અમદાવાદથી લંડન જવા માટે ઊપડેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાંની સાથે જ માત્ર ૩૨ સેકન્ડમાં તૂટી પડ્યું. માત્ર એક સિવાયના બાકીના ૨૪૧ જેટલા ઉતારુઓનાં મોત નીપજ્યાં.આ વિમાની અકસ્માતના બ્લેક બોક્સના વિશ્લેષણના આધારે આ વિમાનોનાં બંને એન્જિનો ઠપ્પ થઈ ગયાં હતાં. પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. કહેવાય છે કે વિમાનના બળતણની સ્વિચ ઓફ થઈ ગઈ હતી. આ પાઇલટ્સની ભૂલ હતી કે વિમાનની પોતાની ટેક્નિકલ ખામી તે હજુ સ્પષ્ટ થયું નથી. વિમાનના એન્જિનને મળતું ફ્યુઅલ બંધ થઈ જતાં એર ઈન્ડિયાનું એ વિમાન ક્રેશ થઈ ગયું. આ સંદર્ભમાં એક ઐતિહાસિક ઘટના પર નજર નાંખીએ કે વર્ષો પહેલાં એક આંતરરાષ્ટ્રીય વિમાનનાં બધાં જ એન્જિનો અચાનક ઠપ થઈ ગયાં હતાં અને તે પછી વિમાનના પાઇલટ્સે શું કર્યું?
તા. ૧૫ ડિસેમ્બર, ૧૯૮૯.
કેએલએમનું એક આંતરરાષ્ટ્રીય જંબો વિમાન આમસ્ટર્ડડેમથી ઊપડીને ટોક્યો તરફ જઈ રહ્યું હતું. એરક્રાફટ તદ્દન નવું જ બોઈંગ ૭૪૭-૪૦૦ હતું. વિમાનને `City of Calgary’ એવું નામ આપવામાં આવ્યું હતું.
વિમાનના કપ્તાન તરીકે કેરેલવાન દર એલ્સ્ટ હતા. વિમાનને ઊપડે આઠ કલાક થઈ ચૂક્યા હતા. કોકપીટ કેએલએમના ફર્સ્ટ ઓફિસર વૉલ્ટર વુરબુમ વિમાનનું ઉડ્ડયન સંભાળી રહ્યા હતા. વિમાન સરળતાથી ઊડી રહ્યું હતું. કપ્તાન કેરેલ પાછળ નિરાંતના દમ સાથે કોકપીટ સંચાલનનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
એ વખતે સવારના ૧૧:૩૦ વાગ્યા હતા.
ટોક્યો જતા પહેલાં અલાસ્કાના એન્કરેજ વિમાની મથકે વિમાન થોડીવાર માટે થોભવાનું હતું. અહીં વિમાનના તમામ પાઇલટ્સ સહિત ૧૩ જેટલા ક્રૂ મેમ્બર્સ બદલાવાના હતા.
વિમાન ૧૨ હજાર મીટરની ઊંચાઈ પર હતું. કેપ્ટન કેરેલ કોકપીટની બારીમાથી બર્ફીલો શ્વેત લેન્ડસ્કેપ નિહાળી રહ્યા હતા. કોકપીટમાં ૨૭ વર્ષની ઈમી વિશેટ નામની વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા પાઇલટ પણ હતી. ઉડ્ડયન સંભાળી રહેલા વૉલ્ટર વુરબુમ પણ ૨૬ વર્ષના જ હતા. કપ્તાનની ઉંમર ૫૧ વર્ષની હતી. ઈમી રેડિયો સંપર્ક સંભાળી રહી હતી.
અલાસ્કાના કંટ્રોલ ટાવરે ઈમીને સદેશો આપ્યો : `હવામાન સરસ છે. વિમાનના ઉતરાણ માટે બધું જ નોર્મલ છે.’
એ દરમિયાન વિમાનની પરિચારિકાઓ મુસાફરી કરી રહેલા ૨૩૧ પ્રવાસીઓની સારસંભાળ લઈ રહી હતી. વિમાન હવે ઉતરાણની તૈયારી કરી જ રહ્યું હતું એટલે પરિચારિકાઓ બ્રેકફાસ્ટ ટ્રેઝ ઝડપથી ઉઠાવી રહી હતી. પર્સર જેકીસ દરેક ઉતારુની નજીક જઈ તેમના વેરવિખેર સામાનને રખડતો ન રાખવા સૂચના આપી રહ્યો હતો. એ કહી રહ્યો હતો `હવે થોડી જ વારમાં આપણે એન્કરેજ ઊતરવાના છીએ.’
બધા જ પેસેન્જર્સ સાંભળી શકે તેવી હળવી સૂચના વિમાનમાં અપાઈ. “લેડીઝ એન્ડ જેન્ટલમેન, થોડી જ વારમાં આપણે એન્કરેજ પર ઉતરાણ કરીશું. પ્લીઝ, રિટર્ન ટુ યોર સીટ એન્ડ ફાસ્ટન યોર સીટ બેલ્ટ.
કોકપીઠમાં પણ હળવાશ હતી.
કંટ્રોલ ટાવરે પણ હવે ઉતરાણ માટે પરવાનગી આપી વિમાનને ૭૬૦૦ મીટરની ઊંચાઈ પર લઈ જવા જણાવ્યું. આકાશ સ્વચ્છ હતું. પાઇલટ્સ હવે દૂર દૂર પણ એરપોર્ટ જોઈ શકતા હતા. ઈમીએ ફરી એકવાર રેડિયો સંપર્ક કરી હવામાન વિશે પૂછ્યું. કંટ્રોલ ટાવરે જણાવ્યું કે, `વિઝિબિલિટી સરસ છે. ઉતરાણ કરો.’
એ વખતે બરાબર ૧૧:૪૫ વાગવાને થોડીક સેકન્ડ્સ બાકી હતી. આ ડબલ ડેકર એરક્રાફટ્સના આગળના વીન્ડસ્ક્રીન પર એકાએક ઝાંખી ઝાંખી રાખ જેવું કંઈક જણાયું. જાણે કે વિમાન કોઈ વાદળમાં પ્રવેશી રહ્યું હતું. આવાં વાદળો અવારનવાર આવતાં હોય છે એમ માની વિમાનચાલકોએ એને કોઈ અસામાન્ય બાબત લેખી નહીં. વિમાન હવે ઊંચાઈ ઘટાડીને ૮૦૦૦ મીટરે ઊડી રહ્યું હતું અને અચાનક કાળામેશ વાદળમાં તે ઘૂસી ગયું હોય એમ વીન્ડસ્ક્રીન પર કાળુંમેશ અંધારું છવાઈ ગયું. એટલું જ નહીં પણ કોકપીટના ગ્લાસ સાથે વરસાદનાં મોટાં ફોરાં સાથે ધૂળના રજકણો ને કાંકરા અથડાયા હોય એવો જબરદસ્ત અવાજ થયો. વિમાન ઘડીભર ધ્રૂજી ગયું. વાદળ હતું પણ કોઈ અસામાન્ય હતું.
કપ્તાન કેરેલને ખ્યાલ આવી ગયો કે આ બરફ કે પાણી નથી, પરંતુ રાખ છે.
વિમાનની બહાર હવે પૂરેપૂરું અંધારું હતું. કંઈ જ દેખાતું નહોતું. કાળાં ડિબાંગ વાદળમાં કંઈક રાખ ને કાંકરાની વચ્ચે અથડાતું તે ઊડી રહ્યું હતું. કેપ્ટનને ખ્યાલ આવી ગયો કે આમસ્ટર્ડડેમથી ઊડતા પહેલાં તેને સૂચના મળી હતી કે એન્કરેજ એરપોર્ટથી ૧૭૫ માઈલ દૂર માઉન્ટ રીડાઉટ નામના એક પર્વત પર જ્વાળામુખી ફાટ્યો છે. એણે આકાશમાં સખત ગાઢી રાખનાં વાદળો સર્જ્યાં છે. કેપ્ટન સમજી ગયા કે જ્વાળામુખીની રાખનાં વાદળોમાં જ એનું વિમાન ફસાયું છે.
ધૂળના રજકણોથી ભરેલા ગાઢ વાદળમાં વિમાનની સ્પીડ પણ ઘટી રહી હતી. ફર્સ્ટ ઑફિસર વુરબુમે વિમાનનાં ચારે એન્જિનોને પૂરો થ્રસ્ટ આપી વધુમાં વધુ સ્પીડ પર મૂક્યાં, જેથી વિમાન વાદળાની બહાર નીકળવા ઊંચાઈ પર જતું રહે. વિમાનની ચારે બાજુ હોરર દૃશ્ય સર્જાયું હતું. વિમાને હવે આઠ ડિગ્રી ઉપરની દિશા પકડી ઉપર ચડવાનું શરૂ કર્યું. પાઇલટ વાદળમાંથી ઝડપથી બહાર નીકળવા સૂર્યપ્રકાશ શોધી રહ્યો હતો.
ઉતારુઓની કેબિનમાં પેસેન્જર્સને સંભાળી રહેલા ક્રૂ મેમ્બર્સ પણ વિચારમાં પડી ગયા કે, વિમાને એકાએક નીચે ઊતરવાના બદલે ઊંચાઈ કેમ પકડી? કેટલાકે વિમાનની બારીની બહાર કાળુંમેશ અંધારું પણ જોયું, પરંતુ કોઈને ઝડપથી ખ્યાલ આવ્યો નહીં. ધોળા દિવસે જાણે કે રાત પડી ગઈ હતી.
રાખના વાદળમાં પ્રવેશે માંડ બેએક મિનિટ પસાર થઈ હશે અને કપ્તાને હાથમાં માઈક્રોફોન પકડી ઈન્ટરકોમથી ઉતારુઓને જાણ કરી: `લેડીઝ એન્ડ જેન્ટલમેન! આપણું વિમાન જ્વાળામુખીની રાખના વાદળમાં ઊડી રહ્યું છે. એમાંથી બહાર નીકળવા અમારાથી શક્ય તે બધું જ કરી રહ્યા છીએ.’
૧૧:૪૭ વાગ્યે એકાએક વિમાનનાં ચારેચાર એન્જિનો કામ કરતાં બંધ થઈ ગયાં. જ્વાળામુખીની ઊઠેલી રાખ વિમાનના પંખામા પ્રવેશી ગઈ હતી અને એન્જિનના ટર્બાઈન પાવરને થકવી નાખ્યો હતો. રેતીના નાના નાના લાખ્ખો રજકણોએ વિમાનના એન્જિનને ચૉકઅપ કરી દીધું હતું. પરિણામે સેફ્ટી મોનિટરિંગ યુનિટ ખોટા સંદેશાં આપતું હતું અને જામી ગયેલી ધૂળથી હાંફી ગયેલાં રાક્ષસી ટર્બાઈન એન્જિનો વધુ ગરમ થઈ ગયાં હતાં. આ બધાને કારણે ચારેય એન્જિનો આપોઆપ બંધ થઈ ગયાં હતાં.
પાઇલટ વુરબુમે કહ્યું: `એન્જિનો બંધ થઈ ગયાં.’
થોડીવારમાં ઇલેક્ટ્રિક પાવર પણ જતો રહ્યો. પાઇલટે ઈમરજન્સી પાવરની સ્વિચ ઓન કરી. કોકપીટની ડાબી પેનલ પર થોડીક લાઈટ થઈ.
ઈમીનો રેડિયો સંપર્ક પુનઃ જીવંત બન્યો. એ બોલી: `હલો કંટ્રોલ કંટ્રોલ!’
વિમાનમાં કોઈ ગરબડ થાય તો ઑટોપાઇલટ સિસ્ટમ પણ છે, પરંતુ એન્જિનમાં રાખ જવાથી એ સિસ્ટમ પણ કામ કરતી નહોતી. વિમાન કેટલી ઝડપે ઊડે છે તે સિસ્ટમ પણ બરાબર આંકડો આપતી નહોતી. વિમાનનાં એન્જિન બંધ હોય છતાં તે ગ્લાઈડ કરી શકે એટલી પણ સ્પીડ ન રહેવાથી આકાશમાંથી વજનદાર પથ્થર પટકાય એ રીતે જંબો વિમાન એકાએક નીચે ધસી આવ્યું. ઉતારુઓના પેટમાં અચાનક નીચે ધસી પડવાથી શ્વાસ રૂંધાઈ જાય એવો ધ્રાસકો થયો. જે ઊભા હતા તેઓ ગબડી પડ્યા. રેસ્ટ રૂમમાં બાળકનું ડાઈપર બદલાવવા ગયેલી જાપાની મહિલા ઊંધી થઈ ગઈ.
નાનકડું બાળક હવામાં ઊડ્યું. દીવાલો સાથે અથડાઈને નીચે પટકાય એ પહેલાં એની માએ એને ઝીલી લીધું.
વિમાને એકાએક ઊંચાઈ ગુમાવતાં આમ થયું હતું. એરક્રાફ્ટની અંદર વિશિષ્ટ પ્રકારની ધૂમ્રસેરો અને વાસ જણાયાં. મોટાભાગના ઉતારુઓએ સેફ્ટી બેલ્ટ બાંધી દીધો હોઈ તેઓ હવામાં આમતેમ ઊડ્યા નહીં. વિમાનમાં એરકન્ડિશનર્સ બંધ હતાં. વિમાનનાં અન્જિનો બંધ હોઈ એક સ્મશાન સૂનકાર ભાસતો હતો.
કંઈ અમંગળ અેંધાણ વર્તાતાં હતાં. મોટાભાગના ઉતારુઓ બીકના માર્યા સ્તબ્ધ બની ગયા હતા. કેટલાક મનોમન ભગવાનને યાદ કરતા હતા. વિમાનના માલસામાન વિભાગમાં આગ લાગી હોવાનાં સિગ્નલ કોકપીટને મળતા હતા.
પાઇલટ ઈમીએ ઓટોમેટિક અગ્નિશામકની સ્વિચ દબાવી. કપ્તાન કેરેલ પાછલા અનુભવોથી એ સમજી ગયા કે કાર્ગો સેક્શનમાં ખરેખર આગ લાગી નહોતી, પરંતુ જ્વાળામુખીની ભીની ઊની રાખના કારણે અંદર ઉષ્ણ ભેજ લાગતાં ફાયર સેન્સરે ખોટાં સિગ્નલ મોકલ્યાં હતાં. કોકપીટમાં બંને કો-પાઇલટ્સને ઓક્સિજન માસ્ક ચડાવી દેવા કપ્તાને હુકમ કર્યો. કપ્તાને કહ્યું: `ફરી એન્જિન સ્ટાર્ટ કરવા પ્રયાસ કરો.’
પેસેન્જર્સ કેબિનમાં ઈમરજન્સી લાઇટો ફરી આવતાં કેટલાકે રાહતનો દમ ખેંચ્યો હતો. ૬૬ વર્ષના કાર્લ નામના વૃદ્ધે એમની પત્ની મારિયાના ચહેરા સામે જોયું તો તે શૉકથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી.
કોકપીટમાં બધા જ પાઇલટ્સની નજર ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ પર હતી. લેસરથી નિયંત્રિત થતાં ત્રણ જીરોસ્ક્રોપ્સ હજી કામ કરતાં હતાં. એન્જિન બંધ હોવા છતાં પૂર્વેની ઝડપના કારણે વિમાન અંધારાં વાદળોમાં ઊડતું હતું. એન્જિન પાવર ન હોવાથી જેટ વિમાન કલાકના ૧૯૦ નોટિકલ માઈલ્સની ઝડપે ભૂમી તરફ ધસી રહ્યું. કપ્તાને આદેશ આપ્યો: `આપણે વધુ ને વધુ સમય હવામાં રહીએ એવો પ્રયાસ કરો.’
પાઇલટ વુરબુમે રેડિયો સંદેશ મોકલ્યો: `અમે કટોકટીમાં છીએ. પ્લેનનાં એન્જિન બંધ થઈ ગયાં છે.’
પાઇલટે હવે પૃથ્વી પર ધસી રહેલા એરક્રાફ્ટનાં એન્જિન ચાલુ કરવા પુનઃ પ્રયાસ કર્યો. નિયત પ્રક્રિયાઓ પૂરી કરવા છતાં કોઈ જ પરિણામ ન આવ્યું. વિમાન હવામાં ગ્લાઈડરની જેમ જ ઊડીને નીચે જઈ રહ્યું હતું. ચોથા પ્રયાસે વુરબુમ બોલ્યો : `કોઈ ચાન્સ દેખાય છે.’
પરંતુ બીજા બે પ્રયાસોમાં એ આશા પર પાણી ફરી વળ્યું. પાઇલટે ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ પર જોયું તો ટર્બાઈન એન્જિનનું તાપમાન વધીને ૬૫૦ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.
એરક્રાફ્ટ હવે ૫૦૦૦ મીટરની ઊંચાઈ પર આવી ગયું હતું. હવે એક હજાર મીટર નીચે જ અલાસ્કાના પર્વતોની હારમાળા હતી.
અચાનક પાઇલટ વુરબુમે કોકપીટના વીન્ડસ્ક્રીનની બહાર અંધારામાં પહેલી જ વાર આછો ઉજાસ જોયો.
ઈમીએ કહ્યું: `વિમાન સહેજ જમણી બાજુ સરકે તો એન્જિનને સ્વચ્છ હવા મળે.’
ઈમરજન્સી પાવરની મદદથી વિમાનને સહેજ જમણી તરફ વાળવામાં આવ્યું. થોડીક ક્ષણો માટે એણે ઓક્સિજન માસ્ક ફગાવી દીધો.
૧૧:૫૩ વાગ્યે કપ્તાન કેરેલે પોતે આઠમી વાર એન્જિન સ્ટાર્ટ કરવા પ્રયાસ કર્યો. ડાબી બાજુનાં બે એન્જિન સ્ટાર્ટ કરવામાં તેમને સફળતા મળી. જ્વાળામુખીનાં વાદળોનું પ્રમાણ ઘટી જતાં વિમાનના એન્જિનને ચોખ્ખી હવા હવે મળી હતી. અંદરની ડસ્ટ હવે બહારની સ્વચ્છ હવા મળતાં ઊડવા માંડી હતી, પરંતુ વિમાન હવે ૪૦૦૦ મીટરની ઊંચાઈ પર આવી ગયું હતું. વિમાન પર્વતમાળાને અડું અડું થઈ રહ્યું હતું ત્યાં જ બે એન્જિનના સહારે એણે પૃથ્વી તરફ ધસી જવાના બદલે સ્થિરતાથી આગળ ધપવા પ્રયાસ કર્યો.
“થેંક ગોડ.” કપ્તાને લાંબો શ્વાસ લેતાં ભગવાનનો આભાર માન્યો. આ પરિસ્થિતિ માત્ર બે જ મિનિટ વધુ ચાલુ રહી હોત તો વિમાન પર્વતોનાં શિખરો સાથે ટકરાઈને ખીણમાં સળગી જાત.
પર્વતમાળા હવે પૂરી થઈ ગઈ હતી.
ભૂમિની સપાટી સ્પષ્ટ દેખાતી હોવા છતા નીચે ઘણો અવકાશ હતો.
૧૧:૫૮ વાગ્યે કપ્તાનને જમણી વીંગનું એક એન્જિન સ્ટાર્ટ કરવામાં સફળતા મળી. વિમાન હવે બરાબર સ્થિર બન્યું. ૧૮મા પ્રયાસે જમણી વીંગનું ચોથું એન્જિન પણ સ્વચ્છ હવા મળતાં સ્ટાર્ટ થયું
પેસેન્જર કેબિનમાંથી સંદેશો આવ્યો કે, બધા જ ઉતારુઓ ઓકે. છે.”
કપ્તાને વિમાનને સરખી ઊંચાઈ પર લીધું. વિમાનનાં એન્જિનોની ઘૂરકાટી સાંભળીને ઉતારુઓના જીવમાં જીવ આવ્યો. જ્વાળામુખીની રાખનું વાદળ હવે પાછળ રહી ગયું હતું. કપ્તાને ઈન્ટરકોમથી ઉતારુઓ જોગ જાહેરાત કરી. વિમાન હવે નિયંત્રણમાં છે, ૨૦ મિનિટમાં એન્કરેજ ખાતે નોર્મલ લેન્ડિંગ કરીશું.
ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ પરનાં ઘણાં બધાં ઈન્ડિકેટર્સ બંધ હતાં છતાં વિમાનને ઉતરાણ કરાવવાની કામગીરી કપ્તાને પોતે સંભાળી. કંટ્રોલ ટાવરે બહારના પવનની ઝડપની માહિતી આપી. બોઈંગની સ્પીડ એડ્જસ્ટ કરીને કપ્તાને ૨૦ મિનિટ બાદ એન્કરેન્જના એરપોર્ટ પર વિમાનનું સહી સલામત ઉતરાણ કરાવ્યું. કોકપીટના વીન્ડ સ્ક્રીનના કાચને રાખને કારણે ભારે નુકસાન થયું હતું છતાં કપ્તાન પાઇલટે અદ્ભુત કૌશલ્ય દાખવીને રનવે સ્પષ્ટ દેખાતો ન હોવા છતાં પરફેક્ટ ઉતરાણ કર્યું હતું.
એ વખતે બપોરના ૧૨:૨૪ વાગ્યા હતા.
એરપોર્ટ પર કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા અગ્નિશામકો અને બીજાં વાહનો તૈયાર જ હતાં. તેમની કોઈ જ જરૂર પડી નહીં. ઉતારુઓએ જ્યારે એરક્રાફ્ટ રનવેને સ્પર્શ્યું ત્યારે પોતે બચી ગયાની ઘટનાને ચમત્કાર જ માન્યો. ભગવાનનો આભાર માની સહુ નીચે ઊતર્યા. દરેકના ચહેરા પરથી ભયનો ઓથાર હજી હટ્યો નહોતો. બહાર નીકળીને જોયું તો વિમાન કોઈ કીચડમાંથી બહાર આવ્યું હોય એટલું નુકસાન પામ્યું હતું.
કપ્તાન કેરેલ અને વિમાનના બીજા ક્રૂ મેમ્બર્સ એન્કરેજની હોટલમાં પહોંચ્યા અને એક ખોફનાક ઘટના ટળી જતાં નિરાંતનો દમ લેવા આડા પડ્યા. આ વાતને વર્ષો થયાં, પણ કપ્તાન કેરેલ હજી એ ઘટના ભૂલી શક્યા નથી. વિશ્વભરના પાઇલટ્સ કટોકટીભરી પળોમાં સ્વસ્થતા ગુમાવ્યા વગર એરક્રાફ્ટને સંભાળી લેવાની એ બીનાને યાદ કરી પોતાની હેટ ઉતારી આજે પણ કેરેલને સલામ કરે છે.



