Close

જ્યારે શહેરમાં સિનેમા થિયેટરોનો સુવર્ણયુગ હતો જેની ભીતર યુવાહૈયાંઓના પ્રણય અંકુર ફૂટતા

રેડ રોઝ | Comments Off on જ્યારે શહેરમાં સિનેમા થિયેટરોનો સુવર્ણયુગ હતો જેની ભીતર યુવાહૈયાંઓના પ્રણય અંકુર ફૂટતા
તા જેતરમાં જ `વર્લ્ડ સિનેમા ડે’ ગયો, પરંતુ હવે પ્રણાલિકાગત સિનેમા થિયેટરોની ઝાકઝમાળ અસ્ત થઈ રહી છે.
શહેરો વિકસી રહ્યાં છે, પરંતુ તેનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે.
આજે વાત છે અમદાવાદ શહેરનાં છબીઘરોની. એક જમાનામાં આ શહેર જેટલું કાપડની મિલો માટે જાણીતું હતું તેટલું જ સિનેમા થિયેટરો માટે પણ જાણીતું હતું.
વાત રેલવે સ્ટેશન પાસેના `અલંકાર’ થિયેટરથી કરીએ તો આજથી ૬૦ વર્ષ પહેલાં કાલુપુરના જૂના રેલવે સ્ટેશન પર આવેલા `અલંકાર’ થિયેટરનું મૂળ નામ `સરસ્વતી’ હતું. અહીં મોટાભાગે ઉર્દૂ ભાષાની ફિલ્મો આવતી. તે તૂટીને `અલંકાર’ થયું. એરકૂલ્ડ બન્યું. શમ્મી કપૂરની `જંગલી’ ફિલ્મ અહીં ખૂબ ચાલી.
અમદાવાદના રિલીફ રોડ પર એક થિયેટર એવું હતું જેનું નામ `ઈંગ્લિશ સિનેમા’ હતું. અહીં જૂની ફિલ્મો જ ચાલતી. ફિલ્મ પ્રદર્શિત કરવા માટે પ્રોજેક્ટર બનાવતી કંપનીનું સહુથી જૂનું મૉડેલ ધરાવતું પ્રોજેક્ટર આ થિયેટરમાં હતું. કંપનીએ પોતાના જૂના મૉડેલને યાદગીરી રૂપે સાચવવા જૂનું મૉડેલ લઈને આ થિયેટરને નવું પ્રોજેક્ટર ભેટમાં આપ્યું હતું.
રિલીફ રોડ પરનું `કૃષ્ણ’ થિયેટર એરકૂલ્ડ બન્યું. તેના પ્રાંગણમાં ફુવારો મૂકવામાં આવ્યો. `ફિર સુબહ હોગી’ અને `વક્ત’ ફિલ્મ અહીં રજૂઆત પામી. કૃષ્ણ ગ્રૂપ ઓફ થિયેટર્સના માલિક ઈન્દુભાઈ ડાહ્યાભાઈ શાહ અહીં બેસતા. તેઓ રિલીફ સિનેમાના પણ માલિક હતા.
કૃષ્ણની સામે જ બિહારીભાઈ પોપટલાલ શાહની માલિકીનું `રૂપમ’ થિયેટર હતું. બિહારીભાઈ પોપટલાલ શાહ ખાદીનાં વસ્ત્રો પહેરતા અને કોંગ્રેસના આગેવાન હતા.
`ગંગા જમના’ અને `પૂરબ ઔર પશ્ચિમ’ જેવી સુપરહિટ ફિલ્મો આ થિયેટરમાં રજૂ થઈ હતી.
રિલીફ રોડનું અધિકૃત નામ `ટિળક રોડ’ છે પરંતુ `રિલીફ’ સિનેમાના કારણે લોકો આ રોડને રિલીફ રોડ તરીકે ઓળખતા અથવા તો ગાંધી રોડ પરના ટ્રાફિકને હળવો કરી લોકોને રાહત-રિલીફ આપવા આ રોડ બન્યો. તેથી પણ તે રિલીફ રોડ તરીકે ઓળખાયો. રાજ કપૂર અને આ થિયેટરના માલિક ઈન્દુભાઈ ડાહ્યાભાઈ શાહને અંગત ઘરોબો હતો. રાજ કપૂરની તમામ નવી ફિલ્મો આ થિયેટરમાં જ રજૂઆત પામે તેવો તેમનો આગ્રહ રહેતો. રાજ કપૂરની `સંગમ’ ફિલ્મ આ થિયેટરમાં રજૂ થઈ હતી. આ ફિલ્મની રજૂઆત વખતે રાજ કપૂર, રાજેન્દ્રકુમાર અને સંગીતકાર જયકિશન ખાસ અમદાવાદ આવ્યા હતા. દેવ આનંદની `ગાઈડ’ અને `ફિર વહી દિલ લાયા હૂં’ પણ અહીં જ રજૂ થઈ હતી. આ થિયેટર એરકંડિશન્ડ હતું.
ગાંધી રોડ પરના જૂના `મૉડેલ સિનેમા’ને તોડીને ફરી નવું `મૉડેલ સિનેમા’ બન્યું હતું. વી.શાંતારામની ફિલ્મ `નવરંગ’ અહીં રજૂ થઈ હતી. આ જ ગાંધી રોડ પર `સિનેમા ડી ફ્રાંસ,’ `સેન્ટ્રલ,’ `પ્રતાપ’ અને `એડવાન્સ’ નામનાં થિયેટરો હતાં. `સિનેમા ડી ફ્રાંસ’ તોડીને બનાવાયેલું નવું થિયેટર `કલ્પના’ થિયેટરના નામે બન્યું. જૂના `સિનેમા ડી ફ્રાંસ’માં જૂનાં ચિત્રો જ રજૂઆત પામતાં. `સેન્ટ્રલ સિનેમા’માં અંગ્રેજી ચિત્રો પ્રદર્શિત થતાં. `લાઈમ લાઈટ’ જેવાં ચિત્રો અહીં રજૂ થયાં હતાં. તેની પાછળ આવેલા `પ્રતાપ’ સિનેમા થિયેટરમાં પણ જૂનાં અને નવાં ચિત્રો રજૂ થતાં.
ભદ્ર તાર ઓફિસ પાસે `એડવાન્સ’ સિનેમાઘર હતું. અહીં મોટાભાગે અંગ્રેજી ચિત્રો જ રજૂ થતાં. `જર્ની ટુ ધી સેન્ટર ઓફ ધી અર્થ’ `હરક્યુલિસ અનચેઈન્ડ’થી માંડીને `ગોડફાધર’ જેવી ફિલ્મો અહીં રજૂ થઈ હતી.
પાનકોરનાકા પાસે `રિગલ’ સિનેમા હતું. `રિગલ’ સિનેમા બાલ્કનીમાં ઝરુખામાં ગોઠવાયેલી ખુરશીઓ માટે જાણીતું હતું. અહીં `છબીલી’ અને `આકાશદીપ’ જેવી ફિલ્મો રજૂ થઈ હતી.
ઘી કાંટા રોડ પર જે સિનેમા થિયેટરો હતાં તેમાં `નોવેલ્ટી,’ `લાઈટહાઉસ,’ `પ્રકાશ,’ `એલ.એન,’ `લક્ષ્મી’ અને `લિબર્ટી’ સિનેમાનો સમાવેશ થાય છે.
નોવેલ્ટીમાં `મિલન’ જેવાં ચિત્રો રજૂ થયાં હતાં. `એલ.એન.’ અને `લક્ષ્મી’ સિનેમાના માલિક વિનુભાઈ પંચાલ હતા. આ થિયેટરોમાં બાજુ બાજુમાં જ `કાલા બાજાર’ અને `સટ્ટા બાજાર’ જેવી ફિલ્મોએ ધૂમ મચાવી હતી.
તેની સામે આવેલા `લાઈટહાઉસ’ થિયેટરમાં `ગન્સ ઑફ નેવરોન’ ફિલ્મ રજૂ થઈ હતી. તેનું ગુજરાતી ટાઈટલ `બે બંદૂકો’ એવું રાખવામાં આવ્યું હતું. ગ્રેગરી પેક અને એન્થની ક્વીન અભિનીત આ ફિલ્મ ખૂબ ચાલી હતી. તેની બાજુમાં જ આવેલા જૂના `પ્રકાશ’ સિનેમામાં `બીસ સાલ બાદ’ નામની સસ્પેન્સ ફિલ્મ રજૂઆત પામી હતી. બિશ્વજિત અને વહીદા રહેમાન અભિનીત આ ફિલ્મમાં હેમંતકુમારનાં ગીતો અત્યંત કર્ણપ્રિય સાબિત થયાં હતાં.
મિરઝાપુર એટલે કે `સંદેશ’ અખબારની જૂની ઓફિસ પાસે એક થિયેટર પહેલાં `લિબર્ટી’ તરીકે જાણીતું હતું. તે પાછળથી `મધુરમ’ તરીકે ઓળખાયું. અહીં અંગ્રેજી ફિલ્મો રજૂ થતી. `એક્સોર્સીસ્ટ’ નામની ભૂતની કથાવાળી ફિલ્મ આ થિયેટરમાં રજૂ થઈ હતી.
લાલ દરવાજા પાસેના એક પાર્કની સામે `રૂપાલી’ થિયેટર બન્યું. શહેરનું આ પહેલું ૭૦ એમ.એમ. થિયેટર હતું. અહીં પહેલી ૭૦ એમ એમ. ફિલ્મ `કેન કેન’ રજૂ થઈ. તે પછી `શોલે’ પણ ૭૦ એમ.એમ.ની પ્રિન્ટ સાથે અહીં રજૂઆત પામ્યું. ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને અમજદખાનના અભિનયવાળી આ ફિલ્મે અનેક વિક્રમો સર્જ્યા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની નવલકથા પર આધારિત બનેલી ફિલ્મ `સરસ્વતીચંદ્ર’ પણ અહીં રજૂ થઈ. આ થિયેટરનાં માલિક ચંદ્રકલાબહેન હતાં. આ થિયેટર પણ હવે રહ્યું નથી.
ઘી કાંટા રોડ પર ટ્રાફિકનું ભારણ વધતાં નદીની પેલે પાર આશ્રમ રોડ બનાવવામાં આવ્યો. આ રોડ પર એચ.કે.આર્ટ્સ કૉલેજ સામે `નટરાજ’ નામનું થિયેટર બન્યું. આ થિયેટરમાં ૭૦ એમ.એમ.નો સ્ક્રીન હતો. `મેકેન્નાઝ ગોલ્ડ’ નામની ફિલ્મ અહીં પ્રદર્શિત થઈ. ગ્રેગરી પેક અને ઓમર શરીફ અભિનીત આ ફિલ્મ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવી હતી. હવે તો નટરાજ રહ્યું નથી. તેની જગ્યાએ કોમર્શિયલ બિલ્ડિંગ બની ગયું.
આ જ રોડ પર તે પછી `દીપાલી,’ `શ્રી’ અને `શિવ’ થિયેટરો પણ બન્યાં.
એ પછી તો શહેરનાં પરાં વિસ્તારોમાં `ગૌરી,’ `સપના’ અને `શાલીમાર’થી માંડીને બીજાં અનેક થિયેટરો બન્યાં, જેની નામાવલી લાંબી છે.
હવે એ બધાંમાંથી મોટા ભાગનાં સિનેમા થિયેટરો રહ્યાં નથી, પરંતુ ૧૯૬૦થી ૧૯૯૦ સુધી આ થિયેટરનો દબદબો હતો. એ સિનેમા થિયેટરોનો સુવર્ણયુગ હતો. એ બધાં સિનેમા થિયેટરોના મેનેજરો સાથે ટિકિટ માટે મોટા મોટા માણસો પણ સારા સંબંધો રાખતા. એ જમાનો સાઇકલોનો હતો તેથી સ્કૂટર આવતાં પહેલાં દરેક થિયેટર પાસે સાઇકલ સ્ટેન્ડ રાખવું ફરજિયાત હતું.
ટેલિવિઝન ક્ષેત્ર અને પ્રાઇવેટ ચેનલોના આવ્યા બાદ છબીઘરોના સુવર્ણયુગનો અસ્ત શરૂ થયો. એ પછી કેટલાંક મલ્ટિ પ્લેક્સ આવ્યાં અને તેમાંથી પણ ઘણાં બંધ થઈ ગયાં.
હા, એ પણ નોંધવું જોઈએ કે સિનેમા થિયેટરોનો જ્યારે જમાનો હતો ત્યારે માત્ર છબીઘરના સ્ક્રીન પર જ નહીં પરંતુ બત્તીઓ બંધ થઈ ગયા બાદ થિયેટરની ખુરશીઓમાં પણ કેટલાંયે યુવા હૈયાંઓના પ્રણય અંકુરો ફૂટતાં, પાંગરતાં અને પરિણયમાં પરિવર્તિત થતાં.
હવે યુવાહૈયાંઓના પ્રણય ક્યાં પાંગરે છે તેની ખબર નથી.

Be Sociable, Share!