો હતો કે મોટાભાગના પંજાબી લેખકો હિન્દી અથવા ઉર્દૂમાં લખતા હતા. પંજાબી એક ગુરુમુખી ભાષા હતી, એક એવી લિપિ જેનો ઉપયોગ માત્ર શીખો કરતા હતા. હું તો તે લિપિ જાણતો જ નહોતો.
વળી, એ વખતે હિન્દુસ્તાન આઝાદી માટે લડી રહ્યું હતું. તેને એક રાષ્ટ્રભાષાની જરૂર હતી. કોંગ્રેસ પણ હિન્દીને એક રાષ્ટ્રભાષા તરીકે આગળ કરી રહી હતી. મેં ગુરુદેવ સાથે બહુ વિવાદમાં ઊતરવાનું મુનાસિબ ન માન્યું. એ પછી ગુરુદેવે મને આવવાનું કારણ પૂછ્યું. એમણે હિન્દી સંમેલનમાં આવવાનું મારું નિમંત્રણ સ્વીકાર્યું.
હું ઊભો થયો.
હું હજુ દરવાજા સુધી પહોંચ્યો નહોતો અને તેમણે એવા શબ્દો કહ્યા જે વર્ષો સુધી હું ભૂલી ન શક્યો.
ગુરુદેવે કહ્યું: `ગણિકા આખી દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતી નથી. તમે પરાઈ ભાષામાં જિંદગીભર લખતા રહેશો તો પણ ન તો તમારા લોકો તમને એમના સમજશે કે ન તો એ લોકો તમને પોતાના સમજશે કે જેમની (પરાઈ) ભાષામાં તમે લખો છો. બીજાઓના બનતા પહેલાં તમારે તમારા પોતાના લોકોના બનવું જોઈએ!’
હું સ્તબ્ધ થઈ ગયો. આ રીતે વાત કહેવી તે પણ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની એક આગવી શૈલી હતી. એ દિવસે પહેલી જ વાર મેં મહેસૂસ કર્યું કે એમના શબ્દોમાં કડવી સચ્ચાઈ હતી અને સત્ય ઉચ્ચારતા તેઓ કદી ડરતા નહોતા. તેઓ જાણતા હતા કે સત્ય ભલે કડવું હોય, પરંતુ એક દિવસ તે જ ફળશે-ફૂલશે.
બલરાજ સાહનીની વાત અહીં પૂરી થાય છે. બીજી ભાષાઓ ભલે શીખો, પણ જે ધરતીમાં તમે જન્મ્યા છો તે ધરતીની ભાષામાં જ લખો.
આવો છે માતૃભાષાનો મહિમા.




